૧૭. અક્કલનું ઘર — પૂંછડી!

એકવાર વનનાં પશુઓની સભા થઈ. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં? કોઈએ કહ્યું: પગ, તો કોઈએ કહ્યું: કાન. સભામાં પગવાળા અને કાનવાળા એવા બે ભાગ પડી ગયા. ત્યારે ગલબો શિયાળ ઊભો થયો. કહે: ‘નહિ પગ કે નહિ કાન, પણ અક્કલનું ઘર છે પૂંછડી! પૂંછડી છે તો પશુ છે ને પૂંછડી છે તો અક્કલ! માણસને પૂંછડી નથી, તો એ કેવો બાઘા જેવો છે!’

હવે બીજો સવાલ થયો કે પૂંછડી વગરના કમઅક્કલ માણસને રાજા છે, તો આપણન રાજા કેમ નહિ? સૌએ એક અવાજે કહ્યું: ‘આપણને રાજા જોઈએ જ!’ હવે આમાંથી ત્રીજો સવાલ પેદા થયો કે આપણામાં રાજા કોણ? વાઘ ઘુરકીને બોલ્યો: ‘હું રાજા!’ સિંહ ગર્જીને બોલ્યો: ‘હું રાજા!’

સભામાં બે ભાગ પડી ગયા. છેવટે સૌએ ગલબા શિયાળને કહ્યું: ‘તમે અક્કલનું ઘર શોધી આપ્યું, તેમ આપણો રાજા પણ તમે જ શોધી આપો.’

ગલબો હાથમાં ત્રાજવું લઈને બેઠો. કહે: ‘હું વાઘસિંહ બેયને ત્રાજવે તોળું છું આ પલડું વાઘનું, અને આ સિંહનું. જેનું પલડું ભારે થઈ નીચે બેસે એ રાજા!’ બધાં જોઈ રહ્યાં. ત્રાજવાની ડાંડી પકડવામાં ગલબાની ચાલાકી હતી તે કોઈ સમજ્યું નહિ. પણ સિંહનું પલ્લું નમ્યું એટલે સૌએ તાળીઓ પાડી સિંહને પોતાનો રાજા જાહેર કર્યો.

વાઘને ખોટું લાગ્યું. તે મનમાં બોલ્યો: ‘બચ્ચા ગલબા, તને જોઈ લઈશ.’

*

ગલબો વાઘને બરાબર ઓળખતો હતો અને તેનાથી દૂર રહેતો હતો. પણ એક વાર વાઘના રસ્તામાં એ ભટકાઈ ગયો. વાઘને જોઈએ એ નાઠો, પણ રસ્તામાં નદી આવી. નદી બે કાંઠે વહેતી હતી. નદીમાં પડે છે તો ડૂબી જાય છે ને નથી પડતો તો વાઘ ખાઈ જાય છે. એની આંખોમાં આંસુ આવી ગયાં.

વાઘે બરાબર એનો પીછો કર્યો હતો. ગલબાને મૂંઝાયેલો જોઈ તેણે તેની મશ્કરી કરી કહ્યું: ‘કેમ રે! મારા હાથે મરવાની બીક લાગે છે, એટલે રડે છે ને?’

ગલબાએ કહ્યું: ‘ના, મામા! તમારા હાથે મરવું એ તો મોટું માન છે, પણ વાત એમ છે કે આ નદી જોઈને મને તમારા બાપા યાદ આવી ગયા! મને થયું કે હવે એવું પરાક્રમ જોવા નહિ મળે.’

વાઘે કહ્યું: ‘તું મારા બાપાના કયા પરાક્રમની વાત કરે છે? હું પણ મારા બાપા જેવો જ પરાક્રમી છું!’

ગલબો ઉત્સાહમાં આવી બોલ્યો: ‘ખરેખર? તો હું તમારા હાથે મરું તે પહેલાં મને તમારું એ પરાક્રમ જોવા ખૂબ મન છે. કૃપા કરી મારી એટલી ઈચ્છા પૂરી કરો.’

વાઘે કહ્યું: ‘બોલ, શું જોવું છે તારે?’

ગલબાએ કહ્યું: ‘એકવાર તમારા બાપા એક જ કૂદકે આ નદી પાર કરી ગયા હતા. મેં નજરોનજર એ જોયેલું છે. બોલો, તમે એ કરી શકશો?’

વાઘે કહ્યું: ‘કેમ નહિ? હું પણ એક કૂદકે નદી પાર કરી જાઉં!’

શિયાળે કહ્યું: ‘તો હું કહીશ કે બાપ તેવા બેટા!’

વાઘ તાનમાં આવી ગયો હતો. તેણે એક કૂદકે નદી પાર કરી જવા છલાંગ મારી. નદીનો પટ પહોળો હતો ને પ્રવાહ જોરમાં વહેતો હતો. વાઘ એટલું કૂદી શક્યો નહિ અને અધવચ પ્રવાહમાં પડ્યો ને તણાઈ ગયો.

વાઘને ડૂબતો જોઈ ગલબો શિયાળ કહે: ‘તારા બાપા પણ નદી કૂદવા જતાં આમ જ ડૂબી ગયા હતા!’

પછી પોતાની પૂંછડી પંપાળીને કહે: ‘જ્યાં લગી આ અક્કલનું ઘર સલામત છે ત્યાં લગી વાઘબાઘ જખ મારે છે!’

[‘ગલબા શિયાળની ૩૨ વાતો’]

License