દામલો મોચી નાથિયાનો દોસ્ત. દામલાએ નાથિયા માટે ફક્કડ જોડા સીવ્યા. જોડાની ચાંચ પર નાથિયાનું નામ ગૂંથ્યું ‘નાથિયાલાલ’ એ જોઈ નાથિયો ખુશ ખુશ થઈ ગયો. કહે: ‘માગ, માગ, તું માગે તે આપું!’
દામલો કહે: ‘દે, દે, તારે દેવું હોય તે દે!’
નાથિયાએ એ જ ફક્કડ જોડા વડે દામલાની પીઠ પર ચાર ઘા દીધા અને ચાર રૂપિયા દામલાના હાથમાં મૂક્યા. દામલો ખુશ!
નાથિયાને થયું કે આખું ગામ આજે મારા જોડા જુએ તો સારું!
વખત જતાં જોડા જૂના થયા. એના પર લખેલું નામ પણ ઝાંખું થયું. કોઈ વાર નાથિયાને લાગતું કે જોડા જોઈએ તે કરતાં મોટા છે, તો કોઈ વાર લાગતું કે નાના છે. એણે નક્કી કર્યું કે આ જોડા હવે નહિ ચાલે, એને બદલી બીજા નવા લાવવા પડશે.
નાથિયો એક શેઠને ત્યાં ટાંપુટૈયું કરતો હતો. પગાર મહિને એક રૂપિયો. સાત મહિનાના સાત રૂપિયા બાકી હતા. તેણે શેઠને કહ્યું: ‘શેઠ, પગાર? સાત મહિનાના સાત રૂપિયા — આજે જ જોઈએ!’ જાણે લાખ રૂપિયાની ઉઘરાણી કરતો હોય એવો એનો રુઆબ હતો. શેઠે રૂપિયા ગણી આપ્યા.
રૂપિયા લઈ નાથિયો જોડા ખરીદવા ચાલ્યો. પણ એનો દોસ્ત દામલો બહારગામ ગયેલો હતો, એટલે એણે શહેરની વાટ પકડી.
રસ્તામાં એને અલ્લુનો સંગાથ થયો. અલ્લુના હાથમાં જોડાની નવી જોડ હતી. તે શહેરની ગુજરીમાં જોડા વેચવા જતો હતો. એ જાણી નાથિયો ખુશ થઈ કહે: ‘વાહ, શું મારું નસીબ છે? હું જોડા લેવા નીકળ્યો છું ને જોડા મને અહીં સામા આવી મળે છે!’ તેણે અલ્લુને કહ્યું: ‘આપણે સોદો કરીએ. મારા જોડા તમે લો ને તમારા મને આપો!’
અલ્લુએ નાથિયાના જોડા જોયા. પછી કહે: ‘તારા જોડા જૂના છે ને મારા નવા છે. તેથી તું બે રૂપિયા વધારાના આપે તો આપણે જોડાની અદલાબદલી કરીએ!
નાથિયો મનમાં કહે: ‘બે રૂપિયામાં નવા જોડા મળી જાય તે કાંઈ ખોટું નહિ. એણે તરત બે રૂપિયા ગણી દીધા; પોતાના જોડા અલ્લુને દઈ દીધા ને અલ્લુના જોડા પોતે પહેરી લીધા.’ કહે: ‘વાહ કેવા ફક્કડ જોડા છે!’
અલ્લુ બે રૂપિયા અને નાથિયાના જોડા લઈને ચાલી ગયો.
નવા જોડા પહેરી નાથિયો થોડી વાર ધબ ધબ પગ પછાડતો ચાલ્યો, પણ પછી તેને થયું કે જોડા જરી ટૂંકા છે, આંગળીઓ ભચડાય છે. આવા જોડા મને ન શોભે! ચાલ, શહેરમાં જાઉં ને એ વેચી કાઢી બીજા સારા ફક્કડ જોડા લઈ આવું!
જતાં જતાં એને લલ્લુ મળ્યો. નાથિયો કહે: ‘ક્યાં ચાલ્યા, ભાઈ?’
લલ્લુએ બગલમાં દાબેલી જોડાની જોડ દેખાડી કહ્યું: ‘શહેરમાં જાઉં છું આ વેચવા!’
જોડા જોઈ નાથિયાની આંખો ચમકી. વાહ, ફક્કડ જોડા છે! તેણે કહ્યું: ‘દોસ્ત લલ્લુ, તારે જોડા વેચવા છે, મારે જોડા લેવા છે — તો આપણે અહીં જ સોદો કરી નાખીએ તો કેમ?’ આપણે જોડાની અદલાબદલી કરી નાખીએ. મારા જોડા તમે લો ને તમારા જોડા મન આપો!’
લલ્લુ કહે: ‘મારા જોડા નવા છે.’
નાથિયો કહે: ‘મારાયે નવા છે, પણ જરી અનાડી છે એટલે મને એ નથી ગમતા.’
લલ્લુ કહે: ‘તો એવા અનાડી જોડા હું શું કરવા લઉં? હા, ઉપરથી બે રૂપિયા આપો તો લઉં!’
નાથિયાને થયું કે વાહ, હું કેવો નસીબદાર છું નવા ને નવા જોડા મને માત્ર બે રૂપિયામાં મળી જાય છે. તરત એણે ગજવામાંથી કાઢી બે રૂપિયા દઈ દીધા!
લલ્લુ બે રૂપિયા અને નાથિયાના જોડા લઈ ચાલી ગયો.
નવા જોડા પહેરી નાથિયો હરખમાં નાચ્યો, કૂદ્યો ને દોડ્યો. પણ થોડી વારમાં એને લાગ્યું કે જોડા જરી મોટા છે. આવા જોડા મને ન શોભે. ચાલ, શહેરમાં જાઉં અને આ જોડા વેચી બીજા ફક્કડ જોડા લઈ આવું!
હવે જતાં જતાં એને કલ્લુ મળ્યો. નાથિયો કહે: ‘દોસ્ત કલ્લુ, ક્યાં જઈ આવ્યો?’
કલ્લુ કહે: ‘જોડા વિના વીતતું હતું, એટલે શહેરમાં ગયો. ત્યાં ગુજરીમાંથી મને ફક્કડ જોડા મળી ગયા. જરી જૂના છે, પણ ફક્કડ છે.’ આમ કહી એણે બગલમાં દાબેલી જોડાની જોડ દેખાડી. જોડા જોઈ નાથિયો ખુશ ખુશ થઈ ગયો. કહે: ‘દોસ્ત કલ્લુ, તારા આ જોડા મને આપ, હું તને મારા આ નવા જોડા આપું!’
કલ્લુ કહે: ‘તારા જોડા નવા ખરા, પણ કંઈ નહિ! તું મને ઉપરથી ત્રણ રૂપિયા આપે તો આ જોડા આપું!’
નાથિયો મનામાં કહે: ‘વાહ, હું કેવો નસીબદાર કે મને માત્ર ત્રણ રૂપિયામાં ફક્કડ જોડા મળી જાય છે!’ એણે તરત ગજવામાંથી ત્રણ રૂપિયા કાઢી દઈ કલ્લુ નાથિયાના નવા જોડા લઈ ચાલતો થયો.
હવે નાથિયાએ કલ્લુવાળા જોડા પહેર્યા. પહેર્યા એવો ખુશ ખુશ થઈ ગયો. કહે: ‘વાહ, જોડા આનું નામ! જોડા પહેરી ખૂબ નાચ્યો, કૂદ્યો ને દોડ્યો. જોડા બિલકુલ નડ્યા નહિ, નહિ નાન પડ્યા, નહિ મોટા પડ્યા.’ હવે શહેરમાં જવાની જરૂર રહી નહિ, એટલે એ પાછો વળ્યો.
હવે દામલો ઘેર આવી ગયો હતો. નાથિયો કહે: ‘દોસ્ત, હું કેવો નસીબદાર છું! પેલા તારા જોડા જૂના ને નકામા થઈ ગયા હતા તેથી મેં એનું સાટું કરી નાખ્યું. ઉપરથી માત્ર બે રૂપિયા આપ્યા. માત્ર બે રૂપિયામાં મને નવા જોડા મળી ગયા.’
દામલો સાંભળી રહ્યો. નાથિયાએ ઉત્સાહમાં આવી કહ્યું: ‘પણ એ જોડાથી આંગળીઓ છોલાતી હતી, તેથી મેં એ દઈ દીધા ને સાટે બીજા નવા જોડા લીધા. ઉપરથી માત્ર બે જ રૂપિયા આપવા પડ્યા!’
દામલો સાંભળી રહ્યો. નાથિયાએ આગળ ચલાવ્યું: ‘પણ આ નવા જોડા જરી મોટા પડ્યા. મને કંઈ એવા જોડા શોભે? એટલે મેં એ દઈ દીધા! ઉપરથી માત્ર ત્રણ જ રૂપિયા આપવા પડ્યા! માત્ર ત્રણ જ રૂપિયા! જોડા કેવા ફક્કડ છે, જો આ!’ કહી એણે પગમાંથી જોડા કાઢી દામલાની સામે ધર્યા. દામલો નીચો વળી જોડા જોઈ રહ્યો. પછી એકદમ જોરથી હસી પડી કહે: ‘આ તો મેં તને સીવી આપેલા એ જ જોડા છે! જો, એની ચાંચ પર આ તારું નામ લખેલું છે: નાથિયાલાલ!’
નાથિયો રાજી રાજી થઈ કહે: ‘વાહ, સરસ! દુનિયામાં જોડાની એક જોડ પણ મને જોઈએ એવી મળી તો ખરીને? ધન્ય છે તને, દોસ્ત દામલા!’ આમ કહી તેણે દામલાની પીઠ પણ ત્રણ વાર જોડા ફટકાર્યા.
દામલો ખુશ! નાથિયો ખુશ! અને તમે? તમેય ખુશ, ખરું ને?
[લાડુની જાત્રા]