ભાગ ચોથો

૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી

ડરબનમાં ઘર માંડેલું તેમાં ફેરફારો તો કર્યા જ હતા. મોટું ખર્ચ રાખેલું છતાં વલણ સાદાઈ તરફ હતું. પણ જોહાનિસબર્ગમાં ‘સર્વોદય’ના વિચારોએ વધારે ફેરફાર કરાવ્યા.

બારિસ્ટરના ઘરમાં જેટલી સાદાઈ રાખી શકાય તેટલી તો દાખલ કરી જ. છતાં કેટલાંક રાચરચીલાં વિના ચલાવવું મુશ્કેલ હતું. ખરી સાદાઈ તો મનની વધી. દરેક કામ પોતાને હાથે કરવાનો શોખ વધ્યો, ને તેમાં બાળકોને પણ પલોટવાનું આરંભ્યું.

બજારની રોટી લેવાને બદલે ઘેર ખમીર વિનાની ક્યુનેની સૂચના પ્રમાણેની રોટી હાથે બનાવવાનું શરૂ કર્યું. આમાં મિલનો આટો કામ ન આવે. વળી મિલનો દળેલો આટો વાપરવા કરતાં હાથે દળેલો વાપરવામાં સાદાઈ, આરોગ્ય ને દ્રવ્ય વધારે સચવાતાં હતાં એમ માન્યું. એટલે હાથે ચલાવવાની એક ઘંટી સાત પાઉન્ડ ખરચી ખરીદી. આને વજનદાર પૈડું હતું. તે બે માણસો સહેલાઈથી ચલાવે, એકલાને કષ્ટ પડે. આ ઘંટી ચલાવવામાં પોલાક, હું અને બાળકો મુખ્યત્વે રોકાતા. કોઈ કોઈ વેળા કસ્તૂરબાઈ પણ આવતી. જોકે તેનો તે સમય રસોઈ કરવામાં રોકાયેલો હોય. મિસિસ પોલાક આવ્યાં ત્યારે તે પણ તેમાં જોડાયા. આ કસરત બાળકોને માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઈ કામ મેં બળાત્કારે કદી નથી કરાવ્યું, પણ તેઓ સહેજે રમત સમજીને પૈડું ચલાવવા આવતા. થાકે ત્યારે છોડી દેવાની તેમને છૂટ હતી. પણ કોણ જાણે શું કારણ હશે કે, આ બાળકો અગર બીજા જેમની ઓળખ આપણે હવે પછી કરવાની છે તેમણે મને તો હમેશાં ખૂબ જ કામ આપ્યું છે. ઠરડા બાળકો મારે નસીબે હતા જ, પણ ઘણાખરા સોંપેલું કામ હોંશથી કરતા. ‘થાક્યા’ એમ કહેનારા એ યુગના થોડા જ બાળકો મને યાદ છે.

ઘર સાફ કરવાને સારુ એક નોકર હતો. તે કુટુંબી થઈને રહેતો. ને તેના કામમાં બાળકો પૂરો હિસ્સો આપતા. પાયખાનું ઉપાડી જનાર તો મ્યુનિસિપાલિટીનો નોકર આવતો, પણ પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કામ નોકરને સોંપવામાં નહોતું આવતું; તેવી આશા પણ નહોતી રાખવામાં આવતી. આ કામ અમે જાતે કરતાં ને તેમાં પણ બાળકોને તાલીમ મળતી. પરિણામ એ આવ્યું કે, મૂળથી જ મારા એક પણ દીકરાને પાયખાનાં સાફ કરવાની સૂગ નથી રહેલી, ને આરોગ્યના સામાન્ય નિયમો પણ તેઓ સહેજે શીખ્યા છે. જોહાનિસબર્ગમાં કોઈ માંદા તો ભાગ્યે જ પડતા. પણ જો માંદગીનો પ્રસંગ આવે તો સેવાકામમાં બાળકો હોય જ; ને તેઓ આ કામ ઘણી ખુશીથી કરતા.

તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહીં કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારુ મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઈક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમને અક્ષરજ્ઞાન આપવાની ઇચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક ને કંઈક વિઘ્ન આવી પડતું. તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઑફિસે લઈ જતો. ઑફિસ અઢી માઈલ હતી. એટલે સવારસાંજ મળી ઓછામાં ઓછી પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઈક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તેયે જો મારી સાથે બીજા કોઈ ચાલનાર ન હોય તો. ઑફિસમાં તેઓ અસીલોના ને મહેતાઓના પ્રસંગમાં આવે, કંઈક વાંચવાનું આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઊછર્યાં. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામ્યા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે. સહુથી મોટા દીકરાએ તેનો બળાપો અનેક વેળા મારી પાસે તેમ જ જાહેરમાં કાઢયો છે. બીજાઓએ હૃદયની ઉદારતા વાપરી એ દોષને અનિવાર્ય સમજી દરગુજર કર્યો છે. આ ઊણપને સારુ મને પશ્ચાત્તાપ નથી; અથવા છે તો એટલો જ કે હું આદર્શ બાપ ન નીવડયો. પણ તેમના અક્ષરજ્ઞાનનો હોમ પણ મેં ભલે અજ્ઞાનથી છતાં સદ્ભાવે માનેલી સેવાને અર્થે કર્યો છે એવો મારો અભિપ્રાય છે. તેમનાં ચારિત્ર ઘડવા પૂરતું જે કંઈ કરવું ઘટે તે કરવામાં મેં ક્યાંય ઊણપ નથી રાખી એમ કહી શકું છે. ને પ્રત્યેક માબાપની આ અનિવાર્ય ફરજ છે એમ હું માનું છું. મારી મહેનત છતાં મારા તે બાળકોના ચારિત્રમાં જ્યાં ખામી જોવામાં આવી છે તે અમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે એવી મારી દૃઢ માન્યતા છે.

છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઇત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.

પોલાક અને મારી વચ્ચે આ બાળકોની અંગ્રેજી કેળવણી વિશે કેટલીક વાર તીખો સંવાદ થયેલો. મેં અસલથી જ માનેલું છે કે, જે હિંદી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. મેં એમ પણ માન્યું છે કે, આથી બાળકો પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમ જ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને લીધે હું હમેશાં ઇરાદાપૂર્વક બાળકોની સાથે ગુજરાતીમાં જ વાતો કરતો. પોલાકને આ ન ગમતું. હું બાળકોના ભવિષ્યને બગાડું છું એવી તેમની દલીલ હતી. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ ગળે ન ઊતરી, મને હવે સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે મારી હઠ જોઈને શાંતિ પકડેલી. આ સંવાદને લગભગ વીસ વર્ષ થયાં. છતાં મારા આ વિચારો જે મેં તે વેળા ધરાવેલા તે જ અનુભવે વધારે દૃઢ થયા છે. અને જોકે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમને અને દેશને લાભ જ થયો છે. ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી થઈ રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતા ને સામાન્ય લખતા થઈ ગયા.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.