૨૭. મગલો મગર ને પપૂડો વાંદરો

મગલો મગર અને પપૂડો વાંદરો બંને પાકા ભાઈબંધ, પણ એક વાર બેઉ ઝઘડી પડ્યા. મગલો કહે: ‘હું એટલે હું! મારી દોસ્તીથી તું શોભે છે!’

પપૂડો કહે: ‘હું એટલે હું! મારી દોસ્તીથી તું મોટો છે. બાકી તું એટલે કાંઈ નહિ!’

તકરાર બહુ લાંબી ચાલી.

એટલામાં છોટુ સસલો ત્યાં આવી ચડ્યો.

એણે કહ્યું: ‘એ…ઈ, લડો નહિ! તમારી તકરારનો કોઈ ડાહ્યા માણસની પાસે ન્યાય કરાવો.’

મગલાએ કહ્યું: ‘ડાહ્યો માણસ જાણવો કેવી રીતે?’

છોટુએ કહ્યું: ‘એના કાન પરથી! જેના કાન માથા પર તટસ્થ ઊભા હોય — નહિ ગાલ પર ઢળે કે નહિ ડોક પર ઢળે એને ડાહ્યો ને વિદ્વાન સમજવો.’

પપૂડાએ કહ્યું: ‘એવા તો એક તમે છો! તો તમે અમારો ન્યાય કરો!’

મગલાએ પણ એવું જ કહ્યું.

છોટુમિયાંએ હવે ન્યાયાધીશના રુઆબથી કહ્યું: ‘ન્યાયાધીશને સલામ સાથે અરજ કરો!’

બંને જણે છોટુમિયાંને સલામ ભરી અરજ ગુજારી! ‘અમારા બેમાં મોટો કોણ અને કોને લીધે કોણ છે તે કહો!’

છોટુમિયાંએ ચારે બાજુ નજર કરી લઈ કહ્યું: ‘દેખો, પણે શું દેખાય છે? નદીમાં નહિ, નદીની સામે પાર!’

મગરે કહ્યું: ‘સામે પાર? સામે પાર તો આંબાનું ઝાડ છે.’

પપૂડો કહે: ‘અને ઝાડ પર કેરીઓ છે.’

છોટુમિયાંએ કહ્યું: ‘પણે ઝાડની પેલી ઊંચી ડાળ પર કેરી લટકે છે એ જોઈ? એ કેરી જે લઈ આવે તે મોટો! બોલો, કોણ લઈ આવશે?’

મગલો ને પપૂડો બેઉ એકસાથે બોલ્યા: ‘હું! હું!’

અને બેઉ ઊપડ્યા આંબા પરથી કેરી લઈ આવવા. પપૂડો આગળ ઠેકડો ભરતા ચાલ્યો, પણ નદીમાં પાણી જોઈ ઊભો રહી ગયો. મગલો મગર હડૂ હડૂ કરતો પાણીમાં ઊતરી પડ્યો ને પપૂડાને અંગૂઠા દેખાડી કહે: ‘આવજે!’

પપૂડો ભોંઠો પડી ગયો.

મગલો સડસડાટ નદી પાર કરી સામા કિનારે પહોંચી ગયો. ફરી તેણે અંગૂઠો દેખાડી પપૂડાની મશ્કરી કરી ને ખુશ ખુશ થતો આંબા તરફ આગળ વધ્યો.

પણ આંબા આગળ આવી એ ઊભો રહી ગયો. આંબા પર ચડતાં એને આવડતું નહોતું. ચડવા જાય તો છાતી છોલાઈ જાય ને પેટ ફાટી જાય.

સામે કિનારે ઊભેલો પપૂડો આ જોતો હતો. એ મગલાની મુસીબત સમજી ગયો. એણે મગલાની મશ્કરી કરી: ‘ચડી જાઓ, બચ્ચાજી, ઝાડ પર! લઈ આવો કેરી.’

મગલાને હવે સમજાયું કે ઝાડ પર ચડવાનું કામ પપૂડાનું! એ માટે કોઈ રીતે એને અહીં લઈ આવવો જોઈએ.

એણે તરત પૂંઠ ફેરવી. ફરી પાછો એ નદીમાં ઊતર્યો ને સામે કાંઠે પહોંચ્યો. પપૂડાને કહ્યું: ‘ચાલ, આવી જા મારી પીઠ પર! હું તને સામી પાર લઈ જાઉં!’

પપૂડાને એ જ જોઈતું હતું. એ ઠેકડો મારી મગલાની પીઠ પર સવાર થઈ ગયો ને સામે કાંઠે પહોંચી ગયો. મગલો કિનારા પર પગ દે તે પહેલાં તો પપૂડો એની પીઠ પરથી કૂદીને જમીન પર પડ્યો ને ‘મગલાજી, આવજો!’ કહી તેની મશ્કરી કરી ઝાડ પર ચડી ગયો ને ઘડીકમાં કેરી લઈ નીચે આવી ગયો. મગલાને કહે: ‘જોઈ મારી હોંશિયારી? તારાથી બન્યું કાંઈ? હું એટલે હું! તું એટલે કાંઈ નહિ!’

મગલો કંઈ બોલ્યો નહિ. એ શાન્તિથી તડકો ખાતો રહ્યો.

હવે પપૂડાને ખ્યાલ આવ્યો કે કેરી લઈને સામે કાંઠે ન્યાયાધીશની કચેરીમાં હાજર થવાનું છે. તેણે મગલાને કહ્યું: ‘ચાલ, સામે કાંઠે જઈએ!’

મગલાએ કહ્યું: ‘તું તારી તાકાતથી કેરી લઈ આવ્યો છે, તો તારી તાકાતથી જા! મારે નથી જવું!’

પપૂડાએ નરમ થઈ કહ્યું: ‘ઊંહું! હું નહિ જઈ શકું, તારી તાકાતથી જ જવાશે!’

‘અને કેરી? એ તો તારી તાકાતથી લવાઈ ને?’

પપૂડાએ કહ્યું: ‘ના, એકલી મારી તાકાતથી નહિ, મારી ને તારી ભેગી તાકાતથી!’

‘તો આવી જા મારી પીઠ પર!’ મગલાએ રાજી થઈ કહ્યું.

બંને સામે કિનારે પહોંચી ગયા. ત્યાં છોટુ સસલો મણકા જેવી આંખો મટમટાવીને બેઠો હતો. બંનેએ એના પગમાં કેરી ધરી કહ્યું: ‘ન્યાયાધીશ સાહેબ, આ કેરી!’

‘કોણ લઈ આવ્યું? મગલા, તું?’ છોટુએ પૂછ્યું.

‘જી ના, હું નહિ, પપૂડો!’ મગલાએ કહ્યું.

‘પપૂડા, તું?’ ન્યાયાધીશે પૂછ્યું.

‘જી, ના! હું નહિ, મગલો!’ પપૂડાએ કહ્યું.

છોટુમિયાંએ કહ્યું: ‘બહુ સરસ! હું નહિ, તું! હું નહિ તું! હું નહિ, તું! જાઓ, તમારો ન્યાય થઈ ગયો! તમે બેઉ જીત્યા! હું વાળો હાર્યો ને તું વાળો જીત્યો!’

મગલાએ અને પપૂડાએ પરસ્પર જીતની તાળીઓ લીધી.

[લાડુની જાત્રા]

License