એક હતો પોમલો. એક હતી પોમલી.
એક વાર પોમલાએ પોમલીને કહ્યું: ‘મારે કાલે સવારે વહેલા બહારગામ જવાનું છે. કૂકડો બોલે એ પહેલાં તું મને જગાડશેને?’
પોમલીએ કહ્યું: ‘જરૂર જગાડીશ. પણ તમારે મારું એક કામ કરવું પડશે. જો હું તે વખતે ઊંઘમાં હોઉં તો તમારે મને જગાડવાની.’
પોમલાએ હા કહી. પોમલી કહે: ‘આપણે આમ એકબીજાની સગવડ સાચવીએ છીએ તો આપણું કામ જલ્દી થાય છે અને સારું થાય છે.’
પોમલો કહે: ‘પોમલી, મારે સવારે નાહી ધોઈ પરવારીને જવું છે, હોં!’
પોમલી કહે: ‘હાસ્તો, નાહી પરવારીને કામ પર ચડીએ તો કામમાં ઉત્સાહ વધે છે.’
પરોઢિયે ઘડિયાળમાં ચાર ટકોરા થતાં પોમલો જાગી ગયો. તેણે પોમલીને જગાડી કહ્યું: ‘ઊઠ, મારે નાહી—ધોઈને જવું છે.’
પોમલીએ પથારીમાં પડ્યાં પડ્યાં જ કહ્યું: ‘હમણાં જ ઊઠું છું. પણ એટલી વાર તમે મારું જરી એક કામ કરો! વાડામાંથી થોડાં છોડાં—લાકડાં લઈ આવોને!’
પોમલો છોડાં—લાકડાં લઈ આવ્યો એટલે પોમલી કહે: ‘વાહ, તમે તો ઘડીકમાં કામ કરી નાખ્યું! હવે જરી એમ કરોને, આ છોડાં લાકડાં પેલા ચૂલામાં ગોઠવી કાઢોને! હં, જુઓ, પણ ખૂણામાં લુગડાનો કાકડો છે, એને જરી ઘાસતેલમાં બોળી છોડિયાંમાં મૂકી દિવાસળી ચાંપશો કે તરત ભક કરતો ભડકો થશે!’
પોમલાએ કાકડો બોળી સળગાવ્યો. કહે: ‘અલી પોમલી, તારી વાત સાચી હોં! જોને, ભક કરતો ભડકો થયો!’
પોમલી હરખાઈને બોલી: ‘હજી જરા ધીરજથી જોશોને, તો લાકડાંયે ભક ભક કરતાં સળગશે. ત્યાં લગીમાં તમે એમ કરોને, પેલો ખાલી ઉનમણો છે તે ટાંકીના પાણીથી ભરી કાઢોને!’
થોડીવારમાં પોમલાએ કહ્યું: ‘પોમલી, ઉનમણો ભરાઈ ગયો!’
પોમલી ગોદડામાંથી જ બોલી: ‘વાહ, તમે તો જાણે જાદુની પેઠે કામ કરો છો! તો એમ કરો, એ ઉનમણાને જરી ચૂલા પર ગોઠવી દો ને!’
એ થયું એટલે પોમલીએ જરા ઊંચે સ્વરે કહ્યું: ‘જુઓ પોમલાજી, અહીં પાણી ગરમ થાય છે, એટલામાં તમે દાતણપાણીથી પરવારી જાઓ. તમે મોડું કરો ને પછી મારો વાંક કાઢો એ ન ચાલે!’
પોમલો ઘોંઘલો થઈ દાતણપાણી કરવા ગયો. પોમલીએ ગોદડું બરાબર ઓઢી લીધું.
પોમલો દાતણપાણી કરીને આવ્યો ત્યારે એ ઊંઘતી હતી. પોમલાએ તેને જગાડી કહ્યું:
‘પોમલી, ઊઠ, મારે વહેલું વહેલું જવાનું છે!’
પોમલીએ સૂતાં સૂતાં જ કહ્યું: ‘ઓહોહો! તમે એટલામાં દાતણપાણી પતાવી નાખ્યાં! લ્યો, ત્યારે જુઓ, અહીં પાણીયે ગરમ થઈ ગયું છે. તો હવે એમ કરોને, મારા સાયબાજી, ઉનમણામાંથી પેલી તાંબાકુંડીમાં પાણી કાઢી લો! બધું જ કાઢી લેજો! આજે તમને ખૂ…બ ગરમ પાણીએ નવડાવવા છે!’
પોમલાએ તાંબાકુંડીમાં પાણી કાઢ્યું, એટલે પોમલીએ કહ્યું: ‘એ ઉનમણો પાછો ચૂલા પર જ મૂકજો. પણ ખાલી ઉનમણો ચૂલા પર ન મુકાય એ તો જાણો છો ને!’
‘તો શું કરું?’ પોમલાએ પૂછ્યું.
પોમલીએ કહ્યું: ‘એય મારે તમને બતાવવું પડશે? પેલી ટાંકીમાંથી પાણી લઈ એ ભરી કાઢી ને પછી ચૂલા પર મૂકો! છો ગરમ થયા કરે પાણી! તમારા ગયા પછી હું એ ગરમ પાણીએ નાહીશ.’
પોમલાએ રાજી થઈ કહ્યું: ‘હવે તું ઊઠ! તું મને ગરમ પાણીએ નવડાવવાનું કહેતી હતીને?’
પોમલી પથારીમાં રહ્યે રહ્યે જ બોલી: ‘તો હું આ શું કરી રહી છું? પાણી કેવું ગરમ છે એ તો જુઓ. છેને મજાનું? હવે પેલા પાટલા પર બિરાજો ને લોટે લોટે શરીર પર રેડવા માંડો પાણી! જાણે ગરમ પાણીના કુંડમાં નાહવા પડયા! અંગે અંગે કેવો મજાનો શેક થાય છે, જોયું ને?’
પોમલાએ નાહી ધોઈને કપડાં બદલતાં કહ્યું: ‘પોમલી! આજે નાહવાની મજા આવી ગઈ!’
પોમલી કહે: ‘એમ વાત છે ત્યારે! મેં કેવું ઘડીકમાં પાણી ગરમ કરી નાખ્યું ને વખતસર તમને તૈયાર પણ કરી દીધા! તમે આમ રોજ વહેલા ઊઠો તો હું તો તમને રોજ આમ ગરમ ગરમ પાણીએ નવડાવું!’
પોમલો રાજી રાજી થઈ ગયો. કહે: ‘તો હવે હું જાઉં છું.’
પોમલી કહે: ‘અડધી રાતની જાગું છું એટલે મને મૂઈને હવે જરી ઊંઘ આવે છે?’
પોમલો જતાં જતાં બોલ્યો: ‘તો તું હવે નિરાંતે ઊંઘજે!’
પોમલી મોઢે માથે ગોદડું ઓઢીને નસકોરાં બોલાવવા લાગી.
[‘રમૂજકથા’]