મજૂરોની હડતાળ પૂરી થયા પછી મને દમ લેવાનો વખત પણ ન રહ્યો ને મારે ખેડા જિલ્લાના સત્યાગ્રહનું કામ હાથ ધરવું પડયું. ખેડા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી મહેસૂલ માફ કરાવવાને સારુ ખેડાના પાટીદાર મથી રહ્યા હતા. આ બાબતમાં શ્રી અમૃતલાલ ઠક્કરે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો. હું કંઈ પણ ચોક્કસ સલાહ આપું તે પહેલાં કમિશનરને મળ્યો. શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ પરીખ અથાગ મહેનત કરી રહ્યા હતા. સ્વ. ગોકળદાસ કહાનદાસ પારેખ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મારફતે ધારાસભામાં તેઓ હિલચાલ કરી રહ્યા હતા. સરકાર પાસે ડેપ્યુટેશનો ગયાં હતાં.
આ વખતે હું ગુજરાત સભાનો પ્રમુખ હતો. સભાએ કમિશનર ને ગવર્નરને અરજીઓ કરી, તારો કર્યા, અપમાનો સહન કર્યા. તેમની ધમકીઓ સભા પી ગઈ. એ વખતનો અમલદારોનો દોર આ વખતે તો હાસ્યજનક લાગે છે. અમલદારોની એ વેળાની છેક હલકી વર્તણૂક અસંભવિત જેવી લાગે છે.
લોકોની માગણી એવી સાફ ને એવી હળવી હતી કે એને સારુ લડત લડવાપણું હોય જ નહીં. જો પાક ચાર જ આની કે તેથી ઓછો હોય તો તે વર્ષને સારુ મહેસૂલ માફ થવું જોઈએ એવી જાતનો ધારો હતો. પણ સરકારના અમલદારોની આંકણી ચાર આની કરતાં વધારે હતી. લોકો તરફથી પુરવાર કરવામાં આવતું હતું કે આંકણી ચાર આનીથી નીચે હોવી જોઈએ. સરકાર માને જ શાને? લોકો તરફથી પંચ નીમવાની માગણી થઈ. સરકારને તે અસહ્ય લાગી. જેટલી વીનવણી થઈ શકે તેટલી કર્યા બાદ ને સાથીઓની સાથે મસલત કર્યા બાદ સત્યાગ્રહ કરવાની મેં સલાહ આપી.
સાથીઓમાં ખેડા જિલ્લાના સેવકો ઉપરાંત મુખ્યત્વે શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી શંકરલાલ બýકર, શ્રી અનસૂયાબહેન, શ્રી ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, શ્રી મહાદેવ દેસાઈ વગેરે હતાં. વલ્લભભાઈ પોતાની મોટી ને વધતી જતી વકીલાતનો ભોગ આપી આવ્યા હતા. ત્યાર પછીથી તે ઠરી બેસીને વકીલાત કરી જ શક્યા નથી એમ કહીએ તો ચાલે.
અમે નડિયાદ અનાથાશ્રમમાં વાસ કર્યો. અનાથાશ્રમમાં વાસ કરવામાં કોઈ વિશેષતા ન માને. નડિયાદમાં એના જેવું કોઈ બીજું એટલા બધા માણસને સંઘરી શકે એવું છૂટું મકાન નહોતુ. છેવટે નીચે પ્રમાણેની પ્રતિજ્ઞામાં દસ્કત લેવાયાઃ
“અમારા ગામનો પાક ચાર આથીથી ઓછો થયો છે, એમ અમે જાણીએ છીએ. અમે તેટલા કારણસર મહેસૂલ વસૂલ કરવાનું આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની સરકારને અરજ કરી, છતાં બંધ કરવામાં આવ્યું નથી. તેથી અમે નીચે સહી કરનાર પ્રતિજ્ઞા કરીએ છીએ કે, અમે સરકારની મહેસૂલ આ વર્ષની પૂરી કે જે બાકી રહી હોય તે નહીં ભરીએ; પણ તે વસૂલ કરવા સરકારને જે કાયદેસર પગલાં ભરવાં હશે તે ભરવા દઈશું અને તેથી થતાં દુઃખ સહન કરીશું. અમારી જમીન ખાલસા થશે તોપણ અમે થવા દઈશું. પણ અમારે હાથે પૈસા ભરીને જૂઠા ઠરી સ્વમાન નહીં ગુમાવીએ. જો ના. સરકાર બીજો હપતો બાકી રહેલી બધી જગ્યાએ મુલતવી રાખે તો અમારામાં જે શક્તિમાન હોઈશું તે પૂરી અગર બાકી રહેલી મહેસૂલ ભરવા તૈયાર છીએ. અમારામાંના જે શક્તિમાન છે તેઓને મહેસૂલ ન ભરવાનું કારણ એ છે કે, જો શક્તિમાન ભરે તો અશક્તિમાન ગભરાટમાં પોતાની ગમે તે ચીજ વેચીને કરજ કરીને મહેસૂલ ભરે અને દુઃખ ભોગવે. એવી હાલતમાંથી ગરીબોનો બચાવ કરવો એ શક્તિમાનની ફરજ છે એવી અમારી માન્યતા છે.”
આ લડતને હું વધારે પ્રકરણો નહીં આપી શકું. તેથી ઘણાં મીઠાં સ્મરણો છોડવાં પડશે. જેઓ આ મહત્ત્વી લડતનો ઊંડો અભ્યાસ કરવા ઇચ્છે તેમને શ્રી શંકરલાલ પરીખે લખેલો ખેડાની લડતનો સવિસ્તર સત્તાવાર ઇતિહાસ વાંચી જવાની મારી ભલામણ છે.
Feedback/Errata