મજાની વાત એ છે કે રમણલાલ સોનીએ બાળવાર્તાઓની સાથે સાથે જે બાળકાવ્યો લખ્યાં છે એમાં પણ કથા જ આગળ રહી છે. કહો ને કે એમણે ટૂંકાં ને લાંબાં કથા-કાવ્યો વધુ લખ્યાં. પાત્રો પણ એવાં જ – ગવૈયો ગધેડો, ઘુવડ જોશી, દિલ્લી ગયેલી બિલ્લી, ઘેલી ડોશીનું માંકડું, કાકાનું ટટ્ટું, શ્રીમાન અમથાલાલ, કાશીનો પંડિત, મુસાભાઈ મુસાળા – એવાં એવાં પશુઓ, પક્ષીઓ, ચિત્રવિચિત્ર માણસોનો મેળો. ‘એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ’ એવું કથાકાવ્ય (શીર્ષક હતું: ‘બાર જણ’) આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં તો, શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને પૂરેપૂરું મોઢે! વળી બીજું એક લાંબું કથાકાવ્ય, જે રૂપાંતરિત કહેવાય ને છતાં ગુજરાત ને ગુજરાતીના વાતાવરણમાં ચપોચપ બેસી જાય એવું તે – ‘મગોડીનો પીપૂડીવાળો!’ આ બધાં કાવ્યોની, વાર્તાઓ કરતાં જુદી, વિશેષતા એ છે કે એમાં જુદાજુદા ગીત-લયો, સવૈયા જેવા છંદોના રસાળ ઢાળ, વળી મજા પડી જાય એવા કલ્પનાશીલ પ્રાસ — ‘એલારામ’ અને ‘કામ’,‘ભારી’ સાથે ‘ઓત્તરી’, ‘એક હતા કાકા, ખરેખરા પાકા’,‘નાની લીલી હતી જબરી હઠીલી’ એવા અનુપ્રાસ; કથા, કથાપ્રસંગો, ચિત્રવિચિત્ર પાત્રો ને એમનાં અટકચાળાં, એમની વાતચીતો ને સંવાદોનાં રસ અને રમૂજ બધું ગીતના લયમાં ઓગળીને સમરસ બની જાય. વાંચ્યા કરો.
પણ આ સુદામાએ – રમણલાલ સોનીનું ઉપનામ હતું ‘સુદામો’ – એમણે કાવ્યો લખ્યાં એ કરતાં બાળવાર્તાઓ વધારે લખી. ૧૯૩૦માં, ૨૨-૨૩ની વયે, ‘સાદી-સીધી વાતો’ પુસ્તકથી બાળવાર્તાઓ લખવાનું એમણે શરૂ કર્યું પછી લગભગ ૭૦ વર્ષ સુધી એમણે સાહિત્યલેખનમાં પાછું વળીને જોયું નથી. શિક્ષક થયા, આઝાદીની લડતમાં સક્રિય બન્યા, જેલવાસ કર્યો, નોકરી છોડીને સામાજિક કાર્યોમાં જોડાયા, ખેડૂતો અને હરિજનો માટે કામ કર્યું, પાંચ વર્ષ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા. એ દરમ્યાન અને એ પછી સતત એ લખતા રહ્યા – કવિતા, વાર્તા, નિબંધ, ચરિત્ર એમ અનેક રૂપે બાળસાહિત્ય લખ્યું, જેલવાસ દરમિયાન બંગાળી શીખેલા એટલે પછી શરદબાબુ, રવીન્દ્રનાથ વગેરેની ઘણી વાર્તાઓ ને નવલકથાઓના સુગમ-પ્રવાહી અનુવાદો કર્યા; પાછલી વયે તો ‘શેરલોક હોમ્સ’ની વાર્તાઓને, ૧૦ ભાગમાં, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારી. એમનું લેખનકાર્ય એવું અવિરત.
બાળવાર્તાઓ લખી એમાં પણ મૌલિક વાર્તાઓ લખવા ઉપરાંત દેશ-વિદેશની કથાઓનાં રૂપાંતરો કરીને જગત-સમસ્તની બાળ-કથાસૃષ્ટિમાં ફરી વળ્યા. નીતિકથાઓ અને પ્રબોધકથાઓ, લોકકથાઓ અને રમૂજકથાઓ ગુજરાતી બાળકથાની રસાળ શૈલીમાં એમણે રજૂ કરી. પંચતંત્રની અને વીરવિક્રમની કથાઓ, હિતોપદેશની ને ઈસપની ને બાઈબલની કથાઓને ગુજરાતી બાળ-કિશોર-કથાઓના રૂપમાં ઢાળી. શરદબાબુની ને રવીન્દ્રનાથની બાળકિશોરકથાઓને પણ અનુવાદિત રૂપાંતરિત કરી. રામાયણ-મહાભારતનાં કથા-મંગલ આલેખ્યાં ને ટારજનની કથાઓ પણ લખી. ‘વિશ્વલોક કથામંજરી’ તથા ‘ગ્રીમનો લોક કથાભંડાર’ જેવા ગ્રંથો આપ્યા ને એમ ગુજરાતી બાળકથાને મોટા પ્રમાણમાં ને ઘણા વૈવિધ્ય સાથે સમૃદ્ધ કરી.
શિશુ-કથાઓથી એમણે આરંભ કર્યો. જોડાક્ષરો વિનાની, નાની ઉંમરના બાળકને પણ વાંચવે સરળ પડે એવી વાર્તાઓ લખી. પછી શિશુ-વિકાસની ને શિશુ-સંસ્કારની વાર્તાઓ આપી. એમાં નીતિબોધ આપ્યો એ પણ કૌતુકબોધ વિના ન જ આપ્યો. રસ પડે, વાર્તામાં બાળક ખેંચાય, એનું વિસ્મય પોષાતું રહે, ને એને કેળવણી રૂપે, સંસ્કાર-વર્ધન રૂપે પણ બે વાત મળતી રહે એવી જોગવાઈ એમણે કરી. નીતિબોધ કોઈવાર જરાક વધુ પડતો ઘૂંટાય, જોડાક્ષર વિનાની વાર્તાઓ લખનાર આ લેખક ક્યારેક બાળકોને અઘરી પડે એવી ભાષા પણ લખી બેઠા – પણ બાળકને એટલી બધી, ને એવા એવા પ્રકારની વાર્તાઓ એમણે આપી કે બાળક એમાંથી બે-પાંચ ન ગમતી, ઓછી ગમતી વાર્તાઓ વાંચતાંવાંચતાં બાજુએ મૂકી દે, ન વાંચે, તો પણ એને ખોટ ન પડે. કેમકે બે સામે બીજી બાર વાર્તાઓ હાજર જ હોય – જેમાં રસ પડે, રમૂજ-વિનોદ પણ થાય, ને વાર્તા પૂરી થતાં બાળક ઝટ એમની બીજી વાર્તા વાંચવા તત્પર થઈ જાય.
બાળવાર્તાઓ તો આપણે ત્યાં રમણલાલ સોની પહેલાં ને એમના પછી પણ લખાતી રહી. ગિજુભાઈ અને હરિપ્રસાદ વ્યાસ જેવા એમના પૂર્વ-વાર્તાકારો અને છેક ગઈ સદીના ઉત્તરાર્ધના રમેશ પારેખ ને ઘનશ્યામ દેસાઈ વગેરે જેવા નવીન વાર્તાકારોએ વિવિધ–સુંદર વાર્તાઓ આપી છે. એમાં, રમણલાલ સોનીની બાળવાર્તાઓની કેવી ખાસિયતો ધ્યાનપાત્ર ગણાય — એમની આગવી વિશેષતા કહેવાય એવું શું છે, એના પર નજર નાખીએ.
લેખક શિક્ષક છે, નીતિ-કેળવણી–બોધક સમાજહિતચિંતક છે, ઘણા વાચનની સજ્જતાવાળા બહુશ્રુત છે — પણ વાત માંડે છે ત્યારે એ બાળકની બરાબર પાસે બેસી જાય છે. ને એને ગમી જાય એવી વારતા કહેવા માંડે છે. વાર્તાઓની શરૂઆત જુદીજુદી રીતે થાય — ‘એક હતી ખિસકોલી’, ‘એક હતો પોમલો ને એક હતી પોમલી’ એવા આરંભ પણ હોય ને જૂની વાર્તાઓમાં આવે એમ ‘એકવાર વનમાં પશુઓની સભા થઈ’ એવી ઠાવકી રજૂઆત પણ હોય, ને એ જ લહેકામાં ‘એકવાર ગલબો શિયાળ એની ગલબી શિયાળવીને કહે’ એમ ગમ્મતવાળી શરૂઆત પણ હોય. કોઈવાર જરા જુદી રીતે આરંભ થાય : ‘ગલબા શિયાળને શેરડી બહુ ભાવે.’ અને બાળક એકદમ વાર્તાના હળવા પ્રવાહમાં આવી જાય (એને થાય, મને પણ શેરડી બહુ ભાવે!) કોઈવાર એક સરસ દૃશ્યથી કથા શરૂ થાય : ‘નદીકિનારે એક ટેકરી હતી. ટેકરી પર એક ઘર હતું. એ ઘરમાં ત્રણ જણ રહે.’ નાનાં-નાનાં વાક્યોથી ધીરેધીરે જાણે ચિત્ર દોરાતું જાય.
પણ એથીય વધુ મજા તો, વાર્તા સાંભળનારને, પાત્રોનાં અવનવીન નામો સાંભળીને આવે. જુઓ – કેવાંકેવાં નામો પાડ્યાં છે આ લેખકે એમની વાર્તાઓનાંપાત્રોનાં!: છબીલી બિલ્લી ને છગડો છછુંદર; પપૂડો વાંદરો ને કૌરવ નામે કાગડો; મતૂરી-ફતૂરી નામની જળ બિલાડીઓ અને ધડાધડ–ભડાભડ નામના રાક્ષસો; ઝટપટનો દીકરો ચટપટ છે, ને એની માનું નામ છે પટપટ; એક ધોળો ગધેડો, એનું નામ હંસ છે, કેમકે ‘જો બે પાંખો હોય ને તો એ હંસ જ લાગે!’ એમ નામોમાં પ્રાસ આવે ને સાથે વાર્તાના કથનમાં રમૂજ પણ આવે. જેમ કે, એક કાગડી, બધી કાગડીઓમાં સુંદર હતી, તો એ કેવી સુંદર? તો કે, ‘કાળી મેંશ તો એની આગળ કંઈ નહીં!’ બહુ બધું ખાનાર બ્રાહ્મણનું પેટ કેવું? તો કે, તિજોરી જેવું: ‘બ્રાહ્મણે (લાડુ લઈને) હાથ ઊંચો કર્યો ને પછી ગુફા જેવું પોતાનું મોં ઊઘાડ્યું. એ જ પેલી તિજોરીનું બારણું’ વરુ એટલે મોટા પેટવાળું. એટલે એક વાર્તામાં લેખક કહે છે ‘વરુએ પેટની નગારી કરીને ચારે કોર ઢંઢેરો પીટ્યો.’કોયલનાં બચ્ચાં સંગીતસભામાં ગાય છે તો એના સંગીતશિક્ષકો કેવા છે? : જિરાફ હાર્મોનિયમ બજાવે છે ને જિબ્રા તબલાં વગાડે છે.
રમણલાલ સોનીના સમયની બાળવાર્તાઓ. એટલે એમાં નાનાં બાળકો પાત્રો હોય એને બદલે રાજા ને શેઠ, વેપારીઓ ને ઠગ, બ્રાહ્મણ ને વાણિયા, ભગા પટેલ ને અનવરમિયાં – એવાં મોટેરાં મનુષ્યપાત્રો હોય. એમની બુદ્ધિમત્તા ને એમની બેવકૂફીઓ, એમની ચતુરાઈ ને એમના ભોળપણનું રસાળ કથન હોય. પરંતુ મોટા ભાગની વાર્તાઓ તો સિંહ રાજા ને વાઘ વજીર, ગલબો શિયાળ ને પપૂડો વાંદરો, ચકલી, દેડકો, ખિસકોલી, કબૂતર, કાગડી ને કોયલ – એમ પશુપક્ષીઓ ને એમનો આખો સમાજ છે! ને એમાં એમના રમૂજી ઝઘડા–ટંટા ને એમના ન્યાય-અન્યાય, એમની મિત્રતા ને એમની દુશ્મનાવટ, એમનાં રિસામણાં-મનામણાં. આમ મનુષ્યસ્વભાવ ને મનુષ્યવ્યવહારોનું કથન પશુ-પક્ષી-પાત્રો દ્વારા થતું હોય એ વાર્તા-માત્રની એક રસપ્રદ પરંપરા છે. દુનિયાની જૂનામાં જૂના વાર્તા-કથાકારોથી લઈને આજના બાળવાર્તાકારને પણ આ પશુકથા શૈલી આકર્ષતી રહી છે કેમ કે બાળકની કલ્પનાસૃષ્ટિને પણ પશુ-પક્ષીઓનું માનવીય વર્તન વધુ આકર્ષતું રહ્યું છે. રમણલાલ સોનીએ એમની અનેક વાર્તાઓમાં આ પશુપંખીસૃષ્ટિને નિરૂપી છે – રસ પડે એવી વાત એ છે કે, આ વાર્તાઓમાં, આ પશુઓ ક્યારેક પોતાને માનવો કરતાં ચડિયાતાં બતાવે છે – માણસની બાઘાઈની, મૂર્ખાઈની, પોતાના કરતાં ઊતરતાપણાની ઠેકડી પણ એ ઉડાડે છે!
કથાને બહેલાવતા પ્રસંગો રચવામાં, કલ્પવામાં રમણલાલ સોનીની સર્જકતા પ્રસન્ન કરનારી બને છે. ભગા પટેલની ભેંસ ટાબરિયા વાઘ સામે બાખડવા તૈયાર થાય છે એ વાત જ બાળક માટે રોમાંચક બને છે. પછી તો ગલબોે શિયાળ આખા વનમાં ઠેરઠેર આ રોમાંચક સ્પર્ધાની વાત ફેલાવે છે ને પપૂડો વાંદરો ન્યાયાધીશ બને છે – એવી વાર્તાની જમાવટ આકર્ષક છે. વરુના ઘોઘરા ગળામાંથી બબલી બકરી જેવો તીણો અવાજ નીકળતો નથી, એને લીધે બકરીનાં બચ્ચાં છેતરાતાં નથી – એવી વરુની મૂઝવણનો ઉકેલ ગલબા શિયાળ પાસે છે પણ એ કહે છે કે, મારી વકીલ તરીકે ફી આપે તો રસ્તો બતાવું! ને ફીમાં એ વરુ પાસે મહેનત કરાવીને ભોજન માટે બતકું મેળવે છે. પછી લેખક કહે છે ‘ફી પેટમાં પડી એટલે ગલબાએ કહ્યું: જો, જીભ ટિપાવીને પાતળી કરાવવી પડશે.’ આવી ગમ્મતભરી રમૂજ આ વાર્તાઓમાં ઠેરઠેર જોવા મળશે.
પોમલો અને પોમલી એક જરા જુદા પ્રકારની બાળવાર્તા છે. ભોળો પતિ અને ચતુર પત્નીની આ કથા કહેવાતી જાય છે એમ કસવાળી બનતી જાય છે. સવારે ઊઠીને બધું કામ કરે છે પોમલો ને ગોદડું ઓઢીને સૂતીસૂતી એનો જશ લે છે પોમલી! બધી મહેનત કરીને તૈયાર થયો પોમલો જાતે જ, છતાં પોમલી કહે છે: ‘એમ વાત છે ત્યારે! મેં કેવું ઘડીકમાં પાણી ગરમ કરી નાખ્યું ને વખતસર તમને તૈયાર પણ કરી દીધા! તમે રોજ આમ વહેલા ઊઠો તો હું તમને રોજ આમ ગરમ ગરમ પાણીએ નવડાવું!’ વયસ્ક પતિ-પત્નીની આ રમૂજકથામાં બાળકને પણ એટલો જ રસ પડતો જાય છે. (આ વાર્તા બાળકોને વાંચી સંભળાવેલી ત્યારે એ સંવાદે સંવાદે ખુશ થયેલાં. કહેતાં હતાં: ‘જો તો ખરી, પોતે તો પડી રહી છે ને ડંફાસ કેવી મારે છે! બિચારો પોમલો!’) પોમલો-પોમલી નામ પણ એવાં છે કે બાળકોને સાંભળવા-ઉચ્ચારવાં ગમી જાય. (પોમલાનો એક અર્થ થાય છે – ઢીલો, નરમ, બીજાના કહ્યામાં રહેનારો, વહુઘેલો મરઘાભાઈ [henpacked husband]. એવા પોમલાની વહુનુું નામ પોમલી છે, પણ એ કંઈ ઢીલી નથી, ચતુર છે, પૅક છે!)
ઘણી બાળવાર્તાઓ વિશે એવી ટીકા થતી હોય છે કે એની ભાષા ને એની રજૂઆત ઘણીવાર બાળકને ન સમજાય એવી અઘરી હોય છે, કેટલાક સંકેતો ને કાકુ પણ મોટેરાં જ પકડી શકે એવા હોય છે. વાર્તાકારની આ મર્યાદા કહેવાય, ને રમણલાલ સોનીની વાર્તાઓમાં પણ આવી મર્યાદાઓ પેસેલી છે જ. એમના કેટલાક વિવેચકોએ આ ચીંધી પણ બતાવ્યું છે. બાળસાહિત્યનાં સંશોધક અભ્યાસી ડૉ. શ્રદ્ધા ત્રિવેદીએ બતાવ્યું છે કે આ ઉત્તમ વાર્તાકારની કેટલીક વાર્તાઓમાં કેટલુંક તાલમેલિયું છે, ક્યાંક ભાષા બાળભોગ્ય નથી, લખવાની એક ઘરેડ પણ એમનામાં બંધાઈ ગયેલી દેખાય છે ને ક્યાંક ઉતાવળે વાર્તા લખી દેવાનો પ્રમાદ પણ થયો છે. રમેશ પારેખ જેવા ઉત્તમ કવિ અને અચ્છા બાળવાર્તાકારે પણ, રમણલાલ સોનીના એક બાળવાર્તાસંગ્રહની સમીક્ષામાં કહેલું કે, આપણા આ ઉત્તમ વાર્તાકારની કેટલીક વાર્તાઓ બાળકો માટે નહીં એટલી ‘મોટી ઉંમરના બાળબુદ્ધિ વાળા પ્રૌઢો માટે લખાઈ હોય એવી છે.’
વાત ખરી છે, પણ બાળસાહિત્ય માટે એક બીજી રીતે પણ વિચારવું જોઈએ. વાર્તા સાદ્યંત રસપ્રદ હોય તો વચ્ચે ક્યાંક આવી જતા ભાષાના ગાંઠાને ઓળંગીને બાળક આગળ વધે છે, અટકી જતું નથી. મોટપણે એ જ બાળવાર્તા વાંચતાં એ એને નવી રીતે માણી શકશે. સાહિત્ય-કલાનો પ્રથમ વાચકમાત્ર કુતૂહલ-સંતોષને રસ્તે આગળ વધે છે એટલે ઘણી બાળવાર્તાઓ મોટેરાં માટે પણ રસપ્રદ નીવડે છે. પીટર બિક્સલ નામના એક જર્મન વાર્તાકારે તો ‘Stories for children, meant for adults…’ એવી લાક્ષણિક વાર્તાઓ પણ લખી છે.
રમેશ પારેખનો એક બીજો મુદ્દો એ હતો કે, હવે રાજા-રાણી-વજીરની બાળવાર્તાઓમાં આજનાં બાળકોને રસ પડશે? એ આખો કથાલોક હવે અપ્રસ્તુત નથી? પરંતુ, કોઈપણ પાત્ર – એ પશુપાત્ર ગલબો શિયાળ હોય કે રાજા હોય, બાળકની સૃષ્ટિમાં બંધ બેસે એ રીતે ચીતરાયું કે વર્ણવાયું હોય તો એ નડતરરૂપ નહીં થાય. રામાયણ-મહાભારતનાં બાળભોગ્ય વાર્તારૂપાંતરો થાય છે એમાં રાજાઓ ને રાજકુટુંબો હોય છે જ ને? બાળક જો એનો આસ્વાદ લઈ શકતું હોય–સમજી શકતું હોય તો પછી ‘એક હતો રાજા’ વાળી વાર્તા અપ્રસ્તુત બનતી નથી. શરત એટલી જ રહે કે એ બાળકની વિસ્મય-સૃષ્ટિમાં પ્રવેશ મેળવી શકે એવી રીતે એનું આલેખન થયું હોય.
રમણલાલ સોનીની આ વાર્તાઓ એના પાત્ર-પ્રસંગના વૈવિધ્યને લીધે, જાતજાતનાં પશુ-મનુષ્ય પાત્રોનાં ચિત્રણોને લીધે, રસ પડે એવા પ્રસંગોને લીધે, ભાષાની વિવિધ લીલાઓને લીધે, પ્રસંગને ખિલવવાની સજ્જતાને લીધે, રસ-રમૂજભર્યા વાર્તાકથનને લીધે યાદગાર બને છે.
એવો યાદગાર છે આ વાર્તા-લોક એમાં હવે પ્રવેશીએ—
૦ ૦ ૦