૩૪. બોબડી બંધ

એક હતો બ્રાહ્મણ. કહેવાય બ્રાહ્મણ, પણ ભણેલો ગણેલો કાંઈ નહિ. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે. એક દિવસ બ્રાહ્મણી કહે: ‘જાઓ રાજા રઘુરાયના દરબારમાં—કંઈ પામશો!’

બ્રાહ્મણ કહે: ‘હું અભણ—’

બ્રાહ્મણી કહે: ‘અભણ ખરા, પણ તમે કદી જીભે જૂઠું બોલ્યા છો?’

‘ના, ભગવાને જૂઠું બોલવા જીભ નથી દીધી એટલું તો હું સમજું!’

‘તો તમે કદી કોઈના કજિયા-દલાલ થયા છો? કોઈને છેતરવાનું કદી કર્યું છે?’

‘રામ રામ કરો, એવો વિચાર પણ કેમ થાય?’

‘તો તમે કોઈને કદી ભૂંડાં વેણ કહ્યાં છે?’

‘ના, સૌ સુખી થાઓ!’ એમ જ કહ્યું છે.

બ્રાહ્મણીએ કહ્યું: ‘બસ તો! જે ભણવાનું તે તમે ભણ્યા છો! એટલે તમારી જીભે સરસ્વતી, તમને પ્રભુ દેશે સન્મતિ!’

બ્રાહ્મણે આશ્ચર્ય પામી કહ્યું: ‘બ્રાહ્મણી, તું શ્લોક બોલી!’

બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’

***

બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’

જવાબમાં બ્રાહ્મણથી બોલાઈ ગયું:

‘ઊનો હશે તો બાળશે, ને ટાઢો હશે તો હાથને કરશે કાળો,

ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં…ગા…રો!’

પોતાની જીભે શ્લોક બોલાયો તેથી બ્રાહ્મણને નવાઈ લાગી. તેણે એ શ્લોક મોટેથી બોલતાં બોલતાં ગામમાં ફરવા માંડ્યું. નગરશેઠે એ સાંભળી એને બોલાવી પૂછ્યું: ‘ભૂદેવ, આ શ્લોકનો અર્થ શું?’

બ્રાહ્મણે કહ્યું: ‘અર્થમાં હું શું જાણું? હું કંઈ ભણેલો નથી.’

શેઠે રાજાને વાત કરી કે ‘ગામમાં એક બ્રાહ્મણ આવ્યો છે. એ આખો વખત એક શ્લોક બોલ્યા કરે છે, પણ એ શ્લોકના અર્થની એને ખબર નથી.’

રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું:

 ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો!

 ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો!

રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’

રાજા આ સાંભળી ખુશ થયો. કહે: ‘મારી તિજોરીમાં અર્થ જરૂર છે, અને એ તને મળશે. પણ તારા શ્લોકમાં શું કંઈ જ અર્થ નથી?’

બ્રાહ્મણે કહ્યું: ‘મહારાજ, હોય તો મને એની ખબર નથી.’

રાજાએ કહ્યું: ‘ઠીક, તો શ્લોકનો અર્થ ન સમજાય ત્યાં લગી તું મારી સાથે રહે. તારે રોજ મને કાનમાં આ શ્લોક સંભળાવવો!’

બ્રાહ્મણને એ વાતનો કંઈ વાંધો નહોતો.

રોજ બ્રાહ્મણ રાજાને શ્લોક સંભળાવે ને રોજ રાજા એને પૂછે કે શ્લોકનો અર્થ જડ્યો? રોજ બ્રાહ્મણ કહે: ‘ના!’ તે પછી કંઈ પણ બોલ્યા વિના રાજા એને એક ચિઠ્ઠી લખી આપે. એ ચિઠ્ઠી બ્રાહ્મણ દીવાનને બતાવે ને એને રોજ એક સોનામહોર મળે.

રાજાનો એક માનીતો હજૂરિયો રોજ આ જુએ. એને બ્રાહ્મણની ઈર્ષ્યા આવી. એક દિવસ એણે બ્રાહ્મણને કહ્યું: ‘મહારાજ, તમે રોજ રાજાને શ્લોક સંભળાવો છો એ બરાબર, પણ તમે રાજાના મોં આગળ મોં લઈ જઈને બોલો છો અને તમારા શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે, એ બરાબર નથી. માટે શ્લોક બોલતી વખતે તમારે નાક—મોંએ પાટો રાખવો. રાજ્યની એ રસમ છે!’

બ્રાહ્મણે કહ્યું: ‘હવેથી એમ કરીશ.’

તે પછી હજૂરિયો રાજાને મળ્યો. કહે: ‘મહારાજ, વાત કહેવા જેવી નથી.’

રાજા કહે: ‘હું હુકમ કરું છું કે કહે!’

હજૂરિયો કહે: ‘આપનો હુકમ છે તો કહું છું. પેલો બ્રાહ્મણ આપની આગળ શ્લોક બોલે છે ને, તે મને કહે કે હું શ્લોક બોલું છું ત્યારે રાજાનું મો એવું ગંધાય છે કે મને ઊલટી થવા જેવું થાય છે, તેથી હવે હું નાક—મોંએ પાટો બાંધીને જવાનો છું.’

રાજા લોકનો ઉછેર એવો હોય છે કે એમને ખુશ થતાંય વાર નહિ અને નાખુશ થતાંય વાર નહિ. ગુસ્સે થાય ત્યારે વિનય વિવેક ને સૌજન્ય બધું ભૂલી જાય! અહીં પણ એવું થયું.

બીજે દિવસે બ્રાહ્મણ શ્લોક બોલવા ગયો ત્યારે એના નાક—મોંએ પાટો હતો. એ જોઈ રાજાને હજુરિયાની વાત સાચી લાગી. તેણે તત્કાળ એક ચિઠ્ઠી લખી કાઢી બ્રાહ્મણના હાથમાં મૂકી. બ્રાહ્મણ રોજની જેમ એ ચિઠ્ઠી લઈને નીકળ્યો. ત્યાં રસ્તામાં પેલો હજૂરિયો મળ્યો. બ્રાહ્મણ કહે: ‘તમે મને રાજ્યની રસમ શીખવી મારા પર ઘણો ઉપકાર કર્યો છે, તેથી આજનું મારું ઈનામ હું તમને આપું છું.’ આમ કહી એણે ચિઠ્ઠી હજૂરિયાને આપી. હજૂરિયો ખુશ ખુશ થઈ ગયો. એને ખબર હતી કે આ ચિઠ્ઠી પર રોજ એક સોનામહોર મળે છે. હજૂરિયો સીધો દીવાનની પાસે પહોંચ્યો. દીવાને ચિઠ્ઠી વાંચી કહ્યું: ‘બેસો!’ પછી તેણે કોટવાલને બોલાવી તેને રાજાની ચિઠ્ઠી દેખાડી. કોટવાલ એ જ ઘડીએ હજૂરિયાને બાંધી કોટવાલીમાં લઈ ગયો. હજૂરિયાએ બૂમાબૂમ કરી મૂકી. કોટવાલે કહ્યું: ‘ચૂપ, તારી બોબડી બંધ કર! રાજાનો એવો હુકમ છે!’ તે જ ઘડીએ હજૂરિયાના હોઠ સીવી લેવામાં આવ્યા; એની બોબડી બંધ થઈ ગઈ.

રોજના નિયમ પ્રમાણે બીજે દિવસે બ્રાહ્મણ શ્લોક ભણવા રાજાની આગળ હાજર થયો ત્યારે એને બોલી શકતો જોઈ રાજાને નવાઈ લાગી. તેણે તરત દીવાનને અને કોટવાલને બોલાવી તેમનો જવાબ માગ્યો કે મારા હુકમનો અમલ કેમ નથી કર્યો? બંનેએ કહ્યું કે અમે આપના હુકમનો તરત જ અમલ કર્યો છે. આપની ચિઠ્ઠી લઈ આવનાર હજૂરિયાનાં હોઠ સીવી લઈ એની બોબડી બંધ કરી દીધી છે.

રાજાએ કહ્યું: ‘મેં ચિઠ્ઠી આ બ્રાહ્મણને આપી હતી, હજૂરિયાને નહિ!’

ત્યારે દીવાને કહ્યું: ‘બ્રાહ્મણે ઉસ્તાદી કરી એ ચિઠ્ઠી વાંચીને હજૂરિયાના હાથમાં પકડાવી દીધી લાગે છે!’

બ્રાહ્મણે કહ્યું: ‘ના, મહારાજ, મેં ચિઠ્ઠી વાંચી નથી; મને વાંચતાં જ આવડતું નથી. પણ એણે મારા પર એક ઉપકાર કરેલો, મને એણે રાજ્યની રસમ શિખવેલી, એટલે આ વખતનું ઈનામ મેં એને દઈ દીધું હતું. મને થયું કે રોજ મને સોનામહોર મળે છે તો એક દિવસ ભલે એને મળે!’

રાજાએ નવાઈ પામી કહ્યું: ‘એવો એણે તારા પર શો ઉપકાર કરેલો?’

બ્રાહ્મણે કહ્યું: ‘મને કહે કે તું શ્લોક બોલે છે ત્યારે શ્વાસ રાજાના શ્વાસમાં જાય છે એ સારું નહિ. માટે હવેથી તું નાક—મોંએ પાટો બાંધીને જજે! રાજ્યની એ રસમ છે.’

રાજા બોલી ઊઠ્યો: ‘રાજ્યની રસમ? વાહ, ભાઈ! એટલે તું નાક—મોંએ પાટો બાંધીને આવે છે? મને હજૂરિયો કહે કે રાજાનું મોં ગંધાય છે એટલે હવે હું નાક—મોંએ પાટો બાંધીને શ્લોક બોલવા જવાનો છું એવું બ્રાહ્મણ મને કહેતો હતો!’

દીવાન બોલી ઊઠ્યો: ‘દુષ્ટ! નિર્દોષ બ્રાહ્મણ પર રાજાને ગુસ્સે કરવા જતાં એ પોતે જ એ ગુસ્સાનો ભોગ બની ગયો!’

એકદમ રાજા બોલી ઊઠ્યો: ‘હવે મને બ્રાહ્મણના શ્લોકનો અર્થ સમજાય છે. અંગારો ઊનો હોય કે ટાઢો હોય, પણ એ હંમેશા અપકાર કરે છે. ઊનો હોય તો દઝાડે છે ને ટાઢો હોય તો હાથ કાળા કરે છે. દુર્જન આ અંગારા જેવો છે. એનું રીઝવું ને ખીજવું બેય સરખું!’

થોડી વાર રહી કહે: ‘હું ય આ અંગારા જેવો છું, મારું રીઝવું ને ખીજવું બેય નકામાં! બ્રાહ્મણના શ્લોકે આજે મારી આંખો ઉઘાડી છે!’

આ સાંભળી બ્રાહ્મણ બોલી ઊઠ્યો: ‘મારી બ્રાહ્મણીની વાત સાચી! સો ટકા સાચી!’

રાજાએ નવાઈ પામી કહ્યું: ‘તારી બ્રાહ્મણીની શી વાત છે?’

બ્રાહ્મણે કહ્યું: ‘મહારાજ, મને આપના દરબારમાં એણે મોકલ્યો છે. મેં કહ્યું કે હું કાંઈ ભણ્યો નથી, ત્યાં જઈને શું કરીશ? તો કહે કે ભલે અભણ, પણ તમે કદી જૂઠું બોલ્યા નથી, કોઈના કજિયા—દલાલ થયા નથી, કદી કોઈને છેતરવાનું કર્યું નથી, કદી ભૂંડાં વેણ કાઢ્યાં નથી ને સૌ સુખી થાઓ એમ જ કહ્યું છે, એટલે જે ભણવાનું તે તમે ભણ્યા છો — તમારી જીભે સરસ્વતી, પ્રભુ તમને દેશે સન્મતિ!’

આ સાંભળી રાજા એવો ખુશ થઈ ગયો કે માન મોભો ભૂલી એ બ્રાહ્મણને ભેટી પડ્યો! પછી કહે: ‘દીવાનજી, આજે હું ખૂબ આનંદમાં છું. હજૂરિયાના હોઠ છૂટા કરી દો — એને હું માફ કરું છું.’

રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’

[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]

License