‘ઝૂલુબંડ’માં મને ઘણા અનુભવો થયા ને બહુ વિચારો કરવાનું મળ્યું. બોઅર યુદ્ધમાં લડાઈની ભયંકરતા મને એટલી નહોતી લાગી જેટલી અહીં લાગી. અહીં લડાઈ નહીં પણ મનુષ્યનો શિકાર હતો એમ, મને જ નહીં પણ, કેટલાક અંગ્રેજો જેમની સાથે વાતો થતી તેમને પણ લાગેલું. સવારના પહોરમાં લશ્કર જઈને ગામડામાં ફટાકા ફોડતું હોય તેમ તેમની બંદૂકોના અવાજ અમને દૂર રહેલાને આવતા. આ અવાજો સાંભળવા ને આમાં રહેવું મને બહુ વસમું લાગ્યું. પણ હું કડવો ઘૂંટડો પી ગયો અને મારે હાથે જે કામ આવ્યું તે તો કેવળ ઝૂલુ લોકની સેવાનું જ આવ્યું. અમે જો ન જોડાયા હોત તો બીજા કોઈ આ સેવા ન કરત એ તો હું જોઈ શક્યો. આથી મેં મારા અંતરાત્માને શાંત કર્યો.
અહીં વસ્તુ બહુ ઓછી હતી. પહાડો અને ખીણોમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૂબાઓ સિવાય બીજું કંઈ નહોતું. તેથી દૃશ્ય ભવ્ય લાગતું હતું. માઈલોના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો.
અહીં મારા બ્રહ્મચર્ય વિશેના વિચારો પરિપક્વ થયા. મારા સાથીઓની જોડે પણ મેં તેની કેટલીક ચર્ચા કરી. ઈશ્વરદર્શનને સારુ બ્રહ્મચર્ય અનિવાર્ય વસ્તુ છે એ તો મને હજુ પ્રત્યક્ષ નહોતું થયું. પણ સેવાને અર્થે આવશ્યક છે એમ હું સ્પષ્ટ જોઈ શક્યો. મને લાગ્યું કે, આવા પ્રકારની સેવા તો મારે ભાગે વધારે ને વધારે આવશે, અને જો હું ભોગવિલાસમાં, પ્રજોત્પત્તિમાં, સંતતિઉછેરમાં રોકાઉં તો મારાથી સંપૂર્ણ સેવા નહીં થઈ શકે; મારાથી બે ઘોડે નહીં ચડાય. જો પત્ની સગર્ભા હોત તો હું નિશ્ચિત મને આ સેવામાં ન જ ઝંપલાવી શકત. બ્રહ્મચર્યના પાલન વિના કુટુંબવૃદ્ધિ એ સમાજના અભ્યુદય માટેના મનુષ્યના પ્રયત્નની વિરોધી વસ્તુ થઈ પડે. વિવાહિત હોવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરાય તો કુટુંબસેવા સમાજસેવાની વિરોધી ન થાય. આવા વિચારોના વમળમાં પડી ગયો ને વ્રત લઈ લેવા કંઈક અધીરો પણ બન્યો. આ વિચારોથી મને એક પ્રકારનો આનંદ આવ્યો ને મારો ઉત્સાહ વધ્યો. કલ્પનાએ સેવાનું ક્ષેત્ર બહુ વિશાળ કરી મૂક્યું.
આ વિચારો મનમાં ઘડી રહ્યો હતો ને શરીરને કસી રહ્યો હતો તેવામાં, બંડ શમી જવા આવ્યું છે ને અમને રજા મળશે એવી અફવા કોઈ લાવ્યું. બીજે દિવસે તો અમને ઘેર જવાની રજા મળી. ને ત્યાર બાદ થોડાજ દિવસમાં બધા પોતપોતાને ઘેર પહોંચ્યા. આ પછી થોડાક સમયમાં ગવર્નરે ઉપલી સેવાને સારુ મારા ઉપર આભારપ્રદર્શનનો ખાસ કાગળ મોકલ્યો.
ફિનિક્સમાં પહોંચી મેં તો બ્રહ્મચર્યની વાત બહુ રસપૂર્વક છગનલાલ, મગનલાલ, વેસ્ટ, ઇત્યાદિ આગળ કરી. બધાને તે વાત ગમી. બધાએ તેની આવશ્યકતાનો સ્વીકાર કર્યો. બધાને પાલનની મહામુશ્કેલી પણ લાગી. કેટલાકે પ્રયત્ન કરવાની હિંમત પણ કરી, ને કેટલાક તેમાં સફળ થયા એવી મારી માન્યતા છે.
મેં વ્રત લઈ લીધું કે હવે પછી જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું. આ વ્રતનું મહત્ત્વ અને તેની મુશ્કેલી હું તે વેળા સંપૂર્ણતાએ નહોતો સમજી શક્યો. તેની મુશ્કેલીનો અનુભવ આજ લગી કર્યા કરું છું. તેનું મહત્ત્વ દિવસે દિવસે વધારે ને વધારે જોઉં છું. તેના વિનાનું જીવન મને શુષ્ક અને જાનવરના જેવું લાગે છે. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશિત બનવામાં છે. બ્રહ્મચર્યની જે સ્તુતિ ધર્મગ્રંથોમાં જોવામાં આવે છે તેમાં પૂર્વે અતિશયોક્તિ લાગતી તેને બદલે હવે તે યોગ્ય છે ને અનુભવમૂલક થયેલી છે એમ દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતું જાય છે.
જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય. શારીરિક અંકુશથી બ્રહ્મચર્યનો આરંભ થાય છે. પણ શુદ્ધ બ્રહ્મચર્યમાં તો વિચારની મલિનતા પણ ન હોવી જોઈએ. સંપૂર્ણ બ્રહ્મચારીનાં સ્વપ્નાંમાં પણ વિકારી વિચાર ન હોય, ને જ્યાં સુધી વિકારી સ્વપ્નાં સંભવે ત્યાં લગી બ્રહ્મચર્યમાં બહુ અપૂર્ણ છે એમ માનવું જોઈએ.
મને કાયિક બ્રહ્મચર્યના પાલનમાં પણ મહા કષ્ટ વેઠવું પડયું છે. અત્યારે એમ કહી શકાય કે તેને વિશે હું નિર્ભય બન્યો છું. પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી. મારા પ્રયત્નમાં ન્યૂનતા હોય એમ મને લાગતું નથી. પણ ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઇચ્છીએ તે વિચારો આપણા પર ચડાઈ કરે છે તે હું હજુ જાણી નથી શક્યો. વિચારોને પણ રોકવાની ચાવી મનુષ્યની પાસે છે એ વિશે મને શંકા નથી. પણ એ ચાવી દરેકે પોતાને સારુ શોધવાની રહી છે એવા નિર્ણય ઉપર અત્યારે તો હું આવ્યો છું. મહાપુરુષો આપણે સારુ પોતાના અનુભવો મૂકી ગયા છે તે માર્ગદર્શક છે. તે સંપૂર્ણ નથી. સંપૂર્ણતા એ કેવળ પ્રભુપ્રસાદી છે, અને તેથી જ ભક્તો પોતાની તપશ્ચર્યાથી પુનિત કરેલા અને આપણને પાવન કરનારા રામનામાદિ મંત્રો મૂકી ગયા છે. સંપૂર્ણ ઈશ્વરાર્પણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ જય ન જ મળી શકે. આ વચન બધાં ધર્મપુસ્તકોમાં વાંચ્યું છે ને તેનું સત્ય હું આ બ્રહ્મચર્યના સૂક્ષ્મતમ પાલનના પ્રયત્નને વિશે અનુભવી રહ્યો છું.
પણ મારાં વલખાંનો થોડોઘણો ઇતિહાસ તો હવેનાં પ્રકરણોમાં આવવાનો જ છે. આ પ્રકરણને અંતે તો એટલું જ કહી દઉં કે મારા ઉત્સાહમાં મને પ્રથમ તો વ્રતનું પાલન સહેલું લાગ્યું. એક ફેરફાર તો મેં વ્રતની સાથે જ કરી નાખ્યો. પત્નીની સાથે એક પથારી અથવા એકાંતનો ત્યાગ કર્યો. આમ જે બ્રહ્મચર્યનું ઇચ્છાએઅનિચ્છાએ ૧૯૦૦ની સાલથી હું પાલન કરતો આવ્યો છું તેનો વ્રતથી આરંભ ૧૯૦૬ના વચગાળેથી થયો.
Feedback/Errata