હસ્તિનાપુરનો રાજા દરબાર ભરીને બેઠો હતો, ત્યાં એક ભાટ આવ્યો. તેણે રાજાની પ્રશંસાનું ગીત લલકાર્યું:
ધન્ય રાજા તને, ધન્ય તુજ બંધુને,
રામલખમણ તણી જોડ જાણે!
ધન્ય દરબાર આ, ધન્ય દરબારીઓ,
અવધનો રામ-દરબાર જાણે!
બધા ખુશખુશ થઈ ગયા. ભાટે આગળ ચલાવ્યું:
ધન્ય આ બ્રાહ્મણો, ધન્ય આ ક્ષત્રિયો,
ધન્ય પૃથ્વી પટે આવી સૃષ્ટિ!
ધન્ય રાજા, તારા રાજ્યમાં સૌ સુખી,
માગતાં વરસતી મેઘ-વૃષ્ટિ!
બધાં વાહ વાહ! વાહ વાહ! કરવા લાગ્યાં. ત્યાં ક્યાંકથી એક કાગડો ઊડી આવ્યો અને ભાટની પાઘડી પર ચરકીને બોલ્યો: ‘જૂઠાને માથે છી!’
પછી કાગડો કહે: ‘હે રાજા, તમે નથી રામ, તમારું રાજ્ય નથી રામ રાજ્ય, અહીં નથી માગ્યા મેહ વરસતા કે અહીં નથી સૌ સુખી!’
ભાટે કહ્યું: ‘મહારાજ, આ તો કવિતા છે, કાગડો કવિતામાં શું સમજે?’
કાગડાએ કહ્યું: ‘કાગડો કવિતામાં ન સમજે, પણ રામરાજ્યમાં સમજે છે.’
રાજાએ કહ્યું: ‘શું સમજે છે?’
કાગડાએ કહ્યું: ‘જીભે કહું એ શા કામનું? નજરે જ દેખાડું! આપના દરબારમાંથી ચાર ઉત્તમ પુરુષોને મારી સાથે મોકલો!’
રાજાએ રાજ-પુરોહિત, સેનાપતિ, નગરશેઠ અને રાજસેવક એમ ચાર જણને પસંદ કરી તેમને કાગડાની સાથે જવા કહ્યું. ચારે જણા ઘોડેસવાર થઈ કાગડાની પાછળ ચાલ્યા. કેટલાક દિવસની મજલ પછી તેઓ સરયુ નદીના કિનારે અયોધ્યાનગરી પાસે આવ્યા. ત્યાં એક નિર્જન ટેકરી પર વિશાળ વડનું ઝાડ હતું. કાગડાએ ત્યાં એક સ્થળ દેખાડી કહ્યું: હે સજ્જનો, અહીં ખોદો!’
ખોદતાં ખોદતાં જમીનમાં ઘંટ દેખાયો, ચારે જણે જોર કરી ઘંટ ઉપાડ્યો તો એની નીચે સોનાનો થાળ અને થાળમાં બોર બોર જેવડાં મોતી! ગણ્યાં તો પૂરાં અઢાર! કાગડો કહે: ‘ઉપાડો થાળ! આપણે એ રાજાની કચેરીમાં રજૂ કરવાનો છે.
ચારે જણાએ અંદરોઅંદર ઈશારે વાત કરી લઈ એકેક મોતી ઉપાડી પોતાના પહેરવેશમાં છુપાવી દીધું. પછી થાળ લઈને એ કાગડાની પાછળ ચાલ્યા.
હસ્તિનાપુરમાં રાજા દરબાર ભરીને બેઠો હતો, ત્યાં આ ચાર જણાએ મોતીવાળો સોનાનો થાળ તેની સામે ધર્યો. જોઈને રાજાની આંખો ચમકી; થાળ કોનો છે, ક્યાંથી આવ્યો, શા માટે છે એવું કંઈ પણ પૂછ્યા વગર રાજાએ થાળ જોઈ સીધો હુકમ કર્યો: ‘પ્રધાનજી, મોતીનો આ થાળ મારી ખાનગી તિજોરીમાં મૂકી દો!’
પ્રધાન થાળ લઈને ચાલ્યો, ત્યાં રાજાનો ભાઈ દરબારમાંથી ઊઠી તેની સામે આવ્યો ને બોલ્યો: ‘ચાર મોતી મને દઈ દો! નીકર આ તલવાર —’
પ્રધાને તરત ચાર મોતી એને દઈ દીધાં; સાથે સાથે બે મોતી પોતાના ખિસ્સામાં સેરવી દીધાં. એટલામાં રાણીની નજર આ મોતી પર પડી. તેણે હુકમ કર્યો: ‘થાળ સમેત મોતી મને આપો!’
પ્રધાને બાકીનાં આઠે મોતી સાથેનો થાળ રાણીને દઈ દીધો. પછી એ કચેરીમાં જઈને બેઠો.
રાણીને મોતી એવાં ગમી ગયાં કે તેણે તે જ ઘડીએ ઝવેરીને બોલાવી તેનો હાર બનાવી આપવા કહ્યું. ઝવેરીએ કહ્યું: હાર માટે પૂરાં અઢાર મોતી જોઈએ.’
રાણીએ તે જ ઘડીએ કચેરીમાં આવી રાજાને કહ્યું: ‘જ્યાંથી આ આઠ મોતી આવ્યાં હોય ત્યાંથી બીજાં દશ મગાવી આપો, મારે એનો હાર બનાવવો છે.’
રાજાએ નવાઈ પામી કહ્યું: ‘મોતી આઠ કેમ? થાળમાં ચૌદ મોતી હતાં.’
રાણીએ કહ્યું: ‘આઠ જ હતાં!’
ત્યારે રાજાએ પ્રધાનને પૂછ્યું: ‘બીજાં છ મોતી ક્યાં ગયાં?’
પ્રધાને પોતાના માથેથી ગાળિયો ઉતારતાં કહ્યું: ‘આપના ભાઈ — મારી સામે એમણે તલવાર તાણી —’
રાજાના ભાઈએ જોયું કે મારા માથે છ મોતીનો આરોપ આવે છે, એટલે એ બોલી ઊઠ્યો: ‘મેં ચાર મોતી લીધાં છે! આ રહ્યાં!’
હવે રાજાએ પ્રધાન સામે જોઈ કરડી આંખ કરી કહ્યું: ‘ચાર કે છ?’
તરત પ્રધાને પોતાની પાસેની બે મોતી કાઢી દઈ કહ્યું: ‘ચાર અને આ બે!’
રાણી કહે: ‘હવે માત્ર ચાર ખૂટે!’
કાગડો કહે: ‘એ પણ મળી રહેશે!’
રાજાએ કહ્યું: ‘કેમ કરી મળી રહેશે? થાળમાં પહેલેથી જ ચૌદ મોતી હતાં. મેં બરાબર ગણ્યાં હતાં.’
કાગડાએ કહ્યું: ‘પણ આપના પહેલાં આપના ચાર ઉત્તમ પુરુષોએ એ ગણ્યાં હતાં — એ અઢાર હતાં!’
હવે એ ઉત્તમ પુરુષોને જોયા હોય તો કાપો તો લોહી ન નીકળે!
રાજાએ કરડી આંખે એમની સામે જોયું. ચાર જણે બીતાં બીતાં પોતાનાં કપડાંમાં સંતાડેલું એક એક મોતી કાઢીને રાજાને દઈ દીધું.
રાણી કહે: ‘વાહ, અઢાર મોતી થઈ ગયાં! મારો હાર સરસ થશે!’
કાગડાએ કહ્યું: ‘મહારાજ, જોયું? આ ઉત્તમ પુરુષો! આ તમારા પ્રધાન! આ તમારા ભાઈ! આ તમારાં રાણી અને આ તમે પોતે!’
રાજાએ કહ્યું: ‘આ હું પોતે એટલે? કેમ, હું કેવો છું?’
કાગડાએ કહ્યું: ‘એ જાણવા માટે આ મોતીની વાત મારે તમને કહેવી પડશે. તો સાંભળો!
‘અયોધ્યામાં રાજા રામ રાજ્ય કરતા હતા તે વખતની વાત છે. એકવાર ગામના નગરશેઠની પુત્રવધૂએ કંઈક વ્રત કર્યું. વ્રતના ઉપવાસનાં પારણાં કરતી વખતે તેણે હઠ કરી કે સીતા માતાજી પોતાના હાથે મને જમાડે તો જ હું જમું! નગરશેઠે સીતાજીને વિનંતી કરી કે મારી પુત્રવધૂ આવી ગાંડી હઠ લઈને બેઠી છે, શું કરું? આ સાંભળતાં જ સીતા માતાજી બોલ્યાં: ‘દીકરી માની પાસે લાડ નહિ માગે તો કોની પાસે માગશે? ચાલો, હું આવું છું.’ કહી તરત એ ઊભાં થયાં. નગરશેઠને ઘેર જઈ એમણે શેઠની પુત્રવધૂને ખોળામાં લઈ કોળિયા કરી કરીને એને ખવડાવ્યું. પછી એ પાછાં ફરતાં હતાં ત્યાં નગરશેઠ સોનાના થાળમાં અઢાર મોતી લઈને તેમને અર્પણ કરવા આવ્યો, પણ સીતાજી કહે: ‘દીકરીના ઘરનું મારાથી કંઈ જ લેવાય નહિ!’ આમ કહી એ રથમાં બેસી ચાલ્યાં ગયાં. નગરશેઠ હાથમાં થાળ લઈને ‘માતાજી! માતાજી! કરતો એમની પાછળ ગયો, પણ માતાજીના ઘરનાં બારણાં બંધ હતાં, એટલે મોતીવાળો થાળ ઘર આગળ ચોકમાં મૂકી એ પાછો ફરી ગયો. એ પછી કંઈ કેટલાયે માણસો ત્યાં થઈને પસાર થયા, પણ કોઈ એ થાળને અડક્યું સુધ્ધાં નહિ.
‘રાત્રે પ્રતિહારી આંગણામાં આંટા મારતો હતો, ત્યાં એને આ થાળ વચમાં નડ્યો, એટલે એણે એક મોટો ઘંટ લાવી એનાથી થાળને ઢાંકી દીધો. બસ, તે દિવસથી એ મોતીનો થાળ ઘંટની નીચે દટાયેલો જ રહ્યો. ન કોઈએ ઘંટ ઊંચો કરીને જોયું કે ન કોઈએ નીચે શું છે એની કશી પૃચ્છા કરી! વર્ષો વીત્યાં, યુગો વીત્યા, પટ્ટણનું દટ્ટણ થઈ ગયું! એ જગાએ આજે એક વિશાળ વડનું ઝાડ ઊભું છે.’
રાજાએ કહ્યું: ‘એ ખરું, પણ કાક, તું આ ક્યાંથી જાણે? તું તો માત્ર કાગડો છે!’
કાગડાએ હસીને કહ્યું: ‘મહારાજ, બોલકા માણસે મૂગાં પશુપંખી પાસેથી ઘણું જાણવા — શીખવાનું છે. કાક ભુશુંડીનું નામ તો તમે સાંભળ્યું છે ને? હું એ મહાયોગી કાક ભુશુંડીના વંશનો છું. મારા કુળમાં હજારો વર્ષથી રામરાજ્યનાં મોતીની આ વાત સૌ જાણે છે. દુનિયા આગળ વધી છે કે પાછળ લથડી છે તે માપવાનો અમારો આ ગજ છે. જુઓને, રામના રાજ્યમાં મોતીનો આ થાળ પડ્યો છે, પણ કોઈ એની સામું જોતું નથી! પ્રતિહારી જેવો સામાન્ય માણસ પણ તેના લોભમાં પડતો નથી અને અહીં તમારા ચાર ઉત્તમ પુરુષો તેમાંથી એક એક મોતી ચોેરી લે છે, પ્રધાનજી બે મોતી ચોરે છે, તમારા ભાઇ તલવાર તાણી ચાર મોતી લૂંટે છે, તમારી રાણી આઠ મોતી પડાવે છે ને બીજાં દશની રઢ લે છે અને તમે? તમે પણ મોતી કોનાં છે ને કેમ છે એવું કંઈ પૂછ્યા ગાછ્યા વિના સીધાં જ એ તમારી ખાનગી તિજોરીમાં જમા કરાવી દો છો!’
પછી ભાટની સામે જોઈ તેણે કહ્યું: ‘બોલ, કવિ, આ રામરાજ્ય છે? આ રામનો દરબાર છે?’
કોઈ જ કંઈ બોલ્યું નહિ.
રાજાએ જોયું તો મોતી કે થાળ કશું જ ત્યાં નહોતું. એ બોલી ઊઠ્યો: ‘હેં, થાળ ક્યાં ગયો? મોતી ક્યાં ગયાં?’
કાગડો હસી પડ્યો. કહે: ‘રાજા એ રામરાજ્યનાં મોતી હતાં. લોભનો સ્પર્શ થયો, એટલે અદૃશ્ય થઈ ગયાં!’
આટલું કહી કાગડો ઊડી ગયો.
[લાડુની જાત્રા]