ગોખલેની છાયા તળે રહી મેં બધો સમય ઘરમાં બેસીને ન ગાળ્યો.
મેં દક્ષિણ આફ્રિકાના મારા ખ્રિસ્તી મિત્રોને કહેલું કે હું હિંદુસ્તાની ખ્રિસ્તીઓને મળીશ, તેમની સ્થિતિ જાણીશ, કાલિચરણ બૅનરજીનું નામ મેં સાંભળ્યું હતું. તેઓ મહાસભામાં આગળ પડતો ભાગ લેતા, તેથી તેમને વિશે મને માન હતું. સામાન્ય હિંદી ખ્રિસ્તીઓ મહાસભાથી તેમ જ હિંદુ મુસલમાનથી અળગા રહેતા. તેથી તેમને વિશે અવિશ્વાસ હતો, ને કાલિચરણ બૅનરજીને વિશે નહોતો. મેં તેમને મળવા જવા વિશે ગોખલેને વાત કરી. તેમણે કહ્યું: ‘ત્યાં જઈને તમે શું લેશો? એ બહુ ભલા છે, પણ મને લાગે છે કે તેઓ તમને સંતોષ નહીં આપી શકે. હું તેમને સારી રીતે જાણું છું. છતાં તમારે જવું હોય તો સુખે જજો.’
મેં વખત માગેલો. તેમણે મને તુરત વખત આપ્યો ને હું ગયો. તેમને ઘેર તેમનાં ધર્મપત્ની મરણપથારીએ હતાં. તેમનું ઘર સાદું હતું. મહાસભામાં તેમને કોટપાટલૂનમાં જોયેલા. તેમના ઘરમાં તેમને બંગાળી ધોતી ને કુડતામાં જોયા. આ સાદાઈ મને ગમી. તે વખતે જોકે હું તો પારસી કોટપાટલૂનમાં હતો. છતાં મને આ પોશાક ને સાદાઈ બહુ ગમ્યાં. મેં તેમનો વખત ન ગુમાવતાં મારી ગૂંચવણો રજૂ કરી.
તેમણે મને પૂછયું: ‘તમે માનો છો કે આપણે પાપ લઈને જનમીએ છીએ?’
મેં કહ્યું, ‘હા જી.’
‘ત્યારે એ મૂળ પાપનું નિવારણ હિંદુ ધર્મમાં નથી ને ખ્રિસ્તી ધર્મમાં છે.’ આમ કહીને તેણે કહ્યું: ‘પાપનો બદલો મોત છે. એ મોતમાંથી બચવાનો માર્ગ ઈશુનું શરણ છે એમ બાઇબલ કહે છે.’
મેં ભગવદ્ગીતાનો ભક્તિમાર્ગ રજૂ કર્યો, પણ મારું બોલવું નિરર્થક હતું. મેં આ ભલા પુરુષનો તેમની ભલમનસાઈને સારુ ઉપકાર માન્યો. મને સંતોષ ન થયો, છતાં આ મુલાકાતથી મને લાભ જ થયો.
આ જ માસમાં હું કલકત્તાની ગલીએ ગલી રખડયો એમ કહું તો ચાલે. ઘણુંખરું કામ પગપાળો કરતો. આ સમયમાં જ ન્યાયમૂર્તિ મિત્રને મળ્યો, સર ગુરુદાસ બૅનરજીને મળ્યો. તેમની કુમક તો દક્ષિણ આફ્રિકાના કામ સારું જોઈતી હતી. રાજા સર પ્યારીમોહન મુકરજીનાં દર્શન પણ આ જ સમયે કર્યાં.
કાલિચરણ બૅનરજીએ મને કાલિના મંદિરની વાત કરી જ હતી. તે મંદિર જોવાની મને તીવ્ર ઇચ્છા હતી. તેનું વર્ણન મેં પુસ્તકમાં વાંચ્યું હતું. તેથી ત્યાં એક દિવસ જઈ ચડયો. ન્યાયમૂર્તિ મિત્રનું મકાન તે જ લત્તામાં હતું. એટલે જે દહાડે તેમને મળ્યો તે જ દહાડે કાલિમંદિરે પણ ગયો. રસ્તે બલિદાનનાં ઘેંટાંની વાત તો હારની હાર ચાલી જતી હતી. મંદિરની ગલીમાં પહોંચતાં જ ભિખારીઓની લંગાર લાગી રહેલી જોઈ. બાવાઓ તો હોય જ. મારો રિવાજ તે વખતે પણ હૃષ્ટપુષ્ટ ભિખારીને કશું ન આપવાનો હતો. ભીખ માગનારા તો ખૂબ વળગ્યા હતા.
એક બાવાજી ઓટલા ઉપર બેઠા હતા. તેણે બોલાવ્યોઃ ‘ક્યોં બેટા, કહાં જાતે હો?’ મેં અનુકૂળ ઉત્તર વાળ્યો. તેણે મને અને મારા સાથીને બેસવા કહ્યું, અમે બેઠા.
મેં પૂછયું: ‘આ ઘેટાંનો ભોગ તમે ધર્મ માનો છો?’
તેણે કહ્યું: ‘જીવને હણવામાં ધર્મ કોણ માને?’
‘ત્યારે તમે અહીં બેસી લોકોને કેમ બોધ નથી દેતા?’
‘અમારું એ કામ નથી. અમે તો બેસીને ભગવદ્ભક્તિ કરીએ.’
‘પણ તમને બીજી જગ્યા ન મળતાં આ જ મળી?’
‘અમે જ્યાં બેસીએ ત્યાં સરખું. લોકો તો ઘેટાંના ટોળા જેવા છે; જેમ મોટા દોરે તેમ દોરાય. તેમાં અમારે સાધુને શું?’ બાવાજી બોલ્યા.
મેં સંવાદ આગળ ન વધાર્યો. અમે મંદિરે પહોંચ્યા. સામે લોહીની નદી વહેતી હતી. દર્શન કરવા ઊભવાની મારી ઇચ્છા ન રહી. હું ખૂબ અકળાયો, બેચેન થયો. આ દૃશ્ય હું હજુ લગી ભૂલી શક્યો નથી. એક બંગાળી મિજલસમાં તે જ સમયે મને નોતરું હતું. ત્યાં મેં એક ગૃહસ્થ પાસે આ ઘાતકી પૂજાની વાત કરી. તેમણે કહ્યું: ‘ત્યાં નગારાં વગેરે વાગે ને તેની ધૂનમાં ઘેટાંને ગમે તે રીતે મારો, તોપણ તેને કંઈ ઈજા ન લાગે એમ અમારો અભિપ્રાય છે.’
મને આ અભિપ્રાય ગળે ન ઊતર્યો. ઘેટાંને વાચા હોય તો નોખી જ વાત કરે એમ મેં આ ગૃહસ્થને જણાવ્યું. આ ઘાતકી રિવાજ બંધ થવો જોઈએ એમ લાગ્યું. પેલી બુદ્ધદેવવાળી કથા યાદ આવી. પણ મેં જોયું કે આ કામ મારી શક્તિની બહાર હતું.
જે મેં ત્યારે ધાર્યું તે આજે પણ ધારું છું. મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ઓછી નથી. મનુષ્યદેહને નિભાવવા હું ઘેટાંનો દેહ લેવા તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ જીવ તેમ તેને મનુષ્યના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયનો વધારે અધિકાર છે એમ હું માનું છું. પણ તેવી યોગ્યતા વિના મનુષ્ય આશ્રય આપવા પણ અસમર્થ છે. ઘેટાંને આ પાપી હોમમાંથી બચાવવા, મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એ શુદ્ધિ અને એ ત્યાગની અત્યારે તો ઝંખના કરતાં જ મારે મરવું રહ્યું છે એમ લાગે છે. એવો કોઈ તેજસ્વી પુરુષ કે એવી કોઈ તેજસ્વિની સતી પદો થાઓ, જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે, નિર્દોષ પ્રાણીઓની રક્ષા કરે, ને મંદિરને શુદ્ધ કરે, એવી પ્રાર્થના તો નિરંતર કરું છું. જ્ઞાની, બુદ્ધિશાળી, ત્યાગવૃત્તિવાળું, ભાવનાપ્રધાન બંગાળ કેમ આ વધ સહન કરે છે?
Feedback/Errata