દક્ષિણમાં થોડી મુસાફરી કરી એપ્રિલની ચોથીએ ઘણે ભાગે મુંબઈ પહોંચ્યો. ૬ઠ્ઠી ઊજવવા મારે મુંબઈ હાજર રહેવું એવો શ્રી શંકરલાલ બýકરનો તાર હતો.
પણ તે પહેલાં દિલ્હીમાં તો હડતાળ ૩૦મી માર્ચે ઊજવાઈ હતી. દિલ્હીમાં સ્વ. શ્રદ્ધાનંદજી અને મરહૂમ હકીમસાહેબ અજમલખાનની આણ ચાલતી હતી. ૬ઠ્ઠી તારીખ સુધી હડતાળની મુદત લંબાયાના ખબર દિલ્હી મોડા પહોંચ્યા હતા. દિલ્હીમાં તો તારીખે હડતાળ પડી તેવી કદી પૂર્વે પડી જ નહોતી. હિંદુ અને મુસલમાન બંને એકદિલ થવા લાગ્યા. શ્રદ્ધાનંદજીને જુમામસ્જિદમાં નોતરવામાં આવ્યા હતા ને ત્યાં તેમને ભાષણ કરવા દેવામાં આવ્યું હતું. આ બધું સત્તાવાળાઓ સહન નહોતા કરી શક્યા. સરઘસ રેલવે સ્ટેશન તરફ જતું હતું તેને પોલીસે રોકેલું. પોલીસે ગોળીબાર કરેલા. કેટલાક લોકો જખમી થયા. કંઈ ખૂન થયાં. દિલ્હીમાં દમનનીતિ શરૂ થઈ. શ્રદ્ધાનંદજીએ મને દિલ્હી બોલાવ્યો. મેં ૬ઠ્ઠી ઊજવી તરત દિલ્હી જવા વિશે તાર કર્યો હતો.
જેમ દિલ્હી તેમ જ લાહોર અમૃતસરનું હતું. અમૃતસરથી દા. સત્યપાલ અને કિચલુના તાર મને ચાંપીને બોલાવવાના હતા. આ બે ભાઈઓને હું તે વેળા મુદ્દલ જાણતો નહોતો. પણ ત્યાંયે દિલ્હી થઈ જવાનો નિશ્ચય જણાવ્યો હતો.
૬ઠ્ઠીએ મુંબઈમાં સવારના પહોરમાં હજારો લોકો ચોપાટીમાં સ્નાન કરવા ગયા ને ત્યાંથી ઠાકુરદ્વાર* જવા સરઘસ નીકળ્યું. તેમાં સ્ત્રીઓ અને બચ્ચાં પણ હતાં. સરઘસમાં મુસલમાનોએ પણ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સરઘસમાંથી અમને મુસલમાન ભાઈઓ એક મસ્જિદે લઈ ગયા. ત્યાં શ્રી સરોજિનીદેવી પાસે ને મારી પાસે ભાષણ કરાવ્યાં. અહીં શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીએ સ્વદેશીની અને હિંદુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવવાની સૂચના કરી. મેં એવી ઉતાવળથી પ્રતિજ્ઞા લેવરાવવાની ના પાડી. જેટલું થઈ રહ્યું હતું એટલેથી સંતોષ માનવાની સલાહ આપી. પ્રતિજ્ઞા લીધા પછી ન તૂટે. સ્વદેશીનો અર્થ આપણે સમજવો જોઈએ. હિંદુમુસલમાન ઐક્યની જોખમદારીનો ખ્યાલ રહેવો જોઈએ વગેરે કહ્યું, ને સૂચવ્યું કે જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે ચોપાટીના મેદાન ઉપર ભલે બીજી સવારે હાજર થાય.
મુંબઈની હડતાળ સંપૂર્ણ હતી.
અહીં કાયદાના સવિનયભંગની તૈયારી કરી મૂકી હતી. ભંગ થઈ શકે એવી બેત્રણ વસ્તુઓ હતી. જે કાયદાઓ રદ થવા લાયક હતા એવા અને જેમનો ભંગ બધા સહેલાઈથી કરી શકે એવા હતા તેમાંથી એકનો જ ઉપયોગ કરવો એવો ઠરાવ હતો. મીઠાના કરને લગતો કાયદો અળખામણો હતો. તે કર નાબૂદ થવા સારુ ઘણા પ્રયત્નો થઈ રહ્યા હતા. એટલે બધા પરવાના વિના મીઠું પોતાના ઘરમાં પકાવે એવી એક સૂચના મેં કરી હતી. બીજી સૂચના સરકારે પ્રસિદ્ધ થતાં અટકાવેલાં પુસ્તકો છપાવવા-વેચવા બાબત હતી. આવાં બે પુસ્તકો મારાં જ હતાઃ ‘હિંદ સ્વરાજ’ અને ‘સર્વોદય’. આ પુસ્તકો છપાવવાં-વેચવાં સહુથી સહેલો સવિનયભંગ લાગ્યો. તેથી એ છપાવ્યાં ને સાંજનો ઉપવાસ છૂટયા પછી ને ચોપાટીની જંગી સભા વિસર્જન થયા પછી વેચવાનો પ્રબંધ થો.
સાંજના ઘણા સ્વયંસેવકો આ પુસ્તકો વેચવા નીકળી પડ્યા. એક મોટરમાં હું નીકળ્યો ને એકમાં શ્રી સરોજિની નાયડુ નીકળ્યાં. જેટલી નકલો છપાવી હતી તેટલી ખપી ગઈ. આની કિંમત વસૂલ થાય તો તે લડતના ખર્ચમાં જ વાપરવાની હતી. દરેક નકલની કિંમત ચાર આના રાખવામાં આવી હતી. પણ મારા હાથમાં કે સરોજિનીદેવીના હાથમાં ભાગ્યે જ કોઈએ ચાર આના મૂક્યા હોય. પોતાના ખીસામાં જે હોય તે ઠલવીને નકલો લેનારા ઘણા નીકળી પડ્યા. કોઈ દસ રૂપિયાની ને કોઈ પાંચની નોટ પણ આપતા. રૂપિયા ૫૦ની નોટ સુધી પણ એક નકલના મળ્યાનું મને સ્મરણ છે. લોકોને સમજાવવામાં આવ્યું હતું કે, લેનારને પણ જેલનું જોખમ છે. પણ ઘડીભર લોકોએ જેલનો ભય છોડયો હતો.
સાતમી તારીખે માલૂમ પડયું કે, જે ચોપડીઓ વેચવાનો સરકારે પ્રતિબંધ કર્યો હતો તે સરકારની દૃષ્ટિએ વેચાઈ ન ગણાય. જે વેચાઈ તે તો તેની બીજી આવૃત્તિ ગણાય. જપ્ત થયેલી ચોપડીઓમાંની તે ન ગણાય. એટલે આ નવી આવૃત્તિ છાપવા, વેચવા, ખરીદવામાં કંઈ ગુનો ન ગણાય. એમ સરકાર તરફથી કહેવામાં આવ્યું. આ ખબર સાંભળી લોકો નિરાશ થયા.
આ તારીખે ચોપાટી ઉપર સવારે સ્વદેશી વ્રતને સારુ ને હિંદુ-મુસ્લિમ વ્રતને સારુ લોકોને એકઠા થવાનું હતું. વિઠ્ઠલદાસ જેરાજાણીનો આ પહેલો અનુભવ થયો કે, ઊજળું એટલું દૂધ નથી. લોકો ઘણા ઓછા ભેળા થયા. આમાં બેચાર બહેનોનાં નામ મારી આગળ તરી આવે છે. પુરુષ પણ થોડા હતા. મેં વ્રત ઘડી રાખ્યાં હતાં. તેનો અર્થ હાજર રહેલાંને ખૂબ સમજાવી તેમને લેવા દીધાં. થોડી હાજરીથી મને આશ્ચર્ય ન થયું, દુઃખ પણ ન થયું પણ ધાંધલિયા કામની વચ્ચે ને ધીમા રચનાત્મક કામની વચ્ચેનો ભેદ અને પહેલાનો પક્ષપાત અને બીજાનો અણગમો ત્યારથી હું અનુભવતો આવ્યો છું.
પણ આ વિષયને નોખું પ્રકરણ આપવું પડશે.
સાતમીની રાતે હું દિલ્હી-અમૃતસર જવા નીકળ્યો. આઠમીએ મથુરા પહોંચતાં કંઈ ભણકાર આવ્યો કે કદાચ મને પકડશે. મથુરા પછી એક સ્ટેશને ગાડી ઊભી રહેતી હતી ત્યાં આચાર્ય ગિદવાણી મળ્યા. તેમણે હું પકડાવાનો છું એવા વિશ્વાસપાત્ર ખબર આપ્યા ને પોતાની સેવાની જરૂર હોય તો આપવા કહ્યું. મેં ઉપકાર માન્યો ને જરૂર પડયે સેવા લેવા નહીં ભૂલું એમ જણાવ્યું.
પલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ‘તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ‘હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’
પલવલ આવ્યું. મહાદેવ મારી સાથે હતા. તેમને દિલ્હી જઈ શ્રદ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. હુકમનો અનાદર કરી જે સજા હશે તે વહોરી લેવાનો નિશ્ચય કર્યો છે એમ કહે, અને સજા થતાં છતાં લોકોના શાંત રહેવામાં જ આપણી જીત છે એમ સમજાવે. એમ મહાદેવને કહ્યું.
પલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો. દિલ્હીથી આવતી કોઈ ટ્રેનમાં ત્રીજા વર્ગના ડબ્બામા મને બેસાર્યો, સાથે પોલીસની પાર્ટી બેઠી. મથુરા પહોંચતાં મને પોલીસ બૅરેકમાં લઈ ગયા. મારું શું થશે ને ક્યાં લઈ જવાનો છે એ કંઈ અમલદાર મને કહી ન શક્યો. સવારના ચાર વાગ્યે મને ઉઠાડયો ને માલની ગાડી મુંબઈ તરફ જતી હતી તેમાં મને લઈ લઈ ગયા. બપોરના સવાઈમાધુપુર ઉતારી મૂક્યો. ત્યાં મુંબઈની મેલ ટ્રેનમાં લાહોરથી ઇન્સ્પેક્ટર બોરિંગ આવ્યા. તેમણે મારો કબજો લીધો.
હવે મને પહેલા વર્ગમાં ચડાવ્યો. સાથે સાહેબ બેઠા. અત્યાર લગી હું સામાન્ય કેદી હતો. હવે ‘જેન્ટલમૅન કેદી’ ગણાવા લાગ્યો. સાહેબે સર માઇકલ ઓડવાયરનાં વખાણ શરૂ કર્યાં. તેમને મારી સામે તો કંઈ જ નથી, પણ મારા પંજાબમાં જવાથી તેમને અશાંતિનો પૂરો ભય છે વગેરે કહી, મારી મેળે પાછા જવા ને ફરી પંજાબની સરહદ ન ઓળંગવા વીનવ્યો. મેં તેમને કહી દીધું કે, મારાથી હુકમનો અમલ નહીં થઈ શકે ને સ્વેચ્છાએ હું પાછો જવા તૈયાર નથી. એટલે સાહેબે લાચારીથી કાયદાનો અમલ કરવાની વાત કરી. ‘પણ મારું શું કરવા ધારો છો એ કહેશો?’ મેં પૂછયું. તો કહે, ‘મને ખબર નથી. મને બીજા હુકમ મળવા જોઈએ. હમણાં તો તમને હું મુંબઈ લઈ જાઉં છું.’
સુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મારો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ‘તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઇન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી. તે રાજી થયો ને ઉપકાર માન્યો. મરીન લાઇન્સ ઊતર્યો. ત્યાં કોઈ ઓળખીતાની ઘોડાગાડી જોઈ. તે મને રેવાશંકર ઝવેરીને ઘેર મૂકી ગયા. તેમણે મને ખબર આપ્યાઃ ‘તમારા પકડાવાના ખબર મળવાથી લોકો ગુસ્સામાં આવી ગયા છે ને ગાંડા જેવા બની ગયા છે. પાયધૂની પાસે હુલ્લડનો ભય છે. મૅજિસ્ટ્રેટ અને પોલીસ ત્યાં પહોંચી ગયા છે.’
હું ઘેર પહોંચ્યો તેવામાં ઉમર સોબાની અને અનસૂયાબહેન મોટરમાં આવ્યાં ને મને પાયધૂની લઈ જવા કહ્યું: ‘લોકો અધીરા થઈ ગયા છે ને ઉશ્કેરાયા છે. અમારા કોઈથી શાંત રહે તેમ નથી. તમને જોશે તો શાંત થશે.’
હું મોટરમાં બેસી ગયો. પાયધૂની પહોંચતાં જ રસ્તામાં મોટી મેદની જોવામાં આવી. લોકો મને જોઈને હર્ષઘેલા થયા. હવે સરઘસ બન્યું. ‘વંદે માતરમ્’ ‘અલ્લાહો અકબર’ના અવાજથી આકાશ ચિરાયું. પાયધૂની ઉપર ઘોડેસવારોને જોયા. ઉપરથી ઈંટોના વરસાદ વરસતા હતા. હું લોકોને શાંત થવા હાથ જોડીને વીનવતો હતો. પણ અમે પણ આ ઈંટના વરસાદમાંથી બચીએ એમ ન લાગ્યું.
અબદુર રેહમાન ગલીમાંથી ફ્રૉફર્ડ મારકેટ તરફ જતા સરઘસને અટકાવવા સારુ ઘોડેસવારોની ટુકડી સામેથી આવી પહોંચી. સરઘસને કોટ તરફ જતું અટકાવવા તેઓ મથતા હતા. લોકો માતા નહોતા. લોકોએ પોલીસની લાઇનને ચીરીને આગળ ધસારો કર્યો. મારો અવાજ સંભળાય તેમ નહોતું. આ ઉપરથી ઘોડેસવારની ટુકડીના ઉપરીએ ટોળાને વિખેરવાનો હુમક કર્યો, ને ભાલા ઉગામતી આ ટુકડીએ એકદમ ઘોડાને છોડી મૂક્યા. તેમાંનું ભાલું અમારો પણ નિકાલ કરે તો નવાઈ નહીં એવો મને ભય લાગ્યો. પણ એ ભયમાં વજૂદ નહોતું. પડખે થઈને બધાં ભાલાં રેલગાડી વેગે સરી જતાં હતાં. લોકોના ટોળામાં ભંગાણ પડયું. દોડાદોડ મચી. કોઈ કચરાયા, કોઈ ઘવાયા. ઘોડેસવારને નીકળવા સારુ મારગ નહોતો. લોકોને આસપાસ વીખરાવાનો મારગ નહોતો. તેઓ પાછા ફરે તોયે પાછળ હજારો ચસોચસ ભરાયા હતા. બધો દેખાવ ભયંકર લાગ્યો. ઘોડેસવારો અને લોકો બંને ગાંડા જેવા લાગ્યા. ઘોડેસવારો કંઈ જોતા કે જોઈ શકતા નહોતા. તેઓ તો વાંકા વળી ઘોડાને દોડાવી રહ્યા હતા. જેટલી ક્ષણ આ હજારોના ટોળાને ચીરવામાં ગઈ તેટલી ક્ષણ લગી તેઓ કંઈ દેખી જ ન શકે એમ મેં જોયું.
લોકોને આમ વિખેર્યા ને રોક્યા. અમારી મોટરને આગળ જવા દીધી. મેં કમિશનરની ઑફિસ આગળ મોટર રોકાવી ને હું તેની પાસે પોલીસની વર્તણૂકને સારુ ફરિયાદ કરવા ઊતર્યો.
* અહીં ‘ઠાકુરદ્વાર’ને બદલે ‘માધવબાગ’ વાંચવું. અત્યાર સુધીની અંગ્રેજી તેમ જ ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવેલી છે. એ વખતે ગાંધીજીની સાથે રહેનારા શ્રી મથુરદાસ ત્રિકમજીએ એ ભૂલ સુધરાવી હતી.
Feedback/Errata