૮. કોયલનાં બચ્ચાં

વનમાં એક કોયલ રહેતી હતી.

એને ગાવાનો ભારે શોખ હતો.

એનો કંઠ પણ સારો હતો. સારો એટલે ખૂબ જ સારો. એ ગાય ત્યારે વનવાસીઓ બધાં, કામ પડતું મૂકી એનું ગાન સાંભળવા બેસી જાય.

આ કોયલને ઈંડાં મૂકવાનો વખત આવ્યો ત્યારે તેને ચિંતા થઈ કે હું મોટી ગાયિકા, મારે રોજ સંગીતના જલસા કરવાના; ઈંડાને સેવવાનો અને બચ્ચાંને ઉછેરવાનો મને વખત ક્યાં છે? તો કરવું શું?

બસ, ઈંડાને કોઈ બીજા પંખીના માળામાં મૂકી આવું. એ પંખી સેવશે મારાં ઈંડાંને અને ઈંડાંમાંથી બચ્ચાં નીકળશે ત્યારે એ બચ્ચાંને ખવડાવી પિવડાવી મોટાં કરશે. બચ્ચાં મોટાં થશે, ત્યારે હું એમને પાછાં મારે ઘેર લઈ આવીશ.

ફરતાં ફરતાં એણે એક માળો જોયો. માળામાં ત્રણ ઈંડાં હતાં અને ઘરમાં કોઈ હતું નહિ. એ માળો એક કાગડીનો હતો. કોયલે એ માળામાં પોતાનાં બે ઈંડાં મૂકી દીધાં. હવે કાગડીના માળામાં પાંચ ઈંડાં થયા.

કોયલ કહે: કાગડીને હું ઓળખું છું. એ કંઈ ભણી ગણી નથી, માળામાં ઈંડાં ત્રણ છે કે પાંચ છે એની એને કંઈ ખબર પડવાની નથી.

પછી કોયલ ચાલી ગઈ. સીધી જ જલસામાં! આંબાની ડાળ પર કૂહૂ કૂહૂ કરી તેણે જલસો જમાવી દીધો.

કોયલે ધાર્યું હતું તેવું જ થયું. માળામાં કાગડી આવી અને આવી એવી જ પાંખો પહોળી કરી ઈંડાં સેવવા બેસી ગઈ. ઈંડાં ત્રણ છે કે પાંચ છે એ જોવાની એને ફુરસદ નહોતી, એને ગણતાં જ આવડતું નહોતું.

થોડી વારે કાગડો ચણ લઈને આવ્યો. તે ભણેલો હતો, વિદ્વાન હતો. તેની નજર ઈંડાં પર પડી. તેણે કહ્યું: ‘કાગડી રે કાગડી! ઈંડાં ત્રણ હતાં, અને પાંચ કેમ થઈ ગયાં?’

કાગડીએ કહ્યું: ‘ત્રણ શું ને પાંચ શું! બધું જેમ છે તેમ છે!’

ઘરમાં કંકાસ થાય એ કાગડાને પસંદ નહોતું. એટલે એ કંઈ બોલ્યો નહિ.

આમ કાગડી પોતાનાં ઈંડાંની સાથે કોયલનાં ઈંડાં સેવવા લાગી.

એમ કરતાં ઈંડાં સેવાઈ રહ્યાં અને તેમાંથી બચ્ચાં નીકળ્યાં. કાગડીના હરખનો પાર નહોતો. બચ્ચાં સામે જુએ ને પોરસાય: ‘વાહ! કેવાં રૂપાળાં બચ્ચાં છે! તે ન હોય રૂપાળાં? હું કાગડી છું, ચકલી કે કાબર નથી.’

બધાં જ બચ્ચાં રંગે એકસરખાં હતાં, બધાં કાળાં હતાં, પણ એમાં બે જણનો મોંનો વળાંક જરી જુદો હતો. એ જોઈ કાગડાએ કહ્યું: ‘કાગડી રે કાગડી, આ બે જણ જરી કદરૂપાં છે.’

કાગડીએ હસીને કહ્યું: ‘તે શું થઈ ગયું? દુનિયામાં બધાંય તમારા જેવાં રૂપાળાં ક્યાંથી હોય!’

કાગડો કહે: ‘હાસ્તો, હાસ્તો!’

કાગડો ને કાગડી બચ્ચાંને ખૂબ પ્રેમથી ઉછેરતાં હતાં. બચ્ચાં પણ આનંદથી ખાતાંપીતાં હતાં ને મોટાં થતાં હતાં.

હવે બચ્ચાંને બોલતાં શીખવવાનો વખત થયો હતો. કાગડાએ પાંચેને સામે બેસાડી પાઠ આપ્યો: ‘હું બોલું તેમ બોલો — કા! કા! કા! કા!’

ત્રણ બચ્ચાં બોલ્યાં: ‘કા! કા! કા! કા!’

કાગડો ખુશ થયો કે બચ્ચાં હોશિયાર છે.

પણ બીજાં બે બચ્ચાં કા! કા! ને બદલે કૂ…હુ! કૂ…હુ બોલ્યાં.

કાગડો કહે: ‘કાગડી રે કાગડી! સાંભળે છે કે? આ બે બચ્ચાં મંદબુદ્ધિનાં છે.’

કાગડી કહે: ‘ધીરે ધીરે શીખશે. બધાં જનમથી તમારા જેવાં હોશિયાર ક્યાંથી હોય!’

કાગડો કહે: ‘હાસ્તો! હાસ્તો!’

*

થોડા દિવસ પછીની વાત.

કાગડાને વિચાર કર્યો કે બચ્ચાંને હવે જાતે ખોરાક શોધવાં શીખવું. એ પાંચે બચ્ચાંને એક ઉકરડા પર લઈ ગયો. પછી કહે: ‘અહીં ખાવાનું છે; ચાંચ વડે ખણો, ખોતરો ને ખાઓ!’

ત્રણ બચ્ચાંને બહુ કહેવું ન પડ્યું. એમણે ઉકરડો ફેંદવા માંડ્યો. પણ બે બચ્ચાંને એ ફાવ્યું નહિ, કહે: ‘અમને અહીં નથી ગમતું.’

કાગડો કહે: ‘આવી ફક્કડ જગા છે, આવી ફક્કડ સુગંધ છે, આવું ફક્કડ ખાવાનું છે અને તમને અહીં ગમતું નથી?’

બધાં ઘેર પાછાં આવ્યાં ત્યારે કાગડાએ કાગડીને કહ્યું: ‘કાગડી રે કાગડી! આ બે બચ્ચાંના દિમાગમાં કંઈ ખામી લાગે છે; આખો ઉકરડો એમને મળ્યો, તોય એ ભૂખ્યાં રહ્યાં!’

કાગડીએ હસીને કહ્યું: ‘તે શું થઈ ગયું? બધાં તમારા જેવાં દિમાગવાળાં ક્યાંથી હોય!’

કાગડો કહે: ‘હાસ્તો, હાસ્તો!’

હવે બચ્ચાંને ઊડવાનું ફાવી ગયું હતું.

એક દિવસ પાંચે બચ્ચાં ઊડતાં ઊડતાં એક આંબાની ડાળ પર જઈને બેઠાં. આંબાને મહોર આવેલો હતો અને મહોરની ફક્કડ સુગંધ આવતી હતી. કોયલનાં બચ્ચાં એ જોઈને ખુશ થઈ ગયાં અને અકરાંતિયાની પેઠે મહોર ખાવા લાગી ગયાં. ખાઈને ઘરાયાં કે તેમણે ગાવાનું શરૂ કર્યું: ‘કૂ…હુ! કૂ…હુ!’

એક હરણ નીચે ચરતું હતું. એ કહે: ‘વાહ, આ બચ્ચાંનો કંઠ સારો છે, એમને સંગીત વિદ્યાલયમાં ભણવા મૂકવાં જોઈએ.’

કાગડીનાં બચ્ચાંએ એ સાંભળ્યું. એમણે ઘેર આવી મા કાગડીને આ વાત કરી.

કાગડીએ કાગડાને કહ્યું: ‘બચ્ચાંને સંગીત વિદ્યાલયમાં મૂકો.’

કાગડાએ પાંચે બચ્ચાંને સંગીત વિદ્યાલયમાં સંગીત શીખવા મૂક્યાં.

જિરાફ માસ્તર બહુ હોશિયાર. જિબ્રા પણ એવો જ હોશિયાર. જિરાફ હારમોનિયમ બજાવે ત્યારે જિબ્રા તબલાં બજાવે. બેયની ખરી જોડ જામે. થોડા જ વખતમાં એમણે જોઈ લીધું કે કોયલનાં બચ્ચાંનો કંઠ મધુર છે અને સંગીતમાં બેઉ નામ કાઢે એવાં છે. એટલે એમણે એ બે જણના શિક્ષણ પર ખૂબ ધ્યાન આપ્યું.

આમ બચ્ચાં રોજ રોજ સંગીત વિદ્યામાં આગળ વધતાં જતાં હતાં. કાગડીનાં બચ્ચાં પણ પોતાના નાના ભાઈઓની આ હોશિયારી પર ખુશ હતાં, ન ગર્વથી છાતી ફુલાવી કાગડીને કહેતાં: ‘મા, ભાઈઓ ભેગું અમારું યે દુનિયામાં નામ થઈ જશે.’

કાગડી કહે: ‘મને એ વિશે જરાયે શંકા નથી. આપણું કુળ કંઈ જેવું તેવું છે? કાગઋષિનું ફળ છે.’

હવે પેલી કોયલનું શું થયું તે જોઈએ.

રાતદિવસ એના સંગીતના જલસા ચાલતા હતા. એટલે બીજો વિચાર કરવાનો એને વખત મળતો નહોતો. પણ એણે એટલું જોઈ લીધું હતું કે કાગડીના માળામાં મૂકેલાં એનાં ઈંડાં સેવાયાં હતાં અને એમાંથી બચ્ચાં નીકળ્યાં હતાં. બચ્ચાં જરી મોટાં થાય એટલે એમને લઈ આવું એવો એ વિચાર કરતી હતી. પણ બચ્ચાંને મળવાનો એને વખત જ મળતો નહોતો. એવામાં હરણના મોઢે એણે સાંભળ્યું કે કાગડીનાં બચ્ચાં સંગીત વિદ્યાલયમાં ભણે છે અને એમનો કંઠ એવો મધુર છે કે દુનિયામાં એમનું નામ થઈ જશે. આ સાંભળી કોયલને ખાતરી થઈ ગઈ કે આ મારાં જ બચ્ચાંની વાત છે અને મારાં બચ્ચાં જગવિખ્યાત થવા જ જન્મેલાં છે.

પણ હજી કોયલ એ બચ્ચાંને મળી નહોતી. એને એવો વખત જ મળતો નહોતો, શું થાય?

એવામાં વનના રાજા સિંહની જન્મગાંઠનો દિવસ આવ્યો.

આખા વનમાં આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાતો.

રાજા સિંહ દરબાર ભરી બેસતો અને ગવૈયાઓ ગાન કરતા. સંગીતમાં જે શ્રેષ્ઠ ઠરે તેને રાજા પોતાના હસ્તે સુવર્ણચંદ્રક અર્પણ કરતો.

છેલ્લો સુવર્ણચંદ્રક કોયલે જીત્યો હતો અને એને ખાતરી હતી કે આ વર્ષે પણ હું જ આ સુવર્ણચંદ્રક જીતવાની છું.

જલસો શરૂ થયો.

કેટલાય સંગીતકારો પોતાની શ્રેષ્ઠ કલા દેખાડી ગયા. તે પછી કોયલનો વારો આવ્યો. તેણે એવું સુંદર ગાન કર્યું કે સૌને ખાતરી થઈ ગઈ કે સુવર્ણચંદ્રક કોયલને જ મળવાનો.

એવામાં સભાના એક ખૂણેથી અવાજ આવ્યો: ‘મહારાજ! અમારા નાના ભાઈઓને ગાવાની રજા આપો!’

આ બોલનારાં કાગડીનાં બચ્ચાં હતાં.

રાજાએ ઉદાર દિલે કહ્યું: ‘ભલે, ગાવાની રજા છે.’

હવે કાગડીના ઘરમાં ઊછરેલાં કોયલનાં બચ્ચાં આગળ આવ્યાં. તેમણે આદરથી રાજાને નમસ્કાર કર્યા; પછી ચારે બાજુ મોં કરી સભાને પ્રણામ કર્યાં; અને પોતાનું આસન લીધું. કાગડીનાં બચ્ચાં તરીકે આવેલાં આ બચ્ચાંને હવે કોયલે ઓળખ્યાં. તે મનમાં રાજી થઈ કહે: ‘મેળાવડો પૂરો થતાં જ હું એમને મારે ઘેર લઈ જઈશ.’

કોયલનાં બચ્ચાંએ ગીત શરૂ કર્યું. શરૂઆત જ એટલી સરસ હતી કે સભા એકદમ સ્થિર થઈ ગઈ. પવનની લહરીઓ પર સવાર થઈને કોયલબેલડીનો કંઠસ્વર વહેવા લાગ્યો. સૌને થયું કે આ ગાન પૂરું જ થાય નહિ તો સારું! બસ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ!

છેવટે ગીત પૂરું થયું. રાજા સ્વર—સમાધિમાંથી જાગ્યો અને ‘આહા! આહા!’ પોકારી ઊઠ્યો.

નિર્ણાયકો ઊભા થયા. તેમણે જાહેર કર્યું: ‘સુવર્ણચંદ્રક કાગડીનાં આ બચ્ચાંને ફાળે જાય છે.’

રાજાએ સ્વહસ્તે કાગડીનાં કહેવાતાં આ બચ્ચાંને સુવર્ણચંદ્રક અર્પણ કર્યો.

બચ્ચાંએ સૌને આભાર માન્યો ને રાજાને પ્રાર્થના કરી: ‘મહારાજ, આ સુવર્ણચંદ્રક અમારી માતાને અર્પણ કરવાની અમને રજા આપો! અમારો બધો યશ અમારી માતા કાગડીને છે.’

માતા પ્રત્યેની સંતાનોની આ ભક્તિ જોઈ રાજાને બહુ આનંદ થયો. તેણે કહ્યું: ‘આવાં તેજસ્વી સંતાનોની માતાને હું જાતે ધન્યવાદ આપવા માગું છું. શ્રીમતી કાગડીદેવી અહીં પધારે! કોટવાલ, એમને માનભેર દબદબા સાથે અહીં લઈ આવો!’

કાગડી સભામાં હાજર હતી જ. કોટવાલે અને રાજાના સિપાઈઓએ ઝૂકીને એને સલામ કરી. કોટવાલ હાથમાં ખુલ્લી તલવાર ઊંચી કરી આગળ ચાલ્યો, તેની પાછળ ચાલી કાગડી અને કાગડીની પાછળ રાજાના સિપાઈઓ! સભા આ જોઈ દંગ થઈ ગઈ. કહે: ‘વાહ, આવું માન રાજાએ કદી કોઈને દીધું નથી! ધન્ય છે કાગડીને!’

કાગડી રાજાની સામે જઈ ઊભી કે રાજાએ સિંહાસન પરથી ઊતરી તેનું અભિવાદન કર્યું અને તેને ‘માતૃશ્રી’નો માન—ભર્યો ખિતાબ અર્પણ કર્યો. કાગડીનાં પાંચે બચ્ચાંએ એને પ્રણામ કર્યા.

કોયલ મૂઢ બની આ બધું જોઈ રહી હતી. એ એકદમ બોલી ઊઠી: ‘અન્યાય! અન્યાય!’

રાજાએ કહ્યું: ‘શી બાબત અન્યાય? નિર્ણાયકોના નિર્ણયની ટીકા કરવાનો કોઈને અધિકાર નથી.’

કોયલે કહ્યું: ‘મહારાજ, હું એ નિર્ણયની ટીકા નથી કરતી, નિર્ણયને હું માથે ચડાવું છું. પણ કાગડીને ‘માતૃશ્રી’નો ખિતાબ અપાયો તે ભૂલ છે. એ ગવૈયાઓની માતા કાગડી નથી, હું છું.’

રાજાએ કહ્યું: ‘એટલે શું તું એમ કહેવા માંગે છે કે તું આ કલાકારોની માતા છે?’

‘જી, હા! હું જ એમની માતા છું. એ મારાં બાળકો છે.’

રાજાએ કહ્યું: ‘એનો કંઈ પુરાવો?’

કોયલે કહ્યું: ‘પુરાવો પ્રત્યક્ષ છે. એમનું મોં જુઓ! એમનું મોં કાગડા જેવું જરાયે નથી, કોયલ જેવું જ છે. એ લોકો કાગડા નથી, કોયલ છે.’

આ સાંભળી રજા હસી પડ્યો. તેણે કહ્યું: ‘બાઈ કોયલ, તારી આ દલીલ ટકે એવી નથી. મોં જોઈને કોઈને કોઈનું સંતાન ઠરાવાય નહિ. એવું કરવા જઈએ તો કેટલાંક માણસોનાં મોં વાનર જેવાં હોય છે, તેમને વાનર ગણી ઝાડ પર રહેવા મોકલી દેવાં પડે અને કેટલાંકનાં મોં માછલી જેવાં હોય છે તેમને માછલી ગણી પાણીમાં પધરાવવાં પડે!’

તોયે કોયલે હઠ ચાલુ રાખી. તેણે કહ્યું: ‘મહારાજ! એ મારાં જ સંતાન છે.’

રાજાએ કહ્યું: ‘ઠીક, તો અબઘડી એનો ન્યાય! હું આ ગાયકોને કહું છું કે તમે જેને તમારી માતા ગણતા હો તેની પડખે જઈને ઊભા રહો!’

બેય કોયલનાં બચ્ચાં દોડી કાગડીની પડખે જઈ ઊભાં.

કાગડીએ એમને પડખે લીધાં. એની આંખોમાંથી હર્ષનાં અશ્રુ વરસતાં હતાં!

કોયલ એવી ભોંઠી પડી ગઈ કે મોં છુપાવી ત્યાંથી ભાગી ગઈ.

[‘નિત્યનૂતન બાલવાર્તાવલિ’]

License