જીવનમાં જેમ જેમ ત્યાગ અને સાદાઈ વધ્યાં અને ધર્મજાગૃતિ વધી તેમ તેમ નિરામિષાહારનો અને તેના પ્રચારનો શોખ વધતો ગયો. પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છેઃ આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.
જોહાનિસબર્ગમાં એક નિરામિષાહારી ગૃહ હતું. તે એક જર્મન જે ક્યુનીના જલોપચારને માનનારો હતો, તે ચલાવતો હતો. ત્યાં જવાનું મેં શરૂ કર્યું ને જેટલા અંગ્રેજ મિત્રોને ત્યાં લઈ જઈ શકાય તેટલાને તેને ત્યાં લઈ જતો. પણ મેં જોયું કે આ ગૃહ લાંબો સમય નહીં ચાલે. તેને પૈસાની તંગી તો તેમાં રહ્યા જ કરતી. મને યોગ્ય લાગી તેટલી મદદ મેં તેને કરી. કંઈક પૈસા ખોયા પણ ખરા. છેવટે તે બંધ થયું. થિયૉસૉફિસ્ટ ઘણા નિરામિષાહારી હોય છે. કોઈ પૂરા, કોઈ અધૂરા. આ મંડળની એક બાઈ સાહસિક હતી. તેણે મોટા પાયા ઉપર એક નિરામિષાહારી ગૃહ કાઢયું. આ બાઈને કલાનો શોખ હતો. ખર્ચાળ સારી પેઠે હતી, અને હિસાબનું બહુ ભાન નહોતું. તેનું મિત્રમંડળ ઠીક પ્રમાણમાં ગણાય. પ્રથમ તો એનું કામ નાના પાયા ઉપર શરૂ થયું, પણ તેણે તેમાં વધારો કરવાનો ને મોટી જગ્યા મેળવવાનો નિશ્ચય કર્યો. આમાં મારી મદદ માગી. તે વેળા તેના હિસાબ વગેરેની મન કશી ખબર નહોતી. તેની ગણતરીઓ યોગ્ય હશે એમ મેં માની લીધું. મારી પાસે સગવડ હતી. ઘણા અસીલોનાં નાણાં મારી પાસે રહેતાં. તેમાંના એકની રજા લઈ તેનાં નાણાંમાંથી લગભગ એક હજાર પાઉન્ડ આપ્યા. આ અસીલ વિશાળ હૃદયનો અને વિશ્વાસુ હતો. તે પ્રથમ ગિરમીટમાં આવેલો. તેણે કહ્યું, ‘ભાઈ, આપકા દિલ ચાહે તો પૈસે દે દો. મૈં કુછ ના જાનૂઁ. મૈં તો આપ હી કો જાનતા હૂઁ.’ તેનું નામ બદ્રી. તેણે સત્યાગ્રહમાં ઘણો મોટો ભાગ લીધો હતો. તેણે જેલ પણ ભોગવી હતી. આટલી સંમતિ ઉપરથી મેં તેના પૈસા ધીર્યા. બેત્રણ માસમાં જ મને ખબર પડી ગઈ કે આ પૈસા પાછા નહીં આવે. આટલી મોટી રકમ ખોવાની મારી શક્તિ નહોતી. મારી પાસે એટલા પૈસાનો બીજો ઉપયોગ હતો. પૈસા પાછા ન જ આવ્યા. પણ વિશ્વાસુ બદ્રીના પૈસા જાય કેમ? તેણે તો મને જ જાણ્યો હતો. એ પૈસા મેં ભરી આપ્યા.
એક અસીલ મિત્રને મેં આ પૈસાની ધીરધારની વાત કરેલી. તેમણે મને મીઠો ઠપકો આપી જાગ્રત કર્યો:
‘ભાઈ, (દક્ષિણ આફ્રિકામાં હું ‘મહાત્મા’ નહોતો બન્યો. ‘બાપુ’ પણ નહોતો થયો. અસીલ મિત્રો મને ‘ભાઈ’ કહીને જ બોલાવતા.) આ કામ તમારું નથી. અમે તો તમારે વિશ્વાસે ચાલનારા. આ પૈસા તમને પાછા નથી મળવાના. બદ્રીને તો તમે બચાવી લેશો ને તમારા ખોશો. પણ આવાં સુધારકનાં કામોમાં બધા અસીલોના પૈસા આપવા માંડો તો અસીલો મરી રહે ને તમે ભિખારી બનો ને ઘેર બેસો. તેમાં તમારું જાહેર કામ રખડે.’
સુભાગ્યે આ મિત્ર હયાત છે. દક્ષિણ આફ્રિકામાં ને બીજે તેમના કરતાં વધારે સ્વચ્છ માણસ મેં બીજો નથી ભાળ્યો. કોઈને વિશે પોતાના મનમાં શક આવે તો, ને તે ખોટો છે એમ તેમને લાગે કે તરત જ, સામેના માણસની તુરત માફી માગી પોતાનો આત્મા સાફ કરે. મને આ અસીલની ચેતવણી ખરી લાગી. બદ્રીના પૈસા તો હું ભરી શક્યો, પણ બીજા હજાર પાઉન્ડ તે જ વેળા ખોયા હોત તો ભરી આપવાની મારી મુદ્દલ શક્તિ નહોતી ને મારે કરજમાં જ પડવું પડત. અને એ ધંધો તો મેં મારી જિંદગીભરમાં કદી નથી કર્યો ને તે તરફ મને હમેશ ભારે અણગમો રહ્યો છે. મેં જોયું કે સુધારા કરવાને ખાતર પણ પોતાની શક્તિ બહાર ન જવું ઘટે. મેં એમ પણ જોયું કે આ ધીરધાર કરવામાં મેં ગીતાના તટસ્થ નિષ્કામ કર્મના મુખ્ય પાઠનો અનાદાર કર્યો હતો. આ ભૂલ મારે સારુ દીવાદાંડી થઈ પડી.
નિરામિષાહારના પ્રચારને સારુ આવું બલિદાન કરવાનું મારી કલ્પનામાં નહોતું. મારે સારુ એ પરાણે પુણ્ય થઈ પડયું.
Feedback/Errata