૪૩. પ્રસાદ

(૧)

મુંબઈથી મામા આવ્યા. મામાએ ભરતને કાજુનું પડીકું આપ્યું.

ભરતને કાજુ બહુ ભાવે. ઘડીકમાં એ બધાં કાજુ ખાઈ ગયો.

એની મમ્મી કહે: અરે, તું એકલો બધું ખાઈ ગયો? મહેમાન આપે એ પ્રસાદ કહેવાય. પ્રસાદ એકલાએ ન ખવાય! બધાંની સાથે વહેંચીને જ ખવાય!’

ભરત કહે: ‘મમ્મી! મારી ભૂલ થઈ! હવે હું એકલો નહિ ખાઉં!’

(૨)

મીનાબહેન વર્ગમાં ભણાવતાં હતાં.

તેમણે કેટલાક દાખલા ગણવા આપ્યા.

અકીકે પટોપટ બધા દાખલા ગણી કાઢ્યા.

એની બાજુમાં બેઠેલા છોકરાઓ મૂંઝાતા હતા. કહે: ‘દાખલા અઘરા છે!’

અકીક હસ્યો કહે: ‘દાખલા સહેલા છે!’

મીનાબહેન આ જોતાં હતાં. કહે: ‘અકીક! વિદ્યા તો પ્રભુનો પ્રસાદ કહેવાય. પ્રસાદ એકલા એકલા ખાઈએ ને ખુશ થઈએ એ સારું નહિ! તું દાખલા સમજે છે તો બીજાઓેને સમજાવ! એમને શીખવામાં મદદ કર!’

અકીકને આ વાત ગમી. એ બીજા વિદ્યાર્થીઓને દાખલા સમજાવવા લાગી ગયો.

(૩)

છોકરાઓ રમત રમતા હતા.

એક છોકરો રડતો હતો.

છોકરાઓ કહે: ‘તું ગામડિયો છે, તને અમે નહિ રમાડીએ.’

શિક્ષક દિનેશકુમારે આ જોયું. તેમણે છોકરાઓને કહ્યું: ‘રમત-ગમતનો આનંદ એ તો પ્રભુનો પ્રસાદ કહેવાય. પ્રસાદમાંથી કોઈને બાદ રખાય નહિ. સૌને એમાં ભાગ મળવો જોઈએ. ભારતમાં કોઈ ગામડિયો નથી, કોઈ શહેરી નથી; બધાં ભારતવાસી છે. પ્રસાદ પર સૌનો સરખો હક છે.’

છોકરાઓએ પેલાને રમતમાં સામેલ કરી દીધો.

બધે આનંદ આનંદ થઈ રહ્યો.

[સડેલી કેરી]

License