૪૭. દમલો-ધમલો બે ઠગ

બે ઠગ હતા.

એમનાં નામ તો બીજાં છે, પણ આપણે એમને દમલો ને ધમલો કહીશું.

બંને જુદાં જુદાં ગામમાં રહેતા હતા.

એક વાર દમલાએ વિચાર કર્યો કે મેળામાં જઈ કંઈ કમાણી કરું. એટલે એ ઝાડની છાલ લઈ આવ્યો. પછી છાલને રંગી વાદળી કરી અને કૂટી-કૂટીને ચળકતી કરી. છાલને કાગળમાં લપેટી બગલમાં ઘાલી એ મેળામાં જવા ચાલી નીકળ્યો.

રસ્તામાં એને ધમલાનો ભેટો થઈ ગયો. ધમલો પણ મેળામાં જતો હતો. એની પાસે એક સાંકડા મોંની તુંબડી હતી. તુંબડીમાં એણે કાંકરા ભર્યા હતા, ને છેક ઉપરના ભાગમાં તાંબાના પૈસા ભર્યા હતા.

બંનેમાંથી કોઈ કોઈને ઓળખતા નથી. દમલાએ કહ્યું: ‘મેળામાં જતા લાગો છો!’

ધમલાએ કહ્યું: ‘હા, મેળામાં જ જાઉં છું, તમે?’

‘હું પણ મેળામાં જાઉં છું. મારી પાસે ફક્કડ કાપડ છે — જોઉં, મેળામાં કોઈ ઘરાક મળી જાય તો!’

આ સાંભળી ધમલો જાણે હરખમાં આવી ગયો — તે બોલી ઊઠ્યો: ‘કાપડ? કાપડ લેવા જ હું મેળામાં જાઉં છું. એટલા વાસ્તે તો મેં તુંબડી ભરીને પૈસા લીધા છે.’

દમલાએ કહ્યું: ‘શું કહો છો? તો આપણે અહીં જ સોદો કરી નાખીએ! દેખો, કેવું ફક્કડ કાપડ છે!’

આમ કહી એણે કાગળમાં વીટેલો માલ થોડો ખોલીને દેખાડ્યો.

ચળકતું કાપડ જોઈ ધમલો કહે: ‘આવું જ કાપડ મારે જોઈએ છે! આખી તુંબડી ભરેલા પૈસા આપી દેવા પડે તોયે મને વાંધો નથી! દેખો, કેટલા બધા પૈસા છે!’ આમ કહી ધમલાએ તુંબડીનું મોં ખોલી દમલાને પૈસા દેખાડ્યા.

દમલો કહે: ‘કાપડ મોંઘું છે, પણ હું તમને આ તુંબડી સાટે આપીશ. મેળાનો ધક્કો બચી જાય છે ને!’

ધમલાએ સોદો કબૂલ કર્યો. દમલાએ પૈસાની તુંબડી લીધી, ને ધમલાએ કાપડનો વીટો લીધો. પછી બંને પોતપોતાને ઘેર જવા પાછા ફર્યા. બંનેના મનમાં હરખ છે કે આજે સામાને ઠીક ઠગ્યો છે.

થોડે ગયા પછી દમલાને વિચાર આવ્યો કે જોઉં તો ખરો, કેટલા પૈસા છે, કેટલા ખોબા ભરાય છે!’

એણે તુંબડી ખોલી ખોબામાં પૈસા કાઢવા માંડ્યા, તો થોડા પૈસા ને ઘણા કાંકરા! તે બોલી ઊઠ્યો: ‘ઓત્તારીની, આ તો મને ઠગી ગયો! હમણાં પકડી પાડું એને!’

આમ કહી એ પાછો ફર્યો.

બીજી બાજુ ધમલાને જતાં જતાં વિચાર આવ્યો કે આ કાપડમાં એકનું લૂગડું થશે કે બેનાં થશે? ચાલ, જરી માપી જોઉં!

એણે કાગળ ઉકેલી અંદરથી કપડું કાઢ્યું તો ઝાડની છાલ! તે બોલી ઊઠ્યો: ‘આ તો મને ઠગી ગયો! ચાલ, પકડી પાડું એને!’

ધમલો યે પાછો ફર્યો.

બંને રસ્તામાં ભેગા થઈ ગયા, ને એક બીજાને જોઈ હસવા લાગ્યા! પછી કહે: ‘આપણે બેઉ સરખા છીએ. તો આપણી અક્કલ એકબીજાને છેતરવામાં વાપરવાને બદલે કોઈ ધનવાળાને છેતરવામાં વાપરીએ તો કેવું? એમ કરીને જે કમાઈએ તેમાં આપણો બેયનો સરખો ભાગ!’

બંનેને આ વાત ગમી.

બંનેએ એકબીજાનો ખભો થાબડ્યો: વાહ દમલા! વાહ ધમલા!

વિચાર કરીને બેઉ જણે આંધળા ભિખારીનો વેશ લેવાનું નક્કી કર્યું. બંનેએ હાથમાં લાકડીઓ લીધી, ભીખ માંગવાનાં શકોરાં લીધાં, અને શિકારની શોધમાં નીકળી પડ્યા.

જતાં જતાં તેઓ તળાવકાંઠે આવ્યા.

ત્યાં એક વેપારી તંબુ નાખી પડ્યો હતો.

બંને જણા એને ઠગવાનું નક્કી કરી નજીકના જંગલમાં સંતાઈ રહ્યા, ને રાત પડી ત્યારે આંધળા હોવાનો ઢોંગ કરી, હાથમાં શકોરું લઈ, લાકડી ઠોકતા ઠોકતા વેપારીના મુકામે આવ્યા, ને કરુણ સ્વરે કરગરવા લાગ્યા: ‘આંધળા પર દયા કરો, માબાપ! આજની રાત અમને આશરો આપો, નહિ તો અમે મરી જઈશું!’

આંધળાઓની દશા જોઈ વેપારીને દયા આવી. તેણે એમને જમાડ્યા, અને પોતાના જ તંબુંમાં એમને માટે સૂવાની ગોઠવણ કરી આપી. બંને આંધળા ‘ભગવાન તમારું ભલું કરો!’ ભગવાન તમારું ધન હજારગણું કરો!’ કહી વેપારીને આશીર્વાદ આપવા લાગ્યા. મોડે સુધી વાતો કરી વેપારીના માણસો પોતોપોતાના તંબુમાં જઈને સૂઈ ગયા. વેપારી પણ સૂઈ ગયો, ને આ બે ઠગ પણ ઊંઘવાનો ઢોંગ કરી પથારીમાં પડી રહ્યા.

બરાબર મધરાત જામી, ક્યાંય જરા સરખો ચેતનનો સંચાર નહોતો; તેવે વખતે આ બે ઠગ ઊઠ્યા, વેપારીની સાથેની વાતોમાં એમણે ઘણું બધું જાણી લીધું હતું, એટલે ક્યાંથી શું ઉપાડવું તેની તેમને ખબર હતી. વેપારીના કીમતી માલસામાનના થેલા ઊપાડી તેઓ દબે પગલે જંગલની સીમે પહોંચી ગયા, ને ત્યાં એક અવાવરુ ખાલી કૂવો હતો તેમાં બધું નાખ્યું. આ ત્રણ-ચાર ફેરામાં તો તેમણે વેપારીની બધી જ મિલકત ગુમ કરી દીધી ને પછી પોતાની જગાએ હતા તેમ સૂઈ ગયા.

સવાર થતાં વેપારી જાગ્યો. જાગીને જુએ છે તો તંબુ ખાલી! એણે બૂમ પાડી પોતાના માણસોને બોલાવ્યા, ચોરી થયાનું જાણી બધા આભા બની ગયા. કોઈ કંઈ બોલે, કોઈ કંઈ બોલે.

આ બૂમાબૂમ સાંભળી પેલા ઠગ એકાએક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ આળસ મરડીને બેઠા થયા, ને શું થયું? શું થયું? કરવા લાગ્યા.

વેપારીએ કહ્યું: ‘ચોરી થઈ! મારી તમામે તમામ મિલકત રાતોરાત કોઈ ચોરી ગયું! બોલતાં બોલતાં એ રડી પડ્યો.

આ સાંભળી આ આંધળાઓએ વલોપાત કર્યો: ‘હાય હાય! બધું ચોરાઈ ગયું! ત્યારે તો અમારાં શકોરાંયે ચોરાઈ ગયાં હશે!’

આમ કહી એમણે શકોરાં ખોળવા હાથ ફંફોળવા માંડ્યા, પણ શકોરાં હાથ લાગ્યાં નહિ, ત્યારે મોટેથી રડવા લાગ્યા: ‘હાય રે, કેવી દુનિયા થઈ ગઈ છે! મૂઆઓ અમારાં શકોરાં પણ ચોરી ગયા! અમારા શા ભોગ લાગ્યા કે અમે અહીં રાત રહ્યા!’

 આ સાંભળી વેપારી એવો ગુસ્સો ચડ્યો કે એણે પોતાના માણસોને હુકમ કર્યો: ‘તગડી મૂકો આ બેઉને અહીંથી! લાખ રૂપિયાનો મારો માલ ગયો એનું કંઈ નહિ, અને એમનાં ભીખનાં શકોરાંને રોવા બેઠા છે!’

વેપારીના માણસોએ તે જ વખત બેઉ આંધળાઓને જંગલની સીમમાં તગડી મૂક્યા. બેઉને એ જ જોઈતું હતું. તેઓ જંગલમાં સંતાઈ રહ્યા, ને વેપારીનો મુકામ ત્યાંથી ઊઠ્યો એટલે પેલા કૂવા આગળ પહોંચી ગયા.

ત્યાં દમલો કહે: ‘ધમલા, તું કૂવામાં ઊતર!’

ધમલો કહે: ‘ના તું ઊતર! મારો પગ જરી કાચો છે, એટલે મને કૂવામાં ઊતરવું નહિ ફાવે, પણ મારા હાથ મજબૂત છે, એટલે હું દોરડું બરાબર ખેંચી શકીશ.’

દમલો કહે: ‘ભલે, તો હું ઊતરું છું!’

ધમલાએ દોરડું બાંધી એના આધારે દમલાને કૂવામાં ઊતાર્યો. પછી કહે: ‘તું એકએક કોથળો બાંધીને દોરડું હલાવીને કહે, એટલે હું એ બહાર ખેંચી લઈશ!’

દમલાએ એ પ્રમાણે કરી દોરડું હલાવ્યું, અને ધમલાએ માલ બહાર કાઢવા માંડ્યો. એ માલ ધમલો થોડે દૂર ઝાડી પાછળ જઈને મૂકી આવતો હતો, અને ત્યાંથી મોટા મોટા બે પાંચ પથરા ઊંચકી લાવી કૂવાના મોં આગળ તેનો ઢગલો કરતો હતો.

કૂવામાં રહેલા દમલાને આ વિશે કાંઈ ખબર નથી, પણ ઠગને ઠગ ઓળખે, એટલે ધમલાના મનમાં અત્યારે શા વિચારો ચાલતા હશે તેની એ કલ્પના કરી શકતો હતો. ચાર-પાંચ કોથળા બહાર કાઢ્યા પછી ધમલાએ કહ્યું: ‘દોસ્ત દમલા, બધો માલ બહાર આવી જાય અને તારે નીકળવાનું થાય ત્યારે જરી કહેજે — હું તને ખૂબ સાચવીને ખેંચીશ, જેથી તું કૂવાના પડખે ભટકાય નહિ ને તને વાગે નહિ!’

દમલાએ કહ્યું: ‘ભલે, દોસ્ત હો તો તારા જેવા હજો!’

થોડી વાર પછી એણે કહ્યું: ‘હવે આ છેલ્લો કોથળો છે! પણ એ જરી ભારે છે હોં! તે પછી તું મને ધીરેથી બહાર ખેંચી લેજે!’

ધમલાએ કહ્યું: ‘એ વિષે તું બેફિકર રહેજે!

દમલાના આ છેલ્લા કોથળામાં દમલો પોતે જ ભરાઈ બેઠો હતો. ધમલાને આ કોથળો ખેંચવામાં ખૂબ જોર કરવું પડ્યું. પણ તેને થયું કે, હું થાક્યો છું એટલે મને આમ લાગે છે! એણે કોથળો ખેંચીને બહાર કાઢ્યો, ને ઝાડી પાછળ બીજા કોથળાઓ ભેગો મૂકી એ કૂવા આગળ પાછો ફર્યો. પછી જાણે ભૂત વળગ્યું હોય એમ કૂવા આગળ ભેગા કરેલા મોટા પાણા ઉપાડી ઉપાડીને તેણે કૂવામાં નાખવા માંડ્યા. એના મનથી કે દમલો કૂવામાં છે, આ પથરાનો માર ખાઈ એના રામ રમી જશે, અને તેનો બધો માલ હું પચાવી જઈશ.

બીજી બાજુ દમલો કોથળામાંથી બહાર આવ્યો. તેણે ઝપાટા બંધ બધા કોથળા ઉપાડી ઉપાડીને આઘાપાછા કરી નાખ્યા. કોઈ અહીં સંતાડ્યો, કોઈ તહીં સંતાડ્યો! ને સાથે પોતે પણ ઝાડીમાં સંતાઈ ગયો.

દમલાને કૂવામાં પૂરો કરી ધમલો કોથળા મેલ્યા હતા ત્યાં આવ્યો. આવીને જુએ તો એકે કોથળો મળે નહિ! એને થયું કે હું કૂવામાં પથરા ઝીંકવા રહ્યો, એટલામાં કોઈ ગઠિયો આવીને માલ વગે કરી ગયો લાગે છે! પણ આટલો બધો માલ ઊંચકીને કોઈ લઈ જઈ શકે નહિ. કદાચ દોરડાં બાંધી ઘસડીને લઈ જતો હશે તો એ બહુ દૂર નહિ ગયો હોય અને કોઈ ખચ્ચરની કે ગધેડાની રાહ જોતો હશે. એટલે જો હું ગધેડો થઈ ભૂંકું તો એ ગધેડો પકડવા અહીં આવ્યા વિના નહિ રહે.

આવો વિચાર કરી એક ઝાડ પાછળ સંતાઈ એણે ગધેડાની પેઠે જોરથી ભૂંકવા માંડ્યું. આબાદ ગધેડો ભૂંક્યો!

દમલાએ એ સાંભળ્યું. એ કહે: ‘આટલામાં ક્યાંક ગધેડો છે, તો ચાલ, એને કાન ઝાલી પકડું ને એની પીઠે કોથળા લાદી ઘરભેગો થઈ જાઉં!’

આવો વિચાર કરી એ સંતાવાની જગાએથી બહાર આવી ગધેડો ભૂંકતો હતો એ તરફ ગયો. ત્યાં ગધેડાની ને એની આંખ મળી!

દમલો બોલ્યો: ‘ઓહ, તું ગધેડો છે!’

દમલાને જીવતો પોતાની સામે ઊભેલો જોઈ ધમલો આભો જ બની ગયો. તે બોલી ઊઠ્યો: ‘આ તે ભૂત કે જીવતો?’

દમલાએ હસીને કહ્યું: ‘જીવતો!’

ધમલાએ કહ્યું: ‘તું પાકો ઠગ છે!’

દમલાએ કહ્યું: ‘તું ક્યાં કાચો છે?’

બંને એકબીજાને ધન્યવાદ આપી ખૂબ જોરથી હસ્યા!

પછી બંને ઠગો બધું ધન લઈને ધમલાને ગામ ગયા. ત્યાં ગામ બહાર એકાંત જગા જોઈ તેમણે એ ધન દાટ્યું ને બે દિવસ પછી એ વહેંચી લેવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા.

પણ ધમલાનો જીવ રહ્યો નહિ. એ રાતે જ એ ઊઠ્યો, ને ધન દાટ્યું હતું. ત્યાં પહોંચી ગયો.

ત્યાંથી બધું ધન ખોદી લઈ એણે બીજી જગાએ દાટી દીધું, ને પછી ઘેર આવીને સૂઈ ગયો.

આ તરફ દમલાને પણ એવો વિચાર આવ્યો. પણ તે જરી મોડો પડ્યો. ધન દાટેલું તે જગાએ આવીને એણે જોયું તો ત્યાં કાંઈ મળે નહિ! એ સમજી ગયો કે ધમલાની આ કરામત છે. એટલે નક્કી કર્યા પ્રમાણે ત્રીજે દિવસે એ ધમલાને ઘેર જઈને ઊભો.

જુએ તો ધમલાના ઘરમાં ભારે રોક્કળ ચાલી રહી હતી. પૂછતાં ધમલાના છોકરાએ કહ્યું કે બાપા કાલે મરી ગયા, અને અમે એમની સમાધિ પરથી હમણાં જ ઘેર આવ્યા છીએ!

દમલો સમજી ગયો કે આ આખી જ બનાવટ છે. બધું ધન એકલા પચાવી પાડવાની ધમલાની યુક્તિ છે.

એટલે એણે કહ્યું: ‘બહુ ખોટું થયું! પણ ભગવાનને જે ગમ્યું તે ખરું! ભગવાનની ઇચ્છા આગળ આપણી ઇચ્છા ચાલતી નથી!’

પછી થોડી વાર રહી કહે: ‘આટલે આવ્યો છું તો હું તેની સમાધિ પર ફૂલ ધરતો જાઉં! એ જગા મને દેખાડો!’

ધમલાનો છોકરો દમલાને દૂરની એક જગાએ લઈ ગયો. ત્યાં એક જગા દેખાડી એણે કહ્યું: ‘બાપાની અહીં સમાધિ છે!’

દમલાએ કહ્યું: ‘અરે, પણ અહીં તો જરખનો ભય છે. એ ઘોરખોદિયાં મડદાંને ખોદી કાઢી ખાઈ જાય છે! તમે સમાધને આજ ને આજ પાકી કરી નાખો!’

વાત એમ હતી કે ત્યાં ખાડો ખોદી ખાડામાં ધમલો સંતાયો હતો. દમલાને વિદાય કર્યા પછી એ ત્યાંથી બહાર આવવાનો હતો. એટલે સમાધ પાકી કરવી કેમ પોસાય? એના છોકરાએ કહ્યું: ‘તમારી વાત સાચી છે, કાકા, હું કાલે કડિયાને બોલાવી સમાધિ પાકી કરાવી લઈશ!’

‘બહુ સરસ!’ દમલાએ કહ્યું: ‘મૂએલા બાપની તું આટલી કાળજી રાખે છે એ જોઈ મને આનંદ થાય છે.’

આમ કહી એ ધમલાના છોકરાની સાથે એને ઘેર આવ્યો નેએને આશ્વાસન આપવા નિમિત્તે આખો દિવસ એની સાથે ને સાથે રહ્યો. રાતે પણ એ ત્યાં જ સૂતો.

મધરાતે બધાં ઊંઘી ગયા પછી એ ઊઠ્યો. ને ધમલાની છુપાવાની જગાએ જઈ પહોંચ્યો. ત્યાં એણે જરખની પેઠે ગળામાંથી અવાજ કાઢવા માંડ્યો અને જરખ પગ વડે ખોદતો હોય એમ ધમલો સંતાયો હતો એ ખાડા પાસે માટી ખોદવા માંડી. અંદર સંતાયેલા ધમલાના કાને અવાજ આવ્યો. એને બીક લાગી કે હમણાં જરખ મને ફાડી ખાશે.

બીકથી ફફડતો એ ખાડામાં કોકડું વળી ગયો.

એટલામાં બન્યું એવું કે જંગલમાંથી ખરેખરું જરખનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. અને એણે દમલાની ઉપર હલ્લો કર્યો. જરખની ચીસ સાંભળી ધમલો એવો બીન્યો કે એ જીવ બચાવવા ખાડામાંથી ઊભો થઈ ગયો ને નાસવા લાગ્યો. ત્યાં બે-ત્રણ જરખોએ એને પકડ્યો, ને ઘડીકમાં ફાડી ખાધો. દમલાની પણ એ જ દશા થઈ! બંને ઠગોએ બચવા માટે ઘણી ચીસો પાડી, હાથ પગ વીંઝ્યા, પણ ત્યાં કોઈ હતું નહિ. કોણ સાંભળે?

સવારે ધમલાનો છોકરો બાપાની ખબર કાઢવા આવ્યો ત્યારે જુએ તો ત્યાં અડધી ખવાઈ ગયેલી બે લાશો પડી હતી.

દમલા-ધમલાએ ચોરેલું ધન ક્યાંય જમીનમાં જ રહ્યું. ઠગબાજીથી મેળવેલું ધન ઠગબાજીમાં ગયું, ને ભેગો જીવ પણ ગયો!

[કોંગો વાર્તાને આધારે]

License