એક હતી ખિસકોલી.
એણે એક ઝાડ હેઠળ ઘર કર્યું; ઘરને સરસ રીતે શણગાર્યું.
ઘર જોઈ ગલબા શિયાળનું મન લલચાયું.
એ કહે: ‘આવા ઘરમાં ખિસકોલી રહે એ શોભે નહિ; આમાં હું રહું તો ઘર પણ શોભે અને હું પણ શોભું!’
ખિસકોલી તે વખતે ખેતરમાં મગફળી વીણવા ગઈ હતી, તેથી ઘરમાં કોઈ હતું નહિ. ગલબાએ તે જ ઘડીએ ઘરમાં ધામા નાખ્યા.
થોડી વાર પછી ખિસકોલી આવી. આંગણામાં પગ દેતાં જ તેને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ છે, એટલે એણે બૂમ પાડી: ‘એ…ઈ, ઘરમાં કોણ છે?’
શિયાળે કહ્યું: ‘કોણ તે હું છું, ગલબો શિયાળ — ઘરનો માલિક.’
ખિસકોલીએ કહ્યું: ‘આ મારું ઘર છે; તું નીકળ મારા ઘરમાંથી!’
ગલબાએ કહ્યું: ‘ઘર મારું છે, મને મારા ઘરમાંથી નીકળવાનું કહેનારી તું કોણ? હટ અહીંથી!’
ખિસકોલીએ કહ્યું: ‘તું ચોર છે, તું ખોટી રીતે મારા ઘરમાં ઘૂસી ગયો છે. હું કાજીને ફરિયાદ કરીશ.’
‘ફરિયાદ કાલે કરતી હો તો આજે કર!’ ગલબાએ કહ્યું.
એટલામાં ત્યાં થઈને કૂકડો નીકળ્યો.
તરત ખિસકોલીએ બૂમ મારી: ‘એ…ઈ કાજી સાહેબ!, એ…ઈ કાજી સાહેબ! અમારો ન્યાય કરો!’
કૂકડાએ નજીક આવી કહ્યું: ‘બોલો, શી ફરિયાદ છે?’
ખિસકોલીએ કહ્યું: ‘આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીને બેસી ગયો છે. આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો!’
કૂકડાએ રુઆબથી કહ્યું: ‘હમણાં કાઢું!’ હું હુકમ કરું એટલી વાર હું કોઈની બદમાશી નહિ ચાલવા દઉં.’ બોલતાં બોલતાં એ જુસ્સામાં આગળ વધ્યો અને ઘરના આંગણામાં આવી ઊભો ને બોલ્યો: ‘એ…ઈ બદમાશ! સાંભળ! હું કાજી તને હુકમ કરું છું— મારી સામે અબઘડી હાજર થા!’
ગલબો શિયાળ ઘરના બારણામાં આવી ઊભો.
કૂકડો એને જોઈ મનમાં કહે: ‘ઓહ, આ તો ગલબો મિનિસ્ટર છે! એની સામે હુકમ કરવામાં ભારે જોખમ! નોકરી જાય અને કદાચ જીવ ખોવા વારો આવે!’
તેણે કહ્યું: ‘ખિસકોલી બાઈ, તમે કહો છો કે આ ઘર તમારું છે, પણ હું અત્યારે નજરોનજર જોઉં છું તો ઘરમાં ગલબોજી રહે છે. તો જે ઘરમાં તમે રહેતાં નથી એ ઘર તમારું કેવી રીતે હોઈ શકે?’
ખિસકોલીએ રોતાં રોતા કહ્યું: ‘સાહેબ, ઘર મારું છે. હું સાચું કહું છું, આ ઘર મારું છે.’
કૂકડાએ ગલબાને પૂછ્યું: ‘આ વિશે આપનું શું કહેવું છે?’
ગલબાએ કહ્યું: ‘હું આ ઘરમાં રહું છું એ આપ નજરે જુઓ છો, પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી.’
કાજી કૂકડાએ ચુકાદો આપ્યો: ‘ખિસકોલીની ફરિયાદ કાઢી નાખવામાં આવે છે.’
ચુકાદો જાહેર કરી કાજી સાહેબ ચાલી ગયા.
ખિસકોલી ડૂસકાં ભરતી ત્યાંથી ચાલી નીકળી.
એને રડતી જતી જોઈ ઝાડ પર બેઠેલા કપિએ એને પૂછ્યું: ‘શા દુ:ખે રડો છો, ખિસીબહેન?’
ખિસકોલીએ કહ્યું: ‘દુનિયામાં ગરીબનું કોઈ બેલી નથી, ભાઈ!’
કપિએ કહ્યું: ‘કોઈ જ નથી એવું તો કેમ કહેવાય, બહેન? સૂરજ હજી ઊગે છે તો!’
હવે ખિસકોલીએ રડતાં રડતાં પોતાની બધી વીતક વાત કરી.
એ સાંભળી કપિ વિચારમાં પડી ગયો. બીજી ડાળ પર એક કાગડો બેઠેલો હતો. તેણે બધી વાત સાંભળી હતી. તેણે કહ્યું: ‘કપિભાઈ, મને એની વાત સાચી લાગે છે.’
કપિએ કહ્યું: ‘તો સાચું લાગે છે એટલું કહીને આપણાથી છૂટી જવાય નહિ…’
‘નહિ જ. એને એનું ઘર પાછું મળે એવું કરવું જોઈએ.’ કાગડાએ કહ્યું.
‘સામે ગલબો શિયાળ છે—રાજાનો મિનિસ્ટર!’ કપિએ કહ્યું.
‘હા, સામે જૂઠ અને પ્રપંચ છે.’ કાગડાએ કહ્યું.
આ બે જણ વચ્ચે પછી ખાનગી મસલત ચાલી. તેમણે કંઈક નક્કી કર્યું.
*
કાજીની કોરટમાં જીત્યા પછી ગલબો ખૂબ આનંદમાં હતો. એ ઘરના ઊંબરામાં જ બેઠો. ખિસકોલીની કેવી દુર્દશા થાય છે એ જોવાનું એને મન હતું.
એટલામાં એણે રસ્તે જતા કોઈ બે જણને વાતો કરતા સાંભળ્યા.
એક જણ કહેતો હતો: ‘પે…લું ઘર જોયું?’
બીજાએ કહ્યું: ‘હા, જોયું! શું છે એનું?’
‘એ ભૂતિયું ઘર છે, એમાં ભૂત રહે છે. એક રાત પણ કોઈ એમાં રહી શકતું નથી. કોઈ જરી ઝોકું ખાય તો ભૂત તરત એને બોચીમાંથી પકડે છે અને મારી ખાય છે.’
‘બાપ રે, મને કોઈ મફત આપે તો યે આવા ઘરમાં હું ન રહું!’
ગલબાએ બહાર નજર કરી જોયું તો એક હતો વાંદરો ને બીજો હતો કાગડો.
એ લોકોના ચાલી ગયા પછી ગલબો કહે: ‘હું કંઈ આવાં ભૂતબૂતમાં માનતો નથી. ભૂતને નજરે દેખું તોયે માનું નહિ એવો હું બુદ્ધિવંતો છું.’
આમ કેટલોક વખત વીતી ગયો. અચાનક કંઈ અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી જોયું તો એક તેતર અને એક કબૂતર વાતો કરતાં જતાં હતાં.
તેતરે ખિસકોલીવાળું ઘર દેખાડી કહ્યું: ‘આ ઘર વેચાય છે, બહુ સસ્તામાં મળે એમ છે. મારો વિચાર એ લેવાનો છે. તમારી શી સલાહ છે? મિત્ર તરીકે તમે સાચી સલાહ અ આપજો!’
કબૂતરે ઘર સામે જોઈ કહ્યું: ‘ઊંહું! ઊંહું!’
તેતરે કહ્યું: ‘કેમ ઊંહું?’
કબૂતરે કહ્યું: ‘મને પણ તારી જેમ એ ઘર ખરીદવાનો વિચાર આવેલો, એટલે મેં તપાસ કરી તો મને માલૂમ પડ્યું કે એ ભૂતિયું ઘર છે; એમાં એક બ્રહ્મરાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત રહી શકતું નથી. કહે છે કે માણસ જરી ઊંઘવાનું કરે તો તરત બ્રહ્મરાક્ષસ આવીને એને બોચીમાંથી પકડે છે ને મારી ખાય છે!’
‘બાપ રે!’ તેતર ફફડી ગયું. ‘સારું થયું તમે મને ચેતવ્યો!’ આમ વાતો કરતા કરતા તેઓ ચાલી ગયા.
ગલબો મનમાં કહે: ‘હેં, શું આ ભૂતિયું ઘર છે? એમાં બ્રહ્મરાક્ષસ રહે છે? બ્રહ્મરાક્ષસ તો ભૂત કરતાંયે ભૂંડો!’
એ ભયથી ફફડી ગયો, પણ ગલબો બહાદુર હતો, કહે: ‘હું ઊંઘીશ જ નહિ, પછી બ્રહ્મરાક્ષસ મને શું કરવાનો છે?
મનમાં આવું બોલ્યો ખરો, પણ એને ઊંઘવું હતું, પરાણે આંખો ઉઘાડી રાખી બેઠો હતો.આમ કેટલોક વખત ગયો. વળી એણે કંઈ વાતચીત થતી સાંભળી. બહાર નજર કરી એણે જોયું તો એક સસલું અને એક હરણ વાતો કરતાં જતાં હતાં.
હરણ કહેતું હતું: ‘દોસ્ત, પરમ દિવસે તારી જનમગાંઠ છે. ખરું ને?’
સસલાએ કહ્યું: ‘છે જ તો! જનમગાંઠને એવી ટેવ છે કે હા કહો કે ના કહો, પણ વરસે વરસે એ આવે જ છે.’
હરણે કહ્યું: ‘હું તને તારી જનમગાંઠ પર એક ફક્કડ ચીજ ભેટ આપવા ચાહું છું — એવી ભેટ કે તું જીવે ત્યાં લગી એ તારી સાથે રહે.’
‘વાહ! એવી કેવી ભેટ છે એ?’ સસલાએ પૂછ્યું.
‘ઘર!’ હરણે કહ્યું.
‘ઘર? બહુ સરસ! મને એ સાંભળી આનંદ થયો.’ સસલાએ કહ્યું.
હરણે કહ્યું: ‘એ ઘર દેખાડવા જ હું તને અહીં લઈ આવ્યો છું સામે જો, પેલું દેખાય છે ને, એ જ એ ઘર! છે ને સરસ?’
આ સાંભળી સસલાનું મોં વિલાઈ ગયું. તેણે કહ્યું: ‘આ ઘર તારે મને ભેટ આપવું છે? મિત્ર થઈને?’
હરણે નવાઈ પામી કહ્યું: ‘કેમ, કંઈ વાંધો છે?’
‘વાંધો લાખ મણનો! એ તો ભૂતિયું ઘર છે. એમાં એક નહિ, બે ભૂત રહે છે, તેમાં એક તો બ્રહ્મરાક્ષસ છે. જો જરી ઊંઘવાનું કર્યું તો ભૂત બોચીમાંથી પકડે છે અને ન કર્યું તો બ્રહ્મરાક્ષસ છાતી પર ચડી બેસે છે. આવું ઘર ભેટમાં ન અપાય, ભાઈ! આના કરતાં તો તું મને ધક્કો મારી ઊંડા કૂવામાં નાખે એ સારું!’
આમ વાતો કરતાં કરતાં બેઉ ચાલી ગયાં.
ગલબાએ આ વાતચીત બરાબર સાંભળી. સાંભળીને એ ફફડી ગયો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઊતરી ગયો. એ મોટેથી બોલ્યો: ‘નક્કી આ ઘર ભૂતિયું છે. ત્રણ—ત્રણ જણ એને ભૂતિયું કહે છે એટલે એ ભૂતિયું જ છે જ.’
એ મોટેથી બોલી ઊઠ્યો: ‘છિ:! આવા ઘરમાં હું નહિ રહું. છો ખિસકોલી અહીં રહેતી ને મરતી! એ મરે એ જ લાગની છે.’
તે જ ઘડીએ એણે ઘર છોડી દીધું.
વાંદરો અને કાગડો ઝાડ પર બેઠા બેઠા ગલબા પર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તે તેમણે સાંભળ્યું અને એને ઘર છોડી ભાગી જતો પણ જોયો. તેતર, કબૂતર, હરણ, સસલું બધાં એમનાં મિત્રો હતાં. બધાંએ મળીને ગલબાને બિવડાવી ભગાડવાની યુક્તિ ગોઠવી હતી અને તે બરાબર પાર પડી હતી.
ખિસકોલી તો હજી ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠી હતી. અચાનક એણે કપિનો અવાજ સાંભળ્યો: ‘ખિસીબહેન, ખુશ થાઓ! ગલબો ભાગી ગયો. તમારું ઘર ખાલી છે. ચાલો, અમે તમને ઘેર લઈ જઈએ!’
ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર ખાલી કરી ગયો છે એ વાત એના માન્યામાં આવતી નહોતી. એ હેં હેં કરતી રહી, અને કપિ, કાગડો, તેતર, કબૂતર, સસલું, હરણ બધાં સરઘાસકારે ગોઠવાઈ ગયાં — કોઈ પીપૂડી ફૂંકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે!
જોવા જેવો ખેલ થયો. ખિસકોલીને લઈને સરઘસ ચાલ્યું, ને ખિસકોલીના ઘરે પહોંચ્યું.
ઘર ખાલી જોઈ ખિસકોલીના આનંદનો પાર ન રહ્યો. ઘરના કોઠારમાં સાચવીને રાખેલી મગફળીઓનો એણે આ સૌ મિત્રો સામે ઢગલો કરી દીધો અને કહ્યું: ‘ખાઓ ને ખુશ થાઓ! મારું બધું ધન તમારું જ છે એમ સમજજો!’
સઘળે આનંદ આનંદ થઈ રહ્યો.
[‘અકલું ચકલું બાલવાર્તાવલિ’]