૪. ગલબો વરુની જીભ ટિપાવે છે

ગામ છેવાડે બબલી બકરીનું ઘર હતું.

ઘરમાં બબલી બકરી એનાં બચ્ચાં સાથે રહેતી હતી. બબલી રોજ ચરવા જાય ત્યારે ઘર બંધ કરીને જાય અને ચરીને પાછી આવે ત્યારે આ ગીત ગાય.

બબલી બકરી આવે છે,
દૂધનો ઘડો લાવે છે!
બચ્ચાં, ખોલે દ્વાર,
આપણો થાશે જય જય કાર!

બબલી બકરી એવા મીઠા સ્વરે આ બોલે કે બચ્ચાં ‘મા આવી! મા આવી!’ કરી દોડતાં જઈ બારણું ઉઘાડે અને માને વળગી પડે!

આમ એમના દિવસો આનંદમાં જતા હતા, તેવામાં એક દિવસ શકરા વરુની એમના પર નજર પડી ગઈ. એણે જોયું કે બકરી બહારથી ચરીને આવે છે ત્યારે કંઈક ગાય છે અને એ સાંભળીને બચ્ચાં બારણું ઉઘાડે છે. જો હું એ ગીત શીખી લઉં તો મારું ગીત સાંભળીને બચ્ચાં બારણું ઉઘાડશે. બસ, પછી ચારે બચ્ચાં હોઈયાં!’

આવો વિચાર કરી બબલી બકરી શું બોલે છે તે એણે ધ્યાનથી સાંભળ્યું અને એ આખું ગીત મોઢે કરી લીધું. પછી કહે: ‘બસ, હવે બબલીનાં ચારે બચ્ચાં હોઈયાં!’

બીજે દિવસે બબલી બકરી ઘર બંધ કરી ચરવા ગઈ, એટલે થોડી વાર પછી વરુ બકરીના ઘરના બારણા આગળ આવી ગાવા લાગ્યો:

બબલી બકરી આવે છે,
દૂધનો ઘડો લાવે છે!
બચ્ચાં, ખોલો દ્વાર,
આપણો થાશે જય જય કાર!

ગીત સાંભળી બચ્ચાં કહે: ‘વાહ, મા આજે વહેલી પાછી આવી! ચાલો, બારણું ઉઘાડીએ.’

બધાં બારણું ઉઘાડવા દોડ્યાં, ત્યાં સૌથી નાનું બચ્ચું કહે: ‘ઊંહું, આ માનો અવાજ નથી. માનો અવાજ તો કેવો મીઠો છે! આ તો કર્કશ છે.’

એકદમ બધાં બચ્ચાં થંભી ગયાં. બધાં કહે: ‘વાત તો ખરી! આ આપણી માનો અવાજ નથી!’

તેમણે વરુને કહ્યું: ‘એ-ઈ, તું જે હો તે, તું ચોર છે! અમારી માનો અવાજ કેવો મીઠો છે! તારો તો કર્કશ છે. તું અમારી મા નથી, જા, બારણું નહિ ઊઘડે!’

વરુ વીલે મોઢે પાછો ફર્યો.

વિચાર કરી કરી એણે નક્કી કર્યું કે હવે ગળામાંથી મીઠો અવાજ કાઢવો. થોડી વાર પછી વળી એ પાછો આવ્યો અને ગળામાંથી બને એટલો મીઠો અવાજ કાઢી એ ગાવા લાગ્યો:

બબલી બકરી આવે છે,
દૂધનો ઘડો લાવે છે!
બચ્ચાં, ખોલો દ્વાર,
આપણો થાશે જય જય કાર!

બધાં કહે: ‘ઓહ, મા આવી!’

એકદમ બારણું ઉઘાડવા તેઓ દોડ્યાં, પણ સૌથી નાનું બચ્ચું કહે: ‘ઊંહું! આ આપણી માનો અવાજ નથી. માનો અવાજ તો કેવો મીઠો છે! આ તો કર્કશ છે.’

એકદમ બધાં બચ્ચાં થંભી ગયાં. કહે: ‘વાત તો ખરી! આ માનો અવાજ નથી.’

તેમણે કહ્યું: ‘એ — ઈ, તું જે હો તે, તું અમારી મા નથી, તું ચોર છે! અમારી માનો અવાજ તો કેવો મીઠો છે! તારો તો કર્કશ છે! જા, બારણું નહિ ઊઘડે!’

વરુ ફરી વીલે મોઢે પાછો ફર્યો.

આ વખતે તેણે નક્કી કર્યું કે અવાજને મીઠો બનાવવો એ ખરો!

સાંજે બકરી ઘેર પાછી આવી ત્યારે તેણે સંતાઈને ધ્યાનપૂર્વક એનો અવાજ સાંભળ્યો. પછી જંગલમાં જઈ એ પોતાના ગળામાંથી બકરીના જેવો અવાજ કાઢવાનું કરવા લાગ્યો. ગળામાંથી અવાજ કાઢે અને કહે: ‘ઊંહું, આ બરાબર નથી!’

વળી ફરીને અવાજ કાઢે અને કહે: ‘ઊંહું, હજી કસર છે.’

વરુ અવાજની આવી કસરત કરતો હતો, ત્યાં ગલબો શિયાળ આવી પહોંચ્યો. તેણે કહ્યું: ‘અરે શકારા, એકલો તું આવી ચીસો કેમ પાડે છે?’

વરુએ કહ્યું: ‘ચીસો નથી પાડતો, ગાઉં છું.’

ગલબાએ કહ્યું: ‘ગાય છે? ઓચિંતાનો તું ગાયક કેમ કરી બની ગયો?’

વરુએ હસીને કહ્યું: ‘એ જ ખૂબી છે બંદાની!’

ગલબાએ કહ્યું: ‘તો યે કંઈ કહે તો ખરો!’

હવે વરુએ કહ્યું: ‘પેલું ઘર જોયું? એમાં બબલી બકરી એનાં ચાર બચ્ચાં સાથે રહે છે. બબલી ચરવા જાય છે ત્યારે ઘર બંધ થાય છે, અને ચરીને આવે છે ત્યારે જ એ ઊઘડે છે. એ વખતે એ એક ગીત ગાય છે. એ ગીત સાંભળી બચ્ચાં ઘર ઉઘાડે છે. હું એ ગીત શીખી ગયો છું. પણ હું એ ગાઉં છું તોય બચ્ચાં બારણું ઉઘાડતાં નથી. કહે છે કે તારો અવાજ કર્કશ છે, અમારી માના જેવો નથી. એટલે હવે હું મારા અવાજને મીઠો કરવાની કસરત કરું છું. બસ, પછી બબલીનાં ચારે બચ્ચાં હોઈયાં!’

આ સાંભળી ગલબો હસ્યો.

વરુએ કહ્યું: ‘કેમ હસે છે?’

ગલબાએ કહ્યું: ‘હસું છું તારી અક્કલ જોઈને!’

વરુએ કહ્યું: ‘મારી અક્કલમાં એવું શું જોયું તેં? એમ કરીને તારે જો મારી પાસેથી બબલીનું ગીત જાણી લેવું હશે તો એમાં તું ફાવવાનો નથી એ તને કહી દીધું!’

ગલબાએ કહ્યું: ‘તારું ગીત તારી પાસે રાખ, મારે એ નથી જોઈતું. પણ હું જાણું છું એટલે કહું છું કે આમ કસરત કરવાથી તારો કંઠ મીઠો નહિ થાય! જીભ નરમ હોય તો કંઠ મીઠો થાય. માટે પહેલી જીભ નરમ કર!’

હવે વરુ દબ્યો: ‘કેવી રીતે કરું?’

ગલબાએ કહ્યું: ‘જો ભાઈ, હું કોઈને મફતમાં સલાહ આપતો નથી, હું વકીલ છું.’

વરુએ કહ્યું: ‘તો વકીલ સાહેબ, હું આપની ફી આપીશ. હું આ ચાર બચ્ચાં પકડું, પછી તેમાંથી એક તમારું!’

ગલબાએ કહ્યું: ‘પછીની વાત ખોટી! પહેલી ફી હોય તો વાત કર!’

વરુએ કહ્યું: ‘તો પહેલી ફી કબૂલ! ફરમાવો!’

ગલબાએ કહ્યું: ‘જા, રાણીસરના તળાવમાંથી એક બતકું મારી લાવ! એ મારી ફી!’

વરુ પોતે ચાર દિવસથી ભૂખ્યો હતો, તોય ગલબાની ફીનો જોગ કરવા એ તળાવ પર ગયો અને કિનારાની ઝાડીમાં અને ભેજમાં કલાકો સુધી સંતાઈ એક બતકું મારી લાવ્યો.

ફી પેટમાં પડી એટલે ગલબાએ કહ્યું: ‘તારે અવાજને કાયમનો મીઠો કરવો છે કે ઘડી બે ઘડી માટે?’

વરુએ કહ્યું: ‘કાયમનો વળી!’

ગલબાએ કહ્યું: ‘ઠીક, તો છગન લુહારને ઓળખે છે તું?’

વરુએ કહ્યું: ‘કોણ, પેલો ધમણ ધમ્યા કરે છે એ?’

ગલબાએ કહ્યું: ‘હા, એ! બહુ ડાહ્યો આદમી છે. એની પાસે જા, અને મારું નામ દઈ એને કહે — તારી જીભને ટીપીને એ નરમ બનાવી આપશે.’

વરુએ કહ્યું: ‘માત્ર ટીપીને? એટલામાં પતી જશે?’

ગલબાએ કહ્યું: ‘જરૂર પતી જશે.’

વરુ હરખાતો હરખાતો છગન લુહારની પાસે ગયો. લુહાર તે વખતે લોઢું ભઠ્ઠીમાં તપાવી ટીપતો હતો.

વરુએ કહ્યું: ‘છગન ચાચા, ગલબા શિયાળે મને મોકલ્યો છે.’

છગન ગલબાને ઓળખતો હતો. ઘણી વાર એણે એને પોતાના વાડામાંથી મરઘું ચોરી જતો પકડ્યો હતો. ચૂંચી આંખ કરી તેણે વરુને ધારીને જોઈ લીધો. પછી કહ્યું: ‘પધારો, શો હુકમ છે?’

લુહારનો વિવેક જોઈ વરુ પ્રસન્ન થઈ ગયો. તેને ખાતરી થઈ ગઈ કે લુહાર બહુ ડાહ્યો આદમી છે! તેણે કહ્યું: ‘ચાચા, જરી તમારું કામ પડ્યું છે. મારી જીભને જરી ટીપીને બબલી બકરીની જીભ જેવી નરમ કરી દેવાની છે.’

છગન લુહારે કહ્યું: ‘તારી જીભ જેવી છે તેવી શું ખોટી છે?

વરુએ કહ્યું: ‘ખોટી જ છે, કાકા! જીભ મીઠી હોયને, તો હું બબલી બકરીની પેઠે ગીત ગાઉં અને એ ગીત સાંભળીને બબલીનાં બચ્ચાં બારણું ઉઘાડે અને પછી — બબલીનાં ચારે બચ્ચાં હું હોઈયાં કરી જાઉં! ચાર દિવસથી હું એમને ખાવા ફરું છું, કાકા, પણ મારો અવાજ કર્કશ છે કે બચ્ચાં એ ઓળખી જાય છે, અને બારણું ઉઘાડતાં નથી!’

છગને કહ્યું: ‘ઓહ, એમ વાત છે! તો તો મારે તારું કામ કરવું પડશે. પણ તે માટે તું મને કંઈ મહેનતાણું આપશે કે રામ રામ?’

વરુએ કહ્યું: ‘મહેનતાણું પહેલું! હું કોઈનું કશું મફતમાં લેતો નથી.’

છગને મનમાં હસી લીધું. એ મનમાં કહે: ‘હા! માત્ર બબલીનાં બચ્ચાં મફતમાં મારી ખાઉં છું કેવી છે આ દુનિયા! પોતાનો દોષ કોઈને દેખાતો નથી!’

તેણે કહ્યું: ‘તો જા, રાણીસર તળાવમાંથી બે બતકાં પકડી લાવ! પણ બેઉ જીવતાં જોઈએ!’

વરુ પોતે ચાર દિવસનો ભૂખ્યો હતો, પણ લુહાર માટે એ બતકાં પકડવા ગયો. કલાકો સુધી એ ઝાડીમાં ને ભેજમાં સંતાઈ રહ્યો, ત્યારે બે બતકાં એના હાથમાં આવ્યાં. ભૂખ એવી લાગી હતી કે એ બતકાં મારી ખાવાનું એને મન થયું, પણ પછી છગનકાકાને શું આપે? અને છગનકાકાને કશું ન આપે તો એની જીભ કેમ કરીને નરમ થાય? અને જીભ નરમ ન થાય તો બબલી બકરીનાં બચ્ચાં કેમ કરી હાથમાં આવે? અને કેમ કરી હોઈયાં થાય?

તે બોલ્યો: ‘ઊંહું, બતકાં છો છગનિયો લઈ જતો, હું બબલીનાં બચ્ચાંથી મારું પેટ ભરીશ. ચારે ચારને હું હોઈયાં કરી જઈશ!

વરુએ છગન લુહારને બે જીવતાં બતકાં આપી કહ્યું: ‘કાકા, હવે ઝટઝટ મારી જીભને ટીપી કાઢો!’ૅ

છગને કહ્યું: ‘ટીપી કાઢું! મને એમાં વાર નહિ લાગે. તું આ બાજુ આવીને બેસ! અને આ એરણ પર તારી જીભ લાંબી કર! હજી લાંબી કર! હજી લાંબી કર! હવે જોઈ લે મારી કારીગીરી! એક જ ટચકે તારું કામ પતી જશે!’

પછી છગન લુહારે હથોડો ઉપાડ્યો, અને જોરથી વરુની જીભ પર ઘા કર્યો.

વરુ ચીસ પાડી જાય નાઠો.

પણ એની જીભના ટેરવાના કૂચા થઈ ગયા હતા.

ગલબો ક્યાંક છુપાઈને આ ખેલ જોઈ રહ્યો હતો. તેણે વરુની પાસે આવી કહ્યું: ‘કેમ રે, કેવો લાગ્યો છગન લુહાર?’

વરુએ રોતાં રોતાં કહ્યું: ‘લુહાર તો બહુ ડાહ્યો આદમી, પણ એનો હથોડો બહુ ખરાબ. તારે મને આ પહેલું કહેવું જોઈતું હતું!’

આ સાંભળી ગલબો હસ્યો.

એટલે ચિડાઈને વરુએ કહ્યું: ‘દુષ્ટ ગલબા! તું પણ એ હથોડા જેવો જ દુષ્ટ છે. યાદ રાખ, હું તને છોડવાનો નથી!’

બકરીનાં બચ્ચાંને મારી ખાવાની વાત ભૂલી હવે એ ગલબા શિયાળ પર વેર લેવાનો વિચાર કરવા લાગ્યો. વિચાર શાંતિથી થઈ શકે એ માટે એ પોતાની બોડમાં જઈને સૂઈ ગયો. જીભને આરામની જરૂર પણ હતી. 

[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]

License