૨. ગલો ને ગલી

ગલો ખૂબ ગરીબ હતો. ગામ છેવાડે ઝૂંપડી બાંધી એ રહેતો હતો અને મહેનત-મજૂરી કરી કુટુંબનું પોષણ કરતો હતો.

એકવાર દેશમાં દુકાળ પડ્યો. મજૂરીનું કામ મળવું પણ મુશ્કેલ બની ગયું. ગલાને એક દીકરો હતો. એનું નામ ભલો. ભલો એક વાર જંગલમાંથી લાકડાં વીણી તેની ભારી માથે લઈ ઘેર આવતો હતો ત્યાં રસ્તામાં એણે કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. ભલાને થયું કે કોઈ મારા જેવું દુ:ખી લાગે છે. તેણે આસપાસ જોયું, પણ કોઈ દેખાયું નહિ. એ આગળ ચાલી જવાનું કરતો હતો ત્યાં ફરી રડવાનો અવાજ સંભળાયો. માથે ભારી સાથે ભલાએ ઝાડીમાં જઈને જોયું તો એક હરણનું બચ્ચું ઊભું ઊભું રડતું હતું.

ભલાએ એની પાસે જઈ એના માથા પર હાથ ફેરવતાં કહ્યું: ‘મા વિનાનું છે એટલે રડે છે ને તું? ભૂખ લાગી હશે, તરસ લાગી હશે, નહિ? તો ચાલ મારી જોડે! રહે, તને તેડી લઉં!’

ભલો હરણીના બચ્ચાને તેડીને ઘેર લઈ આવ્યો.

ગલો કહે: ‘બેટા, તું આને લાવ્યો તો ભલે લાવ્યો, પણ એને ખવડાવીશું શું?’

ભલો કહે: ‘બાપડું રડતું હતું!’

ગલી કહે: ‘તો તો રાખો!’

ગલાએ પણ કહ્યું: ‘રાખો ત્યારે!’

હરણને ગલાની ઝૂંપડીમાં એક ખૂણો મળી ગયો. એ ભાલાનો ખૂણો હતો.

ભલો ગાઉ બેગાઉનો ફેરો કરી હરણ માટે સારું ઘાસપાંદડું લઈ આવે ને એને વહાલથી ખવડાવે. હરણ પણ ભલાને સામું એવું જ વહાલ કરે.

દુકાળનું જોર વધતું હતું. બે દિવસે એક ટંક ખાવાનું મળે તો ભાગ્ય!

એક દિવસ ગલીએ કહ્યું: ‘આપણે હવે હરણને એના નસીબ પર જંગલમાં છોડી દઈએ! બાપડું આપણા ભેગું ભૂખે મરે છે!’

ગલો કહે: ‘એમ કરવા કરતાં એને વેચી દઈએ તો એ પૈસામાંથી આપણા થોડા દિવસ ટૂંકા થાય! અને લઈ જનારો હરણને સંભાળશે!’

આ સાંભળી ભલાની આંખોમાં આંસુ આવી ગયાં. એ જોઈ ગલી બોલી ઊઠી: ‘બોલ્યા, વેચી દઈએ! કાલે તો તમે કહેશો કે ભલાને વેચી દઈએ તો એ પૈસામાંથી આપણો મહિનો ટૂંકો થાય!’

વાત ત્યાં અટકી.

થોડા દિવસ જેમ તેમ વીત્યા. હવે ભલો પોતે ભૂખ્યો રહીને યે હરણનું પેટ ભરી શકતો નહોતો. એવામાં રસ્તે જતા એક ઘોડેસવારે આ હરણ જોયું, એને હરણ ગમી ગયું. તેણે ગલાને કહ્યું: ‘આ હરણ મને આપો. તમે માગો તે આપું! તમેય સુખી થશો ને હરણ પણ સુખી થશે!’

આ વખતે ગલીએ પણ મન કાઠું કર્યું. ભલાનું હ્ય્દય વલોવાઈ જતું હતું. પણ હરણના સુખનો વિચાર કરી એણેય મન કાઠું કર્યું. પણએ હરણને ઘોડેસવારના હાથમાં સોંપવા ગયો ત્યાં હરણની આંખોમાંથી દડ દડ દડ આંસુ વહી ચાલ્યાં. ભલો દોડીને હરણને વળગી પડ્યો. ગલી રડી પડી. ગલો બોલી પડ્યો: ‘હરણ નથી વેચવું.’

ઘોડેસવારે કહ્યું: ‘દુકાળમાં લોકો પેટનાં છોકરાંનેય વેચે છે!’

ગલી બોલી: ‘દુકાળ પીટ્યો છેય એવો! પણ અમારે હરણ નથી વેચવું!’

ઘોડેસવારે કહ્યું: ‘તો ખાશો શું? ખવડાવશો શું? આમ તો તમેય ભૂખે મરી જશો અને હરણેય મરી જશે!’

કોઈ કંઈ બોલ્યું નહિ.

ઘોડેસવાર થોડી વાર થોભ્યો, પછી ચાલી ગયો.

એ દિવસે પવનનું ભારે તોફાન જાગ્યું. આજે કોઈના પેટમાં અનાજનો એક દાણો પડ્યો નહોતો. બધાં કોકડું વળી ઝૂંપડામાં ભરાયાં હતાં. ત્યાં કોઈના કણસવાનો અવાજ આવ્યો. ગલો ને ગલી ઝૂંપડીમાંથી બહાર આવી જુએ તો એક ડોશી ઝાડ નીચે પડી પડી કણસતી હતી. બંને જણ એને ઊંચકીને ઝૂંપડીમાં લઈ આવ્યાં. ડોશી ટાઢે ફફડતી હતી. ભલો કહે: ‘મારી પેલી ભારી વેચાયા વગરની પડી છે તેનું તાપણું કરો.’

તાપણું થયું, ડોશીની ટાઢ ઊડી. તેને કળ વળી. પેટનો ખાડો બતાવી તે બોલી: ‘કેટલાય દિવસની ભૂખી છું.’

ગલો, ગલી ને ભલો એકબીજાનાં મોં સામે જોઈ રહ્યાં. ઘરમાં અનાજનો એક દાણો નથી, કરવું શું? ડોશીને ઘરમાં આશ્રય આપ્યા પછી એ ભૂખી મરી જાય એ પણ સારું નહિ.

બહુ વારે ભલો બીતો બીતો બોલ્યો: ‘હરણ પેલા ઘોડેસવારને વેચી દઈએ!’ માન્યામાં ન આવતું હોય એમ ગલો ને ગલી ભલાની સામે જોઈ રહ્યાં. બરાબર એ વખતે બહાર ઘોડાના ડાબલા સંભળાયા. જાણે કોઈ લશ્કર ચડી આવ્યું હોય એવો મોટો અવાજ હતો. ગલો, ગલી ને ભલો ત્રણે એકસાથે બારણું ઉઘાડીને બહાર આવ્યાં. સામે જ પેલો ઘોડેસવાર ઊભો હતો. ત્રણેએ એકસાથે કહ્યું: ‘હરણ લઈ જાઓ!’

ઘોડેસવારને નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘આમ એકાએક શાથી વિચાર બદલાયો?’

ખચકાતાં ખચકાતાં ગલા — ગલીએ ડોશીમાની વાત કરી.

હવે ઘોડેસવારે કહ્યું: ‘ગલા, ન ઓળખ્યો મને? હું આ દેશનો રાજા છું. દુકાળમાં મારી રૈયતના શા હાલ છે તે હું ગામેગામ ફરીને જોઉં છું ને તેમને થાય તે મદદ કરું છું.’ આમ કહી એણે સાથે આવેલા માણસોને ઇશારો કર્યો. એ લોકો અનાજનો કોથળો ઊંચકીને આગળ આવ્યા. રાજાએ કહ્યું: ‘ગલા, આ તારા માટે છે.’

ગલાએ કોથળામાંથી અનાજનો એક ખોબો ભરી લઈ કહ્યું: ‘આટલું મારે બસ છે, ઘેર મહેમાન છે, એને જિવાડવાનો છે.’

પણ રજાએ આખોયે કોથળો ગલાના ઝૂંપડામાં મુકાવ્યો. તોયે ગલાએ કહ્યું: ‘મારે તૈયાર રોટલો નથી જોઈતો, મહારાજ! મારે તૈયાર શ્રમ જોઈએ છે, હું શ્રમ કરીશ અને મારા હાથે મારો રોટલો કમાઈ લઈશ.’

ગલીએ અને ભલાએ પણ આવું જ કહ્યું.

રાજાએ એમની વાતનો સ્વીકાર કર્યો. તેણે ગામેગામ શ્રમનાં કામ શરૂ કરાવવાનો સંકલ્પ કર્યો.

ગલો, ગલી, ભલો ને હરણ ને ડોશી તો બચી ગયાં. પણ એમની સાથે બીજા અસંખ્ય માણસો અને જાનવરો બચી ગયાં.

[લાડુની જાત્રા]

License