૫. ગલબાને માથાનો મળે છે

ગલબા શિયાળે પોતાની અક્કલના જોરે વાઘ, વરુ વગેરે વનનાં કેટલાંયે પ્રાણીઓને મહાત કર્યાં હતાં. તેથી તેના મનમાં એવો ફાંકો ભરાઈ ગયો હતો કે દુનિયામાં કોઈ મને છેતરી શકે નહિ, પણ એક વાર ઝટપટનો દીકરો ચટપટ એને આબાદ બનાવી ગયો હતો.

કોણ હતો એ ચટપટ?

એ ઉંદરનો દીકરો ઉંદર હતો.

એનાં માબાપની સાથે એ બુધાકાકાના ખેતરમાં રહેતો હતો.

રોજ સાંજે ચટપટી મા પટપટ એને વાર્તા કહેતી. એ વાર્તામાં ચટપટના મામામામીની વાત આવે જ.

એ સાંભળી ચટપટ લાડ કરી માને કહેતો:

મા, મને મામાને ઘેર જાવા દે,
શીરો પૂરી ખાવા દે!
મામી મને બહુ… જ ગમે!

પટપટ કહે: ‘દીકરા, જરી મોટો થા, પછી જજે!’

એમ કરતાં ચટપટ મોટો થયો.

એણે રૂસણું લીધું:

મા, મને મામાને ઘેર જાવા દે,
શીરો પૂરી ખાવા દે!
મામી મને બહુ… જ ગમે!

માએ કહ્યું: ‘ભલે, જા, પણ વચમાં નદી આવશે. તું શું કરશે?’

ચટપટ કહે: ‘કૂદી જઈશ!’

મા કહે: ‘વચમાં પહાડ આવશે, તું શું કરશે!’

ચટપટ કહે: ‘ઠેકી જઈશ!’

મા કહે: ‘તો જા! નદીના સામા કિનારે પહાડની પેલી તરફ એક મોટો જટાળો વડ છે. એ વડથી ચારસો કદમ દૂર એક શીમળાનું ઝાડ છે. એ ઝાડની નીચે એક દેરી છે. એ દેરી પાસે તારા મામાનું ઘર છે. જડશે તને?’

ચટપટ કહે: ‘નહિ કેમ જડે? તરત જડશે.’

માને પગે લાગી ચટપટ તે જ વખતે મામાને ઘેર જવા નીકળી પડ્યો. રસ્તામાં નાચે કૂદે ને ગાય!

જતાં જતાં નદી આવી.

હતો તો નાનકડો વહેળો. પણ ચટપટ કહે: ‘બાપરે, આવડી મોટી નદી!’

માની આગળ એણે બડાશ મારેલી કે નદી આવશે તો કૂદી જઈશ, પણ આવડી મોટી નદી કેમ કરીને કુદાય? નદી પાર કરવી હોય તો તરીને જવું પડે કે હોડીમાં જવું પડે. પણ ચટપટને તરતાં આવડતું નહોતું, અને હોડી ક્યાંય હતી નહિ.

હવે કરવું શું?

ચટપટની આંખોમાં આંસુ આવી ગયાં.

એટલામાં ગલબા શિયાળે એને જોયો. બે દિવસનો એ ભૂખ્યો હતો, એટલે ઉંદરને જોઈ એ ખુશ થયો.

ખોટું વહાલ દેખાડી એણે કહ્યું: ‘બૂચા, એ…ઈ બૂચા!’

ચટપટે કહ્યું: ‘મારું નામ બૂચો નથી. હું ચટપટ છું.’

ગલબો કહે: ‘ચટપટ? ઓહ, ત્યારે તો તું ઝટપટનો દીકરો, ખરું ને?’

ચટપટ કહે: ‘હા!’

ગલબો કહે: ‘તારી માનું નામ પટપટ ને?’

ચટપટ કહે: ‘હા!’

ગલબો કહે: ‘તો કહે, બેટા, તું રડે છે કેમ? તારી માએ માર્યો? માએ માર્યો હશે તો હું તારી માને વઢી નાખીશ! નાનાં છોકરાંને કોઈ મારે — રડાવે એ મને ગમે નહિ!’

ચટપટે કહ્યું: ‘માએ નથી માર્યો, કોઈએ નથી માર્યો.’

‘તો તું રડે છે શું કરવા?’

‘મારે મામાને ઘેર જવું છે.’

એકદમ ખુશ થઈ ગલબો કહે: ‘હું જ તારો મામો! ચાલ, આપણે ઘેર જઈએ! તારી મામી તને જોઈ રાજીની રેડ થઈ જશે!’

ગલબાના મનથી કે હવે ચટપટ ભોળવાઈ જશે ને મારી સાથે આવશે, પછી એનો કોળિયો કરી જતાં શી વાર લાગવાની છે? પણ ચટપટ એવો ભોળો નહોતો.

એણે કહ્યું: ‘પણ મામા, કાલે મારી વરસગાંઠ છે ખરીને, એટલે હું એક ખાસ કામે જાઉં છું. સામા કિનારે પેલી ટેકરી પાછળ ભૂરા પટેલનો વાડો છે. તેમાં મારા બાપાના ભાઈબંધ કૂકડા કાકા એમના કુટુંબ સાથે રહે છે. એમને નવ તો છોકરાં છે. એ બધાંયને આજે ને આજે મારે ઘેર તેડી જવાનાં છે.’

ચટપટની વાત સાંભળી ગલબાની દાઢ સળકી. તેને થયું કે આવડા અમથા ઉંદરડા કરતાં, કૂકડા કૂકડી સમેત એનાં નવે બચ્ચાંને ચટ કરી જવાથી મારી ભૂખ બરાબર હોલવાશે.

એટલે એણે કહ્યું: ‘બહુ સરસ! પણ બેટા, તારી વરસગાંઠની ઉજાણીમાં મને બોલાવશે કે નહિ?’

ચટપટ કહે: ‘મામા પહેલા! મામા વગર મિજબાની શોભે ખરી? પણ મામા, જુઓ ને, નદીમાં પાણી છે, સામા કિનારે જવું કેવી રીતે? સામે કાંઠે જવાય નહિ, તો કૂકડા કાકાને નોતરું પહોંચે નહિ — તેઓ આવે નહિ અને મિજબાનીની મજા બધી મરી જાય! આ વિચારે મને રડવું આવી ગયું હતું!’

ગલબો કહે: ‘ઓહ, એમ વાત છે! તો ચાલ, દીકરા, મારી પીઠ પર સવાર થઈ જા! હું તને સામે પાર લઈ જાઉં! તું કહેશે તો ઠેઠ ભૂરા પટેલના ઘરના વાડા સુધી તને લઈ જઈશ!’

ગલબાએ કહ્યું: ‘પહાડ ઠેકી જશું! તું ચિંતા ન કર!’

ચટપટ ખુશખુશ થઈ કહે: ‘વાહ, મામા, તમે કેવા ભલા છો!

આમ કહી ચટપટ ગલબાની પીઠ પર સવાર થઈ ગયો.

ગલબાને પાણીમાં પડવું ગમતું નહોતું, પાણીથી એ બીતો પણ હતો, પણ કૂકડાની લાલચે એ નદી પાર કરી ચટપટને સામા કિનારે લઈ ગયો.

સામે પહાડ હતો. પહાડ એટલે આપણે જેને પહાડ કહીએ છીએ એવો મોટો પહાડ પર્વત નહિ, પણ નાનો ટેકરો. ચટપટને પીઠ પર લઈ ગલબો હાંફતો હાંફતો એ પહાડ પર ચડવા લાગ્યો.

પછી ચટપટ કહે: ‘મામા, આ તરફ! મામા, પેલી તરફ! પેલો જટાળો વડ દેખાય છે ને, એ તરફ! હં, હવે જરી ચારસો કદમ દૂર!’

આમ ચટપટ ગલબાને શીમળાના ઝાડ સુધી લઈ ગયો. ગલબો ભૂખ્યો હતો અને હવે થાક્યો હતો, તેથી ધીરે ધીરે ચાલતો હતો.

શીમળાની નીચે દેરી હતી. દેરી પાસે મામાનું ઘર તરત ચટપટની નજરે પડ્યું. એક ઠેકડો મારી ચટપટ ગલબાની પીઠ પરથી નીચે ઊતરી પડ્યો અને ગલબો કંઈ સમજે તે પહેલાં તો એ દોડીને દેરી પાસે દર હતું તેમાં ઘૂસી ગયો.

એ જ એના મામાનું ઘર હતું.

મામો-મામી ભાણાને જોઈ રાજી રાજી થઈ ગયાં.

બહારથી ગલબા શિયાળે બૂમ પાડી: ‘બૂચા, એ….ઈ બૂચા, અહીં તો ભૂત રહે છે, તને ખાઈ જશે! ઝટપટ બહાર આવ, હું તને ભૂરા પટેલનો વાડો દેખાડું!’

દરમાંથી બહાર જરી ડોકિયું કરી ચટપટે કહ્યું: ‘હવે કોઈ બીજો શિકાર ખોળી લેજો, ગલબા ચાચા! મારે મારા મામાને ઘેર આવવું હતું તે આવી ગયો! મને સાચવીને અહીં લઈ આવવા માટે તમારો આભાર!

આટલું બોલી એ દરમાં ગરી ગયો.

ગલબો શિયાળ વીલું મોં કરી ત્યાં ઊભો રહી ગયો.

કહે: ‘હેં! આવડો અંગૂઠા જેવડો આ બૂચો મને બનાવી ગયો!’

પણ હવે શું થાય?

[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]

License