આ મરકીએ ગરીબ હિંદીઓ ઉપરનો મારો કાબૂ, મારો ધંધો ને મારી જવાબદારી વધાર્યા. વળી યુરોપિયનોમાં મારી વધતી જતી કેટલીક ઓળખાણો પણ એવી નિકટ થતી ગઈ કે તેથીયે મારી નૈતિક જવાબદારી વધવા માંડી.
જેમ વેસ્ટની ઓળખાણ મને નિરામિષાહારી ભોજનગૃહમાં થઈ તેમ પોલાકને વિશે બન્યું. એક દિવેસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છાથી પોતાનું નામ મોકલ્યું. મેં તેમને મારા ટેબલ ઉપર આવવા નોતર્યા. તે આવ્યા.
‘હું ‘ક્રિટિક’નો ઉપતંત્રી છું. તમારો મરકી વિશેનો કાગળ વાંચ્યા પછી તમને મળવાની મને બહુ ઇચ્છા થઈ. આજે હું એ તક મેળવું છું.’
મિ. પોલાકની નિખાલસતાથી હું તેમની તરફ ખેંચાયો. તે જ રાતે અમે એકબીજાને ઓળખતા થઈ ગયા, અને જિંદગી વિશેના અમારા વિચારોમાં અમને બહુ સામ્ય નજરે આવ્યું. સાદી જિંદગી તેમને પસંદ હતી, અમુક વસ્તુને બુદ્ધિ કબૂલ કરે એટલે પછી તેનો અમલ કરવાની તેમની શક્તિ આશ્ચર્ય પમાડનારી લાગી. પોતાની જિંદગીમાં કેટલાક ફેરફારો તો તેમણે એકદમ કરી દીધા.
‘ઇન્ડિયન ઓપીનિયન’નું ખર્ચ વધતું જતું હતું. વેસ્ટનો પહેલો જ રિપોર્ટ મને ભડકાવનારો હતો. તેમણે લખ્યું ‘તમે કહ્યો હતો તેવો નફો આ કામમાં નથી. હું તો ખોટ જોઉં છું. ચોપડાઓની અવ્યવસ્થા છે. ઉઘરાણી ઘણી છે, પણ તે મોંમાથા વિનાની છે. ઘણા ફેરફારો કરવા પડશે. પણ આ રિપોર્ટથી તમારે ગભરાવાનું નથી. મારાથી બનતી વ્યવસ્થા હું કરીશે. નફો નથી તેટલા સારુ હું આ કામ છોડું તેમ નથી.’
નફો ન જોવાથી કામને છોડવા ધારત તો વેસ્ટ છોડી શકત, ને તેમને હું કોઈ પ્રકારનો દોષ ન દઈ શકત. એટલું જ નહીં પણ વગરતપાસે નફાવાળું કામ છે એવું કહેવાનો દોષ મારા પર મૂકવાનો તેમને અધિકાર હતો. આમ છતાં તેમણે મને કદી કડવું વેણ સરખું નથી સંભળાવ્યું. પણ હું માનું છું કે, આ નવી જાણથી વેસ્ટની નજરમાં હું ઉતાવળે વિશ્વાસ કરનારમાં ખપવા લાગ્યો હોઈશ. મદનજીતની માન્યતા વિશે તપાસ કર્યા વિના તેમના કહ્યા ઉપર વિશ્વાસ રાખીને મેં વેસ્ટને નફાની વાત કરેલી. મને લાગે છે કે, જાહેર કામ કરનારે આવો વિશ્વાસ ન રાખતાં જેની જાતે તપાસ કરી હોય એવી જ વસ્તુ કહેવી જોઈએ. સત્યના પૂજારીએ તો ઘણી સાવધાની રાખવી જોઈએ. કોઈના મન ઉપર ખરી ખાતરી વિના વધારેપડતી અસર પાડવી એ પણ સત્યને ઝાંખપ પહોંચાડનારી વસ્તુ છે. મને કહેતાં દુઃખ થાય છે કે, આ વસ્તુ જાણવા છતાં ઉતાવળે વિશ્વાસ મૂકીને કામ લેવાની મારી પ્રકૃતિને હું છેક સુધારી શક્યો નથી. તેમાં હું ગજા ઉપરાંત કામ કરવાના લોભનો દોષ જોઉં છું. એ લોભથી મારે અકળાવું પડયું છે તેના કરતાં મારા સાથીઓને બહુ વધારે અકળાવું પડયું છે.
વેસ્ટનો આવો કાગળ આવવાથી હું નાતાલ જવા ઊપડયો. પોલાક તો મારી બધી વાતો જાણતા થઈ જ ગયા હતા. મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું.
આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.
આ પહેલાં રસ્કિનનું એક પણ પુસ્તક મેં વાંચ્યું નહોતું. વિદ્યાભ્યાસના કાળમાં પાઠયપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય. કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકસાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ને નામે છપાયેલું છે.
મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર થતી નથી, કેમ કે બધામાં બધી સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.
‘સર્વોદય’ના સિદ્ધાંતો હું આમ સમજ્યોઃ
૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨. વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.
૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.
પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બન્ને સમાયેલી છે. એ મને ‘સર્વોદયે’ દીવા જેવું દેખાડયું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડયો.
Feedback/Errata