૭. બિલાડીની ડોકે ઘંટડી

છગડો છછુંદર ગલબા શિયાળનો દોસ્ત હતો. એકવાર છગડાને રડતો જોઈ ગલબાએ કહ્યું: ‘અરે, તું રડે છે? તારા બેઉ દીકરા અડકો-દડકો અને એમની મા છગડી તો મજામાં છે ને?’

છગડાએ રોતાં રોતાં કહ્યું: ‘નથી, એકેય નથી! ત્રણેને પેલી દુષ્ટ રાક્ષસી મારીને ખાઈ ગઈ!’

આ દુષ્ટ રાક્ષસી તે છલીબી બિલ્લી.

ગલબાએ કહ્યું: ‘દોસ્ત, દુ:ખને રોવાથી દુ:ખ ઓછું થતું નથી, માટે દુ:ખનો સામનો કરવો જોઈએ.’

છછુંદરે કહ્યું: ‘સામનો કેવી રીતે કરવો? મૂઈ એવી દબે પગલે આવે છે કે ખબર જ પડતી નથી!’

ગલબાએ કહ્યું: ‘તો એના આવવાની ખબર પડે એવું કરો! એની ડોકે ઘંટડી બાંધો!’

છગડાને આ વાત ગમી. તેણે છછુંદરોની સભામાં આ વાત મૂકી. સભાએ તરત તે મંજૂર કરી છગડાને કહ્યું: ‘તમે ધીર-વીર ને ચતુર છો; તમે જ આ કામ કરો!’

છગડો ગલબાને મળ્યો. એને ઘંટડી બતાવી કહે: ‘ફક્કડ ઘંટડી છે. બાર ડગલાં દૂરથી સંભળાય છે. બિલાડીની દેન નથી કે હવે અમને મારે!’

ગલબાએ કહ્યું: ‘ખૂબ સરસ! હવે તું ઝટ ઝટ એની ડોકે એ બાંધી કાઢ!’

છગડા છછુંદરે બીતાં બીતાં કહ્યું: ‘પણ, દોસ્ત, ઘંટડી બાંધવા જતાં બિલાડી મને ફાડી નહિ ખાય?’

ગલબાએ કહ્યું: ‘જરૂર ફાડી ખાશે. મોટા કામમાં મોટો ભય તો રહેવાનો જ.’

છગડા છછુંદરે કહ્યું: ‘એમ મરવું મને પસંદ નથી.’

ગલબાએ કહ્યું: ‘તો ના મરવું!’

‘તો શું ઘંટડી બાંધવી નહિ?’

‘જરૂર બાંધવી; પણ જીવતા રહીને બાંધવી.’

કંઈ સમજ ન પડવાથી છગડો માથું ખણવા લાગ્યો. ગલબાએ ફરી કહ્યું: ‘જીવતા રહીને ઘંટડી બાંધવી, એટલું જ નહિ, ભરી સભામાં બાંધવી! મારો દોસ્ત છગડો છછુંદર એ બાંધશે ને સૌ જોશે.’

છગડાને થયું કે ગલબો ટિખળ કરે છે.

થોડીવાર પછી ગલબાએ કહ્યું: ‘છગડા, બિલાડીને તું દોડવામાં હરાવી શકે?’

છગડાએ કહ્યું: ‘હરાવી દઉં, એના હાથમાં આવું જ નહિ!’

ગલબાએ કહ્યું: ‘પણ તારે એમાં જીતવાનું નથી, હારવાનું છે!’

છગડાએ કહ્યું: ‘હારવાનું એટલે તો એના હાથમાં પડવાનું ને મરવાનું! બિલાડીની સાથે દોડવામાં જે હારે છે તે તેના હાથે મરે જ છે!’

ગલબાએ કહ્યું: ‘ના, હારવાનું ખરું, પણ મરવાનું નહિ.’

‘તો એવી દોડમાં બિલાડી ઊતરે શું કરવા?’

‘શું કરવા તે જીતનો ચાંદ લેવા!’

છગડાએ કહ્યું: ‘જીતનો ચાંદ મળતો હોય તો હું શું કરવા ન જીતું? મને જીતવું ગમે છે!’

ગલબાએ કહ્યું: ‘પણ હું કહું છું કે આજે બિલાડીની સાથે તારે દોડમાં ઊતરવાનું છે અને હારવાનું છે. દોસ્તના બોલ પર વિશ્વાસ હોય તો હા કહે, નહિ તો ના!’

દોસ્તીની વાત આવી એટલે છગડાએ તરત પોતાના બે કાનની બૂટ પકડી કહ્યું: ‘હા!’

તે જ દિવસે વરુએ પેટની નગારી કરી ચારેકોર ઢંઢેરો પીટી દીધો કે રાયણના ઝાડ હેઠળ આજે છગડો છછુંદર અને છબીલી બિલ્લી વચ્ચે દોડવાની હરીફાઈ થવાની છે. માટે સૌએ જોવા પધારવું.

આખા વનમાં ઉત્સાહ વ્યાપી ગયો. રાજા સિંહ પોતાના આખા પ્રધાન મંડળ સાથે પધાર્યા. પપૂડો વાંદરો ન્યાયાધીશ બન્યો. ગલબો શિયાળ નાનકડી સુંદર પેટીમાં ચાંદ લઈને આવ્યો. છબીલી બિલ્લી છગડાની સામે જોઈ મોં બગાડતી હતી, એને ખાતરી હતી કે હું જીતવાની છું.

દોડ શરૂ થઈ. છગડો જાણી જોઈને બિલાડીની પાછળ રહ્યો, એ હાર્યો ને બિલાડી જીતી! ન્યાયાધીશે જાહેર કર્યું કે છબીલીની જીત થાય છે. જીતનો ચાંદ એને મળશે!

હવે ગલબાએ ઊભા થઈને કહ્યું: ‘રાજા સિંહની આજ્ઞાથી હું જાહેર કરું છું કે જીતનો ચાંદ હારેલો છગડો છછુંદર છબીલી બિલ્લીની ડોકે પહેરાવશે.’

પ્રેક્ષકોએ તાળીઓ પાડી.

હવે ગલબા શિયાળે પેટીમાંથી ચાંદ કાઢ્યો. એ પિત્તળની ઘંટડી હતી. બહાર કાઢતાં જ ઘંટડી ટન ટન ટન વાગવા માંડી. બધાં કહે: ‘વાહ, ફક્કડ ચાંદ છે! બોલતો ગાતો ચાંદ છે!’

છબીલી ખુશ ખુશ થઈ ગઈ. રાજા સિંહે હુકમ કર્યો: ‘છગડા, આ ચાંદ તું છબીલી બિલ્લીની ડોકમાં બાંધ! ડોકમાં કાયમ રહે એવી રીતે બાંધજે!’

પછી સિંહેબિલાડીને કહ્યું: ‘છબીલી બાઈ, આ ચાંદ તમારા જશનો ચાંદ છે. એ તમારી ડોકમાં રહી ચારેકોર તમારો જશ ફેલાવશે!’

બિલાડીના સુખનો પાર ન રહ્યો. સૌ પ્રેક્ષકોના દેખતાં છગડા છછુંદરે છબીલીની ડોકમાં ઘંટડી બાંધી દીધી. છબીલીએ ખુશીમાં આવી ડોક હલાવી તો મજાનું ટન ટન ટન ટન થયું. બધાં કહે: ‘વાહ વાહ! જશનો ચાંદ તે આનું નામ!’

સભા પૂરી થઈ. બધાં વિખરાઈ ગયાં.

રાતે છછુંદરોની સભા થઈ. બિલાડીની ડોકમાં ઘંટડી બાંધવા માટે સૌએ છગડા છછુંદરનો આભાર માન્યો અને એનો જયજયકાર કર્યો.

[‘ગલબા શિયાળની ૩૨ વાર્તા’]

License