કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉન્ડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ (મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હમેશાં માંડતો, ને સૂતા પહેલાં હમેશાં મેળ મેળવી જતો. આ ટેવ છેવટ સુધી કાયમ રહી. અને હું જાણું છું કે, તેથી જાહેર જીવનમાં મારે હસ્તક લાખો રૂપિયાનો ઉપાડ થયો છે તેમાં હું યોગ્ય કરકસર વાપરી શક્યો છું, ને જેટલી હિલચાલો મારા હાથ તળે ચાલી છે તેમાં કોઈ દિવસ મેં કરજ નથી કર્યું, પણ દરેકમાં કંઈક ને કંઈક જમે પાસામાં રહ્યું જ છે. દરેક નવયુવક પોતાને મળતા થોડા રૂપિયાનો પણ હિસાબ કાળજીપૂર્વક રાખશે તો તેનો લાભ જેમ ભવિષ્યમાં મને અને પ્રજાને મળ્યો તેમ તે પણ અનુભવશે.
મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઈ શક્યો કે મારે કેટલું ખર્ચ કરવું જોઈએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો. હિસાબ તપાસતાં જોયું કે મને ગાડીભાડાનો ખર્ચ સારી પેઠે થતો હતો. વળી કુટુંબમાં રહેવાથી અમુક રકમ તો અઠવાડિયે જાય જ. કુટુંબના માણસોને કોઈ દહાડો જમવાને બહાર લઈ જવાનો વિવેક વાપરવો જોઈએ. વળી તેમની સાથે મિજબાનીમાં કોઈ વેળા જવું પડે ત્યાં ગાડીભાડાનો ખર્ચ થાય જ. છોકરી હોય તો તેને ખર્ચ આપવા ન જ દેવાય. વળી બહાર જઈએ તો ઘેર ખાવાને પહોંચાય નહીં. ત્યાં તો પૈસા આપ્યા જ હોય, છતાં બહાર ખાવાના પૈસા બીજા આપ્યે જ છૂટકો. આમ થતું ખર્ચ બચાવી શકાય એમ જોયું. શરમથી જ કેટલુંક ખર્ચ કરવું પડતું હતું તે પણ બચે એમ સમજાયું.
અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો પણ ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યા કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડયો હોઈશ. શરીર ઠીક કસાયું. કુટુંબમાં રહેવાનું છોડી બે કોટડી ભાડે લીધી, એક સૂવાની અને એક બેઠક. આ ફેરફાર બીજો કાળ ગણાય. હજુ ત્રીજો ફેરફાર હવે પછી થવાનો રહે છે.
આમ અરધું ખર્ચ બચ્યું. પણ વખતનું શું? હું જાણતો હતો કે બારિસ્ટરની પરીક્ષાને સારુ બહુ વાંચવાની જરૂર નહોતી; તેથી મને ધીરજ હતી. મારું કાચું અંગ્રેજી મને દુઃખ દેતું હતું. લેલીસાહેબના શબ્દો – ‘તું બી.એ. થા, પછી આવજે’ – ખૂંચતા હતા. મારે બારિસ્ટર થવા ઉપરાંત કંઈક બીજો અભ્યાસ કરવો જોઈએ. ઑક્સફર્ડ કેમ્બ્રિજની ખબર કાઢી. કેટલાક મિત્રોને મળ્યો. જોયું કે ત્યાં જતાં ખર્ચ બહુ વધે ને ત્યાંનો ક્રમ લાંબો. મારાથી ત્રણ વર્ષ ઉપરાંત રહેવાય તેમ નહોતું. કોઈ મિત્રે કહ્યું, ‘જો તારે કંઈ કઠણ જ પરીક્ષા આપવી હોય તો તું લંડનની મૅટ્રિક્યુલેશનમાં પાસ થા. તેમાં મહેનત ઠીક કરવી પડશે ને સામાન્ય જ્ઞાન વધશે. ખર્ચ તો મુદ્દલ નહીં વધે.’ આ સૂચના મને ગમી. પરીક્ષાના વિષયો જોઉં તો ભડક્યો લૅટિન અને બીજી ભાષા ફરજિયાત! લૅટિન કેમ થાય? પણ મિત્રે સૂચવ્યું; ‘લૅટિનનો ઉપયોગ વકીલને બહુ હોય છે. લૅટિન જાણનારને કાયદાનાં પુસ્તકો સમજવાં સહેલાં લાગે. વળી ‘રોમન લૉ’ની પરીક્ષામાં એક સવાલ તો કેવળ લૅટિન ભાષામાં જ હોય છે, ને લૅટિન જાણવાથી અંગ્રેજી ભાષા ઉપર કાબૂ વધે.’ આ બધી દલીલોની અસર પડી. મુશ્કેલ હો કે ન હો, પણ લૅટિન તો શીખવું જ. ફ્રેંચ લીધેલું પૂરું કરવું. એટલે બીજી ભાષા ફ્રેંચ એમ નિશ્ચય કર્યો. એક ખાનગી મૅટ્રિક્યુલેશન વર્ગ ચાલતો હતો તેમાં જોડાયો. પરીક્ષા દર છ માસે થાય, મને ભાગ્યે પાંચ માસનો વખત હતો. આ કામ મારા ગજા ઉપરાંત હતું. પરિણામ એ આવ્યું કે સભ્ય બનવામાંથી હું તો અત્યંત ઉદ્યમી વિદ્યાર્થી બન્યો. ટાઇમટેબલ બનાવ્યું. મિનિટો સાચવી પણ મારી બુદ્ધિ કે યાદશક્તિ એવાં નહોતાં કે હું બીજા વિષયો ઉપરાંત લૅટિન અને ફ્રેંચને પહોંચી શકું. પરીક્ષામાં બેઠો. લૅટિનમાં નાપાસ થયો. દુઃખી થયો, પણ હાર્યો નહીં. લૅટિનમાં રસ લાગ્યો હતો. ફ્રેંચ વધારે સારુ થશે ને વિજ્ઞાનમાં નવો વિષય લઈશ એમ વિચાર્યું. રસાયણશાસ્ત્ર, જેમાં હવે જોઉં છું કે ખૂબ રસ આવવો જોઈએ, તે પ્રયોગોને અભાવે મને ગમતું જ નહોતું. દેશમાં તો એ વિષય શીખવાનો હતો જ, એટલે લંડન મૅટ્રિક માટે પણ પહેલી વેળા એ જ પસંદ કર્યો હતો. આ વેળા પ્રકાશ અને ઉષ્ણતા (લાઇટ અને હીટ) લીધાં. આ વિષય સહેલો ગણાતો. મને પણ સહેલો લાગ્યો.
ફરી પરીક્ષા આપવાની તૈયારીની સાથે જ રહેણીમાં વધારે સાદાઈ દાખલ કરવાનો પ્રયાસ આદર્યો. મને લાગ્યું કે હજુ મારા કુટુંબની ગરીબાઈને છાજે તેવું સાદું મારું જીવન નથી. ભાઈની તંગીનો અને તેમની ઉદારતાનો વિચાર કરતાં હું કચવાયો. જેઓ પંદર પાઉન્ડ અને આઠ પાઉન્ડ દર માસે ખર્ચતા હતા તેમને તો શિષ્યવૃત્તિઓ મળતી હતી. મારા કરતાં વધારે સાદાઈથી રહેનારને પણ હું જોતો હતો. મારા પ્રસંગમાં આવા ગરીબ વિદ્યાર્થીઓ ઠીક પ્રમાણમાં આવ્યા હતા. એક વિદ્યાર્થી લંડનના કંગાળ ભાગમાં અઠવાડિયાના બે શિલિંગ ભરી એક કોટડીમાં રહેતો હતો, અને લોકાર્ટની સસ્તી કોકોની દુકાનમાં બે પેનીનાં કોકો અને રોટી ખાઈને ગુજારો કરતો હતો. તેની હરીફાઈ કરવાની તો મારી શક્તિ નહોતી, પણ હું અવશ્ય બેને બદલે એક કોટડીમાં રહી શકું અને અરધી રસોઈ હાથે પણ પકાવી શકું એમ લાગ્યું. આમ કરવાથી હું દર માસે ચાર કે પાંચ પાઉન્ડમાં રહી શકું. સાદી રહેણીનાં પુસ્તકો પણ વાંચવામાં આવ્યાં હતાં. બે કોટડી કાઢી નાખી અઠવાડિયાના આઠ શિલિંગની એક કોટડી ભાડે લીધી. એક સગડી ખરીદી ને સવારનું હાથે પકાવવાનું શરૂ કર્યું. પકાવવામાં ભાગ્યે જ વીસ મિનિટ જતી. ઓટમીલની ઘેંસ અને કોકોને સારું પાણી ઉકાળવામાં શો વખત જાય? બપોરે બહાર જમી લેવું અને સાંજે પાછો કોકો બનાવી રોટીની સાથે લેવો. આમ હું એકથી સવા શિલિંગમાં રોજ ખાવાનું મેળવી લેતાં શીખ્યો. આ મારો સમય વધારેમાં વધારે ભણતરનો હતો. જીવન સાદું થવાથી વખત વધારે બચ્યો. બીજી વેળા પરીક્ષામાં બેઠો ને પાસ થયો.
વાંચનાર, પણ, એમ ન માને કે સાદાઈથી જીવન રસહીન થયું. ઊલટું, ફેરફારોથી મારી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી; કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો; જીવન વધારે સારમય બન્યું; મારા આત્માનંદનો પાર ન રહ્યો.
Feedback/Errata