૨૩. દમલો દુંદાળો

એક હતો શેઠિયો.

એનું નામ દમલો દુંદાળો.

ચમડી તૂટે પણ દમડી ન છૂટે એ એનો નિયમ હતો.

દમલો કહે: ‘ચમડી તૂટે તો પાછી ઊગે છે, પણ દમડી જો એક વાર હાથમાંથી ગઈ તો એ ગઈ જ. માટે પહેલી દમડી, પછી ચમડી.’

એક વાર દમલો કંઈ કામે બહાર ગયો હતો.

પાછા ફરતાં રસ્તામાં એને એક ભિખારી મળ્યો. ભિખારી કહે: ‘શેઠ, ગરીબને એક પૈસો આપો. ભગવાન તમારું ભલું કરશે.’

દમલો કહે: ‘તારા કહેવાથી જો ભગવાન કોઈનું ભલું કરતો હોય તો તારું જ ભલું કરવાનું એને કહે ને!’

ભિખારી કહે: ‘તમે મારું ભલું કરો, અને ભગવાન તમારું ભલું કરે!’ ‘છટ્!’ કહીને દમલો આગળ વધ્યો.

બરાબર એ જ વખતે ગવલો ગોવાળ ત્યાં થઈને જતો હતો. ભિખારીએ ગવલાને જોઈ કહ્યું: ‘ગરીબને એક પૈસો આપો, ભાઈ!’ તરત ગવલાએ ગજવામાંથી એક પૈસો કાઢી ભિખારીના હાથમાં મૂક્યો. દમલા શેઠે એ જોયું.

કોઈ દિવસ નહિ, ને આજે એને થયું કે ‘હું આ ગવલાની આગળ હારી ગયો. ગવલો ફડ દઈને ભિખારીનો પૈસો કાઢી દે, તો હું શું કમ છું?’

એણે ગજવામાં હાથ ઘાલ્યો. ગજવામાં ઘણા પૈસા હતા, પણ એમાંથી એક પૈસો કાઢી ભિખારીના હાથમાં મૂકવાની એની હિંમત ચાલી નહિ.

ત્યાં તો ફરી પેલો ભિખારી બોલ્યો: ‘શેઠ! ગરીબને એક પૈસો આપો!’

શેઠને ફરી ફરી ગજવામાં હાથ ઘાલતા કાઢતા જોઈ ગવલો કહે: ‘શેઠ, દઈ દો એક પૈસો!’

ફડ દઈને શેઠે જવાબ દીધો: ‘દઉં, પણ મારી પાસે છૂટો પૈસો નથી, ગવલા! તું એક પૈસો ઊછીનો આપે તો એને દઉં!’

ગવલાએ તરત એક પૈસો કાઢી શેઠને આપી કહ્યું: ‘લો, આ પૈસો ઉછીનો! દઈ દો ભિખારીને!’

દમલાએ ગવલાના હાથમાંથી પૈસો લીધો ને ભિખારીને દાનમાં દઈ દીધો.

ગવલો કહે: ‘શેઠ, હવે હું પૈસો લેવા તમારી પાસે ક્યારે આવું?

હવે શેઠ ભાનમાં આવી ગયા. મનમાં કહે: ‘અરે, આ હું શું કરી બેઠો? મારા મનથી કે ગવલાનો પૈસો દઈ દાનેશ્વરી થઈ શકાશે, પણ આ ગવલો તો અહીં જ પૈસાની ઉઘરાણી કરે છે, સાવ નાલાયક!’

એણે જવાબ દીધો: ‘આવજે ને, ભાઈ, કાલે ઘેરે; પૈસો રોકડો લઈ જજે.’

‘ભલે, શેઠ.’ કહી ગવલો છૂટો પડ્યો.

પણ દમલા શેઠના પેટમાં ફાળ પડી: નક્કી આ દુષ્ટ ગવલો પૈસો લેવા આવવાનો.

દમલા શેઠને પાર વગરનો પસ્તાવો થયો.

અને ખરેખર, બીજે દિવસે ગવલો દમલા શેઠને ઘેર પહોંચી ગયો. કહે: ‘શેઠ, મારો પેલો પૈસો?’

દમલો કહે: ‘અરે હા, તારો પૈસો ખરો! એની કાંઈ ના કહેવાશે? પણ ભાઈ, હિસાબની વાત દુકાને, ઘેર નહિ!’

ગવલો કહે: ‘હં, તો હું દુકાન આવીશ.’ 

બીજે દિવસે ગવલો શેઠની દુકાને પૈસાની ઉઘરાણીએ ગયો. શેઠ કહે: ‘અરે હા, તારો પૈસો ખરો! પણ જોને, ભાઈ! આજે હું ખૂબ જ કામમાં છું. પાણી પીવાનીયે ફુરસદ નથી, તો પૈસો દેવાની તો ક્યાંથી હોય?’

ગવલો કહે: ‘ભલે, શેઠ! તો હું કાલે આવીશ.’

અને ત્રીજે દિવસે ગવલો આવીને હાજર થઈ ગયો. કહે: ‘શેઠ, મારો પૈસો?’

દમલો શેઠ કહે: ‘તારો પૈસો ખરો! એની કાંઈ ના કહેવાશે? પણ હજી મેં તારો પૈસો ચોપડે જમા નથી કર્યો, ત્યાં ઉધાર કેવી રીતે કરું?’

ગવલો કહે: ‘તો આજે જમા કરી લો ને, શેઠ!’

દમલો કહે: ‘કયે ચોપડે જમા કરું — ટૂંકા ચોપડે કે લાંબા ચોપડે — તેનો વિચાર કરું છું.’

ગવલો કહે: ‘અરે, ગમે તે ચોપડે — એમાં શું?’

દમલો કહે: ‘એમ ન ચાલે, ભાઈ, એમ ન ચાલે! ઠીક, તો તું કાલે આવજે ને!’

વળી બીજે દિવસે ગવલો ગયો. ત્યારે શેઠે કહ્યું: ‘મેં તારો પૈસો ટૂંકે ચોપડે જમા કરવાનો નિશ્ચય કરી નાખ્યો છે. કાલે તારા ખાતે પૈસો જમા થઈ ગયો જાણ!’

‘કાલે?’ નવાઈ પામી ગવલાએ કહ્યું.

‘કાલે એટલે કાલે જ. તને એ પસંદ ન હોય તો પરમ દિવસે રાખીએ. ઠીક, તો પરમ દિવસે આવજે ને!’ દમલાએ કહ્યું.

‘ના, હું તો કાલે જ આવીશ.’ ગવલાએ કહ્યું.

અને બીજે દિવસે ગવલો આવી ઊભો.

આજે દમલા દુંદાળાએ ગવલા ગોવાળના નામનું ખાતું પાડી, એના નામે એક પૈસો જમા કર્યો.

પછી કહે: ‘ગવલા, તારા નામે પૈસો જમા થઈ ગયો. હવે ઉધાર બાજુ રહી.’

ગવલો કહે: ‘તો પૈસો મને દઈ દો, ને હિસાબ ચૂકતે કરી નાખો!’

દમલો કહે: ‘અરે, ભાઈ, તારા ખાતામાં આઠ દિવસ પણ રકમ જમા ન રહે એ કેવું? તો ભાઈ, આવજે ને તું આઠ દિવસ પછી, ને તારો પૈસો લઈ જજે!’

ગવલો કહે: ‘ના, હું કાલે જ આવીશ.’

અને બીજે દિવસે ગવલો પૈસાની ઉઘરાણીએ પહોંચી ગયો. કહે: ‘શેઠ, લાવો મારો પૈસો!’

દમલો દુંદાળો દુંદ પર હાથ ફેરવતાં ફેરવતાં કહે: ‘તારો પૈસો ખરો, ભાઈ! એની કાંઈ ના કહેવાશે?’

‘તો દઈ દો મને મારો પૈસો, એટલે હું ઘેર જાઉં!’

દમલો દુંદાળો આમતેમ હાથ વડે જોઈ ફંફોસી કહે: ‘પૈસો! હા, એક પૈસો!’

પછી ગજવામાંથી એક રૂપિયાની નોટ કાઢી કહે: ‘મારી પાસે છૂટો પૈસો નથી, ભાઈ! આ એક રૂપિયો છે. લાવ નવાણું પૈસા, ને લઈ જા આ રૂપિયો! પછી તારો હિસાબ ચૂકતે.’

ગવલો ગોવાળ માથું ખણી કહે: ‘મારી પાસે નવાણું પૈસા નથી, શેઠ!’

‘તો થોડા દિવસ પછી આવીને લઈ જજે ને તારો પૈસો! પરચૂરણની ગરબડમાં પડીને તારે કામ શું છે?’

‘ના, હું કાલે જ આવીશ.’ કહી ગવલો ગયો, ને બીજે દિવસે નવાણું પૈસા લઈને પોતાના પૈસાની ઉઘરાણીએ આવી ઊભો.

દમલો દુંદાળો કહે: ‘આવ ભાઈ, આવ. લે તારો પૈસો.’

પછી ઇસકોતરામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી કહે: ‘લાવ ચાર રૂપિયા ને નવાણું પૈસા, ને લઈ જા આ પાંચની નોટ! નવીનકોર છે, કોરી ને કડકડતી!’

ગવલો ગોવાળ કહે: ‘મારી પાસે નવાણુ પૈસા છે, પણ ચાર રૂપિયા નથી, શેઠ!’

‘નથી?’ જીભ કચડીને શેઠ કહે: ‘અરરર, તો હવે શું થાય? તો થોડા દિવસ પછી આવજે ને, ભાઈ! તારો પૈસો ખરો, કાંઈ ના કહેવાશે?’

‘ના, હું કાલ જ આવીશ.’ કહી ગવલો ગયો.

બીજે દિવસે ગવલો ચાર રૂપિયા ને નવાણું પૈસા સાથે ફરી આવી ઊભો. કહે: શેઠ, લાવો મારો પૈસો! આજે તો લીધા વગર હું જવાનો જ નથી!

દુંદાળો કહે: ‘તે ના જતો. હું પણ એ જ કહું છું. આજે તારો હિસાબ ચૂકતે થઈ ગયો જાણ.’

પછી ઇસકોતરામાં હાથ ઘાલી દમલાએ રૂપિયા દશની નોટ બહાર કાઢી કહ્યું: ‘મારી પાસે પરચૂરણ નથી, ભાઈ! જે છે તે આ દશની નોટ છે. તું નવ રૂપિયા નવાણુ પૈસા આપી આ નોટ લઈ જા. ભાઈ! પછી તું છુટ્ટો ને હું યે છુટ્ટો!’

ગવલો વિચારમાં પડી ગયો. નવ રૂપિયાને નવાણુ પૈસા એ લાવે ક્યાંથી?

એણે કહ્યું: ‘મારી પાસે એટલો જોગ નથી, શેઠ! ઠીક, તો હું કાલે આવીશ.’

શેઠે કહ્યું: ‘મહિના પછી નિરાંતે આવજે ને, મારે ત્યાં તારી થાપણ સલામત છે.’

‘ના, હું તો કાલે જ આવીશ.’

આમ કહી ગવલો ગયો.

બીજે દિવસે ગવલો માગી તાગીને નવ રૂપિયા નવાણુ પૈસા લઈને આવ્યો.

પછી શેઠને કહે: ‘શેઠ, લાવો મારો પૈસો!’

શેઠે કહ્યું: ‘જરી નિરાંતે બેસ તો ખરો! જરી હેઠો બેસ, શ્વાસ ખા, વા ખા.’

ગવલો કહે: ‘વા તો રોજ ખાઉં છું, શેઠ! સાવ મફતમાં.’

‘મફતમાં? તો તું નસીબદાર, ભાઈ!’ દમલા દુંદાળાએ કહ્યું.

ગવલાએ કહ્યું: ‘મારો પૈસો પાછો મળે ત્યારે હું નસીબદાર, ત્યાં લગી કંઈ નહિ!’

‘તો લે, સંભાળ તારો પૈસો!’

પછી ઇસકોતરામાં હાથ ફેરવી કહે: ‘શું થાય? આજે પણ એક છૂટો પૈસો હાથ પર નથી. તો એમ કરને, ભાઈ! આ એક નોટ —’

ત્યાં તો ગવલો કહે: ‘હં, હં, શેઠ, લાવો નોટ — હું આજે નવ રૂપિયા નવાણું પૈસા લઈને જ આવ્યો છું.’

શેઠ ઠંડકથી કહે: ‘બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ભાઈ! લે, આ એક જ નોટ છે મારી પાસે — પૂરી સો રૂપિયાની છે. નવાણું રૂપિયા નવાણું પૈસા ગણી દે, ને તારો પૈસો લેતો પરવાર! તારા એક પૈસા ખાતર હું આજ કેટકેટલા દિવસથી હેરાન હેરાન થાઉં છું!’

 આમ કહી એણે સો રૂપિયાની નોટ ગવલાની ધરી. ગવલાની આંખો ફાટી ગઈ.

એ સમજી ગયો કે દમલા દુંદાળાની પાસેથી પૈસો પાછો મળવો મુશ્કેલ છે; પરંતુ એણે મનમાં નક્કી કરી નાખ્યું હતું કે પૈસો પાછો લેવો એ ખરો.

એટલે એણે કહ્યું: ‘ઠીક, તો હું કાલે આવીશ, શેઠ!

અને બીજે દિવસે ગવલો શેઠની દુકાન ઉઘરાણીએ ગયો, પણ આજે શેઠ દુકાનમાં નહોતા. દુકાન બંધ હતી. ખબર કાઢતાં જણાયું કે શેઠ એકાએક બીમાર પડી ગયા છે.

એટલે ગવલો દુંદાળા શેઠને ઘેર પહોંચી ગયો.

દુંદાળો ઘરમાં જ હતો, અને ગવલાની બરાબર ખબર રાખી રહ્યો હતો. એણે ગવલાને દૂરથી આવતો જોયો, કે તરત માથે મોઢે ઓઢીને સૂઈ ગયો ને શેઠાણીને કહે: ‘અલી એ…ગવલો આવે તો કહેજે કે હું એકદમ બીમાર પડી ગયો છું. મને ફેફરું થયું છે.’

શેઠાણી કહે: ‘ફેફરું? શાથી થયું? શું કરવા થયું? ઘેલા વૈદને બોલાવું?’

દુંદાળો કહે: ‘ચૂપ! તું તારે હું કહું તેમ કર!’

તરત દમલો દુંદાળો ચાદર ઓઢીને સૂઈ ગયો. ત્યાં થોડી વારે ગવલો ગોવાળ આવ્યો. કહે: ‘શેઠ, લાવો મારો પૈસો!’

શેઠની વતી શેઠાણીએ જવાબ દીધો: ‘ગવલાજી, શેઠ તો એકાએક બીમાર પડી ગયા છે.’

‘હેં! શું કહો છો? દુંદાળા શેઠ બીમાર પડી ગયા છે? તો આવી હાલતમાં એમને છોડી મારાથી જવાય કેવી રીતે? જોઉં, કેવોક તાવ છે!’

આમ કહી એણે શેઠના મોં પરથી ચાદર ખસેડી, ત્યાં શેઠના હાથપગ ખેંચાવા લાગ્યા, એમની જીભ ઝલાઈ ગઈ; ને એ ‘હુઉ…હુઉ…હુઉ’ કરવા લાગ્યા.

ગવલો કહે: 

‘આ તો ફેફરું થયું છે.’

‘ફેફરું જ છે તો!’ શેઠાણીએ કહ્યું.

ગવલો કહે: ‘એની મને રામબાણ દવા આવડે છે. હમણાં બેઠા કરી દઉં છું.’

શેઠાણી કહે: ‘ઘેલા વૈદને બોલાવવા મોકલું? હમણાં આવી પહોંચશે.’

ગવલો કહે: ‘ઘેલો વૈદ? શું કરવાનો ઘેલો વૈદ? અહીં તેનું કામ નથી, બાઈ! આ તો છાતી-ડામ ફેફરું છે, છાતી-ડામ ફેફરું! છાતીએ ડામ દીધા વગર નહિ મટે! જુઓ, આ નખ કાળા પડી ગયા, આ આંખો કપાળે ચડી ગઈ! જીભ તાળવામાં ચોંટી ગઈ! ઝટઝટ ઇલાજ કરવામાં નહિ આવે તો —’

બોલતાં બોલતાં ગવલાએ એવો ચહેરો કર્યો કે શેઠાણી સાચેસાચ બી ગઈ. તે બોલી ઊઠી: ‘હેં! તો ઝટઝટ કરો એનો ઇલાજ!’

ગવલો કહે: ‘તો જાઓ ઝટઝટ, સઘડીમાં એક તાંબાનો પૈસો તપાવીને લઈ આવો!’

‘હમણાં લઈ આવું.’ કહી શેઠાણી રસોડામાં દોડી ગઈ. થોડી વાર પછી તપાવેલો તાંબાનો પૈસો ચીપિયાથી પકડીને લઈ આવી એણે ગવલાને કહ્યું: ‘લ્યો!’

ગવલો કૂદીને એકદમ દમલા દુંદાળાની છાતી પર ચડી બેઠો. પછી એના બેઉ હાથ પોતાના બે પગ વડે જોરથી દબાવી, શેઠાણીના હાથમાંથી ચીપિયો લઈ એણે શેઠની ખુલ્લી છાતી પર પૈસાનો ડામ દઈ દીધો. ચરરર કરતી ચામડી બળી, ને એની સાથે શેઠની ભયાનક રાડ સંભળાઈ: ‘મરી ગયો રે! મરી ગયો રે!’

ગવલો કહે: ‘વાંધો નહિ. એક, બે ને ત્રણ ડામ દેતાંમાં તો શેઠ સાજા થઈ ગયા જાણો!’

ત્યાં તો શેઠે રાડ પાડી: ‘એક જ ડામથી સાજો થઈ ગયો છું. ગવલા, હવે છોડ!’

ગવલો કહે: ‘મારો પૈસો?’

દમલો કહે: ‘તારા હાથમાં જ છે ને! તારો પૈસો તને મળી ચૂક્યો. હવે શું કામ મને ડામ દે છે?’

ગવલો કહે: ‘તો આ પૈસો મારો?’

દમલો કહે: ‘તારો, બાપ, તારો!’

ગવલો કહે: ‘તમે એક પૈસો દાનમાં આપ્યો એ કબૂલ?’

‘કબૂલ, ભાઈ, કબૂલ!’

‘મારી પાસેથી ઉછીનો લીધેલો પૈસો તમે મને પાછો આપ્યો એ કબૂલ?’

‘કબૂલ, ભાઈ, કબૂલ’

‘ગાંઠથી દાન ન દીધું તો છાતીએ ડામ દેવાયો એ વાત કબૂલ?’

‘કબૂલ, ભાઈ, કબૂલ! કાં દાન, કાં ડામ! બેમાંથી એક લેવું પડવાનું!’

દમલો દુંદાળો ને ગવલો ગોવાળ એ દિનથી પાકા મિત્રો બની ગયા.

[લાડુની જાત્રા]

License