પાંચ-છ વરસનો નાનકડો ગોળમટોળ જતીન સૌને ગમી જાય તેવો હતો. બધા એને બકો કહેતા. એના મોટા કાકાને એ બાપુજી કહેતો. બાપુજીની આંગળી પકડી એ નાચતો-કૂદતો ને કિલકિલાટ કરતો.
એક વાર બાપુજીને ત્યાં અમદાવાદથી મહેમાન ગાડી લઈને આવ્યા. કહે: ‘શ્રીનાથજી જવું છે, સાથે ચાલો!’
બકો સમજી ગયો. બાપુજી ગાડીમાં બેસે એ પહેલાં જ એ દોડીને ગાડીમાં બેસી ગયો. હવે એને નીચે ઉતારવો મુશ્કેલ, સાથે લઈ જવો જ પડે.
બધાં નાથદ્વારા પહોંચ્યાં. રસ્તામાં શામળાજી અને કેસરિયાજીનાં મંદિરોમાં દર્શન કરી લીધાં. ઉદેપુર શહેર જોયું અને એકલિંગજી મહાદેવનાંય દર્શન કર્યાં.
એ દિવસોમાં નાથદ્વારામાં કોઈ ઉત્સવ હતો. યાત્રાળુઓની ભારે ભીડ હતી. મંદિરમાં દર્શન વગેરે પતાવી બધાં દુકાનો જોતાં જોતાં પાછાં ફરતાં હતાં. બકાએ બાપુજીની આંગળી પકડી હતી. ભાતભાતની દુકાનો જોવાનું એનું કુતૂહલ ભારે હતું. ઘડીમાં આ જુએ, ઘડીમાં તે જુએ. જોવાની આ ધૂનમાં એનાથી બાપુજીની આંગળી છૂટી ગઈ. બાપુજી મહેમાનની જોડે વાતોમાં હતા. એટલે એમને આની ખબર પડી નહિ.
બકાને અહીં બધું નવું નવું લાગતું હતું અને જોવાની મજા પડતી હતી. એટલે એ ઘડીમાં અહીં તો ઘડીમાં તહીં ફરવા લાગ્યો; ત્યાં ગલીઓ ઘણી. એ એવી કોઈ ગલીમાં ઘૂસી ગયો જ્યાં માણસોની જા-આવ નહિ જેવી હતી. હવે એને એની એકલતાનું ભાન થયું. એણે ચારે બાજુ જોયું, પણ બાપુજી ક્યાંય દેખાયા નહિ. એ ઊભો ઊભો રડવા લાગ્યો.
સમય જતાં બાપુજીને એકાએક ખ્યાલ આવ્યો કે બકો નથી. એમણે ચારે બાજુ નજર કરી, પણ ક્યાંય એ દેખાયો નહિ. એટલે જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે એ પાછા વળ્યા અને ઘાંઘલા બની બકાને શોધવા લાગ્યા. મહેમાન પણ ચિંતામાં પડી ગયા. સૌએ ચારે તરફ દોડાદોડ કરી મૂકી. છેવટે એક ગલીમાં બકો દેખાયો. બાપુજીને જોતાં જ બકો એમને વળગી પડ્યો. બાપુજીએ એને તેડી લીધો.
બધાં જાત્રા કરીને પાછાં આવ્યાં. જાત્રાની વાત કરતાં કરતાં બાપુજીએ બકાનાં માબાપને કહ્યું: ‘બકો ભીડમાં ખોવાઈ ગયો હતો; કટેલી દોડાદોડ કરી ત્યારે એ જડ્યો!’
તરત બકો બોલી ઊઠ્યો: ‘હું નહોતો ખોવાઈ ગયો, હું તો મારી જગાએ ઊભો હતો. બાપુજી ખોવાઈ ગયા હતા અને જડતા નહોતા! કેટલું રડ્યો ત્યારે જડ્યા!’
બધાં ખૂબ હસ્યાં.
આવા છે અમારા બકાભાઈ. એ કદી ખોવાતા નથી, પણ એમને ખોળવા જનારાં બધાં ખોવાઈ ગયેલાં હોય છે!
[સડેલી કેરી]