૩૨. ધની શેઠનો એક પૈસો

ખંભાતના ધની શેઠની આ વાત છે. શેઠના બાપા મરતી વખતે કહેતા ગયા હતા કે દીકરા, પેટે પાટા બાંધી હું જે કમાયો તે બધું તને દેતો જાઉં છું. તું સુખી થજે!

બાપના આ બોલ પરથી ધની સમજ્યો કે ધનથી સુખી થવાય છે, એટલે એણે વધારે ને વધારે ધન ભેગું કરવા માંડ્યું. દેશપરદેશ એનો વેપાર ચાલે. ઘરમાં ધનના ઢગલા થયા, પણ દયાદાન કે ધરમાદામાં કશું આપે નહિ.

એક વાર એક સાધુ ધની શેઠને ઘેર આવ્યો. કહે: ‘હું ગરીબ ગુરબાનો સેવક છું, ગરીબો માટે કંઈ આપો!’

ધની શેઠ કહે: ‘જેને ભગવાને કશું ન આપ્યું, એને હું શું કરવા આપું?’

શેઠાણી આ વાત સાંભળતી હતી. તે બોલી: ‘સાધુને ના ન કહેવાય!’

શેઠે કહ્યું: ‘તારા બાપના ઘેરથી લાવી હો તો આપ!’

શેઠાણી કહે: ‘મારા બાપ ગરીબ છે, જેમ તેમ ગુજારો કરે છે. મને સાસરે વળાવતી વખતે તેમણે પાંચ પૈસા મારા હાથમાં મૂકી કહ્યું હતું કે દીકરી, આટલું મારું ધન છે, ગમે તો રાખ, ગમે તો ફેંકી દે! આજ લગી એ પૈસા મેં સાચવ્યા છે. કહો તો સાધુને દઈ દઉં!’

‘દઈ દે!’ શેઠે ગમ્મત સમજી હસીને કહ્યું.

શેઠાણીએ સાધુને પાંચ પૈસા આપ્યા. સાધુએ ખોબો કરી એ લીધા ને માથે અડકાયા. પછી એ પૈસા શેઠની સામે મૂકી કહે: ‘શેઠજી, મારી આટલી થાપણ રાખો! જરૂર પડશે ત્યારે લેવા આવીશ.’ આમ કહી એ ચાલી ગયો.

શેઠને કૌતક લાગ્યું. તેમણે પાંચ પૈસાનું પડીકું વાળી બંડીના ખિસ્સામાં મૂક્યું. બન્યું એવું કે એ જ દિવસે શેઠને વહાણ લઈ ધંધાર્થે જાવા-સુમાત્રા જવાનું હતું. તૈયારીમાં હતું ત્યાં શેઠને પેલું પાંચ પૈસાનું પડીકું યાદ આવ્યું. શેઠે વહાણમાં રૂપિયા ભરેલી પેટીઓ લીધી હતી. તેઓ તે એ રૂપિયા સંભાળે કે પાંચ પૈસા સંભાળે? તેમણે એક નોકરને બોલાવી કહ્યું: ‘દામલા, લે એક દિવસની તારી મજૂરીના આ પાંચ પૈસા!’

દામલાએ કહ્યું: ‘હું તો જહાજમાં આપની સાથે જ છું. અત્યારે ને અત્યારે મજૂરી કઈને શું કામ છે?’ પણ શેઠે આગ્રહ કર્યો એટલે એણે પૈસા લીધા.

પૈસા તો લીધા, પણ એનું કરવું શું? લાંબી મુસાફરીમાં એ ખોવાઈ જવાની બીક. એટલામાં એણે એક બાઈને દાડમ વેચવા બેઠેલી જોઈ. બાઈ ઘાંટો પાડી બોલતી હતી: ‘સોનેરી દાડમ! રૂપેરી દાડમ! એક પૈસાનાં બે!’ લાંબો વિચાર કરવાનો પછી તો દાડમની વાત જ એ ભૂલી ગયો.

વહાણ ઊપડ્યું. એ તેજ ગતિથી દરિયામાં ચાલી જતું હતું. શેઠના દીકરાનો આ પહેલો જ દરિયાઈ પ્રવાસ હતો. તે એકાએક માંદો પડી ગયો. દિવસે દિવસે એની હાલત બગડતી ચાલી. શેઠની ચિંતાનો પાર ન રહ્યો. વહાણમાં બીજા મુસાફરો પણ હતા. તેમાં એક વૈદ જડી આવ્યા. શેઠે તેના પગમાં પાઘડી મૂકી કહ્યું: ‘ઢગલો રૂપિયા લો, પણ મારા દીકરાને બચાવો!’

વૈદે દરદીને તપાસી છેલ્લા ઉપાય તરીકે એક દવા આપી કહ્યું: ‘કલાકે કલાકે દાડમના રસ સાથે આ દવા આપજો!’

દાડમનો રસ? અહીં મધદરિયે દાડમ ક્યાંથી લાવવાં? શેઠના માણસો વહાણમાં જેને તેને પૂછવા લાગ્યા: ‘તમારી પાસે દાડમ છે? એક દાડમના એક હજાર રૂપિયા!’

હવે દામલાને પેલાં દાડમ યાદ આવ્યાં. એણે કોથળામાંથી દાડમ કાઢ્યાં, પણ એમાં બે દાડમ સડી ગયેલાં હતાં તે ફેંકી દેવાં પડ્યાં. બાકીનાં આઠ દાડમ તેણે શેઠને આપ્યાં. દાડમ જોઈ શેઠના જીવમાં જીવ આવ્યો. તેમણે આઠ દાડમના આઠ હજાર રૂપિયા દામલાના હાથમાં મૂક્યા. દામલો કહે: ‘શેઠ, દાડમ તમારાં જ છે. તમે મને પેલા પાંચ પૈસા આપેલા તેનાં મેં એ લીધાં છે.’

આ સાંભળી શેઠ ચમક્યા: ‘હેં! આ તો પેલા બાવાના પાંચ પૈસા!’

દાડમના રસ સાથે દવા પેટમાં જતાં શેઠનો દીકરો સાજો થઈ ગયો, પણ શેઠ હવે વિચારમાં પડી ગયા હતા કે ઢગલો રૂપિયા હોવા છતાં હું દીકરાને બચાવી શક્યો નહિ, અને બાવાના પાંચ પૈસાએ એને બચાવ્યો!

વળી તે વિચારવા લાગ્યા: ‘ઊંહું, એ પૈસા બાવાના નથી, શેઠાણીના છે. ઊંહું, શેઠાણીનાયે નથી, શેઠાણીના ગરીબ બાપના છે. એ બાપે કેટલું દુ:ખ વેઠીને આ પાંચ પૈસા બચાવ્યા હશે અને કેવા ભાવથી પોતાની દીકરીને આપ્યા હશે? નક્કી, એ ગરીબ બાપના જ પુણ્યે મારો દીકરો બચી ગયો! સાધુ બાવાનો પણ આમાં ભાગ ખરો! સાધુ કહેતો હતો કે હું તો ગરીબ ગુરબાંનો ચાકર છું — એ ગરીબ ગુરબાંની સેવાનો યે આમાં ભાગ ખરો! ગરીબ ગુરબાંના આશીર્વાદનોયે આમાં ભાગ ખરો!’

જાવા—સુમાત્રા જવાનું માંડી વાળી શેઠે તરત જ વહાણ પાછું લેવડાવ્યું. પોતાના જે કંઈ માલસામાન અને ધન વહાણમાં હતું તે બધું તેમણે વહાણમાં જ બધાંને દઈ દીધું અને ખાલી હાથે વહાણમાંથી ઊતર્યા. સીધા ઘેર જઈ તેમણે શેઠાણીને બનેલી બધી વાત કરી પૂછ્યું: ‘મને એક વાત સમજાતી નથી. દશ દાડમમાંથી આઠ સારાં રહ્યાં અને બે કેમ સડી ગયાં?’

શેઠાણીએ કહ્યું: ‘મને સમજાય છે. મારા બાપે મને પાંચ પૈસા આપ્યા હતા, પણ મારી બેદરકારીથી એક પૈસો ક્યાંક રસ્તામાં પડી ગયો! એક પૈસા માટે જીવ ક્યાંક રસ્તામાં પડી ગયો! એક પૈસા માટે જીવ ક્યાં બાળવો એમ સમજી મેં એક પૈસો તમારી કમાણીનો લઈને એ ચાર પૈસા ભેગો રાખ્યો હતો, જેથી પૈસા પાંચના પાંચ રહે!’

શેઠના મોંએથી નિસાસો નીકળી ગયો: ‘હાય, મારો આ પૈસો!’

[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’]

License