૨૫. તિકડમ્ બાબાનો ચેલો

એક હતો વાઘ.

એ માંદો પડ્યો. ચાર-પાંચ દિવસ સુધી એ ઘરમાંથી બહાર નીકળી શક્યો નહિ. ભૂખથી એ અડધો થઈ ગયો.

પણ આમ ભૂખ્યા ક્યાં લગી રહેવાય?

એટલે ખોરાકની શોધમાં એ બહાર નીકળ્યો, પણ લાંબું ચાલી શક્યો નહિ એટલે એક ઝાડ હેઠળ બેઠો અને પોતાનાં આગળાં કરડવા લાગ્યો.

એવામાં એક ઊંટ ત્યાં આવ્યું.

વાઘ એવો સુકાઈ ગયેલો હતો કે ઊંટને એ બિલાડી જેવો લાગ્યો; તોયે વાઘ એટલે વાઘ. એટલે ઊંટ જરી ગભરાયું.

વાઘે કહ્યું: ‘ભગત, ગભરાવાની જરૂર નથી, હું ‘અહિંસા પરમો ધર્મ’માં માનનારો છું. જુવાનીમાં ઘણી હિંસા કરી — મનમાં ખૂબ પસ્તાવો થયો કે અરેરે, આ પાપમાંથી હું કેમ કરી છૂટીશ? ભલું થજો ગુરુદેવ તિકડમ્ બાબાનું — એમણે મને દીક્ષા આપી — દીક્ષા લીધી કે તરત મન સાફ થઈ ગયું, હિંસાનો વિચાર જ મનમાંથી નીકળી ગયો. હું શુદ્ધ અહિંસક બની ગયો. ગુરુ તિકડમ્ બાબાનો જય હો!’

તિકડમ્ બાબાનું નામ સાંભળી ઊંટે ડોક લાંબી કરી કહ્યું: ‘તિકડમ્ બાબા? એ તો મોટા મહાત્મા છે, હિમાલયમાં રહે છે ને બાર મહિને એક વાર ગુફામાંથી દર્શન દેવા બહાર આવે છે. તમને એ ક્યાં મળ્યા? કેવી રીતે મળ્યા?’

વાઘે કહ્યું: ‘મારા સદ્ભાગ્યે તેઓ ગુફામાંથી બહાર પધાર્યા તે જ વખતે હું ત્યાં જઈ ચડ્યો. લાંબો થઈને હું એમના પગમાં પડ્યો: મેં મારાં પાપોની માફી માગી. તેમણે દયા કરી કહ્યું: તારાં પાપ માફ છે, બચ્ચા! જા, હવે ફરી પાપ કરતો નહિ! એ પછી એમણે મને અહિંસા-ધર્મની દીક્ષા આપી. એક આખો દિવસ હું તેમની સેવામાં રહ્યો. બીજે દિવસે એ ફરી પાછા ગુફામાં ચાલી ગયા અને હું અહીં આવ્યો. જબરા મહાત્મા છે, ભાઈ હવે બાર મહિને ગુફામાંથી બહાર આવશે. બાર મહિના લગી કાંઈ જ ખાવાનું નહિ, પીવાનું નહિ. બસ, સમાધિમાં જ રહેવાનું.’

ઊંટે કહ્યું: ‘મને ખબર છે. એ છસો ચોત્રીસ વર્ષના છે, પણ વીસ વરસના લાગે છે. અકબર બાદશાહનો દરબાર એમણે જોયેલો.’

 વાઘે કહ્યું: ‘વાહ, તમે તો ઘણું જાણો છો ગુરુજી વિશે!’

ઊંટે કહ્યું: ‘તે ન જાણું? હું એમનો ભક્ત છું. મારું નામ લંબડોક ઊંટ! કદાચ તમે આ નામ સાંભળ્યું હશે.’

એકદમ ઉત્સાહમાં આવી જઈ વાઘે કહ્યું: ‘શું કહો છો — લંબડોક ઊંટ તમે? તમે પોતે? ગુરુદેવના શ્રીમુખે મેં આ નામ સાંભળ્યું છે. મને કહે કે સાત દેશમાં મારા સાત પટ્ટ શિષ્યો છે, તેમાં ગુજરાતમાં એક લંબડોક કરીને ઊંટ છે તે મારો ભક્ત છે. તું એને મળજે, એના સત્સંગથી તને લાભ થશે.’ મેં કહ્યું: ‘ગુરુદેવ, હું એ લંબડોકને ક્યાં શોધું? એનું કંઈ ઠામઠેકાણું કહો તો સારું! ત્યારે ગુરુદેવ હસીને કહે કે તારે એને શોધવા નહિ જવું પડે, મારી પ્રેરણાથીએ આપમેળે તને આવી મળશે. તું એને સાધારણ ઊંટ સમજવાની ભૂલ કરતો નહિ! દેખાવે એ બધાં ઊંટ જેવો ઊંટ છે, પણ મારી કૃપા પામેલો મહાન ભક્ત છે.’

આ સાંભળી ઊંટની છાતી ગર્વથી ગજ ગજ ફૂલી. 

તેણે કહ્યું: ‘હું તમારા જેટલો ભાગ્યશાળી નથી; મેં હજી ગુુરુદેવનાં દર્શન કર્યાં નથી.’ બોલતાં બોલતાં તેનું ગળું ભરાઈ આવ્યું.

વાઘે કહ્યું: ‘પણ તમારા પર ગુરુદેવની કેટલી કૃપા છે એ જુઓને! મને કહે કે લંબડોકને કહેજે કે મારાં દર્શન માટે અધીરો ન થાય! હું પૂરાં સો વર્ષ જીવવાનો છું.’

નવાઈ પામી ઊંટે કહ્યું: ‘સો વર્ષ? છસો ચોત્રીસ વર્ષની તો આજે એમની ઊંમર છે!’

વાઘે કહ્યું: ‘મેં પણ આવો જ પ્રશ્ન એમને કરેલો. ત્યારે ગુરુદેવ હસીને કહે: ‘મને તો હજી બે વર્ષ પણ પૂરાં થયાં નથી.’ હું સમજ્યો નહિ, એટલે મેં કહ્યું: ‘અમે તો આપને છસો ચોત્રીસ વર્ષના જાણીએ છીએ, અકબર બાદશાહનો દરબાર આપે જ જોયેલો! —’ ત્યારે મને અધવચ અટકાવીને કહે કે એ તો જોયેલો જ, વળી ચિત્રકૂટમાં તુલસીદાસજીએ મારા કપાળમાં ચંદન ચોપડેલું! આવું બધું ઘણું એમણે કહ્યું. પછી કહે: ઉંમર માપવાનો મારો ગજ જુદો છે. હું બાર મહિનાના ૩૬૫ દિવસમાંથી ૩૬૪ દિવસ સમાધિમાં હોઉં છું, એટલે કે ભગવાન સમીપ હોઉં છું, એ મારું પૃથ્વી પરનું જીવન ન ગણાય. મારું પૃથ્વી પરનું જીવન તો હું બાર મહિને એક દિવસ ગુફામાંથી બહાર આવું છું તે છે. ટૂંકમાં તમારું એક વર્ષ તે મારો એક દિવસ! તમારાં ત્રીસ વર્ષ તે મારો એક મહિનો! તમારી ગણતરીએ ભલે તમે મને ૬૩૪ વર્ષનો ગણો, સાચેસાચ તો હું પૂરાં બે વર્ષનોયે નથી અને હજી તો અઠ્ઠાણું વર્ષ મારે કાઢવાનાં છે, એટલે લંબડોકને કહેજે કે ચિંતા ન કરે, મારાં દર્શન એને થશે જ!’

આ સાંભળી લંબડોક ખુશખુશ થઈ જોરથી પૂંછડી હલાવવા લાગ્યો, અને ડોક ઊંચી કરી ‘જય તિકડમ્ બાબા! જય તિકડમ્ બાબા!’ બોલવા લાગ્યો.

પછી કહે: ‘બીજું કાંઈ મારે વિશે ગુરુમહારાજે કહ્યું છે?’

વાઘે કહ્યું: ‘કહ્યું જ છે; કહે કે લંબડોકના સાંનિધ્યમાં તું તપસ્યા કરશે તો તને પરમ સુખની પ્રાપ્તિ થશે, એ પરમ નિર્દોષ અને પરમ અહિંસક જીવ છે, એની તું જેટલી સેવા કરશે એટલી તને ફળશે. એના આશીર્વાદથી તારું કલ્યાણ થશે.’ મેં કહ્યું કે મારા જેવા પાપી પર આવા મહાત્માની એટલી બધી કૃપા થાય ખરી?’ ત્યારે બાબાજી કહે કે થશે.’ જરૂર થશે. લંબડોકના દેહમાં પવિત્રમાં પવિત્ર જો કોઈ અંગ હોય તો તે એની લાંબી ડોક છે. એક ડોક વડે જે આશીર્વાદ અપાય તે શ્રેષ્ઠ છે. તે પછી તિકડમ્ બાબજીએ એક અદ્ભુત વાત કરી.’— આટલું બોલી વાઘ અટકી ગયો.

ઊંટે કહ્યું: ‘વાત કરતાં કરતાં એકાએક તિકડમ્ બાબાજી સમાધિમાં પડી ગયા હોય એવું મને લાગ્યું. મીંચેલી આંખે જ તેમણે બોલવા માંડ્યું.: ‘હું મારી દિવ્ય દૃષ્ટિથી જોઉં છું કે લંબડોક તારા ઉપર પ્રસન્ન થઈ પોતાની લાંબી ડોક તારી છાતીએ અડકાડી તને આશીર્વાદ આપે છે અને એ જ ઘડીએ તારો જ્ઞાનનો પટારો ખૂલી જાય છે અને તારી રગે રગે આનંદ આનંદ થઈ જાય છે! અહાહા! શો એ આનંદ છે!’

આ સાંભળી ઊંટના સુખનો પાર ન રહ્યો.

તે બોલી ઊઠ્યો: ‘હે વત્સ, માગ, માગ, તું માગે તે આપું!’

વાઘે કહ્યું: ‘મારે જોઈએ કેવળ આપના આશીર્વાદ, બીજું કંઈ જ નહિ!’

‘આપ્યા!’ કહી લંબડોક ઊંટે પોતાની લાંબી ડોક વાઘની છાતીએ અડાડી; તે જ ઘડીએ વાઘે એ ડોક પોતાના મોંમાં પકડી મરડી નાખી.

ઊંટ મરેલો થઈને પડ્યો.

હવે વાઘે ભૂખે મરવાનું રહ્યું નહિ. એનું તિકડમ્ બાબાનો ચેલો થવું સફળ થઈ ગયું.

[ટોપી-પંડિત]

License