એક બ્રાહ્મણ હતો. એ પૈસેટકે સુખી હતો. પણ બ્રાહ્મણી કંજૂસ હતી. એટલે બ્રાહ્મણ મોજથી ખાઈ-પી શકતો નહોતો. બ્રાહ્મણને ઘણી વાર શીરો-પૂરી, લાડુ જેવું ખાવાનું મન થાય, પણ બ્રાહ્મણી કહે: ‘યજમાનને ઘેર એ ખાજો, અહીં નહિ!’
બ્રાહ્મણ રોજ સવારે નદીકિનારે ઊભેલા ભગવાન શંકરના મંદિરમાં દર્શન કરવા જતો. મંદિર પાસે એક જૂનું વડનું ઝાડ હતું. એના થડમાં મોટું પોલાણ હતું. બ્રાહ્મણ રોજ એ જુએ ને વિચાર કરે. એમ કરતાં એને કંઈ સૂઝી આવ્યું. એટલે એક દિવસ એ હરખાતો ઘેર આવ્યો ને હરિ ૐ હરિ ૐ હરિ ૐ રટવા લાગ્યો.
બ્રાહ્મણી કહે: ‘કેમ આજે આટલા હરખમાં છો?’
બ્રાહ્મણ કહ્યું: ‘તે ન હોઉં હરખમાં? આજે ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધાં! બાર વરસની મારી પૂજા ફળી! હરિ ૐ! હરિ ૐ! હરિ ૐ! આહા! શું ભગવાનનું રૂપ!’ પણ મારું નસીબ — બોલતાં બોલતાં તેણે માથે હાથ દીધો.
બ્રાહ્મણી શ્રદ્ધાળુ હતી, એ બોલી: ‘ભગવાને દર્શન દીધાં એ તો સારી વાત, એમાં આમ હાથ દઈ બેસવાનું શું કારાણ?’
બ્રાહ્મણે દુ:ખી સ્વરે કહ્યું: ‘શું કરું? ભગવાને રોજ સવારે પ્રસાદમાં શીરો માગ્યો છે ને બ્રાહ્મણી પોતાના હાથે બનાવી તેમને ધરે એમ કહ્યું છે. પણ આપણા ઘરને એ કેમ પોસાય?’
બ્રાહ્મણી કહે: ‘ભગવાને કહ્યું તે સમજીને કહ્યું હશે ને? ભગવાનને ધર્યું તે લાખ ગણું થઈને પાછું આવવાનું!
બ્રાહ્મણે કહ્યું: ‘એમ તો ભગવાને પ્રસન્ન થઈ વરદાન આપવાનું કહ્યું જ છે પણ એ તો ક્યારે? છ મહિના પછી!
બ્રાહ્મણીએ કહ્યું: ‘તો છ મહિના જ પ્રસાદ ધરવાનો છે ને? કંઈ વાંધો નહિ. હું મારી જાતે પ્રસાદ બનાવી ભગવાનને ધરીશ. ધરવા ક્યાં જવાનું છે એ કહો!’
બ્રાહ્મણે કહ્યું: ‘મંદિરે જતાં વડનું ઝાડ આવે છે એ જોયું છે ને? એનું થડ પોલું છે. એ થડની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પોલાણના મોં આગળ પ્રસાદનો પડિયો ધરી દેવાનો — આંખો બંધ રાખવાની અને બંધ આંખે જ પાછા ફરી જવાનું. ભગવાનની આજ્ઞાનો ભંગ કરીએ તો શું થાય એ ખબર છે ને?’
બ્રાહ્મણી બોલી: ‘એટલી મને નહિ ખબર હોય? ભગવાનના હુકમ વગર આંખો ઉઘાડી જોવાનું કરીએ તો આંખો ફૂટી જાય!’
બીજે દિવસે બ્રાહ્મણી તાજા ઘીના શીરાનો પડિયો લઈ ભગવાનને ધરવા ગઈ. એ પહેલાં બ્રાહ્મણ વડના પોલાણમાં સંતાઈને બેસી ગયો હતો. બ્રાહ્મણીએ આંખો મીંચી ત્રણ વાર વડની પ્રદક્ષિણા કરી, પછી શીરાનો પડિયો વડના પોલાણ આગળ ધર્યો. ધર્યો એવો જ બ્રાહ્મણે તે લઈ લીધો. બ્રાહ્મણી સમજી કે સ્વયં ભગવાને મારા હાથમાંથી પ્રસાદ લીધો! એ ખુશ થતી ઘેર ગઈ. થોડી વાર પછી બ્રાહ્મણે શીરો ઝાપટીને હરી ૐ! હરિ ૐ! હરિ ૐ કરતો ઘેર ગયો ત્યારે બ્રાહ્મણીએ એને હરખથી ફાટ ફાટ થતાં કહ્યું કે ભગવાને સ્વહસ્તે મારા હાથમાંથી પ્રસાદ લીધો!’
બ્રાહ્મણ કહે: ‘વાહ, ભગવાન કેટલા દયાળુ છે! હરિ ૐ! હરિ ૐ! હરિ ૐ!’ આવું રોજ ચાલવા માંડ્યું. બ્રાહ્મણ હવે શરીરે તાજોમાજો દેખાતો હતો.
બ્રાહ્મણી કહે: ‘તમે હવે ગોળમટોળ થતા જાઓ છો.’
બ્રાહ્મણ કહે: ‘ભગવાનની કૃપા થઈ છે એટલે મન મગન રહે છે.’
છ મહિના થવા આવ્યા. બ્રાહ્મણને ગમત કરવાનું મન થયું. શીરાનો પડિયો લેતી વખતે તેણે જરી ખોંખારો ખાધો.
બપોરે બ્રાહ્મણ ઘેર આવ્યો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું: ‘આજે તો મેં ભગવાનનો ખોંખારો સાંભળ્યો!’
બ્રાહ્મણ કહે: ‘મેંય ઘણી વાર સાંભળ્યો છે. ભગવાન બરાબર મારા જેવો જ ખોંખારો ખાય છે!’ આમ કહી એણે ખોંખારો ખાધો. પણ બ્રાહ્મણી કંઈ સમજી નહિ.
થોડા દિવસ પછી શીરો લેતી વખતે બ્રાહ્મણ હસ્યો. બપોરે બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું: ‘આજે તો ભગવાન હસ્યા!’
બ્રાહ્મણ કહે: ‘મેં પણ એમને હસતા સાંભળ્યા છે. બરાબર મારા જેવું જ હસે છે!’ આમ કહી એ હસ્યો. પણ બ્રાહ્મણી કંઈ સમજી નહિ.
અને પછી એક દિવસ પ્રસાદ લેતાં લેતાં ભગવાને પ્રસન્ન થઈ કહ્યું: ‘બ્રાહ્મણી, માગ, માગ, તું માગે તે આપું!’
બ્રાહ્મણીએ આનો વિચાર કરી જ રાખ્યો હતો. તેણે વિચાર્યું હતું કે વરદાનમાં ધનમાલ માગીએ તો મળે, પણ એ બધું જતે દહાડે ખૂટી જવાનું, તેના કરતાં વરદાનમાં ખુદ ભગવાનને જ માગી લઈએ તો. પછી કોઈ વાતે કંઈ તકલીફ રહે નહિ. એટલે તેણે કહ્યું: ‘ભગવાન, મારા પર પ્રસન્ન થયા હો તો કાયમ મારા ઘરમાં આવીને રહો!’
ભગવાન બોલ્યા: ‘તું ખરેખર ભાગ્યશાળી છે, બાઈ!’
બીજી જ ક્ષણે ભગવાન શંકર થડના પોલાણમાંથી કૂદકો મારી બહાર આવ્યા ને બોલ્યા: ‘આંખો ઉઘાડ, બ્રાહ્મણી! ચાલ, હવે ઘેર જઈએ!’
સાક્ષાત્ શંકર પોતાની સાથે ઘેર આવવા તૈયાર થયા છે એ જોઈ બ્રાહ્મણી ખુશ ખુશ થઈ ગઈ. હવે એણે આંખો ઉઘાડી. જોયું તો સામે એનો બ્રાહ્મણ ઊભો હતો.
બ્રાહ્મણી કહે: ‘અરે, તમે ક્યારે આવ્યા? ભગવાન શંકર ક્યાં અલોપ થઈ ગયા!’
બ્રાહ્મણે હસતાં હસતાં કહ્યું: ‘ક્યાંય અલોપ નથી થયા, આ તારી સામે જ તો ઊભા છે!’
હવે બ્રાહ્મણી બધી વાત સમજી. પોતાને છેતરીને બ્રાહ્મણે છ છ મહિના લગી એકલાં એકલાં શીરો આરોગ્યો છે એ જોઈ બ્રાહ્મણીને રીસ તો ચડી, પણ એ હસી પડી! કહે: ‘ખરા મારા શંકર ભગવાન!’
[લાડુની જાત્રા]