એક હતો કાગડો અને એક હતી કાગડી. એમને સારું સારું ખાવા-પીવાનો બહુ શોખ હતો. ક્યાંક જમણવાર થતો હોવાનું સાંભળે તો તરત જ તેઓ ત્યાં પહોંચી જાય.
એક વાર દરિયાકિનારે મોટી ઉજાણી થતી હોવાના તેમને ખબર મળ્યા. તરત બંને ઊપડ્યાં ને દરિયાકિનારે પહોંચી ગયાં.
તે વખતે ઉજાણી પૂરી થઈ ગઈ હતી અને છાંડેલા અન્નવાળી પતરાળીઓ પડેલી હતી.
કાગડો ને કાગડી એ પતરાળીઓ પર ઊતરી પડ્યાં. બંને જણે ખૂબ ખાધું, ખૂબ ખાધું. ખાઈને એટલો ધરાવો થયો કે બંનેને દરિયામાં નાહવાનું મન થયું.
બંને દરિયામાં નાહવા પડ્યાં. કિનારાનાં મોજાંમાં છબ છબ કરે, પાણી ઉડાડે ને મજા કરે.
અચાનક એક મોટું મોજું આવ્યું ને કાગડી એમાં સપડાઈ. કાગડો કંઈ સમજે એ પહેલાં તો કાગડી મોજામાં ઘસડાઈ ગઈ ને ઘડીકમાં દરિયાના ઊંડા પાણીમાં અદૃશ્ય થઈ ગઈ.
કાગડાએ બૂમ પાડી: ‘અલી ઓ કાગડી! તું ક્યાં છે?’
પણ કાગડી ક્યાં હતી તે બોલે?
બહુ વાર થઈ, પણ કાગડી પાછી આવી નહિ. હવે કાગડાને વહેમ પડ્યો કે કાગડીને દરિયો ગળી ગયો લાગે છે. તેણે કૉ કૉ કરી મોટેથી રોવા માંડ્યું: ‘દોડો રે દોડો! આ ભૂંડો દરિયો મારી કાગડીને હરી ગયો તે પાછી આપતો નથી!’
ઘડીકમાં એણે એવી રોકકળ કરી મૂકી કે એનો અવાજ સાંભળી એની આખી નાતના કાગડા ત્યાં દોડી આવ્યા ને એની સાથે સહાનુભૂતિમાં રોકકળ કરવા લાગી ગયા.
રડીરડીને બધા થાક્યા ત્યારે એક જુવાન કાગડાએ કહ્યું: ‘આમ રડવાથી કંઈ દરિયો કાગડી પાછી નહિ આપે. કાગડી પાછી લેવી હોય તો જોર દેખાડવું પડશે, જોર!’
એને એક અનુભવી વૃદ્ધ કાગડાએ ટેકો આપ્યો ને કહ્યુું: ‘એક વાર એક ટીટોડીનાં બચ્ચાંને દરિયો હરી ગયો હતો, ત્યારે ટીટોડી થઈ ભૂંડી. એણે દરિયો ઉલેચી ખાલી કરી નાખવાની ધમકી આપી. દરિયો તરત ડાહ્યાડમરો થઈ ગયો ને એનાં બચ્ચાં પાછાં આપી ગયો!’
‘તો આપણે પણ આપો ધમકી કે કાગડી પાછી આપ, નહિ તો અમે તને ખાલીખમ કરી નાખશું!’ એક જુવાન કાગડાએ કહ્યું:
બધા કાગડાઓએ ત્રણ વાર કા! કા! કા! કરી આ વાતને ટેકો આપ્યો.
તરત જ દરિયાને નોટિસ આપી દેવામાં આવી કે દશ ગણતામાં અમારી કાગડી પાછી દઈ દે. નહિ તો તારું આવી બન્યું જાણજે!
આમ કહી જુવાન કાગડાએ દસ ગણવા માંડ્યા: ‘એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, અને દ…શ!’
દસ ગણાઈ ગયા. હમણાં દરિયો કાગડીને કિનારા પર લાવીને મૂકી જશે એ આશાએ બધા દરિયા પર ટાંપી રહ્યા હતા. પણ એવું કશું બન્યું નહિ ત્યારે પેલા જુવાન કાગડાએ કહ્યું: ‘લડાઈ કર્યા વિના હવે છૂટકો નથી. દુશ્મનને જોર બતાવ્યા વિના ચાલવાનું નથી!’
તરત બધા કાગડા બોલી ઊઠ્યા: ‘અમે તૈયાર છીએ. એ દુષ્ટ દરિયો શું સમજે છે એના મનમાં! અમે હમણાં એને ખતમ કરી નાખીશું.’
‘તો ચાલો, માંડો ખાલી કરવા! એક, દો, તીન!’ કહી જુવાન કાગડાએ યુદ્ધ જાહેર કર્યું.
બધા કાગડા હવે દરિયાનું પાણી ચાંચમાં ભરી કિનારા પર આવીને ઠાલવવા લાગ્યા. પાંચ-પચીસ વખત એમણે આમ કર્યું. દરિયાના ખારા પાણીથી એમનાં મોં ખરાબ થઈ ગયાં ને તેઓ ઘડીએ ઘડીએ થૂ થૂ કરવા લાગ્યા. પણ કોઈ ડગ્યા નહિ. તેમણે ચાંચે ચાંચે દરિયો ખાલી કરવાનું ચાલું રાખ્યું.
એટલામાં પેલા જુવાન કાગડાએ આનંદમાં આવી જઈ જાહેર કર્યું કે દરિયો એક વેંત ખાલી થઈ ગયો છે. આખો ખાલી થવાને બહુ વાર નથી!
વાત એમ હતી કે હવે ઓટનો વખત થયો હતો, ને ઓટને લીધે ધીરે ધીરે દરિયાનું પાણી પાછું હઠતું જતું હતું. જુવાન કાગડો બહુ ભણેલો ગણેલો ને હોશિયાર હતો. પાણી ક્યાં સુધી હતું ને હવે ક્યાં સુધી છે તેની તે બરાબર ખબર રાખતો હતો. વળી થોડી વાર ચાંચે દરિયો ખાલી કરવાનું ચાલ્યું. કેટલાક કાગડા ચાંચમાં પાણી ભરી કિનારા પર ઠાલવતા હતા ને બીજા એના કરતાં વધારે કાગડા — કદાચ બમણા, કદાચ ચારગણા, પાણી ઉપર ઊડતા રહી આ કામ કરનારા કાગડાઓમાં ઉત્સાહ પ્રેરતા હતા ને બૂમો પાડતા હતા:
‘દરિયાનું હવે આવી બન્યું! ઘડીકમાં ખાલીખમ, પછી જોઈ લો મજા!’
આવું કેટલોક વખત ચાલ્યું. વળી પેલા જુવાન કાગડાને કિનારાની માપણી કરી. અને આનંદનો ઠેકડો મારી જાહેર કર્યું: ‘પાણી ચાર વેંત હાઠ્યું! દરિયો હાર્યો! દરિયો હાર્યો!’
બધા કાગડાઓએ આ પોકાર ઝીલી લીધો.
થોડી વારે ફરી જુવાન કાગડાએ આવીને જાહેર કર્યું કે દરિયો બીનો પાછો હઠે છે! આપણી ધમકીની એના પર અસર થવા માંડી છે!
આમ કેટલાક કલાક ગયા. દરિયાનું પાણી દૂર ચાલી ગયું હતું; ને દરિયાના પાણીની પટ્ટી માત્ર ક્ષિતિજમાં દેખાતી હતી.
જુવાન કાગડો કહે: ‘હવે દરિયાનું આવી બન્યું! આપણે એને એવો ખાલી કરી નાખ્યો છે કે હવે આપણી માફી માગી આપણા શરણે આવ્યા વિના એનો છૂટકો નથી.’
એ રાતે કાગડાઓએ કિનારા પરનાં ખજૂરીનાં વૃક્ષો પર જ પોતાનો મુકામ રાખ્યો. પણ પાછલી રાતે અચાનક ભયાનક અવાજ સાંભળી તેમની ઊંઘ ઊડી ગઈ.
સૌએ નજર કરી જોયું તો દૂરથી દરિયો ઘૂઘવાટા કરતો એમની સામે દોડતો આવતો હતો.
આ શું? આને તો આપણે ખાલી કરી નાખ્યો હતો ને એટલામાં એ કેવી રીતે ભરાઈ ગયો?
જુવાન કાગડાએ કહ્યું: ‘હમણાં હું એને પડકારું છું!’
એણે આગળ આવી દરિયાને પડકાર ફેંક્યો:
ખબરદાર, કહું છું, ત્યાં જ રહેજે! નહિ તો તારી ખેર નથી!
પણ ઘૂઘવાટ તો વધતો જ રહ્યો, અને થોડા વખતમાં તો છેક ખજૂરીનાં ઝાડનાં મૂળ સુધી દરિયાનું પાણી આવી ગયું.
ફરી કાગડાઓની નાત મળી. આ વખતે પેલા વૃદ્ધ અનુભવી કાગડાએ સભાનું પ્રમુખસ્થાન લીધું. બધાએ ખૂબ જોરશોરથી ચર્ચાઓ કરી. કેટલી મહેનતે પોતે દરિયો ખાલી કરી નાખ્યો હતો, ને એને ભીંસમાં લીધો હતો તે જુવાન કાગડાએ જાહેર કર્યું. છેવટે પ્રમુખસ્થાનેથી વૃદ્ધ કાગડાએ કહ્યું કે ફરી પાછો દરિયો કયાંકથી વધારે પાણી લઈને આવી પહોંચ્યો છે, એટલે એની પાછળ મને એની કંઈક મતલબ લાગે છે! મને લાગે છે કે એ આપણને અરજ કરે છે, ને કાકલૂદી કરી કહે છે કે બાપ, ખમૈયા કરો! હું તમારી ગાય છું.’
‘ખરી વાત! ખરી વાત!’ એકદમ આખી સભાએ અવાજ કર્યો.
વળી પેલો જુવાન કાગડો ઊભો થયો. તેણે સભા વચ્ચોવચ્ચ ગુમ થયેલી કાગડીના વરને ઊભો કરી પૂછ્યું: ‘તમારી કાગડી રૂપેરંગે કેવી હતી?’
‘ખૂબ રૂપાળી! કાળી મેંશ તો એની આગળ કાંઈ નથી!’ કાગડી-પતિએ કહ્યું.
જુવાને બીજો પ્રશ્ન કર્યો: ‘એનો કંઠસ્વર કેવો હતો?’
‘ખૂબ જ મધુર! કોયલ તો એની આગળ પાણી ભરે!’ કાગડી-પતિએ કહ્યું.
જુવાન કાગડાએ ત્રીજો સવાલ પૂછ્યો: ‘એને નૃત્યનો શોખ ખરો?’
કાગડી-પતિએ કહ્યું: ‘પૂરેપૂરો! નૃત્યમાં એની તોલે આવે એવી કોઈ બીજી કાગડી આ મલકમાં નથી.’
ઘણી કાગડીઓ આ શબ્દોનો વિરોધ કરવા ઊંચીનીચી થઈ; પણ પ્રમુખ સાહેબે ‘ઑર્ડર! ઑર્ડર!’ કરી સભામાં શાંતિ સ્થાપી.
હવે પેલા જુવાન કાગડાએ પોતાની આ પ્રશ્નોત્તરીનું રહસ્ય ખોલ્યું. તેણે કહ્યું: ‘હું પૂછું છું, પ્રમુખ સાહેબ, કે આવી રૂપાળી, મધુરકંઠી, કલાકાર કાગડીનાં નાચગાન સાંભળવાનું દરિયાને મન થાય કે નહિ?’
તરત પ્રમુખે ચુકાદો આપ્યો: ‘જરૂર થાય.’
ત્યારે જુવાન કાગડાએ કહ્યું: ‘તો એ જ થયું છે! બોલો, આથી આપણું કાગ-સમાજનું માન વધ્યુ કે ઘટ્યું? આમાં હવે દરિયા પર ગુસ્સે થવા જેવું ખરું? જે આપણું માન વધારે તેના પર શું આપણને ગુસ્સે થશું? શું આપણામાં એટલું ડહાપણ નથી?’
તરત જ બધાએ જાહેર કર્યું કે કાગડા જેવું ડહાપણ દુનિયામાં એક માત્ર કાગડામાં છે.
પછી સૌએ આવી રૂપાળી મધુરકંઠી કલાકાર કાગડીને દરિયાના દરબારમાં માનભર્યું સ્થાન મળવા બદલ તેના પતિ કાગડાને અભિનંદન આપ્યાં.
કાગડો પણ ખુશ થઈ ગયો.
[લાડુની જાત્રા]