અમદાવાદના પ્રાણીબાગને આફ્રિકાના યુગાન્ડા દેશનો અસલ ગેંડો ભેટ મળ્યો. ગેંડો વિમાને ચડીને દિલ્હી આવ્યો અને દિલ્હીથી રેલગાડીની મજા માણતો અમદાવાદ આવ્યો. પ્રાણીબાગના અધ્વર્યુ રૂબિન ડેવિડ સાહેબે તેનો સત્કાર કર્યોં. ગેંડો ખુશ થયો. તેણે કહ્યું: ‘હું કંઈ સાધારણ ચોપગું નથી, નાઈલ નદીનો ગેંડો છું. દુનિયામાં મારા જેવું રૂપાળું અને મારા જેવું બુદ્ધિવાળું પ્રાણી તમને ક્યાંય જોવા નહિ મળે. કોઈને પણ જોતાં જ હું કહી આપું કે એનામાં કંઈ માલ નથી! બોલો, તમે એવું કરી શકો છો?’
ડેવિડ સાહેબે કહ્યું: ‘ના, ભાઈ, હું તો બધામાં કંઈ ને કંઈ માલ દેખું છું. મને ક્યાંય અવગુણ દેખાતો નથી એ મારો મોટામાં મોટો અવગુણ છે.’
ગેંડાએ હસીને કહ્યું: ‘બસ, તો! આજે તમને હું એક સરસ પાઠ આપીશ. બાગનાં બધાં પ્રાણીઓને મારી આગળ ખડાં કરો અને મારી કરામત જુઓ! તમે દંગ થઈ જશો?’
પ્રાણીઓમાં ડેવિડ સાહેબનું બહુ માન! કોઈ એમની આજ્ઞા ઉથાપે નહિ. એમની આજ્ઞા થતાં બાગનાં બધાં પ્રાણીઓ આવ્યાં ને પોતાના મોભા પ્રમાણે ગોઠવાઈને ઊભાં. ન આવી શક્યો એક સિંહ. એ માંદો હતો.
ડેવિડ સાહેબે ગેંડાને કહ્યું: ‘ચાલો, હું તમને બધાં પ્રાણીઓની ઓળખ કરાવું!’
ગેંડો કહે: ‘સાહેબ, પહેલાં એમને મારી ઓળખ કરાવો!’
ડેવિડ સાહેબે ગેંડાની ઓળખ આપતાં કહ્યું: ‘આપણા આશ્રમના આ નવા અંતેવાસી છે. તેમનું શુભનામ છે ગેંડો. તેઓ યુગાન્ડાથી અહીં પધાર્યા છે. તેમની ઇચ્છા તમને સૌને મળવાની છે!’
બધાં પ્રાણીઓએ વિવેકથી કહ્યું: ‘પધારો!’
ડેવિડ સાહેબ ગેંડાને લઈને આગળ વધ્યા. પહેલો જ વાઘ હતો. સાહેબે ગેંડાને કહ્યું: ‘આનું નામ વાઘ!’
વાઘે વિનયથી ગેંડાને નમસ્કાર કર્યા. ગેંડાએ સામા નમસ્કાર ન કર્યા. પોતાનો મોભો તૂટે એવું કામ એ કેમ કરે? એણે કહ્યું: ‘વાઘ? નામ ક્યાંક સાંભળ્યું છે. અરે, પણ એને કોઈએ સારી પેઠે ચાબખાનો પ્રસાદ આપ્યો લાગે છે, એના શરીર પર કેવા સોળ ઊઠ્યા છે! એનું મોં જોઈને જ હું કહી શકું છું કે એ આથી પણ વધારે મારને લાયક છે!’
વાઘ સમસમી ગયો, પણ ડેવિડ સાહેબની આમન્યા રાખી શાન્ત રહ્યો.
હવે ડેવિડ સાહેબે હાથીની ઓળખાણ કરાવી. ગેંડાએ હસી પડી કહ્યું: ‘હાથી? એ બે પૂંછડીવાળાને હું ઓળખું છું. સાવ ગંદો છે. એક પૂંછડીથી એ માખો ઉડાડે છે ને બીજી પૂંછડીથી ખાય છે! છી!’
હાથીને આ અપમાન હાડોહાડ લાગી ગયું, પણ ડેવિડ સાહેબને જોઈએ શાન્ત રહ્યો.
હવે વારો આવ્યો જિરાફનો. ગેંડો કહે: ‘જિ—રાફ! સાવ બુધ્ધુ! એક વાર ભગવાને ગુસ્સે થઈ એને બોચીમાંથી પકડી ખેંચ્યો એટલે એની ડોક લાંબી થઈ ગઈ છે. ભાઈસાહેબ આકાશના તારા ગણ્યા કરે છે ને ધરતી પરનું કશું દેખાત નથી.’
જિરાફને બહુ લાગી આવ્યું, પણ એ ચૂપ રહ્યો.
હવે વારો આવ્યો કાંગારુનો. ડેવિડ સાહેબે કહ્યું: ‘આ સજ્જન છેક ઓસ્ટ્રેલિયાથી પધાર્યા છે. બાગની શોભામાં એમણે ઘણો વધારો કર્યો છે.’
ગેંડાએ તિરસ્કારથી કહ્યું: ‘ધૂળ વધારો કર્યો છે! બે પગ લાંબા અને બે પગ ટૂંકા — એ તે કંઈ જાનવર કહેવાતું હશે?’
કાંગારુને ખૂબ જ લાગી આવ્યું, પણ એ શાન્ત રહ્યું.
હવે વારો આવ્યો જિબ્રાનો. સાહેબ કંઈ બોલે એ પહેલાં જ ગેંડો બોલ્યો: ‘હું ઓળખું છું એ ગમારને! કાયમનો માંદો! છાતી પર પાટા બાંધીને ફરે છે. એને કોઈ સારા દાક્તર પાસે લઈ જવાની જરૂર છે.’
‘મને નહિ, તને!’ એવું જિબ્રા કહેવા જતો હતો, પણ ડેવિડ સાહેબનો ઈશારો થતાં એ ચૂપ થઈ ગયો. ડેવિડ સાહેબની હાજરીમાં કંઈ અઘટતું બોલીએ તો એ ડેવિડ સાહેબનું જ અપમાન કર્યું કહેવાય એવું બધાં પ્રાણીઓ સમજતાં હતાં.
પછી વારો આવ્યો ઊંટનો. સાહેબે કહ્યું: ‘આ સજ્જનનું નામ ઊંટ’
ગેંડો જોરથી હસી પડી કહે: ‘આને તમે સજ્જન કહો છો? એના પગ રાંટા છે, ને પીઠે ખૂંધ નીકળેલી છે. પૂંછડી કોઈ અડધી કાપી ગયું છે!’
ઊંટ સ્વભાવે ખૂબ સહિષ્ણુ હતો, એટલે કંઈ બોલ્યો નહિ. પછી સાબરનો વારો આવ્યો. ગેંડાએ પૂછ્યું: ‘આ સજ્જન કે દુર્જન?’
ડેવિડ સાહેબે કહ્યું: ‘સજ્જન!’
આ સાંભળી ગેંડો જોરથી હસી પડ્યો. કહે: ‘સજ્જનના માથા પર ઝાડ ઊગતાં હશે, નહિ? ઝાડ એક નહિ, બે! અને તેય ફળફૂલ વગરનાં! સૂકાં ઠૂંઠા! ખરો સજ્જન!’
પછી વારો આવ્યો હરણનો. સાહેબે કહ્યું: ‘દોડવામાં એક્કો છે!’
ગેંડાએ હસીને કહ્યું: ‘બીને ભાગવામાં એક્કો! પગ કેવા પાતળા છે! ડૂબી મર! ડૂબી મર!’
હરણ મનમાં બોલ્યો: ‘તું જ ડૂબી મર!’
હવે વારો આવ્યો વાંદરાનો. સાહેબે કહ્યું: ‘મહાન કપિ વંશમાં એનો જન્મ થયેલો છે.’
ગેંડાએ કહ્યું: ‘એની લાંબી પૂંછડી જોઈને તમે એમ કહેતા હો તો એ તમારી ભૂલ છે.’
વાંદરાનો મિજાજ ગયો. તેણે દાંતિયા કરી ગેંડાને કહ્યું: ‘અલ્યા, ડેવિડ સાહેબની ભૂલ કાઢનારો તું કોણ?’
ગેંડાને પહેલી જ વાર મોં પર સંભળાવનારો મળ્યો. તેણે ગુસ્સે થઈ ડેવિડ સાહેબને કહ્યું: ‘આ બુઢિયો સજ્જનો ભેગો રહેવાને લાયક નથી!’
હવે વારો આવ્યો સસલાનો. ગેંડો કહે: ‘છે તો અમથું મૂઠી જેવડું ને કાન કેટલાં લાંબા છે! હું કહું છું કે આ કાન એના નથી, એ કોઈના ચોરી લાવ્યો છે.’
હવે નાનાં પ્રાણીઓ આવતાં હતાં, એટલે ગેંડાએ કહ્યું: ‘આવાં મગતરાંને મળવામાં મને રસ નથી!’
ડેવિડ સાહેબે કહ્યું: ‘ભલે, પણ હવે એક મોટા પ્રાણીને મળવાનું બાકી રહે છે!’
‘તો ચાલો ત્યાં!’ ગેંડાએ કહ્યું.
પ્રાણીબાગમાં એક મોટો આયનો હતો. બાગનાં બધાં પ્રાણીઓ જાણતાં હતાં કે એમાં જોનારનું પ્રતિબિંબ પડે છે. કોઈ કોઈ વાર આયનાનાં મોં જોઈ તેઓ એકબીજાની મજાક પણ કરતાં.
ડેવિડ સાહેબ ગેંડાને આયના આગળ લઈ ગયા. પછી ‘આ રહ્યું એ જાનવર!’ કહી પોતે આઘા ખસી ગયા ને આયના પરનો પડદો ખસેડી નાખ્યો. ગેંડાએ આયનામાં પોતાનું પ્રતિબિંબ જોયું. એ સમજ્યો કે આ કોઈ નવું પ્રાણી છે. એના સ્વભાવ પ્રમાણે એણે તરત એ પ્રાણીની ઠેકડી શરૂ કરી: ‘અરે, આ વળી કયું જાનવર છે? સાવ કાળું ભૂત છે; પગ તો જાણે છે જ નહિ! પૂંછડીયે ક્યાં છે? અને એના કપાળમાં આ શું છે? શિંગડું? હત્તારીની!’
એ આમ બોલતો જાય ને હસતો જાય! કહે: ‘એનું નાક તો જુઓ! મોં તો જુઓ! હું સાચું કહું છું, સાહેબ, આવું કદરૂપું જાનવર મેં દુનિયામાં ક્યાંય જોયું નથી. હું હોડ બકી કહું છું કે જેવું એનું રૂપ છે એવી જ એનામાં અક્કલ હશે!’
પછી કહે: ‘હેં સાહેબ, શું નામ આ જાનવરનું?’
ડેવિડ સાહેબે ધીરેથી કહ્યું: ‘ગેંડો!’
હવે બધાં પ્રાણીઓ જોરથી હસી પડ્યાં ને બોલ્યાં: ‘એ તું છે! એ તું છે!’
ગેંડો દયામણું મોં કરી ડેવિડ સાહેબની સામે જોઈ રહ્યો. હવે ડેવિડ સાહેબ સિવાય કોઈ જ એને આશ્વાસન આપે એવું નહોતું!
[‘ઢમ ઢમ ઢોલકીવાળો’]