૧૬. કંજૂસનો કાકો

કાશીપુરમાં એક શ્રીમંત શેઠિયો હતો.

એ દિલનો ઘણો ઉદાર હતો. દીનદુ:ખીને એ છૂટે હાથે અન્નવસ્ત્ર અને ધન આપતો. એ માટે એણે એક દાનશાળા ખોલી હતી.

વખત જતાં એનું મરણ થયું. હવે એની મિલકતનો ધણી થયો એનો પુત્ર ઇલ્લીસ. બાપા કેટલું ધન મૂકી ગયા છે એની એને ખબર નહોતી, એટલે છ મહિના લગી રાત ને દિવસ ધનભંડારમાં બેસી એણે એ ધન ગણ ગણ કર્યું. એંશી કરોડનું ધન થયું. ઇલ્લીસ કહે: ‘બસ, આટલું જ? આ તો છ મહિનામાં ગણાઈ ગયું! જેને ગણતાં છ મહિના થયા એને વાપરતાં છ દિવસ પણ નહિ લાગે! આવડી અમથી દોલત પર મારા બાપનો ઉડાઉ ખરચો કેમ પોસાય? બાપામાં અક્કલ ઓછી, પણ મારામાં તો ઘણી છે.’

એણે દાનશાળા બંધ કરી દીધી ને નોકરચાકરને છૂટા કરી દીધા.

એના બાપ જે આસન પર બેસી દાન કરતા એ આસન પર બેસવાનું યે એણે ટાળ્યું. ઘરનો ખરચો પણ એણે ખૂબ ઘટાડી દીધો અને એટલી બધી કંજૂસાઈ કરવા માંડી કે લોકો હવે એને ‘કંજૂસનો કાકો’ કહી ઓળખવા લાગ્યા.

એક વાર ઇલ્લીસને દ્રાક્ષાસવ પીવાનું મન થયું. એ જાણી એની પત્નીએ કહ્યું: ‘વાહ, એમાં શું? ઘરમાં બધાં પીએ એટલો દ્રાક્ષાસવ મંગાવીએ!’

ઇલ્લીસે ગુસ્સે થઈને કહ્યું: ‘તું પૈસા તારા બાપના ઘરેથી લાવી છે? છટ્, હું એકલો જ પીશ. ઘરમાં પીઉં તો કોઈ જુએ ને આશા કરે, એટલે નદીકિનારે એકાંતમાં જઈને પીશ.’

આમ કહી દ્રાક્ષાસવની ચંબુડી લઈને એ ઘરમાંથી બહાર નીકળી ગયો અને ગામથી દૂર એકાંતમાં એક ઝાડ નીચે એ દ્રાક્ષાસવ પીવા બેઠો.

સ્વર્ગમાં ધર્મરાજાએ ઇલ્લીસના પિતાને કહ્યું: ‘તમે ઘણું દાન કર્યું, નહિ?’

ઇલ્લીસના બાપે કહ્યું: ‘વીસ કરોડનું ધન મેં દયાદાનમાં વાપર્યું હશે.’

‘બધું જ ધન?’ ઇન્દ્રે પૂછ્યું:

‘ના, મરતી વખતે મારી પાસે એંશી કરોડનું ધન રહ્યું હતું. તે મારા દીકરાને વારસામાં મળ્યું. એમાંથી મારું દાન-ધર્મનું કામ એ આગળ ચલાવશે.

ધર્મરાજે કહ્યું: ‘વાહ, ત્યારે તો તમે બેય કામ સાધ્યાં — દાન પણ કર્યું અને ઘર પણ સાચવ્યું! ઠીક, તો તમારું દાનધર્મનું કામ કેવું આગળ ચાલે છે એ જોવું છે? પણે જુઓ! પેલી તમારી દાનશાળા!’

બાપે જોયું તો દાનશાળાને તાળું લાગેલું હતું.

ધર્મરાજે કહ્યું: ‘હવે પણે જુઓ! એ જ તમારો દીકરો?’

બાપે જોયું તો દીકરો ઇલ્લીસ એકલો સંતાઈને દ્રાક્ષાસવ પીતો હતો અને બોલતો હતો: ‘મારા જેટલી અક્કલ મારા બાપમાં હોત અને એમણે ભિખારડાંને આપવામાં ધન ન વાપર્યું હોત તો આજે મારી પાસે સો કરોડનું ધન હોત!’

આ જોઈ — સાંભળી બાપની આંખો કપાળે ચડી ગઈ. એનાથી બોલાઈ ગયું: ‘ધૂળ પડી મારા ધનમાં! મેં ધન ભેગું કર્યું એ મારી ભૂલ! અને મેં એ જાતે વાપર્યું નહિ એ મારી બીજી મોટી ભૂલ! મેં માન્યું કે મારા ધનના ઢગલામાંથી મારો દીકરો થોડુંકે દલિતપીડિતને આપશે ને એમની સેવા કરશે; પણ એણે તો દાનશાળા જ બંધ કરી દીધી!’

એને એટલું બધું લાગી આવ્યું કે એ બોલી ઊઠ્યો: ‘હમણાં જ હું જાઉં છું. ને મારું બધું ધન દાનમાં આપી દઉં છું.’

ધર્મરાજની કૃપાથી ઇલ્લીસના બાપે ઇલ્લીસનું જ રૂપ ધારણ કર્યું: એ જ હાથપગ, એ જ ચાલ, એ જ ચહેરો, એ જ અદા! આમ ઇલ્લીસનો બાપ ઇલ્લીસ બની પોતાને ઘેર આવ્યો. નોકરચાકરોને એણે કહી દીધું કે ‘આજકાલ વેશધારીઓ વધી પડ્યા છે, કોઈ મારો વેશ લઈને આવે તો એને ઘરમાં ઘૂસવા દેવો નહિ!’ આમ કહી એ ઘરમાં પોતાના જ પેલા જૂના આસન ઉપર જઈને બેઠો. પતિને એ આસન પર બેઠેલો જોઈ ઇલ્લીસની પત્ની નવાઈ પામી મનમાં બોલી: ‘આજે એ બાપના પવિત્ર આસન પર બેઠા છે, તો ભગવાન કરે ને એમનામાં બાપના જેવી દાનધર્મની બુદ્ધિ આવે!

આસન પર બેઠા પછી ઇલ્લીસના બાપે નોકરને બોલાવી હુકમ કર્યો કે ગામમાં પડો વજડાવો કે જેને ધન જોઈતું હોય તે ઇલ્લીસ શેઠને ઘેર આવી લઈ જાય!’

આવી વાતને ફેલાતાં વાર ન લાગે, ઇલ્લીસના ઘર આગળ લોકોનાં ટોળાં થયાં. ઇલ્લીસે ખોબા ભરી ભરીને સૌને ધન આપવા માંડ્યું. બધે ઇલ્લીસની ઉદારતાનાં વખાણ થવા માંડ્યાં ગામડાના એક ગરીબ માણસને ખોબો ધન મળ્યું, સાથે ઇલ્લીસનો રથ પણ મળ્યો. ઇલ્લીસના રથમાં બેસી એ ઘેર જવા નીકળ્યો. ઊભે રસ્તે એ સૌ સાંભળે તેમ મોટેથી ઇલ્લીસનો જશ ગાતો જતો હતો: ‘વાહ ઇલ્લીસ શેઠ, વાહ! ઉદારતામાં તું તારા બાપને યે ટપી ગયો!’

ઇલ્લીસ જ્યાં સંતાઈને દ્રાક્ષસવ પીતો હતો ત્યાં થઈને આ રથ નીકળ્યો અને આ શબ્દો ઇલ્લીસના કાને પડ્યા. ચમકીને એણે જોયું તો એનો જ રથ, અને કોઈ અજાણ્યો જ માણસ એમાં બેઠેલો હતો!

દોડતા આવી એણે ઘોડાની લગામ પકડી લીધી ને ગુસ્સામાં કહ્યું: ‘તું ચોર છે! આ મારો રથ લઈ ક્યાં જાય છે?’

રથવાળાએ કહ્યું: ‘આ તો ઇલ્લીસ શેઠનો રથ છે. એમણે પોતે સ્વહસ્તે મને એ ભેટ આપ્યો છે. સાથે આ ધન પણ આપ્યું છે. તારે ધન જોઈતું હોય તો તુંયે જા એમને ઘેર! શેઠે એંશી કરોડનું ધન દાન કરવા કાઢ્યું છે.

ઇલ્લીસે રાડ પાડી કહ્યું: ખોટી વાત! તું ચોર છે. મારો રથ ચોરી લાવ્યો છે.’

આમ કહી એણે રથને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ રથવાળાએ ‘છટ્ ભૂતડા!’ કહી એને હડસેલી કાઢી રથ પૂરપાટ દોડાવી મેલ્યો.

ઇલ્લીસનું મગજ ચગડોળે ચડ્યું. એ ગાંડાની પેઠે દોડતો પોતાને ઘેર આવ્યો ને સીધો ઘરમાં ઘૂસવા ગયો. તરત જ નોકરોએ એને રોક્યો: ‘એઈ, કોણ છે તું? ઘરમાં કેમ ઘૂસે છે?’

ઇલ્લીસ ગુસ્સે થઈ ઊઠ્યો કે મારા ઘરમાં મને રોકનાર તમે કોણ? પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહિ. સૌએ એને ‘વેશધારી’ કહી ધક્કા મારીને કાઢી મૂક્યો.

ઇલ્લીસે માર ખાતાં ખાતાં કહ્યું: ‘હું ઇલ્લીસ છું, હું આ ઘરનો શેઠ છું.’

પણ બધા હસીને કહે: ‘ઇલ્લીસ શેઠે તો એ… ઈ પણે ઘરમાં બેઠા!’ — કેવો ચાર હાથે લોકોને ધનમાલની લહાણી કારે છે!

ઇલ્લીસની અક્કલ હવે કહ્યું કરતી નહોતી. ગાંડા જેવો થઈને એ રાજાની કચેરીમાં ગયો ને બૂમો પાડવા લાગ્યો: ‘હું લૂંટાઈ ગયો! હું લૂંટાઈ ગયો! મારા ઘરમાં કોઈ વેશધારી ઘૂસી ગયો છે; એણે મારી બધી મિલકત લૂંટાવવા માંડી છે. એને પકડી સજા કરો અને મારી મિલકત બચાવો!’

રાજાએ કહ્યું: ‘વેશધારી તમારા ઘરમાં ઘૂસ્યો કેવી રીતે? શું તમે તે વખતે ઘરમાં નહોતા?’

ઇલ્લીસે કહ્યું: ‘ના, હું ઘરમાં નહોતો.’

‘તો ક્યાં હતા?’ રાજાએ પૂછ્યું.

ઇલ્લીસે કહ્યું: ‘હુ તે વખતે નગર બહાર એકાંતમાં બેઠો હતો.’

રાજાએ પૂછ્યું: ‘જપ તપ કરતા હતા? યોગસાધના કરતા હતા?’

ઇલ્લીસે ખચકાતાં ખચકાતાં કહ્યું: ‘ના, દ્રાક્ષાસવ પીતો હતો.’

આ સાંભળી રાજા હસ્યો. તેણે કહ્યું: ‘કરોડપતિ શેઠિયાને દ્રાક્ષાસવ પીવાની ઘરમાં જગા ના મળી તે ગામ બહાર છૂપાઈને પીવો પડ્યો? મને લાગે છે કે તું જ વેશધારી છે અને ઇલ્લીસ શેઠનું ધન પચાવી પાડવા ઇલ્લીસ થયો છે.’

ઇલ્લીસે રાડ પાડી: ‘હું વેશધારી નથી, સાચો ઇલ્લીસ છું. મારા ઘરમાં ઘૂસ્યો છે એ વેશધારી છે. એને પકડો તો સાચી વાતની ખબર પડશે.’

રાજાએ હવે કોટવાલાને બોલાવી હુકમ કર્યો કે ઇલ્લીસના ઘરમાં જે ઇલ્લીસ હોય તેને અહીં લઈ આવો.’

કોટવાલ ઇલ્લીસ રૂપે આવેલા ઇલ્લસીના બાપને કચેરીમાં લઈ આવ્યો. 

રાજાએ બેય ઇલ્લીસને જોડાજોડ ઊભા રાખ્યા તો બેઉ પૂરેપૂરા એકસરખા! ઊંચાઈમાં, કદમાં, દેખાવમાં, હાવભાવમાં, બેઉ અદલ એક સરખા!

રાજાએ ઇલ્લીસના બાપને પૂછ્યું: ‘તમે શું કરતા હતા ઘેર?’

ઇલ્લીસના બાપે કહ્યું: ‘મહારાજ, મારી પાસે એંશી કરોડનું ધન છે. મારે એ બધું જ દીનદુ:ખીને દઈ દેવું છે ને હળવાફૂલ થઈ જવું છે. હજી તો માત્ર વીસ કરોડ જ દઈ શક્યો છું.’

આ સાંભળી ઇલ્લીસ ‘હાય હાય! હું લૂંટાઈ ગયો! ભિખારી થઈ ગયો!’ કહી માથું કૂટવા લાગ્યો. પણ રાજાએ એને કહ્યું: તું જ વેશધારી નથી એની શી ખાતરી? છે કોઈ ગામમાં તારી ઓળખાણ આપે એવું?’

ઇલ્લીસ કહ્યું: ‘ઘણાં છે. મારો વાળંદ છે, મારો મુનીમ છે, મારા શેઠિયાઓ છે.’

રાજાએ બધાને કચેરીમાં બોલાવ્યા, પણ કોઈ સાચો ઇલ્લીસ કોણ અને વેશધારી કોણ એ કહી શક્યું નહિ. ત્યારે ઇલ્લીસે જીવ પર આવી કહ્યું: ‘મારી પત્ની મને ઓળખશે.’

રાજાએ ઇલ્લીસની પત્નીને બોલાવી. એ ઘડીમાં આ ઇલ્લીસ સામે જુએ ને ઘડીમાં બીજા ઇલ્લીસ સામે જુએ. ઇલ્લીસે એને સીધો જ સવાલ કર્યો: ‘સાચું કહેજે, હું મારા બાપની દાનશાળા બંધ કરી દેનારો આવી રીતે મારું ધન ઉડાવું ખરો? હું જ સાચો ઇલ્લીસ છું ને? લોકો ‘કંજૂસનો કાકો’ કહે છે તે જ હું ને?’

પોતાનો પતિ આવો કંજૂસનો કાકો છે એવું કઈ પત્નીને કહેવું ગમે? એણે ધડ દઈને બોલી નાખ્યું: ‘મારો પતિ કદી કંજૂસનો કાકો હોય નહિ; એ તો દાનેશ્વરીનો દીકરો દાનેશ્વરી છે!’

સાબિત થઈ ગયું કે ઇલ્લીસ વેશધારી છે. હાય હાય કરી ઇલ્લીસ છાતી માથું કૂટવા લાગ્યો: ‘હાય રે, મારા એંસી કરોડ ગયા! ન મેં એ જાત માટે વાપર્યા, ન ઘરનાં માટે વાપર્યા, ન દીનદુ:ખી માટે વાપર્યા! મેં બાપનું નામ બોળ્યું! હવે જીવીને મારે કામ શું છે? મહારાજ, મને સીધો શૂળીએ જ ચડાવો. મારી માત્ર છેલ્લી એક અરજ છે — મારા મૂઆ પછી જો કોક દહાડો પણ માલૂમ પડે કે હું વેશધારી નહોતો, પણ સાચો ઇલ્લીસ હતો. તો મારા એંશી કરોડના ધનમાંથી જે કંઈ રહ્યું હોય તે પાઈએ પાઈ દયાદાનમાં, લોકોની ભલાઈના કામમાં વાપરી નાખજો — એથી મારા જીવને શાંતિ થશે!

સૌ સ્તબ્ધ બની આ સાંભળી રહ્યા હતા. એટલામાં ઇલ્લીસના બાપનો જમણો હાથ ઇલ્લીસના માથા પર મુકાયો, ને તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા: ‘તારી આ સદ્બુદ્ધિ કાયમ રહો દીકરા!’

બધાએ જોયું તો ત્યાં ઘડી પહેલાંનો ઇલ્લીસ નહોતો. પણ એક તેજસ્વી આકાર હતો.

[લાડુની જાત્રા]

License