ભાગ પાંચમો

૪૦. મળ્યો

ગુજરાતમાં સારી પેઠે ભટક્યા પછી ગાયકવાડના વિજાપુરમાં ગંગાબહેનને રેંટિયો મળ્યો. ઘણાં કુટુંબોની પાસે રેંટિયો હતો તે તેમણે મેડે ચડાવી મેલ્યો હતો. પણ જો તેમનું સૂતર કોઈ લે તો ને તેમને પૂણી પૂરી પાડવામાં આવે તો તેઓ કાંતવા તૈયાર હતા. ગંગાબહેને મને ખબર આપ્યા, ને મારા હર્ષનો પાર ન રહ્યો. પૂણી પહોંચાડવાનું કામ અઘરું લાગ્યું. મરહૂમ ભાઈ ઉમર સોબાનીને વાત કરતાં તેમણે પોતાની મિલમાંથી પૂણીનાં ભૂંગળાં પૂરાં પાડવાનું કામ માથે લીધું. મેં તે ભૂંગળા ગંગાબહેનને મોકલ્યાં, ને સૂતર એટલા વેગથી તૈયાર થવા લાગ્યું કે હું થાક્યો.

ભાઈ ઉમર સોબાનીની ઉદારતા બહોળી હતી, છતાં, તેને હદ હતી. પૂણીઓ વેચાતી લેવાનો નિશ્ચય કરતાં મને સંકોચ થયો. વળી મિલની પૂણીઓ લઈ કંતાવવામાં મને બહુ દોષ લાગ્યો. જો મિલની પૂણીઓ લઈએ તો સૂતરમાં શો દોષ? પૂર્વજોની પાસે મિલની પૂણીઓ ક્યાં હતી? એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢયો. તેને દર માસે રૂ. ૩૫ના કે એથી મોટા પગારથી રોક્યો. પૂણી બનાવતાં બાળકોને શીખવ્યું. મેં રૂની ભિક્ષા માગી. ભાઈ યશવંતપ્રસાદ દેસાઈએ રૂની ગાંસડીઓ પૂરી પાડવાનું માથે લીધું. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું સૂતર વણાવવાનું શરૂ કર્યું. વિજાપુરની ખાદી પંકાઈ.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધકશક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડયું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા ને તેમણે હોંશે આપ્યા.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછયા કરતો. ત્યાં બે કાંતનારી બહેનો હાથ લાગી. તેમને એક શેર સૂતરનો એક રૂપિયો આપ્યો. હું ખાદીશાસ્ત્રમાં હજુ આંધળોભીંત જેવો હતો. મારે તો હાથે કાંતેલું સૂતર જોઈતું હતું, કાંતનારી જોઈતી હતી. ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર, શ્રી શંકરલાલ બýકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સોજામાંદો કરવામાં ક્યાં ઓછો છે? રેંટિયાને મેં પણ હાથ લગાડયો. આનાથી આગળ આ વેળા હું નહોતો જઈ શક્યો.

અહીં હાથની પૂણીઓ ક્યાંથી લાવવી? શ્રી રેવાશંકર ઝવેરીના બંગલાની પાસેથી રોજ તાંતનો અવાજ કરતો પીંજારો પસાર થતો. તેને મેં બોલાવ્યો. તે ગાદલાનું રૂ પીંજતો. તેણે પૂણીઓ તૈયાર કરી આપવાનું કબૂલ કર્યું. ભાવ આકરો માગ્યો તે મેં આપ્યો. આમ તૈયાર થયેલું સૂતર મેં વૈષ્ણવોને પવિત્રાં કરવા સારુ દામ લઈ વેચ્યું. ભાઈ શિવજીએ મુંબઈમાં રેંટિયાવર્ગ કાઢયો. આ પ્રયોગોમાં દ્રવ્યનું ખર્ચ ઠીક થયું. શ્રદ્ધાળુ દેશભક્તોએ પૈસો આપ્યો ને મેં ખરચ્યો. એ ખરચ વ્યર્થ નથી ગયું એવો મારો નમ્ર અભિપ્રાય છે. તેમાંથી ઘણું શીખવાનું મળ્યું. મર્યાદાનું માપ મળ્યું.

હવે હું કેવળ ખાદીમય થવા અધીરો થયો. મારું ધોતિયું. દેશી મિલના કાપડનું હતું. જે ખાદી વિજાપુરમાં ને આશ્રમમાં થતી હતી તે બહુ જાડી અને ૩૦ ઇંચ પનાની થતી હતી. મેં ગંગાબહેનને ચેતવણી આપી કે, જો ૪૫ ઇંચ પનાનું ખરીદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પાડે, તો મારે જાડી ખાદીનું અડધિયું પહેરી નિભાવ કરવો પડશે. આ બહેન અકળાયાં, મુદત ઓછી લાગી, પણ હાર્યા નહીં. તેમણે મહિનાની અંદર મને પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડયો ને મારું દારિદ્ય ફિટાડયું.

એ જ અરસામાં ભાઈ લક્ષ્મીદાસ લાઠીથી અંત્યજ ભાઈ રામજી અને તેમનાં પત્ની ગંગાબહેનને આશ્રમમાં લાવ્યા, ને તેમની મારફતે મોટા પનાની ખાદી વલાણી. ખાદીપ્રચારમાં આ દંપતીનો હિસ્સો જેવોતેવો ન કહેવાય. તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર હાથસૂતર વણવાનો કસબ બીજાંઓને શીખવ્યો છે. આ નિરક્ષર પણ સંસ્કારી બહેન જ્યારે સાળ ચલાવે છે ત્યારે તેમાં એટલાં લીન થાય છે કે, આમતેમ જોવાની કે કોઈની સાથે વાત કરવાની ફુરસદ પોતાને સારુ રાખતાં નથી.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.