૨૪. ન્યાયમૂર્તિ

બે બિલાડીઓ હતી — કાળી ને ધોળી.

પાકી સહિયરો.

પણ એક વાર એક રોટલા માટે બેઉ લડી પડી.

બંને ભૂખી હતી, અને બંનેને રોટલાનો બરાબર અડધો ભાગ લેવો હતો.

પણ ખેંચતાણમાં રોટલાના બે ટુકડા થઈ ગયા — એક મોટો ને બીજો નાનો.

નાનો ટુકડો લેવા કોઈ તૈયાર નહિ.

એટલે બંને વાંદરા પાસે ન્યાય કરાવવા ગઈ.

વાંદરાએ ત્રાજવાનાં બે પલ્લાંમાં બે ટુકડા મૂક્યા, ને મોટા ટુકડામાંથી બટકું ભરી તેને નાનો કર્યો, ત્યારે પેલો નાનો ટુકડો વજનમાં વધ્યો. એટલે એ નાનામાંથી એણે બટકું ભરી લીધું. આમ બંને ટુકડાઓને સરખા કરવાની રમત રમી એ આખો યે રોટલો હજમ કરી ગયો.

પછી કહે: ‘મેં તમારો ન્યાય કરી આપ્યો, ખુશ થાઓ!’

બંને બિલાડીઓ વાંદરાની ઠગાઈ સમજી ગઈ હતી — સાથે પોતાની મૂર્ખાઈનો પણ એમને ખ્યાલ આવી ગયો હતો. પણ વિવેક કેમ છોડાય? એટલે એમણે કહ્યું: ‘અમે ખુશ છીએ અને તમે અમારે માટે જે તકલીફ લીધી એ માટે અમે તમારો આભાર માનીએ છીએ!’

વાંદરો મનમાં કહે કે આ બંને અસલ મૂરખ છે; તો મારી ચતુરાઈ આગળ ચલાવું!

એણે કહ્યું: ‘મેં તમારો ન્યાય તોળ્યો એના બદલામાં ખાલી આભારનું વેણ કહીને તમારે છૂટી જવું છે? તમારે મને ન્યાયાધીશની ફી આપવી જોઈએ.’

બંને બિલાડીઓએ કહ્યું: ‘ફી કબૂલ! બોલો, શું આપીએ?’

વાંદરાને રોટલો બહુ ભાવ્યો હતો. તે જાણતો હતો કે બિલાડીઓ રોજ આવું મિષ્ટાન્ન જમે છે. એટલે એણે કહ્યું: ‘એક વાર તમારે ત્યાં મને જમવાનું નિમંત્રણ આપો એટલે બસ!’

બંને બિલાડીઓએ કહ્યું: ‘તો નિમંત્રણ આપ્યું! બોલો, ક્યારે પધારશો?’

ત્યાં ને ત્યાં જ તારીખ, વાર ને સમય નક્કી થઈ ગયાં. આવી બાબતમાં વાંદરો બહુ ચોક્કસ હતો.

પછી બધાં છૂટાં પડ્યાં.

હવે બંને બિલાડીઓએ અંદર અંદર વિચાર કર્યો. બંને કહે: ‘આપણે હવે અંદર અંદર બાઝવું નથી, પણ આ વાંદરાને તો પાઠ ભણાવવો જ છે!’

બંનેએ મળીને એક યોજના વિચારી કાઢી.

પછી બંને માળીના કૂતરા પાસે ગઈ. એ કૂતરો એમનો દોસ્ત હતો. ઘણી વાર બિલાડીઓ અને કૂતરા વચ્ચે સારાં સારાં ભોજનની આપલે પણ થતી હતી.

કૂતરો ઊંઘતો હતો. કાળી બિલાડીએ તેના કાનામાં ‘મ્યાઉં’ કર્યું કે એ જાગી ગયો.

બંને બિલાડીઓએ કહ્યું: ‘તમે તો આખો વખત, બસ ઊંઘ્યા જ કરો છો, પણ અમે કેવી આપદા ભોગવીએ છીએ તેનો તમને કંઈ ખ્યાલ છે?’

કૂતરો કાન ફફડાવીને બોલ્યો: ‘કઈ આપદા છે? બોલો, હું હમણાં જ એને ચાવી ખાઉં!’

હસીને બિલાડીઓએ કહ્યું: ‘તમે તો જ્યારે ત્યારે જેને તેને ચાવી ખાવાની જ વાત કરો છો. પણ આ કિસ્સો એવો છે કે એમાં તમારે ખૂબ ખબરદારી રાખવાની છે.’

‘એટલું જ?’ કૂતરાએ પૂછ્યું. 

‘એટલું ઓછું નથી. તમારે શો પાઠ ભજવવાનો છે એ તમે એક વાર અમારી પાસેથી બરબર સમજી લો!’ આમ કહી બંને બિલાડીઓએ પોતાની આખી યોજના કૂતરાને સમજાવી.

કૂતરાએ કહ્યું: ‘આપણે બોધુને યે આપણી આ યોજનામાં સાથે રાખીએ તો?’

બોધુ ધોબીનો ગધેડો હતો.

‘રાખીએ, પણ બધું એના માથે ઢોળી દઈ તમારે ઊંઘવું હોય તો નહિ!’ ધોળી બિલાડીએ કહ્યું. કૂતરાનો સ્વભાવ એ બરાબર જાણતી હતી. પેલે દિવસે ઘરમાં ચોર પેઠા, ત્યારે કૂતરો ઊંઘતો હતો. ગધેડાએ એને જગાડવાનો પ્રયત્ન કર્યો ને કહ્યું યે ખરું કે ઘરમાં ચોર પેઠા છે, પણ કૂતરાએ એને તુચ્છકારી કાઢી કહ્યું: ‘તું તારું કામ કર, મને ઊંઘવા દે!’

આમ કૂતરાએ દાદ દીધી નહિ ત્યારે ગધેડાને થયું કે મારે શેઠને ખબર આપવા જોઈએ કે ઘરમાં ચોર પેઠાછે, એટલે એ ભૂંક્યો — જોરથી ભૂંક્યો. પરિણામ એ આવ્યું કે પોતાની ઊંઘ બગાડવા માટે ધોબીએ ગધેડાને ધીબી નાખ્યો, ને ચોર ચોરી કરી ભાગી ગયા.’

ધોળી બિલાડીએ કૂતરાને આ વાતની યાદ આપી.

કૂતરાએ હસીને કહ્યું: ‘એ તો ધોબી શેઠે મને ઊંઘણશી કહી ગાળ દીધેલી ને મને આખો દિવસ ભૂખ્યો રાખેલો તેનું વેર લેવા મેં એવું કર્યું હતું!’

 કાળી બિલાડીએ કહ્યું: ‘પણ એમાં ટિપાઈ ગયો બાપડો ગધેડો!’

કૂતરાએ હસીને કહ્યું: ‘ટિપાઈ ગયો, ધિબાઈ ગયો એવું એમને લાગે છે, ગધેડાને એવું નથી લાગતું! હું જાણું ને! એ મારો પાકો ભાઈબંધ છે.’

ધોળી બિલાડીએ કહ્યું: ‘ભલે, તો એને યે આમાં સામેલ કરશું — મજા આવશે!’

*

નિમંત્રણનો દિવસ આવી પહોંચ્યો. બંને બિલાડીઓએ ખૂબ પરિશ્રમ કરીને ભોજનની વિવિધ વાનગીઓ ભેગી કરી હતી. દરેકને જુદી પતરાળી ને જુદો પડિયો એવું એ માનતી નહોતી. બધી વાનગીઓ એક થાળમાં સાથે મૂકી તેની આસપાસ બધાંએ જમવા બેસવાનું, ને ભેગાં ખાવાનું — આ એમની સર્વમાન્ય ભોજન-પદ્ધતિ હતી.

ભાતભાતની મીઠાઈઓ હતી: જલેબી ને ગાંઠિયા; બરફી ને પૂરી; ઘારી ને ગુલાબજાંબું!

વાંદરો પોતાની ચાતુરી પર મનમાં ફુલાતો, હરખાતો હરખાતો આવ્યો. બંને બિલાડીઓએ એનો સત્કાર કર્યો: ‘પધારો ન્યાયમૂર્તિજી!’

પછી બિલાડીઓએ કૂતરાની અને ગધેડાની સાથે એની ઓળખાણ કરાવી. કૂતરાની સાથે હાથ મિલાવતાં ન્યાયમૂર્તિનું મોં જરી બગડ્યું, અને ગધેડાની સાથે હાથ મિલાવતાં ન્યાયમૂર્તિએ એના પાછલા પગ ભણી જરી નજર કરી લીધી — પણ તરત જ સ્વસ્થ થઈ જઈ તેમણે કહ્યું: ‘આપને મળી મને ઘણો જ, ઘણો જ આનંદ થયો.’ કૂતરાએ ને ગધેડાએ પણ તેની પ્રશંસાનાં વચનો ઉચ્ચાર્યાં: ‘આપની ન્યાયબુદ્ધિની બધે પ્રશંસા થાય છે.’

આવી થોડીક વાતોચીતો ચાલી, એટલામાં બિલાડીઓએ જાહેર કર્યું કે જમવાનું તૈયાર છે. હવે આપ સૌ હાથ-મોં ધોઈ કરી જમવા પધારો!

કૂતરો ને ગધેડો હાથ-મોં ધોઈ જમવા બેઠા. બંને બિલાડીઓ પણ રીતે હાથ-મોં ધોઈને આવી, ને પોતાની જગાએ બેઠી. પછી આવ્યો વાંદરો. મુખ્ય મહેમાન માટે રાખેલા ખાસ ઊંચા આસન પર તે બિરાજ્યો.

ભોજનના થાળ પરથી કપડું હઠાવી લેવામાં આવ્યું. વાંદરો ખુશ થઈ ગયો. વાહ, શું ફક્કડ ફક્કડ વાનગીઓ છે! જલેબી ને ગાંઠિયા! બરફી ને પૂરી! ઘારી ને ગુલાબજાંબું!

વાંદરાએ ખાવા હાથ લાંબો કર્યો ત્યાં કાળી બિલાડી બોલી ઊઠી: ‘ન્યાયમૂર્તિજી, સબૂર! હાથ ધોઈને જમવાનો અમારો નિયમ છે. આપ જરા —’

વાંદરો હાથ-મોં ધોઈને જ આવ્યો હતો, પણ એનાથી તેમ બોલાયું નહિ. તેના હાથ કેવા કાળા હતા!

તે તરત ઊભો થઈ ગયો, ને હાથમોં ધોવા ગયો. આ તરફ બિલાડીઓ, કૂતરો ને ગધેડો ભોજન ઝાપટવા લાગ્યાં.

થોડી વાર પછી વાંદરો પાછો આવ્યો ને પોતના આસન પર બિરાજ્યો. ખાવાનું લેવા ફરી તેણે હાથ લાંબો કર્યો; ત્યાં ધોળી બિલાડી બોલી ઊઠી: ‘આપ જેવાને આ શોભતું નથી, ન્યાયમૂર્તિજી! આવું સરસ ખાવાનું આપ આવા ગંદા હાથે ખાશો?’

વાંદરો શરમિંદો બની ફરી ઊભો થઈ ગયો ને હાથમોં ધોવા ગયો. આ વખતે એણે ખૂબ ઘસી ઘસીને હાથ ધોયા!

ફરી એ આવીને જમવા બેઠો. પણ જ્યાં થાળમાં હાથ નાખવા જાય છે, ત્યાં કૂતરો બોલી ઊઠ્યો: ‘જમાનો કેવો આવ્યો છે! ન્યાયમૂર્તિ જેવો આબરૂદાર માણસ આવા ગંદા હાથે જમવા બેસે છે!’

વાંદરાને ખૂબ શરમાવા જેવું લાગ્યું. પણ બીજો ઉપાય નહોતો. એ ઊભો થઈન સાબુથી હાથમોં ધોવા ગયો. સાબુની આખી ગોટી તેણે ઘસી નાખી, તોયે હાથ કાળા મટ્યા નહિ, ત્યારે તેણે એક યુક્તિ કરી. હાથ પર સાબુના ફીણ ચડાવી તેણે હાથને ધોળા કર્યા, ને એવા હાથે એ જમવા આવ્યો. જોયું તો ભોજનની વાનગીઓ ઝાપાટબંધ ખલાસ થઈ રહી હતી, ને પોતે તો હજી એક કોળિયો યે ખાવા પામ્યો નહોતો. એટલે પોતાના આસન પર બેઠો ને બેઠો, ને એણે ભોજન તરફ હાથ લંબાવ્યો.

ત્યાં તો ગધેડો ગર્જ્યો: ‘અરે, ન્યાયમૂર્તિને હાથ ધોતાં યે નથી આવડતું શું? હાથ બેઉ સાબુનાં ફીણથી ભર્યા છે! આવા ગંદા હાથે જમાય જ કેમ?

વાંદરો રડવા જેવો થઈ ગયો. તેણે કહ્યું: ‘હમણાં જ હું ફીણ કાઢીને આવું છું!’ આમ કહી એ ઊભો થયો.

ત્યાં ગધેડાએ કહ્યું: ‘જુઓ ન્યાયમૂર્તિજી, મારી સલાહ માનો તો એક વાત કહું. આપ ન્યાયમૂર્તિ છો, એટલે આપને કંઈ સલાહ આપવાનું મારું ગજું નહિ, એટલે હું અત્યાર સુધી બોલ્યો નહિ!’

વાંદરાએ દયામણું મોં કરી કહ્યું: ‘ના રે, મને ખોટું નહિ લાગે, આપ ખશીથી સલાહ આપો!’

‘તો જુઓ!’ ગધેડાએ કહ્યું: ‘સાબુને બદલે મારી લાદથી હાથ-મોં ધોશો તો વધારે ઊજળા લાગશો! પણે એનો ઢગલો પડ્યો છે!’ 

આમ કહી એ જોરથી ખડખડ હસી પડ્યો.

એનું જોઈને કૂતરો પણ હસ્યો, ને બિલાડી પણ હસી.

બીજી તરફ ભોજનનો થાળ સાવ ખાલી થઈ ગયો હતો. બંને બિલાડીઓએ એ ચાટીને સાફ કરી નાખ્યા હતા.

હવે વાંદરો સમજ્યો કે હું બની ગયો છું.

એટલે એ એકદમ ગુસ્સામાં આવી બોલ્યો: ‘મોટા માણસની સાથે કેવી રીતે વર્તવું એનું તમને ભાન નથી. હું તમને જોઈ લઈશ.’ આમ કહી એ બિલાડીઓ તરફ ધસ્યો.

ત્યાં તો હાઉવાઉ કરતો કૂતરો એની ઉપર કૂદ્યો, ને ગધેડાએ તો ધડ દઈને એને ડાબા પગની એક લાત ઠોકી દીધી.

વાંદરો સમજી ગયો કે અહીં મારી દાળ ગળવાની નથી. અહીં બિલાડીઓને સજા કરવા જતાં હું જ સાફ થઈ જઈશ. એટલે ‘હૂક હૂક હૂક! હું તમને જોઈ લઈશ! ‘હૂક હૂક હૂક! હું તમને જોઈ લઈશ!’ એવું બબડતો લાંબા કૂદકારા ભરતો એ ત્યાંથી ભાગી ગયો, ને દૂર દૂરના એક ઊંચા ઝાડની ઊંચી ડાળીએ ચડી સંતાઈ ગયો.

એની પાછળ બિલાડીઓના, કૂતરાના અને ગધેડાના અટ્ટહાસ્યથી આખું આકાશ ગાજી ઊઠ્યું.

[લાડુની જાત્રા]

License