મારો ધંધો ઠીક ચાલતો હતો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, કંઈક શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.
એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનું આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.
પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ નહોતી, મારી હિંમત નહોતી. મેં તેને ગિરમીટિયાઓને અંગે ચાલતી સરકારી ઇસ્પિતાલમાં મોકલ્યો.
પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રૂષાનું કામ હમેશાં કરું તો કેવું સારું! દા. બૂથ સેન્ટર ઍડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હમેશાં જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઇસ્પિતાલ ખૂલી. ઇસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઇચ્છા થઈ. તેમાં દવા આપવાને અંગે એકથી બે કલાકનું કામ રહેતું. તેને સારુ દવા બનાવી આપનાર કોઈ પગારદાર માણસની અથવા સ્વયંસવેકની જરૂર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઑફિસમાં બેઠાં સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મૅજિસ્ટ્રેટની અદાલતમાં હોય. તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવા કેસો જ્યારે હોય ત્યારે મિ. ખાન, જે મારી પાછળ આવ્યા હતા અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા, તેમણે ચલાવી લેવાનું માથે લીધું, ને હું આ નાનકડી ઇસ્પિતાલમાં કામ કરતો થયો.
રોજ સવારના ત્યાં જવાનું રહેતું. આવતાંજતાં તેમ જ ઇસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દરદીનો કેસ સમજી લઈ તે દાક્તરને સમજાવવાનું અને દાક્તર બતાવે તે દવા તૈયાર કરી દરદીને આપવાનું હતું. આ કામથી હું દુઃખી હિંદીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો ભાગ તામિલ અથવા તેલુગુ અગર તો ઉત્તર હિંદુસ્તાની ગિરમીટિયાઓનો હોય.
આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડયો. બોઅર લડાઈ વેળા ઘાયલોની શુશ્રુષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને તે ખૂબ ખપ લાગ્યો.
બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા બે પુત્ર થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો ને હજુ તાવે છે. સુવાવડ વગેરે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે કરવાં એમ અમે બંનેએ નિશ્ચય કર્યો હતો. તેથી, જોકે દાક્તર તેમ જ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ દાક્તર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય? દાઈ તો હિંદી જ રાખવાની હતી. શીખેલી હિંદી દાઈ હિંદુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી? એટલે, મેં બાળઉછેરનો અભ્યાસ કરી લીધો. દા. ત્રિભુવનદાસનું ‘માને શિખામણ’ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લાં બે બાળકોને મેં જાતે ઉછેર્યાં એમ કહી શકાય. દાઈની મદદ દરેક વખતે થોડો જ સમય – બે માસથી વધારે તો નહીં જ – લીધેલી; તે પણ મુખ્યત્વે ધર્મપત્નીની સેવાને ખાતર. બાળકોને નવડાવવા-ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું.
છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાક્તર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડયું. સદ્ભાગ્યે મેં આ વિષય ‘માને શિખામણ’માંથી સૂક્ષ્મ રીતે વાંચી લીધો હતો, તેથી મને ગભરાટ ન થયો.
મેં જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોનાં ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારાં બાળકો આજે ભોગવે છે તે જો મેં તે વિશે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત. આપણામાં એવો વહેમ છે કે, પહેલાં પાંચ વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત એ છે કે, પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાનકાળની માતાપિતાની શારીરિક તેમ જ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડે છે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ, માતાના આહારવિહારનાં સારાંમાઠાં ફળનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતાપિતાનું અનુકરણ કરતું થઈ જાય છે, અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતાપિતા ઉપર રહે છે.
આ વિચારો જે સમજુ દંપતી કરશે, તે તો કદી દંપતીસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઇચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસારે એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે; અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે.
Feedback/Errata