ભાગ પાંચમો

૮. લક્ષ્મણ ઝૂલા

પહાડ જેવા લાગતા મહાત્મા મુનશીરામજીનાં દર્શન કરવા ને તેમનું ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી. હરદ્વારનો ઘોંઘાટ ને ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો. મહાત્માએ મને પ્રેમથી નવરાવ્યો. બ્રહ્મચારીઓ મારી પાસેથી ચસે જ નહીં. રામદેવજીની મુલાકાત પણ તે જ વખતે થઈ, અને તેમની શક્તિની ઓળખ હું તુરત કરી શક્યો. અમારી વચ્ચે કેટલીક મતભિન્નતા અમે જોઈ શક્યા, છતાં અમારી વચ્ચે સ્નેહગાંઠ બંધાઈ, ગુરુકુલમાં ઔદ્યોગિક શિક્ષણ દાખલ કરવાની આવશ્યકતા વિશે રામદેવજી તથા બીજા શિક્ષકો સાથે ઠીક ચર્ચા કરી. મને ગુરુકુલ છોડતાં દુઃખ થયું.

મેં લક્ષ્મણ ઝૂલાની સ્તુતિ ખૂબ સાંભળી હતી. હૃષીકેશ ગયા વિના હરદ્વાર ન છોડવાની મને ઘણાની ભલામણ થઈ. મારે તો ત્યાં ચાલતા જવું હતું. એટલે એક મજલ હૃષીકેશની ને બીજી લક્ષ્મણ ઝૂલાની હતી.

હૃષીકેશમાં ઘણા સંન્યાસીઓ મળવા આવ્યા હતા. તેમાંના એકને મારા જીવનમાં બહુ રસ લાગ્યો. ફિનિક્સ મંડળ મારી સાથે હતું. તે બધાને જોઈને તેમણે ઘણા પ્રશ્નો પૂછયા. અમારી વચ્ચે ધર્મની ચર્ચા થઈ. મને ધર્મની તીવ્ર લાગણી છે એમ તેમણે જોયું. હું ગંગાસ્નાન કરીને આવ્યો હતો એટલે શરીર ઉઘાડું હતું. તેમણે મારે માથે શિખા ન જોઈ ને શરીરે જનોઈ ન જોઈ તેથી તે દુઃખ પામ્યા ને મને પૂછયું:

‘તમે આસ્તિક છો છતાં જનોઈ અને શિખા ન રાખો તેથી અમારા જેવાને દુઃખ થાય. આ બે હિંદુ ધર્મની બાહ્ય સંજ્ઞાઓ છે, ને તે દરેક હિંદુએ રાખવી જોઈએ.’

દશેક વર્ષની ઉંમરે પોરબંદરમાં બ્રાહ્મણોની જનોઈને છેડે બાંધેલી ચાવીના રણકાર હું સાંભળતો તેથી મને અદેખાઈ થતી. રણકાર કરતી કૂંચીઓ જનોઈએ બાંધીને ફરીએ તો કેવું સારુ એમ લાગતું. કાઠિયાવાડમાં વૈશ્ય કુટુંબમાં જનોઈનો રિવાજ તે વેળા નહોતો. પણ પ્રથમ ત્રણ વર્ણે જનોઈ પહેરવી જ જોઈએ એવો નવો પ્રચાર ચાલી રહ્યો હતો. તેને અંગે ગાંધી કુટુંબમાં કેટલાક જનોઈ પહેરતા થયા હતા. જે બ્રાહ્મણ અમને બે ત્રણ સગાને રામરક્ષાનો પાઠ શીખવતા હતા તેમણે અમને જનોઈ પહેરાવી. અને મારી પાસે કૂંચી રાખવાનું કશું કારણ નહોતું, છતાં મેં બેત્રણ કૂંચીઓ લટકાવી. જનોઈ તૂટી ગઈ ત્યારે તેનો મોહ ઊતરી ગયો હતો કે નહીં એ તો યાદ નથી, પણ મેં નવી ન પહેરી.

મોટી ઉંમર થતાં બીજાઓએ મને જનોઈ પહેરાવવાનો પ્રયત્ન હિંદુસ્તાનમાં તેમ જ દક્ષિણ આફ્રિકામાં કરેલો, પણ મારી ઉપર તેમની દલીલની અસર ન થઈ. શૂદ્ર જનોઈ ન પહેરે તો બીજા વર્ણ કેમ પહેરે? જે બાહ્ય વસ્તુનો રિવાજ અમારા કુટુંબમાં નહોતો તે દાખલ કરવાનું મને એક પણ સબળ કારણ નહોતું મળ્યું. મને જનોઈનો અભાવ નહોતો, પણ તે પહેરવાના કારણનો અભાવ હતો. વૈષ્ણવ હોવાથી હું કંઠી પહેરતો. શિખા તો વડીલો અમને ભાઈઓને રખાવતા. વિલાયત જતાં ઉઘાડું માથું હોય, ગોરાઓ તે જોઈ હસે અને જંગલી ગણે એવી શરમથી શિખા કપાવી હતી. મારી સાથે રહેતા મારા ભત્રીજા છગનલાલ ગાંધી દક્ષિણ આફ્રિકામાં બહુ ભાવપૂર્વક શિખા રાખી રહ્યા હતા. તે શિખા તેમના જાહેર કામમાં વચ્ચે આવશે એમ વહેમથી મેં તેમનું મન દૂભવીને તે છોડાવી હતી. આમ શિખાની મને શરમ હતી.

સ્વામીને ઉપરની હકીકત મેં કહી સંભળાવી ને કહ્યું:

‘જનોઈ તો હું ધારણ નહીં કરું. અસંખ્ય હિંદુઓ જે નથી પહેરતા છતાં હિંદુ ગણાય છે, તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો, વળી જનોઈ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવો; એટલે આપણે ઇરાદાપૂર્વક શુદ્ધ થવું, ઊર્ધ્વગામી થવું. અત્યારે હિંદુ સમાજ અને હિંદુસ્તાન પડેલાં છે, તેમાં જનોઈ પહેરવાનો આપણને અધિકાર જ ક્યાં છે? હિંદુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુએ, ઊંચનીચની વાત ભૂલી જાય, બીજા ઘર કરી ગયેલા દોષો કાઢે, ચોમેર ફેલાયેલાં અધર્મ, પાખંડ દૂર કરે, ત્યારે તેને જનોઈનો અધિકાર ભલે હો. એટલે જનોઈ ધારણ કરવાની તમારી વાતનો મને ઘૂંટડો નથી ઊતરતો, પણ શિખા વિશેની તમારી વાત મારે અવશ્ય વિચારવી પડશે. તે તો હું રાખતો. તે મેં શરમ અને બીકને માર્યે કપાવી નાખી છે. તે ધારણ કરવી જોઈએ એમ મને લાગે છે. મારા સાથીઓ જોડે આ વાત હું વિચારી લઈશ.’

સ્વામીને જનોઈ વિશેની મારી દલીલ ન ગમી. જે કારણો મેં ન પહેરવાનાં બતાવ્યાં તે તેમને પહેરવાના પક્ષનાં લાગ્યાં. જનોઈ વિશેનો હૃષીકેશમાં મેં જણાવેલો વિચાર આજ પણ લગભગ એવો જ કાયમ છે. જ્યાં લગી જુદા જુદા ધર્મ રહ્યા છે ત્યાં લગી પ્રત્યેક ધર્મને કંઈક ખાસ બાહ્ય સંજ્ઞાની કદાચ આવશ્યકતા હોય. પણ જ્યારે બાહ્ય સંજ્ઞા કેવળ આડંબરરૂપે થઈ પડે, અથવા પોતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારું વપરાય, ત્યારે તે ત્યાજ્ય થઈ પડે છે. અત્યારે જનોઈ હિંદુ ધર્મને ઊંચે લઈ જવાનું સાધન છે એમ હું જોતો નથી. એટલે તેને વિશે હું તટસ્થ છું.

શિખાનો ત્યાગ મને પોતાને શરમ ઉપજાવનારો હતો, તેથી સાથીઓની સાથે ચર્ચા કરી તે ધારણ કરવાનો મેં નિશ્ચય કર્યો. પણ હવે આપણે લક્ષ્મણ ઝૂલા જવું જોઈએ.

હૃષીકેશ અને લક્ષ્મણ ઝૂલાનાં કુદરતી દૃશ્યો બહુ ગમ્યાં. કુદરતની કળા ઓળખવાની પૂર્વજોની શક્તિ વિશે ને કળાને ધાર્મિક સ્વરૂપ આપવાની તેમની દૂરંદેશી વિશે મનમાં અતિ માંન થયું.

પણ મનુષ્યની કૃતિથી ચિત્તને શાંતિ ન થઈ. જેમ હરદ્વારમાં તેમ હૃષીકેશમાં લોકો રસ્તાઓ અને ગંગાનો સુંદર કિનારો ગંદો કરી મૂકતા હતા. ગંગાનું પવિત્ર પાણી બગાડતાં પણ તેમનો કશો સંકોચ નહોતો થતો. હાજતે જનારા દૂર જવાને બદલે જ્યાં માણસોની આવજા હોય ત્યાં હાજતે જતા હતા. આ જોઈને હૃદયને બહુ આઘાત પહોંચ્યો.

લક્ષ્મણ ઝૂલા જતા લોઢાનો ઝૂલતો પુલ જોયો. લોકોની પાસેથી સાંભળ્યું કે આ પુલ પ્રથમ તો દોરડાનો પણ ઘણો મજબૂત હતો. તેને તોડીને એક ઉદાર દિલના મારવાડી ગૃહસ્થે મોટું દાન આપી લોખંડનો પુલ બનાવરાવ્યો ને તેની ચાવી સરકારને સોંપી! દોરડાના પુલનો મને કશો ખ્યાલ નથી, પણ લોખંડનો પુલ કુદરતી વાતાવરણને ક્લુષિત કરતો હતો ને બહુ અળખામણો લાગતો હતો. યાત્રાળુઓના આ રસ્તાની ચાવી સરકારને હસ્તક સોંપવામાં આવી એ મારી તે વેળાની વફાદારીને પણ અસહ્ય લાગ્યું.

ત્યાંથી વધારે દુખદ દૃશ્ય સ્વર્ગાશ્રમનું હતું. જસતનાં પતરાંની તબેલા જેવી કોટડીઓને સ્વર્ગાશ્રમનું નામ આપવામાં આવ્યું હતું. આ સાધકોને સારુ બનાવવામાં આવી હતી એમ મને કહેવામાં આવ્યું. તેમાં ભાગ્યે કોઈ સાધક એ વખતે રહેતા હતા. આને લગતા મુખ્ય મકાનમાં રહેનારાઓએ પણ મારી ઉપર સારી છાપ ન પાડી.

પણ હરદ્વારના અનુભવો મારે સારુ અમૂલ્ય નીવડ્યા. મારે ક્યાં વસવું ને શું કરવું એના નિશ્ચય કરવામાં હરદ્વારના અનુભવોએ મને બહુ મદદ કરી.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.