ગયા પ્રકરણમાં શારીરિક કેવળણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરંભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો, છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હું ઇચ્છું તેટલો વખત નહોતો, તેટલી આવડત નહોતી. આખા દહાડાનાં શારીરિક કામ કરતાં હું થાકી જતો, ને જે વખતે જરા આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હું તાજો હોવાને બદલે બળાત્કારે જાગ્રત રહી શકતો હતો. સવારનો વખત ખેતી અને ઘરકામમાં જતો, એટલે બપોરના જમ્યા પછી તુરત નિશાળ ચાલતી. આ સિવાય બીજો કોઈ પણ વખત અનુકૂળ નહોતો.
અક્ષરજ્ઞાનને સારુ વધારેમાં વધારે ત્રણ કલાક રાખ્યા હતા. વળી વર્ગમાં હિંદી, તામિલ, ગુજરાતી અને ઉર્દૂ શીખવવાનાં રહેતાં. શિક્ષણ પ્રત્યેક બાળકને તેની માતૃભાષા મારફતે જ આપવાનો આગ્રહ હતો. અંગ્રેજી પણ બધાને શીખવવામાં આવતું જ. ઉપરાંત ગુજરાતી હિંદુ બાળકોને કંઈક સંસ્કૃતનો અને સૌને કંઈક હિંદીનો પરિચય કરાવવો, ઇતિહાસ, ભૂગોળ અને અંકગણિત બધાને શીખવવું, આટલો ક્રમ હતો. તામિલ અને ઉર્દૂ શિક્ષણ આપવાનું મારી પાસે હતું.
મારું તામિલ જ્ઞાન તે સ્ટીમરોમાં ને જેલમાં મેળવેલું. તેમાં પણ પોપકૃત ઉત્તમ ‘તામિલ-સ્વયંશિક્ષક’થી આગળ હું વધી શક્યો નહોતો. ઉર્દૂ લિપિનું જ્ઞાન સ્ટીમરમાં મેળવેલું તે જ; ને ખાસ ફારસી અરબી શબ્દોનું જ્ઞાન જેટલું મુસલમાન મિત્રોના પરિચયથી મેળવી શકેલો તેટલું! સંસ્કૃત જે હાઈસ્કૂલમાંથી શીખેલો તે જ. ગુજરાતી પણ નિશાળિયું જ.
આટલી પૂંજીથી મારે કામ લેવાનું હતું. ને તેમાં મદદગાર તે મારા કરતાંયે ઓછું જાણનારા. પણ દેશની ભાષાઓનો મારો પ્રેમ, મારી શિક્ષણશક્તિ ઉપરની મારી શ્રદ્ધા, વિદ્યાર્થીઓનું અજ્ઞાન અને તેથી પણ વધી જતી તેમની ઉદારતા મને મારા કામમાં મદદગાર નીવડ્યાં.
તામિલ વિદ્યાર્થીઓ દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા, તેથી તામિલ બહુ ઓછું જાણતા. તેમને લિપિ તો મુદ્દલ ન આવડે. એટલે મારે તેમને લિપિ શીખવવાનું ને વ્યાકરણનાં મૂળતત્ત્વો શીખવવાનું હતું. તે સહેલું હતું. વિદ્યાર્થીઓ જાણતા કે તામિલ વાતચીતમાં તો તેઓ મને સહેજે હરાવે, અને તામિલ જાણનારા જ મને મળવા આવે ત્યારે તેઓ મારા દુભાષિયા થાય. મારું ગાડું ચાલ્યું, કેમ કે વિદ્યાર્થીઓ પાસે મારું અજ્ઞાન ઢાંકવાનો મેં કદી પ્રયત્ન જ ન કર્યો. બધી બાબતમાં જેવો હું હતો તેવો જ તેઓ મને જાણતા થયા હતા. આથી અક્ષરજ્ઞાનની ગાઢ ન્યૂનતા છતાં મેં તેમના પ્રેમ ને આદર કદી ન ગુમાવ્યા.
મુસલમાન બાળકોને ઉર્દૂ શીખવવાનું પ્રમાણમાં વધારે સહેલું હતું. તેઓ લિપિ જાણતા. તેમનામાં વાચનનો શોખ વધારવાનું ને તેમના અક્ષર સુધારવાનું જ મારું કામ હતું.
મુખ્યપણે આ બાળકો બધા નિરક્ષર અને નિશાળમાં ન ભણેલા હતા. શીખવતાં શીખવતાં મેં જોયું કે મારે તેમને શીખવવાનું ઓછું જ હતું. તેમનું આળસ મુકાવવાનું, તેમને પોતાની મેળે વાંચતા કરવાનું, તેમના અભ્યાસની ચોકી રાખવાનુ જ વધારે હતું. આટલેથી સંતોષ પામતો તેથી જ જુદી જુદી ઉંમરના જુદા જુદા વિષયોવાળા વિદ્યાર્થીઓને એક જ કોટડીમાં બેસાડી કામ લઈ શકતો હતો.
પાઠયપુસ્તકોની જે બૂમ વખતોવખત સાંભળવામાં આવે છે તેની મને કદી ગરજ લાગી નહોતી. જે પુસ્તકો હતાં તેમનો પણ બહુ ઉપયોગ કર્યાનું મને યાદ નથી. દરેક બાળકને ઘણાં પુસ્તકો અપાવવાની મેં જરૂર નહોતી જોઈ. વિદ્યાર્થીનું પાઠયપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે. શિક્ષકોએ પુસ્તકોમાંથી શીખવેલું એવું થોડું જ મને યાદ છે. જેઓએ પોતાને મુખેથી શીખેવલું તેનું સ્મરણ આજે પણ રહી ગયું છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. બાળકોની પાસે હું એક પણ પુસ્તક પૂરું વંચાવી ગયો હોઉં એવું મને યાદ નથી.
પણ ઘણાં પુસ્તકોમાંનું મેં જે પચાવ્યું હતું તે તેમને મારી ભાષામાં કહી ગયો, તે તેમને આજે પણ યાદ હશે એમ હું માનું છું. વંચાવેલું યાદ રાખવામાં તેમને ક્લેશ થતો, મેં સંભળાવેલું તેઓ તે જ ક્ષણ મને ફરી સંભળાવી જતા. વાંચવામાં તેમને કંટાળો આવતો. સાંભળવામાં, જ્યારે હું પોતે થાકને લીધે કે બીજા કારણસર મંદ અને નીરસ ન હોઉં ત્યારે, તેઓ રસ લેતા ને સાંભળતા. તેમને પ્રશ્નો ઊઠતા તેનો ઉકેલ કરવામાં મને તેમની ગ્રહણશક્તિનું માપ આવી જતું.
Feedback/Errata