૪૮. ભડાભડ ને ધડાધડ

એક હતો રાક્ષસ. એનું નામ ધડાધડ.

દેશના નાનામોટા તમામ રાક્ષસોને એણે હરાવી કાઢ્યા હતા, પણ એક રાક્ષસને હરાવવાનો હજી બાકી હતો. એ બીજા રાક્ષસનું નામ ભડાભડ. વાત એમ હતી કે ભડાભડ એના એક બાળગોઠિયને મળવા બહારગામ ગયો હતો. બંને બાળગોઠિયો ઘણાં વરસે મળ્યા, પણ ખાસ કંઈ વાત કરવાની હતી નહિ, એટલે માત્ર ત્રણ જ વરસમાં વાત પૂરી કરીને ભડાભડ પાછો ઘેર આવવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એને ખબર મળ્યા કે ધડાધડે બધા રાક્ષસોને હરાવી કાઢ્યા છે અને હવે તારી રાહ જુએ છે!

ભડાભડે કહ્યું: ‘એવો તે કેવો એ ધડાધડ?’

લોકોએ કહ્યું: ‘બહુ જબરો! તને તો મૂઠીમાં જ મસળી નાખે! આકાશની વીજળીને એણે ટીપીને કાગળ જેવી પાતળી બનાવી મ્યાનમાં પૂરી છે, ભલભલા એની એ વીજળીથી બીએ છે!’

આ સાંભળી ભડાભડ પણ બી ગયો.

પણ હિંમતથી એ ઘેર આવ્યો. એને જોઈ એની રાક્ષસી રાજી રાજી થઈ ગઈ. એણે સારું સારું રાંધીને ભડાભડને ખવડાવવા માંડ્યું. પણ ભડાભડના મનને શાંતિ નથી એ એની રાક્ષસીથી છૂપું રહ્યું નહિ. એણે એક દિવસ ભડાભડને કહ્યું: ‘માનો, ન માનો, પણ તમારા મનમાં કંઈ મૂંઝવણ છે!’

ભડાભડે કહ્યું: ‘એ જાણીને તને શો ફાયદો છે?’

રાક્ષસીએ કહ્યું: ‘ફાયદો હોય ન હોય, પણ મને કહો!’

ત્યારે ભડાભડે કહ્યું: ‘કહે છે કે ધડાધડ રાક્ષસ મને મારવા ફરે છે!’

રાક્ષસીએ કહ્યું: ‘મેં પણ એ સાંભળ્યું છે! કહે છે આકાશની વીજળીને એણે ટીપી કાગળ જેવી પાતળી બનાવી મ્યાનમાં પૂરી છે! એનાથી બધા બીએ છે!’

ભડાભડ આ સાંભળી ફફડી ગયો.

તેણે અંગૂઠો મોંમાં નાંખી ચૂસવા માંડ્યો. એના અંગૂઠામાં જાદૂઈ શક્તિ હતી. અંગૂઠો માેંમાં નાખી ચૂસે એટલે ક્યાં બીવા જેવું છે એની એને તરત ખબર પડી જાય! અત્યારે પણ અંગૂઠો મોંમાં નાખ્યો કે તરત અંગૂઠાએ એને કહ્યું: ‘એ…ઈ ચેત! ધડાધડ તારો રોટલો કરી નાખશે!’

ભડાભડે કહ્યું: ‘મારો અંગૂઠો મને ધડાધડથી ચેતવાનું કહે છે!’

રાક્ષસીએ કહ્યું: ‘હજી ધડાધડને આવવા તો દો! તમે પેલી ડુંગરી પર ચડીને જુઓ — ધડાધડ આવતો હશે તો સાત ગાઉ દૂરથી દેખાશે! એ દેખાય કે તરત દોડતા આવી મને ખબર આપો. પછી જે કરવાનું છે તે હું કરીશ!’

ભડાભડ તરત જ ડુંગરી પર ચડી ગયો, ને ચારે બાજુ નજર કરી જોવા લાગ્યો. થોડા જ વખતમાં એણે દૂરથી એક પહાડને ચાલ્યો આવતો જોયો! એને જોઈને જ એ સમજી ગયો કે એ જ ધડાધડ!

દોડતા ઘેર આવી એણે રાક્ષસીને કહ્યું: ‘ધડાધડ આવે છે! બાપ રે, કેવો જબરો છે!’

રાક્ષસીએ કહ્યું: ‘જીવવું છે કે જીતવું છે?’

ભડાભડે કહ્યું: ‘જીવવું છે અને જીતવું પણ છે!’

રાક્ષસીએ કહ્યું: ‘ખાલી જીવવું હોય તો અહીંથી ભાગી જાઓ અને જીવવા સાથે જીતવું હોય તો હું કહું તેમ કરો! ઝટઝટ મારું ફરાક પહેરી લો!’

ભડાભડે કહ્યું: ‘તારું ફરાક? એટલે શું હું બૈરીનાં લૂગડાં પહેરું?’

રાક્ષસીએ કહ્યું: ‘જીવવું અને જીતવું હશે તો પહેરવાં પડશે! ચાલો, ઝટઝટ પહેરી લો! નહિ તો ધડાધડ હમણાં આવી પહોંચ્યો જાણો!’

ભડાભડે ફરાક પહેરી લીધું, એટલે રાક્ષસીએ એના માથા પર લાલ ટોપી ઓઢાડી દીધી. પછી હુકમ કર્યો: ‘હવે ઝટઝટ પેલા ઘોડિયામાં સૂઈ જાઓ! લો, આ ધાવણી મોંમાં રાખવાની છે!’

ભડાભડ ઘોડિયામાં પગ વાળીને સૂઈ ગયો એટલે રાક્ષસીએ એના હાથમાં ધાવણી પકડાવી દીધી! ભડાભડ ધાવણી ચૂસવા લાગ્યો. રાક્ષસીએ એના માથા પર એક ફટકો બાંધી દીધો અને પોતાનું એક ઓઢણું તેને ઓઢાડી દીધું ને ભડાભડને હીંચોળતાં હાલરડું માંડ્યું:

તારા બાપા ભડાભડ,
તારા દાદા હડાહડ!
ઊંઘો બચ્ચા ફડાફડ!
હાલા… હા…લ!

એટલામાં તો પહાડ જેવો ધડાધડ આવી ઊભો. આવતાં જે એણે બૂમ પાડી: ‘એ…ઈ, કોણ છે ઘરમાં?’

તરત જ રાક્ષસીએ તેની સામે દોડી આવી કહ્યું: ‘ પધારો, અતિથિદેવ, પધારો!’

ધડાધડે લાલ આંખે કરી કહ્યું: ‘ક્યાં છે ભડાભડ?’

રાક્ષસીએ નવાઈ દેખાડી કહ્યું: ‘ઓહ, ભડાભડનું કામ છે તમારે? એ તો સો ગાઉ પર દરિયા પર પુલ બાંધવા ગયા છે! ઓચિંતાની ખબર આવી કે ધડાધડ નામનો કોઈ રાક્ષસ લોકોને વિતાડે છે, એટલે એવો ગુસ્સો ચડ્યો કે રોટલાય ખાવા રહ્યા વિના એને હણવા દોડી ગયા છે! એનો બોરકૂટો કર્યા વિના એ પાછા નહિ આવે!’

ધડાધડે કહ્યું: ‘તો હું ત્યાં પહોંચું — હું જ એ ધડાધડ છું એ શું મારો બોરકૂટો કરતો’તો, હું જ એનો બોરકૂટો કરી નાખીશ!’

આ સાંભળી રાક્ષસી જોરથી ખડખડાટ હસી પડી: ‘હેં! તે તમે પોતે ધડાધડ છો? તમે ભડાભડનો બોરકૂટો કરવા નીકળ્યા છો? તમે તો આવડા વેંત જેવડા છો, ને ભડાભડ તો તમારા કરતાં બમણો ઊંચો અને દશગણો વધારે જોરાવર છે!…ભલે, ભલે, તો જજો એનો બોરકૂટો કરવા! પણ અત્યારે તો તમે મારા મહેમાન છો! જમાડ્યા વિના હું તમને નહિ જવા દઉં! ભડાભડ જાણે કે આંગણેથી અતિથિ ભૂખ્યો ગયો છે, તો મને વઢી નાખે!’

ભડાભડ ઘોડિયામાં પડ્યો પડ્યો આ સાંભળતો હતો,ને મનમાં મનમાં બોલતો હતો: ‘મૂઈ તું! એ જાય છે, તો જવા દેને એને!’

પણ રાક્ષસીએ ધડાધડને જવા દીધો નહિ.

એણે ધડાધડને કહ્યું: ‘જુઓને, હું રોટલા ઘડવા જ બેઠી છું…!’

થોડી વાર રહી કહે: ‘આ મૂઓ પવન વિતાડે છે, બારણામાંથી સીધો જ ચૂલા પર આવે છે! તમે મારું એક કામ ન કરો, ધડાધડ ભૈયા? પાયામાંથી પકડીને મારા ઘરનું મોં જરી બીજી બાજુ કરી દો ને! ભડાભડ રોજ બે વાર મને ઘરનું મોં ફેરવી આપે છે!’

ધડાધડે કહ્યું; ‘એમાં શું? હમણાં ફેરવી દઉં ઘરનું મોં!’

આમ કહી એણે આખું ઘર જમીનમાંથી ઉપાડ્યું અને ઘરના બારણાની દિશા બદલી નાખી.

રાક્ષસી મનમાં મનમાં બોલી: ‘હં, છે બળિયો!’

પછી તેણે કહ્યું: ‘બહુ સરસ કર્યું, હોં, ધડાધડ ભૈયા! હવે હું સુખેથી રોટલા કરી શકીશ!’

પછી થોડી વાર અટકીને કહે: ‘જરી આ પાણીની તકલીફ છે! અમારા કૂવાનું પાણી સૂકાઈ ગયું છે, અને પેલા પહાડની વચમાં પાણીની આવ છે. ભડાભડ કહે કે હું પહાડને ચીરીને તને પાણી કાઢી આપું છું. પણ એને તો તરત મારમાર કરતા જવું પડ્યું, એટલે શું થાય? હવે તો તમે કંઈ કરો, અને પહાડ તોડી પાણી કાઢી આપો તો કંઈ થાય! મારું એટલું કામ કરશો, ધડાધડભૈયા?’

ધડાધડ કહે: ‘એમાં શી મોટી વાત છે! હમણાં પહાડનાં બે ફાડચાં કરી નાખું!

આમ કહી એ દોડ્યો, અને પહાડની વચ્ચોવચ્ચ ફાટ હતી, તેમાં આંગળાં ઘાલી પહાડને ઊભો ને ઊભો ચીરી નાખ્યો! પહાડમાંથી ધોધમાર પાણીની આવ છૂટી!

આ જોઈ રાક્ષસી મનમાં બોલી: ‘હં, છે બળિયો!’ પણ એણે બહારથી કંઈ દેખાવા દીધું નહિ, ટપાટપ એ રોટલા ટીપતી રહી. રોટલો એટલે શેર બશેરનો નહિ, પાકો અધમણનો એક! અને એ રોટલાની અંદર એણે લોઢાના ખીલા ઘાલેલા! પાટલો ઢાળી ધડાધડને જમવા બેસાડી એણે એના ભાણામાં ઊનો ઊનો રોટલો પીરસ્યો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ધડાધડે જોરથી રોટલાનું બટકું ભર્યું —કડાક કરતો અવાજ થયો, અને ધડાધડનો એક દાંત તૂટી ગયો!

ધડાધડ કહે: ‘બાપ રે, આ તે કેવો રોટલો છે! બટકું ખાતાં મારો દાંત તૂટી ગયો!’

નવાઈ દેખાડી રાક્ષસીએ કહ્યું: ‘શું કહો છો? મારો ભડાભડ તો ટંકે આવા આઠ રોટલા ખાઈ જાય છે!’

‘હોય નહિ!’ ધડાધડે કહ્યું.

રાક્ષસીએ કહ્યું: ‘એટલે તો હું કહું છું કે ભડાભડને તમે નહિ પહોંચી શકો! એનો મુકાબલો કરવો મેલી આબરૂભેર તમે ઘર ભેગા થઈ જાઓ એ જ ઠીક છે!’

ધડાધડનું અભિમાન ઘવાયું. એણે જુસ્સામાં આવી કહ્યું: ‘ભડાભડ ખાય છે તો હું પણ ખાઈશ!’

હવે રાક્ષસીએ ધડાધડના ભાણામાં બીજો રોટલો પીરસ્યો. એ રોટલો પણ પહેલા રોટલા જેવો જ હતો. ધડાધડે ઉત્સાહમાં આવી રોટલાને જોરથી બટકું ભર્યું. એનો બીજો દાંત તૂટી ગયો! એણે બૂમ પાડી: ‘અરે, મારો બીજો દાંત તૂટી ગયો! આવા રોટલા કોઈ ખાય કેવી રીતે? હું તારી વાત માનતો નથી!’

ત્યારે રાક્ષસીએ કહ્યું: ‘ભડાભડ હાજર હોત તો તમને નજરોનજર એ દેખાડત! પણ કંઈ વાંધો નહીં. એનો છોકરો હાજર છે. હજી બાળક છે, ઘોડિયામાં ઝૂલે છે, પણ જબરો એના બાપ જેવો છે! એક, બે ને ત્રણ બટકામાં તો એ આખો રોટલો ખાઈ જશે!’

આમ કહી એ બીજા ઓરડામાં ગઈ અને ભડાભડ સૂતો હતો એ ઘોડિયું જ આખું ઊંચકીને ત્યાં લઈ આવી, ને ધીરે ધીરે હાલો ગાવા લાગી:

તારા બાપા ભડાભડ!
તારા દાદા હડાહડ!
ઊંઘો બચ્ચા ફડાફડ!
હાલા… હા…લ..!

ધડાધડે કહ્યું: ‘હેં! તે આ ભડાભડનો દીકરો છે?’

રાક્ષસીએ કહ્યું: ‘કહ્યું તો ખરું કે ભડાભડનો દીકરો ફડાફડ છે! દીકરો આવડો મોટો છે, તો બાપ કેવડો હશે એ સમજી લો ને! એટલે તો હું તમને ક્યારની કહું છું કે ભડાભડની સાથે ભટકાવાની વાત છોડો, અને સાજાસમા ઘર ભેગા થઈ જાઓ!’

ધડાધડ વિચારમાં પડી ગયો હતો. આવડું મોટું ધાવણું બાળક એણે કદી જોયું નહોતું.

એટલામાં રાક્ષસીએ ચૂલા પરથી એક રોટલો ઉતારી ઘોડિયામાં ભડાભડના મોં આગળ ધરી કહ્યું:

તારા બાપા ભડાભડ!
તારા દાદા હડાહડ!
ખાઓ, બચ્ચા, ફડાફડ!
બટકુ એક… બે…ને. ત્રણ!

ફડ દઈને ઘોડિયામાં સૂતેલા ભડાભડે રોટલાનું બટકું ભર્યું અને મોજથી રોટલો ચાવવા માંડ્યો. વાત એમ હતી કે રાક્ષસીએ આ રોટલામાં ખીલો ઘાલ્યો નહોતો, માત્ર લોટનો જ રોટલો હતો! ધાવણા છોકરાને લહેરથી રોટલો ચાવતો જોઈ ધડાધડ નવાઈ પામી ગયો. તે બોલી ઊઠ્યો: ‘હેં, તે શું આ છોકરાના દાંત આવા જબરા છે?’

રાક્ષસીએ કહ્યું: ‘છે જ તો! જરી એના મોંમાં આંગળી નાખીને જુઓ તો ખબર પડે!’

ધડાધડની નવાઈનો પાર નહોતો. તેણે કહ્યું: ‘જોવું પડશે!’

આમ કહી એણે ભડાભડના દાંત જોવા એના મોંમાં પોતાના જમણા હાથની પહેલી આંગળી નાખી.

રાક્ષસીએ કહ્યું: ‘જરાં ઊંડે આંગળી નાખી એની દાઢ જુઓ!’

ધડાધડે આંગળી દાઢ સુધી નાખી. એ જ ઘડીએ ભડાભડે ધડાધડની એ આંગળીના મૂળમાં જોરથી દાંત દીધા — આંગળી મૂળમાંથી કપાઈ ગઈ! ધડાધડ ‘મરી ગયો રે!’ ની ચીસ પાડી ઊઠ્યો.

વાત એમ હતી કે ધડાધડના જમણા હાથની એ આંગળીમાં જ ધડાધડનું બધું બળ હતું. એ આંગળી કપાઈ ગઈ. એટલે ધડાધડનું બધું બળ ખતમ થઈ ગયું. અને એ સાવ મામૂલી માણસ બની ગયો! હવે નાનું છોકરું પણ એને હરાવી શકે!

હવે ભડાભડમાં જોર આવ્યું: ‘એકદમ ઠેકડો મારીને એ ઘોડિયામાંથી બહાર આવ્યો, ને ત્રાડ પાડી બોલ્યો: ‘લડવું છે તારે મારી સાથે! ચાલ, આવી જા!’

હવે ધડાધડ સમજ્યો કે હું બની ગયો છું. પણ હવે એનામાં લડવાનું જોર રહ્યું નહોતું, એટલે એ જાય ભાગ્યો! જાય ભાગ્યો!

એની પાછળ ભડાભડ અને રાક્ષસી જોરથી હસી પડ્યાં!

[આયર્લેન્ડની વાર્તાને આધારે]

License