૧૪. ‘દે’ નું ‘લે’ થઈ ગયું!

ગામડા ગામનો એક બ્રાહ્મણ હતો. ઘેર થોડી ખેતી હતી. ખેતી માટે બે બળદ હતા. બનવાકાળ તે એક બળદ ઓચિંતાનો મરી ગયો. એક બળદથી ખેતી થાય નહિ અને બીજો બળદ ખરીદવાના પૈસા નહિ. કરવું શું? કોઈકે કહ્યું કે રાજાની કચેરીમાં જઈને મદદ માગ.

બ્રાહ્મણનો દીકરો ભણીગણીને પંડિત થયો હતો. અને શહેરમાં રહેતો હતો. કોઈ કોઈ વાર એ રાજાના દરબારમાં પણ જતો હતો. બ્રાહ્મણ શહેરમાં આવ્યો. તેણે દીકરાને કહ્યું: ‘બે બળદ હતા, એક મરી ગયો, તું રાજાને કહે કે મને બીજો બળદ આપે!’

બ્રાહ્મણપુત્ર કહે: ‘મેં તો કોઈની પાસે ન માગવાનું એવું વ્રત લીધું છે. એટલે જે કરવું તે તમારે જ કરવું પડશે.’

બ્રાહ્મણે કહ્યું: ‘મેં કદી નથી જોયો રાજા કે નથી જોયો રાજાનો દરબાર! મને એ કેમ ફાવશે?’

પુત્રે કહ્યું: ‘રાજાની આગળ કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બોલવું ને શું બોલવું તે બધું હું તમને શીખવી દઈશ. તમે ચિંતા ન કરો.

એ જ દિવસે પુત્રે પિતાને તાલીમ આપવાનું શરૂ કરી દીધું. તેણે ઘાસના પૂળા ઊભા કરી રાજાનો દરબાર બનાવ્યો. એક મોટો પૂળો થયો રાજા, અને તેની બાજુમાં બે પૂળા ઊભા — એક દીવાન થઈને અને બીજો કોટવાલ થઈને! આ દરબારમાં પિતા-પુત્રે પ્રવેશ કર્યો. ‘રાજાનો જય હો!’ કહી પુત્રે રાજાને પ્રણામ કર્યા, એનું જોઈને પિતાએ પણ પ્રણામ કર્યા.

પછી પુત્રે પિતાને આ શ્લોક બોલવા કહ્યું:

ખેડૂત છું હું, બ્રાહ્મણ છું હું, મારે બળદ બે,
એક બળદ મૂઓ! હે રાજા, બીજો હવે તું દે!

પુત્રે કેટલી મહેનત કરી, તોયે પિતાને આ શ્લોક બોલતાં આવડે નહિ. પણ પુત્રે તાલીમ ચાલુ રાખી. બે મહિને જતાં બ્રાહ્મણને આ શ્લોક બોલતાં આવડ્યો. ઘાસના પૂળાના દરબારમાં રાજા બની બિરાજતા પૂળાની આગળ એણે શ્લોક ભૂલચૂક વગર બોલી બતાવ્યો.

બીજે દિવસે પુત્ર પિતાને લઈ રાજાના દરબારમાં ગયો. પિતા—પુત્ર રાજાને પ્રણામ કરી એક બાજુ ઊભા. ઘાસના પૂળાઓને બદલે અહીં જીવતા જાગતા માણસોનો ઠઠેરો જોઈ બ્રાહ્મણ મૂંઝાયો. ઝટ ઝટ એણે પેલો ગોખેલો શ્લોક બોલી નાખ્યો:

ખેડૂત છું હું, બ્રાહ્મણ છું હું, મારે બળદ બે,
એક બળદ મૂઓ! હે રાજા, બીજો હવે તું લે!

ગભરાટમાં ‘દે’ બોલવા જતાં ‘લે’ બલાઈ ગયું!

રાજાએ હસીને કહ્યું: ‘બ્રાહ્મણ, તારા ઘરમાં ઘણા બળદ લાગે છે!’

આનો જવાબ દીધો બ્રાહ્મણ-પુત્રે. તેણે કહ્યું: ‘આપની કૃપાથી હવે ઘણા થશે! આજે તો માત્ર એક બળદ છે.’

હવે બ્રાહ્મણનો સભાક્ષોભ જતો રહ્યો હતો. તેણે બોલવા માંડ્યું: ‘મહારાજ, હું તો ગામડા ગામનો ગરીબ ખેડૂત છું — ભગવાનની દયાથી થોડી જમીન છે તે ખેડી ખાઉં છું. એ સિવાય આ ‘દે’માં મને કંઈ સમજ પડતી નથી. બબ્બે મહિના લગી ગોખ ગોખ કર્યું કે દે, દે! પણ બોલવા બેઠો ત્યારે બોલાઈ ગયું કે લે, લે, લે! તો બાપજી, મારી પાસે એક બળદ છે તે આપ ખુશીથી સ્વીકારો! આમે એક બળદે કંઈ ખેતી થવાની નથી, એટલે મને એનું કંઈ સુખદુ:ખ નથી.

રાજાએ કહ્યું: ‘તમને નથી, પણ મને છે. મારી રૈયતનું આવું ઉદાર દિલ જોઈ મને બહુ આનંદ થાય છે. હું તમારા બળદનો સ્વીકાર કરું છું અને તમને સોને મઢેલી શિંગડીઓવાળા બે બળદ ભેટ આપું છું. મારા પર કૃપા કરી એ સ્વીકારો!’

આખી સભામાં આનંદ આનંદ થઈ ગયો.

[લાડુની જાત્રા]

License