આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.
૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા એની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષના બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.
વાંચનાર ન સમજે કે હું સગાઈની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્ન, સગાઈ નહીં. સગાઈ એટલે બે બાળકોને પરણાવવાનો માબાપો વચ્ચે થયેલો કરાર. સગાઈ તૂટી શકે. સગાઈ થઈ હોય છતાં વર મરે તો કન્યા રાંડતી નથી. સગાઈમાં વરકન્યાને કશો સંબંધ નથી રહેતો. બન્નેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઈ થયેલી. ત્રણે સગાઈ ક્યારે થઈ એની મને કશીયે ખબર નથી. બે કન્યાઓ એક પછી એક મરી ગઈ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઈઓ થયેલી. ત્રીજી સગાઈ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઈક સ્મરણ છે. પણ સગાઈ થઈ ત્યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્યાની જરૂર પડે છે, તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે વિવાહનું સ્મરણ મને પૂરેપૂરું છે.
અમે ત્રણ ભાઈઓ હતા એ વાંચનારે જાણ્યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂક્યા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ચય કર્યો.
આમાં અમારા કલ્યાણની વાત નહોતી. અમારી ઇચ્છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.
હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્તુ નથી. વરકન્યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, દાગીના બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઈ થાય. બૈરાંઓ, સૂર હોય કે નહોય તોપણ, ગાણાં ગાઈ ગાઈ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્યાં અવસર આવે ત્યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.
આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું? ખરચ ઓછો થાય છતાં વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ચય થયો, અને તેમાં, મેં જણાવ્યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી.
અમે ભાઈઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાંજા વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્મરણ નથી. વિષય ભોગવવાની વૃત્તિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્તુની વિગતોને મેં જે મધ્યબિંદુ મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે.
અમને બે ભાઈઓને રાજકોટથી પોરબંદર લઈ જવામાં આવ્યા. ત્યાં જે પીઠી ચોળવા ઇત્યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્ય છે.
પિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજપ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જ્યારે જવા દીધા ત્યારે ખાસ ટપ્પા ગોઠવ્યા અને બે જ દિવસ અગાઉ મોકલ્યા. પણ – ! પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્યા. છેલ્લી મજલમાં ટાંગો ઊંધો વળ્યો. પિતાજીને સખત વાગ્યુઃ હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઈ ફરે? હું તો વિવાહના બાળઉલ્લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો!
પિતૃભક્ત તો ખરો જ. પણ વિષયભક્ત પણ એવો જ ના? અહીં વિષયનો અર્થ એક ઈદ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભક્તિ પાછળ સર્વ સુખનો ત્યાગ કરવો જોઈએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્છાની શિક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્યો, જે મને આજ લગી સાલે છે. જ્યારે જ્યારે નિષ્કુળાનંદનું
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાયજી
ગાઉં છું અથવા સાંભળું છું ત્યારે ત્યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે.
બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઈ કઈ જગ્યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઈ મારા મને તે વેળા થોડી જ કરી હતી? તે વેળા તો બધું યોગ્ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્મરણો તાજાં છે.
માહ્યરે બેઠાં, ચોરીફેરા ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્યો. અને વરવહુ ત્યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રિ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્યે સંસારમાં ઝંપલાવ્યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પૂછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ આવે છે. એકબીજાથી શરમાતાં તો હતા જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું? મળેલી શિખામણ પણ મદદ શું કરે? પણ કંઈ શીખવવું તે પડે? જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતાં થયાં, બોલતાં થયાં. અમે બન્ને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું.
Feedback/Errata