૧૫. ચટકચંદ ચટણી

પાટણપુર ગામના ભાખરિયા તળાવને કાંઠે દેડકાંની નગરી હતી. તેમાં જાણીતા ચટણી કુળમાં ચટકચંદ ચટણી નામે એક જુવાન દેડકો રહેતો હતો. મા-બાપનો એકનો એક દીકરો એટલે એ ખૂબ લાડમાં ઊછર્યો હતો.

પેલી ફૂલણજી દેડકીની વાત તમે સાંભળી છે ને? એ ફૂલણજી દેડકી આપણા આ ચટકચંદ ચટણીની ફઈ થાય. ચટકચંદ કંઈ કામ ધંધો કરે નહિ અને રખડુ ભાઈબંધો ભેગો ભટક્યા કરે, જેની તેની સાથે ઝઘડા કરે, તેથી તેના બાપા કોઈ વાર તેને ઠપકો આપતા, તો ચટકચંદ આ ફૂલણજી ફઈને ઘેર ભાગી જતો. ત્યાં ફઈ એનું ઉપરાણું લઈ એના બાપને વઢી નાખતી.

એકવાર ચટકચંદે તળાવ કાંઠે બકરીને ચરતી જોઈ. કંઈ પણ કારણ વગર એણે ડ્રાંઉ ડ્રાંઉ કરી કૂદીને બકરીના નાક પર લાત મારી. બકરી ડાહી, એટલે કંઈ બોલી નહિ, ત્યાંથી ચાલી ગઈ. ચટકચંદ કહે: ‘હું કેવો બહાદુર છું! બધાં મારાથી બીએ છે!’

થોડા દિવસ પછી એક ગધેડો ચરતો ચરતો ત્યાં આવ્યો. એને બિવડાવી કાઢવા ડ્રાંઉ ડ્રાઉં કરતો ચટકચંદ પાછળ પડ્યો. ગધેડો કંઈ બોલ્યો નહિ, પણ એના પાછલા પગથી એણે શી ખબર શી ચાલાકી કરી કે ચટકચંદ ઊછળીને તળાવમાં જઈ પડ્યો! પાણીમાં પડ્યો એટલે બચી ગયો, જમીન પર પડ્યો હોત તો મરી ગયો હોત!

આમ દિવસે દિવસે ચટકચંદનું તોફાન વધતું જતું હતું. બાપે વિચાર કર્યો કે એને પરણાવી દઉં તો એ ડાહ્યો થઈ જશે. એમણે એના માટે કન્યા શોધી કાઢી.

ચટકચંદ કહે: ‘હું કન્યાની પરીક્ષા કરી જોઉં, પછી વાત!’

કન્યાની પરીક્ષા કરવા એ થનાર સસરાને ઘેર ગયો. સસરા ‘ઊંચી હવેલીવાળા’ કહેવાતા હતા. ત્યાં ચટકચંદને ખૂબ માનપાન મળ્યાં.

સાંજે ચટકચંદ સસરાના બગીચામાં ફરવા નીકળ્યો. સાથે એને પરણવા વાળી દેડકી પણ હતી. પાણીમાં ફરતાં ફરતાં ચટકંચદે એક જગાએ બે ઊંચા થાંભલા જોયા. ચટકચંદ કહે: ‘વાહ, કેવી ફક્કડ સફેદ આરસની થાંભલીઓ છે!’

આ સાંભળી દેડકી ભયભીત થઈ ગઈ. તે બોલી: ‘મારા બાપાએ મને આવી થાંભલીઓ પાસે જવાની ના કહી છે. અહીં તો બધા આવી થાંભલીઓથી બીએ છે.’

ચટકચંદે કહ્યું: ‘તારા બાપા બીકણ અને અહીંના બધાયે બીકણ! મને લાગે છે કે બીવા સિવાય એ લોકોને બીજું કંઈ આવડતું નથી.’

પોતાનો થનાર પતિ આવો બહાદુર છે એ જોઈ દેડકી ગર્વથી બોલી: ‘તો આવે વખતે તમે શું કરો?’

ચટકચંદે ચટ દઈને કહ્યું: ‘હું એ થાંભલીઓને પકડી હીંચકા ખાઉં!’ બોલતાંની સાથે જ બે થાંભલીઓને બે હાથે પકડી એ હીંચકા ખાવા લાગ્યો. હીંચકા ખાતો જાય ને ગાતો જાય:

હું પાટણપુરનો પટણી, મારું નામ ચટકચંદ ચટણી,

હું મોતને મારી કાઢું, એવી પાકી મારી કટણી!

હું પાટણપુરનો પટણી!

દેડકી તો આ જોઈ એવી ફુલાય, એવી ફુલાય કે ન પુછો વાત! કહે: ‘ચટણીકુમાર, ફરી ગાઓ!’ મારે તમારું આ ગીત મોઢે કરવું છે.

ચટણીકુમાર હરખથી ફાટ ફાટ થઈ ફરી ગાવા લાગ્યા:

હું પાટણપુરનો પટણી, મારું નામ ચટકચંદ ચટણી!

હું મોતને મારી કાઢું!

એકદમ ચટકચંદ ચટણીના મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈ: ‘ઓ બાપ રે!’ મેડમકુમારીની આંખો ભયથી ફાટી ગઈ. ચટકચંદ જેને થાંભલીઓ સમજી હીંચકા ખાતો હતો એ પાણીમાં ઊભેલા બગલાના બે પગ હતા. ચટકચંદ બગલાની ચાંચમાં પકડાઈને પાણીમાંથી બહાર ખેંચાઈ ગયો હતો ને હવામાં ટાંટિયા હલાવી તરફડતો હતો.

થોડીવાર પછી એ બગલાના મોંમાં ઓરાઈ ગયો. ચટકચંદ ચટણીની જીવનકથા અહીં પૂરી થઈ.

[‘ચિત્તરંજન વાર્તાવલિ’] 

License