૩૦. ખેડૂતની કાકડી

એક વાર એક રાજા વેશપલટો કરી રૈયતનાં સુખદુ:ખ જોવા નીકળ્યો હતો. ગામની સીમમાં એણે એક ગધેડાવાળાને જોયો. ગધેડા પર તાજી કાકડી લાદેલી હતી. રાજાએ પૂછ્યું: ‘આટલી બધી કાકડી લઈ ક્યાં ચાલ્યા? વેચવા?’

ગધેડાવાળાએ કહ્યું: ‘વેચવા નહિ, ભેટ દેવા! ખેડૂત છું, કમોસમે આવો ફક્કડ પાક થયો છે, તો મને થયું કે રાજાને ભેટ ધરું. સાભળ્યું છે કે રાજાને કાકડી બહુ ભાવે છે.’

રાજાએ કહ્યું: ‘તમે સાંભળ્યું એવું મેં ય સાંભળ્યું છે, પણ રાજાને ભેટ ધરવાથી તમને શું ફાયદો?’

ખેડૂતે કહ્યું: ‘રાજા છે, ખુશ થાય તો હજાર રૂપિયા ઈનામ દઈ દે!’

રાજાએ માથું ધુણાવી કહ્યું: ‘ઊંહુ! કાકડીના કોઈ હજાર રૂપિયા ન દે!’

‘તો પાંચસો દેશે!’

‘ઊંહું! પાંચસો યે વધારે છે.’

‘તો ચારસો દેશે, ત્રણસો દેશે, બસો દેશે. કમોસમની કાકડી છે, કેટલાં ખાતરપાણી કર્યા છે—શું રાજા એટલું ય નહિ સમજે? રાજા દિલનો દોલો છે એવું સાંભળ્યું છે.’

‘સાંભળ્યું છે તે સાચું છે, પણ કાકડીના કોઈ બસો રૂપિયા ન આપે!’

‘તો સો આપશે! સો કંઈ વધારે નથી.’

તોયે રાજાએ ‘ઊંહું! ઊંહું!’ કર્યું. ત્યારે ખેડૂતે કહ્યું: ‘સો નહિ આપે તો પચાસ તો આપશેને? કે એટલાય નહિ આપે?’

રાજાએ કહ્યું: ‘પચાસ પણ વાધારે છે!’

ખેડૂતે કહ્યું: ‘તો હું એના મોં પર કહીશ કે તું કાકડી ખાવામાં શું સમજે? બસ, પછી કાકડી બધી છોકરાંમાં વહેંચી દઈશ, છોકરાં તો રાજી થશેને?’

રાજાએ કહ્યું: ‘છોકરાં રાજી થશે એની ના નહિ, પણ તમારો તો માલ મફતમાં ગયો ને?’

ખેડૂતે કહ્યું: ‘જો ભાઈ, અમે રહ્યા ખેડૂત! માલ મફતમાં જાય એનો વાંધો નહિ, પણ માન રહેવું જોઈએ. બાકી હું કંઈ પૈસા સારુ કાકડી દેવા નથી જતો; રાજા છે, રૈયતનો બેલી છે, એટલે એને ભેટ ધરવા આ લઈ જાઉં છું. પણ ખેડૂતની ભેટની રાજાને મન કંઈ કિંમત ન હોય તો એ રાજા એના ઘરનો! એમ તો હું પણ મારા ઘરનો રાજા છું.’

આ સાંભળી રાજા હસ્યો. તેણે કહ્યું: ‘ખરું કહ્યું! ખરું કહ્યું, દોસ્ત!’

પછી બેઉ છૂટા પડ્યા.

*

રાજા કચેરી ભરીને બેઠો હતો. ત્યાં ખેડૂત ગધેડા સાથે કચેરીમાં દાખલ થયો. રાજાને પ્રણામ કરી એણે કહ્યું: ‘મહારાજ, કમોસમે પાકેલી આ કાકડી હું આપને ભેટ ધરવા આવ્યો છું.’

રાજાએ કહ્યું: ‘કાકડી? વાહ! તો મારે એનું ઈનામ દેવું જોઈએ. બોલ, શું આપું?’

ખેડૂતે કહ્યું: ‘એક હજાર રૂપિયા!’

રાજાએ કહ્યું: ‘ઊંહું! ઊંહું!’

ખેડૂતે કહ્યું: ‘તો પાંચસો આપો!’

રાજાએ કહ્યું ‘ઊહું! ઊંહું!’

દરબારીઓ નવાઈ પામી જોઈ રહ્યા કે કદી કોઈને ઊંહું નહિ કહેનારો રાજા આજે આ ખેડૂતને ઊંહું! ઊંહું! કેમ કરે છે.

ખેડૂતે કહ્યું: ‘તો ચારસો અપો, ત્રણસો આપો, બસો આપો!’

રાજાએ કહ્યું ‘ઊહું! ઊંહું!’

‘તો સો આપો! એ કંઈ વધારે નથી.’

રાજાએ કહ્યું: ‘ઊહું! ઊંહું!’

ખેડૂતે કહ્યું: ‘તો પચાસ આપો!’

રાજાએ ગંભીર મોં કરી કહ્યું: ‘પચાસ? ઊંહું! ઊંહું!’

ફટ દઈને ખેડૂત હવે ફાળિયું જમીન પર પછાડીને કહ્યું: ‘મારી કાકડીની તને કંઈ કિંમત ન હોય તો રહ્યું! તું રાજા તારા ઘરનો! હું કાકડી છોકરાંમાં વહેંચી દઈશ.’

આ કહ્યું ત્યાં રાજા જોરથી હસી પડ્યા. હવે ખેડૂતે તેને ઓળખ્યો: ‘ અરે, આ તો પેલો મને ગામમાં પેસતાં મળ્યો હતો એ!’ એટલે એણે ય જોરથી હસવા માંડ્યું. આખી કચેરી મૂઢ જેવી બની આ જોઈ રહી.

હસવાની કળ વળી એટલે રાજાએ કહ્યું: ‘મારા રાજ્યમાં આવા ખેડૂતો છે એ જોઈને મને આનંદ થાય છે. ખજાનચી, ખેડૂતના મોંમાંથી જે આંકડો નીકળ્યો, એટલા રૂપિયા એને આપો!’

ખજાનચીએ કહ્યું: ‘પચાસ રૂપિયા?’

રાજાએ કહ્યું: ‘એથી વધારે!’

ખજાનચીએ કહ્યું: ‘સો રૂપિયા?’

‘એથી વધારે!’

ખજાનચીએ કહ્યું: ‘બસો રૂપિયા? ત્રણસો રૂપિયા? ચારસો રૂપિયા?’

રાજાએ કહ્યું: ‘એથી વધારે!’

‘પાંચસો રૂપિયા?’

‘એથી વધારે!’

‘હજાર રૂપિયા?’

રાજાએ કહ્યું: ‘એથી વધારે!’

હવે ખજાનચી મૂંઝાયો. ખેડૂત એક હજારથી વધારે બોલ્યો નથી, તો એથી વધારે શું કહવું?

રાજાએ કહ્યું: ‘ખેડૂતને આપો હજાર વત્તા પાંચસો, વત્તા ચારસો, વત્તા ત્રણસો, વત્તા બસો, વત્તા સો, વત્તા પચાસ! અઢી હજાર ને પચાસ રૂપિયા ખેડૂતને આપો! આ કાકડીની કિંમત નથી, પણ ખેડૂતના પ્રેમનો નજીવો પુરસ્કાર છે.’

આમ કહી એણે એક કાકડી લઈ સભામાં જ એ કરડવા માંડી. કહે: ‘વાહ, શું ફક્કડ કાકડી છે! આવી મીઠી કાકડી મ ેં કદી ખાધી નથી! લ્યો, બધાયે ચાખો!’

દરબારમાં બધાયે કાકડી ખાવા લાગી ગયા. પોતાની કાકડીનો આવો મહિમા થતો જોઈ ખેડૂત ખુશ ખુશ થઈ ગયો.

[‘અક્કલ અને ઈસ્કોતરો’]

License