વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડયો. આત્માને વિકસાવવામાં મેં ધર્મના પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો. તે તે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવા જોઈએ. પોતપોતાના ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન તેમને હોવું જોઈએ, એમ હું માનતો, તેથી તેમને તેનું જ્ઞાન મળે એવી યથાશક્તિ સગવડ મેં કરી હતી. પણ તેને હું બુદ્ધિની કેળવણીનું અંગ ગણું છું. આત્માની કેળવણી એક નોખો જ વિભાગ છે એમ મેં ટૉલ્સ્ટૉય આશ્રમનાં બાળકોને શીખવવા માંડયું તેની પૂર્વે જ જોઈ લીધું હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર ઘડવું. ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું, આ જ્ઞાન મેળવવામાં બાળકોને મદદ ઘણી જ જોઈએ, ને તેના વિનાનું બીજું જ્ઞાન વ્યર્થ છે, હાનિકારક પણ હોય એમ હું માનતો.
આત્મજ્ઞાન ચોથા આશ્રમમાં મળે એવો વહેમ સાંભળ્યો છે. પણ જેઓ ચોથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપો અને બીજું પણ દયાજનક બચપણ પામી પૃથ્વી પર બોજારૂપે જીવે છે, એવો સાર્વત્રિક અનુભવ જોવામાં આવે છે. આ વિચારો હું આ ભાષામાં ૧૯૧૧-૧૨ની સાલમાં કદાચ ન મૂકત, પણ આવી જાતના વિચારો હું તે કાળે ધરાવતો હતો એનું મને પૂરું સ્મરણ છે.
આત્મિક કેવળણી કેમ અપાય? બાળકોને ભજન ગવડાવતો, નીતિનાં પુસ્તકો વાંચી સંભળાવતો, પણ તેથી સંતોષ નહોતો પામતો. જેમ જેમ તેમના પ્રસંગમાં આવતો ગયો તેમ તેમ મેં જોયું કે આ જ્ઞાન પુસ્તકો વડે તો નહીં જ અપાય. શરીરની કેળવણી કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી. આત્માની કસરત શિક્ષકના વર્તનથી જ પામી શકાય. એટલે યુવકોની હાજરી હો યા ન હો, તેમ છતાં શિક્ષકે સાવધાન રહેવું જોઈએ. લંકામાં બેઠેલો શિક્ષક પોતાના વર્તનથી પોતાના શિષ્યોના આત્માને હલાવી શકે છે. હું જૂઠું બોલું ને મારા શિષ્યોને સાચા બનાવવાનો પ્રયત્ન કરું તે ફોગટ જાય. ડરપોક શિક્ષક શિષ્યોને વીરતા નહીં શીખવી શકે. વ્યભિચારી શિક્ષક શિષ્યોને સંયમ કેમ શીખવે? મેં જોયું કે મારે મારી પાસે રહેલા યુવકો અને યુવતીઓની સમક્ષ પદાર્થપાઠરૂપે થઈને રહેવું રહ્યું. આથી મારા શિષ્યો મારા શિક્ષક બન્યા. મારે અર્થે નહીં તો તેમને અર્થે મારે સારા થવું ને રહેવું જોઈએ એમ હું સમજ્યો, ને ટૉલ્સ્ટૉય આશ્રમનો મારો ઘણોખરો સંયમ આ યુવકો અને યુવતીઓને આભારી છે એમ કહેવાય.
આશ્રમમાં એક યુવક બહુ તોફાન કરે, જૂઠું બોલે, કોઈને ગણકારે નહીં, બીજાઓની સાથે લડે. એક દહાડો તેણે બહુ જ તોફાન કર્યું. હું ગભરાયો. વિદ્યાર્થીઓને કદી દંડ ન દેતો, આ વખતે મને બહુ ક્રોધ ચડયો. હું તેની પાસે ગયો. તેને સમજાવતાં તે કેમે સમજે નહીં. મને છેતરવાનો પણ તેણે પ્રયત્ન કર્યો. મેં મારી પાસે પડેલી આંકણી ઉપાડી ને તેની બાંય ઉપર દીધી. દેતાં હું ધ્રૂજી રહ્યો હતો. આ તે જોઈ ગયો હશે. આવો અનુભવ કોઈ વિદ્યાર્થીને મારી તરફથી પૂર્વે કદી નહોતો થયે. વિદ્યાર્થી રડી પડયો. મારી પાસે માફી માગી. તેને લાકડી વાગી ને દુઃખ થયું તેથી તે નહોતો રડયો. તે સામે થવા ધારે તો મને પહોંચી વળે એટલી શક્તિ ધરાવતો હતો. તેની ઉંમર સત્તર વર્ષની હશે. બાંધે મજબૂત હતો. પણ મારી આંકણીમાં તે મારું દુઃખ જોઈ ગયો. આ બનાવ પછી તે કદી મારી સામે નહોતો થયો. પણ મને તે આંકણી મારવાનો પશ્ચાત્તાપ આજ લગી રહ્યો છે. મને ભય છે કે મેં તેને મારીને મારા આત્માનું નહીં પણ મારી પશુતાનું દર્શન કરાવ્યું હતું.
બાળકોને માર મારીને શીખવવાની સામે હું હમેશાં રહ્યો છું. એક જ પ્રસંગ મને યાદ છે કે જ્યારે મેં મારા દીકરાઓમાંથી એકને માર્યો હતો. આંકણી મારવામાં મેં યોગ્ય કર્યું કે કેમ તેને નિર્ણય આજ લગી હું કરી નથી શક્યો. આ દંડની યોગ્યતાને વિશે મને શંકા છે, કેમ કે તેમાં ક્રોધ ભર્યો હતો અને દંડ કરવાનો ભાવ હતો. જો તેમાં કેવળ મારા દુઃખનું જ પ્રદર્શન હોત તો હું એ દંડને યોગ્ય ગણત. પણ આમાં રહેલી ભાવના મિશ્ર હતી. આ પ્રસંગ પછી તો હું વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યો. એ કળાનો ઉપયોગ મેં મજકૂર પ્રસંગે કર્યો હોત તો કેવું પરિણામ આવત એ હું નથી કહી શકતો. આ પ્રસંગ પેલો યુવક તો તુરત ભૂલી ગયો. તેનામાં બહુ સુધારો થયો એમ હું કહી શકતો નથી. પણ એ પ્રસંગે મને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતો કરી મૂક્યો. ત્યાર બાદ એવા જ દોષ યુવકોના થયા, પણ મેં દંડનીતિ ન જ વાપરી. આમ આત્મિક જ્ઞાન આપવાના પ્રયત્નમાં હું પોતે આત્માના ગુણને વધારે સમજવા લાગ્યો.
Feedback/Errata