ભાગ ત્રીજો

૨૨. ધર્મસંકટ

મેં ઑફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. પણ ઈશ્વરે મને સ્થિર થવા ન દીધો. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા તેટલામાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજ્વરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રે સન્નિપાતનાં ચિહ્ન પણ જણાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તે શીતળા પણ ખૂબ નીકળેલાં.

દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું: ‘તેને સારુ દવા થોડું જ કામ કરશે. તેને ઈંડાં અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’

મણિલાલની ઉંમર દસ વર્ષની હતી. તેને તો મારે શું પૂછવાપણું હોય? હું તેને વાલી રહ્યો. મારે જ નિર્ણય કરવો રહ્યો. દાક્તર એક બહુ ભલા પારસી હતા. ‘દાક્તર, અમે તો બધાં અન્નાહારી છીએ. મારો વિચાર મારા દીકરાને એ બેમાંથી એકે વસ્તુ આપવાનો નથી થતો. બીજું કંઈ ન બતાવો?’

દાક્તર બોલ્યા, ‘તમારા દીકરાનો જાન જોખમમાં છે. દૂધ અને પાણી મેળવીને અપાય, પણ તેથી તેનું પૂરું પોષણ નહીં થઈ શકે. તમે જાણો છો તેમ, હું તો ઘણાં હિંદુ કુટુંબોમાં જાઉં છું. પણ દવાને સારુ તો અમે ગમે તે વસ્તુ આપીએ તે તેઓ લે છે. મને તો લાગે છે કે, તમે તમારા દીકરા ઉપર આવી સખતી ન કરો તો સારું.’

‘તમે કહો છો એ તો સાચું જ છે. તમારે એમ જ કહેવું ઘટે. મારી જવાબદારી બહુ મોટી છે. દીકરો મોટો થયો હોત તો તો હું જરૂર તેની મરજી જાણવા પ્રયત્ન કરત ને તે ઇચ્છત તેમ કરવા દેત. અહીં તો મારે જ આ બાળકને સારુ વિચાર કરવાનું રહ્યું. મને તો લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી આવે જ સમયે થાય. ખરોખોટો પણ મેં એવો ધર્મ માન્યો છે કે, મનુષ્યે માંસાદિક ન ખાવાં જોઈએ. જીવનમાં સાધનોની પણ હદ હોય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણને ન કરીએ. મારા ધર્મની મર્યાદા મને, મારે સારું ને મારાંને સારુ, આવે વખતે પણ માંસ ઇત્યાદિનો ઉપયોગ કરતાં રોકે છે. એટલે મારે તમે ધારો છો તે જોખમ વેઠયે જ છૂટકો છે. પણ તમારી પાસેથી એક વસ્તુ માગી લઉં છું. તમારા ઉપચારો તો હું નહીં કરું, પણ મને આ બાળકની છાતી, નાડ ઇત્યાદિ તપાસતાં નહીં આવડે. મને પોતાને પાણીના ઉપચારોની થોડી ગમ છે. તે ઉપચારો કરવા હું ધારું છું. પણ જો તમે અવારનવાર મણિલાલની તબિયત જોવા આવતા રહેશો ને તેના શરીરમાં થતા ફેરફારોની મને ખબર આપશો, તો હું તમારો આભાર માનીશ.’

ભલા દાક્તર મારી મુશ્કેલી સમજ્યા ને મારી માગણી મુજબ મણિલાલને જોવા આવવા કબૂલ કર્યું.

જોકે મણિલાલ પોતાની પસંદગી કરી શકે એમ તો નહોતું, છતાં મેં તેને દાક્તરની સાથે થયેલી વાત કરી ને તેનો વિચાર જણાવવા કહ્યું.

‘તમે પાણીના ઉપચાર સુખેથી કરો. મારે સેરવો નથી પીવો ને ઈંડાં નથી ખાવાં.’

આ વચનથી હું રાજી થયો. જોકે હું સમજતો હતો કે, જો મેં તેને એ બન્ને ચીજ ખવડાવી હોત તો ખાત પણ ખરો.

હું ક્યુનીના ઉપચારો જાણતો હતો. તેના અખતરા પણ કર્યા હતા. દરદમાં ઉપવાસને મોટું સ્થાન છે એ પણ જાણતો હતો. મેં મણિલાલને ક્યુનીની રીત પ્રમાણે કટિસ્નાન આપવાનું શરૂ કર્યું. ત્રણ મિનિટથી વધારે વખત હું તેને ટબમાં રાખતો નહીં. ત્રણ દિવસ તો કેવળ નારંગીના રસની સાથે પાણી મેળવી તે ઉપર રાખ્યો.

તાવ હઠે નહીં. રાત્રે કંઈ કંઈ બકે. તાવ ૧૦૪ ડિગ્રી લગી જાય. હું ગભરાયો. જો બાળકને ખોઈ બેસીશ તો જગત મને શું કહેશે? મોટાભાઈ શું કહેશે? બીજા દાક્તરને કાં ન બોલાવાય? વૈદ્યને કેમ ન બોલાવવા? પોતાની જ્ઞાનહીત અક્કલ ડહોળવાનો માબાપને શો અધિકાર છે?

આવા વિચારો આવે. વળી આમે વિચારો આવેઃ

જીવ! તું તારે સારુ કરે તે દીકરાને સારુ કરે તો પરમેશ્વર સંતોષ માનશે. તને પાણીના ઉપચાર પર શ્રદ્ધા છે, દવા ઉપર નથી. દાક્તર જીવનદાન નહીં આપે. તેનાયે અખતરા છે. જીવનદોરી તો એક ઈશ્વરના જ હાથમાં છે. ઈશ્વરનું નામ લઈને, તેના ઉપર શ્રદ્ધા રાખી. તું તારો માર્ગ ન છોડ.

આમ ધાલાવેલી મનમાં ચાલતી હતી. રાત પડી. હું મણિલાલને પડખામાં લઈને સૂતો હતો. મેં તેને ભીના નીચોવેલો ચોફાળમાં લપેટવાનો નિશ્ચય કર્યો. હું ઊઠયો. ચોફાળ લીધો. ઠંડા પાણીમાં ઝબોળ્યો. નિચોવ્યો. તેમાં પગથી ડોક સુધી તેને લપેટયો. ઉપર બે ધાબળીઓ ઓઢાડી. માથા ઉપર ભીનો ટુવાલ મૂક્યો. તાવ લોઢી જેવો તપી રહ્યો હતો. શરીર તદ્દન સૂકું હતું. પસીનો આવતો જ નહોતો.

હું ખૂબ થાક્યો હતો. મણિલાલને તેની માને સોંપી હું અરધા કલાકને સારુ જરા હવા ખાઈ તાજો થવા ને શાંતિ મેળવવા ચોપાટી ઉપર ગયો. રાતના દશેક વાગ્યા હશે. માણસોની આવજા ઓછી થઈ ગઈ હતી. મને થોડું જ ભાન હતું. હું વિચારસાગરમાં ડૂબકી મારી રહ્યો હતો. હે ઈશ્વર! આ ધર્મસંકટમાં તું મારી લાજ રાખજે. ‘રામ, રામ’નું રટણ તો મુખે હતું જ. થોડા આંટા મારી ધડકતી છાતીએ પાછો ફર્યો. જેવો ઘરમાં પેસું છું તેવો જ મણિલાલે પડકાર્યઃ ‘બાપુ, તમે આવ્યા?’

‘હા, ભાઈ.’

‘મને હવે આમાંથી કાઢોને. બળી મરું છું.’

‘કાં, પસીનો છૂટે છે શું?’

‘હું તો પલળી ગયો છું. હવે મને કાઢોને ભાઈસાબ!’

મેં મણિલાલનું કપાળ તપાસ્યું. માથે મોતિયા બાઝ્યા હતા. તાવ ઓછો થતો હતો. મેં ઈશ્વરનો પાડ માન્યો.

‘મણિલાલ, હવે તારો તાવ જશે. હજું થોડો સમય પરસેવો નહીં આવવા દે?’

‘ના ભાઈસાબ! હવે તો મને છોડાવો. વળી બીજી વાર એવું કરજો.’

મને ધીરજ આવી હતી. એટલે વાતો કરાવી થોડી મિનિટો ગાળી. કપાળેથી પરસેવાના રેલા ચાલ્યા. મેં ચાદર છોડી, શરીર લૂછયું, ને બાપદીકરો સાથે સૂઈ ગયા. બન્નેએ ખૂબ નિદ્રા લીધી.

સવારે મણિલાલનો તાવ હળવો જોયો. દૂધ ને પાણી તથા ફળ ઉપર તે ચાળીસ દિવસ રહ્યો. હું નિર્ભય બન્યો હતો. તાવ હઠીલો હતો, પણ કાબૂમાં આવ્યો હતો. આજે મારા બધા છોકરાઓમાં મણિલાલ શરીરે સહુથી વધારે મજબૂત છે.

તે રામની બક્ષિસ છે કે પાણીના ઉપચારની, અલ્પાહારની ને માવજતની, તેનું નિરાકરણ કોણ કરી શકે? સહુ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભલે કરે. મારી તો ઈશ્વરે લાજ રાખી એટલું મેં જાણ્યું ને આજ પણ એમ જ માનું છું.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.