૫૦. પદમણી

એક રાજા હતો.

એક વાર એ શિકાર કરવા નીકળ્યો હતો, ત્યાં એના માણસોથી એ છૂટો પડી ગયો. અને રસ્તો ભૂલી જંગલમાં ભટકવા લાગ્યો.

એમ કરતાં સાંજ પડી અને અંધારું થયું.

રાજાએ વિચાર કર્યો કે આટલામાં જ ક્યાંય રાતવાસો કરવાની જગા જડી જાય તો બસ!

નજીકમાં ક્યાંય વસ્તી નહોતી, પણ દૂર એક ઝૂંપડી એની નજરે પડી. રાજા એ ઝૂંપડી આગળ જઈને ઊભો.

ઘોડા પરથી ઊતરી તેણે ઝૂંપડીના બારણા આગળ જઈ બૂમ પાડી: ‘આજની રાત અહીં આશરો મળશે?’

ઝૂંપડીમાંથી એક માણસે જવાબ દીધો: ‘મળશે, જે હોય તે અંદર આવો!’

રાજા ઝૂંપડીમાં દાખલ થયો. એનાં વસ્ત્રોભૂષણો પરથી ઘરધણી સમજી ગયો કે આ કોઈ મોટો માણસ છે. તેથી છોભીલા પડી એણે કહ્યું: ‘આપના જેવાનો સત્કાર કરવાની મારામાં તાકાત નથી! હું તો ગરીબ માણસ છું.’

રાજા પણ વિચારમાં પડી ગયો હતો કે અહીં કેમ ફાવશે? પણ અત્યારે બીજે ક્યાંય જવાય એવું નહોતું. એટલે તેણે કહ્યું: ‘ચિંતા ન કરો! મને તો તમે ઘરમાં આવવા દીધો એ જ ઘણું છે!’ આમ કહી રાજા ભોંય પર જ બેસી ગયો.

ઘરધણીએ એને રોટલો ને ગોળ પીરસ્યા. તે એણે ખાઈ લીધા. પછી ઘરધણીએ સૂવા માટે કોથળો પાથરી દીધો, છત્ર પલંગમાં મશરૂની ગાદી પર સૂનાર રાજાને ભોંય પર કોથળાની પથારીમાં ઊંઘ કેમ આવે? એટલે એ પડખાં બદલતો રહ્યો. પણ ઘરધણી અને એની સ્ત્રી ઘસઘસાટ ઊંઘતાં હતાં.

ઘોડિયામાં ધાવણું છોકરું સૂતું હતું. ઘરધણિયાણી બાઈ ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી એને ઝુલાવતી હતી.

મધરાત થઈ, તો ય રાજાની આંખમાં ઊંઘ નથી. એવામાં એકાએક ઝૂંપડીમાં કંઈ ચમકારો થયો, રાજાએ ઝૂંપડીમાં ત્રણ સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ.

રાજાએ પૂછ્યું: ‘હે બાઈઓ, તમે કોણ છો? ને અહીં કેમ આવી છો?’

એક સ્ત્રીએ કહ્યું: ‘હું રૂપની દેવી છું. આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું.’

બીજીએ કહ્યું: ‘હું સુખ-સમૃદ્ધિની દેવી છું. હું પણ અહીં આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું.’

ત્રીજીએ કહ્યુું: હું વિધાત્રી છું. હું બાળકીના નસીબનો લેખ લખવા આવી છું’

પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપી કહ્યું: ‘દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી થશે!’

સુખ-સમૃદ્ધિની દેવીએ કહ્યું: ‘એ રાજરાણી બની સિંહાસન પર બિરાજશે!’

છેલ્લે વિધાત્રીએ કહ્યું: ‘અહીં જે રાજા હાજર છે તેના દીકરાને એ પરણશે!’

આ સાંભળી રાજા ચમક્યો: ‘ખોટી વાત! એવું કદી નહિ બને! રાજકુંવર રાજકુંવરીને જ પરણશે!’

પણ એના આ શબ્દોનો જવાબ દેવા કોઈ ત્યાં હાજર નહોતું. ત્રણે દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી.

બાકીની રાત પણ રાજા ઊંઘી શક્યો નહિ. ફરી ફરીને એ મનમાં એકની એક વાતનું રટણ કરવા લાગ્યો કે રાજકુંવર રાજકુંવરીને જ પરણશે! મારો દીકરો આવા ભિખારીની છોકરીને નહિ પરણે, કદાપિ નહિ પરણે!

હોઠ પીસી ને બોલ્યો: ‘હું એવું નહિ થવા દઉં!’

શું કરવું તેનો તેણે મનમાં વિચાર કરી લીધો. સવાર થતાં તેણે ઘરધણીને પોતાની ઓળખાણ આપી. એ સાંભળીને ધણી-ધણિયાણી રાજાને પગે લાગ્યાં ને હાથ જોડી કરગરવા લાગ્યાં: ‘મહારાજ, અમને માફ કરો! અમે આપને ખૂબ તકલીફ આપી છે!’

રાજાએ કહ્યું: ‘ના રે ના, તમે મારી સારી સરભરા કરી છે, અને હવે હું એનો બદલો કેવી રીતે વાળવો તેનો વિચાર કરું છું. તમે તમારી આ દીકરી મને આપો — હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ! એમ કરી તમારું ઋણ અદા કરીશ!’

એકની એક દીકરીને છોડવાનું ગરીબ માબાપને મન નહોતું, પણ રાજાને ના કહેવાય નહિ, વળી દીકરી ગરીબ ઘરમાં ઠેબાં ખાતી ઊછરે તેના કરતાં રાજમહેલમાં ખૂબ સારી રીતે ઊછરે એ દીકરીના હિતની દૃષ્ટિએ સારું હતું. તેથી મન કાઠું કરી છેવટે તેમણે પોતાની છોકરી રાજાના હાથમાં સોંપી.

ગરીબ માબાપે કહ્યું: ‘મહારાજ, આ ગરીબનું ધન તમને સોંપીએ છીએ!

રાજાએ કહ્યું: ‘તમે હવે એની જરાયે ચિંતા ન કરતાં!’

પછી એ ગરીબ પતિપત્નીની વિદાય લઈ, રાજા છોકરીને લઈને ઘોડા પર બેસી વિદાય થઈ ગયો.

પણ એના મનની વાત કંઈ જુદી જ હતી. તેનો વિચાર છોકરીને ઉછેરવાનો નહિ, પણ છોકરીનું કાસળ કાઢી નાખવાનો હતો. તેથી થોડાંક ગાઉ ગયા પછી તેણે છોકરીને લૂગડાંમાં લપેટી ઝાડીમાં ફેંકી દીધી. એને ખાતરી હતી કે જંગલી જાનવર એને ફાડી ખાશે. તે પછી રાજા પોતાને ઘેર પહોંચી ગયો.

*

હવે એવું બન્યું કે એક ખેડૂત હળનું લાકડું ખોળવા જંગલમાં ફરતો હતો. ફરતાં ફરતાં એણે ઝાડીમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. એને નવાઈ લાગી કે અહીં બાળક ક્યાંથી? એટલે કુતૂહલથી પ્રેરાઈ એ તપાસ કરવા ગયો. ઝાડીમાં જઈને જુએ તો નાનકડી રૂપાળી છોકરી! ખેડૂતને કંઈ છોકરાં નહોતાં. એટલે અચાનક મળી ગયેલી આ બાળકીને જોઈ એને અત્યંત આનંદ થયો. બધું કામ પડતું મૂકી એ છોકરીને લઈને સીધો ઘેર પહોંચી ગયો ને છોકરીને પત્નીના ખોળામાં મૂકી દીધી.

ખેડૂતની સ્ત્રી તો રૂપાળી બાળકી જોઈ ગાંડી ગાંડી બની ગઈ. એ કહે: ભગવાને મારા પર મહેર કરી.’

બાળકી ખેડૂતને ઘેર મોટી થવા લાગી. ખેડૂતે એનું નામ પાડ્યું પદમણી.

પદમણી ચાર વરસની થઈ ને આંગણામાં રમતી હતી, ત્યાં એક વાર રાજા ઘોડેસવાર થઈને ત્યાંથી નીકળ્યો. નાનકડી પદમણીને જોઈ રાજા ઘોડો થંભાવી ઊભો રહ્યો. એણે પૂછ્યું: ‘તું કોની દીકરી છે?’

પદમણીએ જરાયે શરમાયા વગર બોલી નાખ્યું: ‘મારા બાપાની!’

રાજાએ હસીને કહ્યું: ‘બાપાની? બાની નહિ?’

પદમણીએ કહ્યું: ‘ત્યારે બાની!’

રજાને આ છોકરીના જવાબથી આનંદ થયો. તેણે કહ્યું: ‘ચાલ, મને તારે ઘેર લઈ જા!’

‘ચાલો!’ કહી છોકરી રાજાનો હાથ ઝાલી તેને પોતાને ઘેર લઈ આવી. રાજાને ઘેર આવેલો જોઈ ખેડૂત પતિ-પત્ની બહાવરાં બની ગયાં. રાજા કહે: ‘તમારી છોકરી બહુ ડાહી છે.’

ખેડૂતે કહ્યું: ‘બધી ઈશ્વરની લીલા છે! અમારા નસીબમાં છોકરું નહોતું, પણ ભગવાને કેવું કર્યું! જંગલની ઝાડીમાંથી મને આ છોકરી જડી!’

આ સાંભળી રાજા ચમક્યો. તેણે વાત કાઢવવા પૂછ્યું: ‘ઝાડીમાંથી છોકરી જડી? કઈ ઝાડીમાંથી? ક્યારે જડી? ઝાડીમાં છોકરીઓ જન્મતી હોય એવું મેં કદી સાંભળ્યું નથી!’

ખેડૂતે કહ્યું: ‘ઝાડીમાં શું જન્મે? પણ લૂગડામાં વીંટી કોઈએ એને ઝાડીમાં નાખી દીધેલી! હજી એ લૂગડું મારી પાસે છે!’

આમ કહી એણે લૂગડું કાઢી રાજાને દેખાડ્યું અને કઈ ઝાડી તે પણ કહ્યું.

રાજાને ખાતરી થઈ ગઈ કે આ જ પેલી છોકરી!

વળી એનું મન વિચારે ચડી ગયું. મનમાં કંઈક ગોઠવી એણે કહ્યું: ‘આવી હોશિયાર ને રૂપાળી છોકરી અહીં ગામડામાં ઊછરે તેના કરતાં રાજમહેલમાં ઉછરે તે સારું, નહિ? મારી ઇચ્છા એને મારા મહેલમાં ઉછેરવાની છે!’

ખેડૂત પતિ-પત્નીને આવાત ગમી નહિ. તેમણે કહ્યું: ‘અમે એની ખૂબ સંભાળ લઈએ છીએ!’

રજાએ કહ્યું: ‘તોય તમારી પાસે નોકરચાકર તો નહિ ને? આ તો રાજરાણી થાય એવી છોકરી છે. એને શોભતી રીતે ઉછેરવી જ જોઈએ!’

છતાં ખેડૂત પતિ-પત્નીએ હા ન પાડી, ત્યારે રાજાએ કહ્યું ‘જુઓ, આ છોકરી કંઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી ચીજ જેમ રાજ્યની ગણાય, તેમ આ છોકરી પણ રાજ્યની ગણાય! રાજ્યમાં સોંપવાને બદલે તમે તેને તમારે ઘેર રાખી એ તમારો ગુનો છે! એ ગુનાની તમને સજા કરી હું છોકરીને લઈ જઈ શકું છું. પણ મારી માગણી સ્વીકારશો તો સજામાંથી તમે બચી જશો!

ખેડૂત પતિ-પત્નીએ જોયું કે રાજીખુશીથી નહિ આપીએ તો જોર કરીને પણ રાજા છોકરીને લઈ જશે. એટલે એમણે એને છોકરી આપી.

છોકરીને લઈને રાજા ઘેર આવ્યો. પણ છોકરીને ઉછેરવાનું તો કેવળ બહાનું હતું. એણે છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ નોકરને હુકમ કર્યો: ‘ખડક પર ચડી આ પેટી દરિયામાં નાખી દે!’

રાજમહેલની પાછળ જ દરિયો હતો, ખડક હતો. રાજાના દેખતાં જ નોકરે ખડક પરથી પેટી દરિયામાં નાખી દીધી. ભરતીનાં ઊછળતાં મોજાંમાં પેટી ઘડીકમાં ક્યાંની ક્યાં અદૃશ્ય થઈ ગઈ.

રાજા કહે: ‘હાશ, પત્યું!’

પેટી તણાતી તણાતી દૂર ચાલી ગઈ અને કોઈ બીજા જ રાજાના રાજ્યમાં જતી નીકળી. તે રાજાની રાણી દરિયાકિનારે ફરવા નીકળી હતી. ચાલતાં ચાલતાં એણે કિનારા પર આ પેટી પડેલી જોઈ. કુતૂહલથી એણે પેટી ઉઘાડી તો પેટીમાં નાનકડી બાલિકા લમણે હાથ દઈને ઊંઘતી હતી!

રાણી એ બાલિકાનું ફૂલ શું મુખ નિહાળી રહી.

એટલામાં બાલિકાએ આંખો ઉઘાડી. રાણીને જોઈ એ હસી. રાણીને લાગ્યું કે મોતી વેરાય છે! સુગંધ લહેરાય છે! એણે નીચી નમી બાલિકાને ચૂમી લીધી. બાલિકા વહાલથી રાણીની ડોકે વળગી પડી.

રાણીએ પૂછ્યું: ‘બેટી શું નામ તારું?’

બાલિકાએ કહ્યું: ‘પદમણી!’

નામ સાંભળી રાણી વધારે રાજી થઈ. કહે: ‘મારી પદમણી ખરેખર પદમણી જ છે!’ એણે એને પોતાની દીકરી કરીને રાખી.

એમ કરતાં બીજાં બાર વરસ વહી ગયાં.

પદમણી હવે સોળ વરસની થઈ.

રાજા-રાણી એનાં લગ્નનો વિચાર કરે છે ત્યાં કોઈ બીજા જ રાજાનો રાજકુંવર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો. પદમણીને જોઈ એ એવો ખુશ થઈ ગયો કે એણે મનથી પ્રતિજ્ઞા કરી નાખી કે પરણું તો બસ, આને જ!

પદમણીને પણ એ રાજકુંવર ગમી ગયો.

રાજકુમારે વિધિપૂર્વક રાજા-રાણી પાસે એમની રાજકુંવરીના હાથની માગણી કરી ત્યારે રાજાએ કહ્યું: ‘રાજકુંવરી? ક્યાં છે રાજકુંવરી?’

રાજકુંવરે કહ્યું: ‘હું આ પદમણીની વાત કરું છું.’

રાજાએ કહ્યું: ‘ઓહ! પણ એ રાજકુંવરી નથી — રાજકુંવરી તરીકે ઊછરેલી છે ખરી! દરિયાકાંઠેથી એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી અમને એ મળી છે! એ ખરેખર કોની દીકરી છે એની અમને ખબર નથી!’

રાજકુંવરે કહ્યું: ‘એ ગમે તેની દીકરી હોય, હું એને પરણીશ!’

રાજાએ કહ્યું: ‘તો અમને વાંધો નથી. જાઓ, જાન લઈને વહેલા આવજો!’

રાજકુંવર ઘેર આવ્યો. ઘેર આવી તેણે પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું. નામે પદમણી ને રૂપે-ગુણે પણ પદમણી છે!’

પદમણી નામ સાંભળીને રાજા ચમક્યો. પદમણીને જેણે દરિયામાં નાખી દીધેલી તે આ જ રાજા હતો. તેણે પૂછ્યું: ‘કોણ છે એ પદમણી? કયા રાજાની દીકરી છે?’

રાજકુંવરે કહ્યું: ‘રાજાની દીકરી નથી, પણ રાજારાણીને ત્યાં ઊછરીને એ મોટી થઈ છે. બાર વરસ પહેલાં દરિયામાં એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી એ હાથ લાગી હતી!’

હવે તાળો બેસી ગયો. રાજાને ખાતરી થઈ ગઈ કે આ જ પેલી ખેડૂતની દીકરી! બીજી વાર મરવા નાખી તો યે એ મરી નહિ!

મનનો અણગમો મનમાં દાબી રાખી રાજાએ કુંવરને કહ્યું: ‘ઠીક છે, હું એ છોકરીની પરીક્ષા કરી જોઉં — મારી પરીક્ષામાં જો એ પાર ઊતરશે તો હું તને લગ્નની રજા આપીશ.’

આમ કહી રાજ રાજકુંવરને લઈને પદમણીવાળા ગામમાં આવ્યો, ત્યાં એણે પદમણીને જોઈ. તે આભો જ બની ગયો. આવડું રૂપ એણે ક્યાંય કદી જોયું નહોતું! એણે પુત્રને કહ્યું: ‘રૂપ છે, એવા ગુણ છે કે નહિ એ જોવું જોઈએ.’

આમ કહી એણે ખિસ્સામાંથી પોતાની મહોરછાપવાળી બે હીરાની વીંટીઓ કાઢી એક રાજકુંવરને અને બીજી પદમણીને ેઆપી કહ્યું: ‘આ વીંટી સાચવજો! ત્રણ દિવસ પછી હું એ જોવા માંગીશ. જો એ વખતે એ વીંટીઓ તમારી બેઉની આંગળીએ હશે તો તમારાં લગ્ન થશે, નહિ તો છેલ્લા રામ રામ!’

રાજકુંવર અને પદમણીને થયું કે આ કંઈ ભારે કામ નથી. વીંટી આંગળીએ છે ને આંગળીએ રહેશે, એને શું થવાનું છે?

પણ રાજાએ યુક્તિ ગોઠવી જ રાખી હતી. તેણે ખૂબ લાલચ આપી પદમણીની એક દાસીને સાધી હતી. રાતે રાજકુંવરી ઊંઘતી હતી ત્યારે દાસીએ એની આંગળીએથી એ વીંટી ઉતારી લીધી અને રાજાને દઈ દીધી. રાતોરાત રાજાએ જાતે જઈને વીંટી દરિયામાં નાખી દીધી!

પછી એ હાશ કરીને બેઠો. બસ, હવે ખેડૂતની દીકરી મારા કુંવરને પરણી રહી! વિધિનો લેખ ખોટો! વિધાત્રી ખોટી!

*

બીજે દિવસે પદમણી જાગીને જુએ તો આંગળીએ વીંટી ન મળે! એણે ચારે બાજુ તપાસ કરી, પણ ક્યાંય વીંટી દેખાઈ નહિ. વખતે બેધ્યાનપણે ક્યાંક મુકાઈ ગઈ હોય એમ સમજી એણે ઘરનો ગોખલે ગોખલો જોઈ નાખ્યો, પણ વીંટી ન મળી. એની આંખોમાં આંસુ આવી ગયાં. ન ખાવું ભાવે, ન પીવું ભાવે, એ રડ્યા જ કરે. રડ્યા જ કરે, હાય, હું નાલાયક સાબિત થઈ! હવે હું રાજકુંવરને નહિ પરણી શકું. નાલાયકીનો અપવાદ માથા પર લઈને હું કેવી રીતે જીવીશ?

આમ બે દિવસ વહી ગયા. પદમણીના દુ:ખનો પાર નથી.

ત્રીજા દિવસની સવાર થઈ. આખી રાત પદમણી ઊંઘી નથી. રડી રડીને એણે ઓશીકું ભીંજવ્યું છે. ચિંતા કરી કરીને હૈયું થીજવ્યું છે. એ મૂઢ બની ગઈ છે, દિશાશૂન્ય બની ગઈ છે. કંઈ કહેતાં કંઈ વાતમાં એને રસ નથી. એનું જીવવું અળખામણું બની ગયું છે.

આજે રાજકુંવરના પિતા વીંટી જોવા માગશે, અને વીંટી ખોવાઈ ગઈ છે જાણી ફિટકાર વરસાવી, રાજકુંવરને લઈ ચાલતા થઈ જશે! રાજકુંવર વચનથી બંધાયો છે. એણે ચાલી જવું પડશે! પછી કદીયે હું એનું મોં જોવા નહિ પામું!

આમ એક તરફ ચિંતા કરી, વલોપાત કરી એ આંસુ વહાવી રહી હતી, તો બીજી તરફ આજે ત્રણ દિવસ પૂરા થતાં વેવિશાળની જાહેરાત થશે એ આશાએ રાજમહેલમાં ભારે મિજબાનીની તૈયારીઓ ચાલતી હતી. પદમણી એ જોતી હતી, ને મનમાં ધ્રૂજતી હતી: કોઈ આ મિજબાની જમવા નહિ આવે, વેવિશાળ થવાનું જ નથી! લગ્ન થવાનું જ નથી!

એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈ લઈને બૂમો પાડતી આવી: ‘પદમણીબા! જુઓ જુઓ, આ શું છે?’

પદમણીએ જોયું તો એ એની ખોવાયેલી વીંટી હતી. તરત જ એણે વીંટી લઈને પોતાની આંગળીએ ચડાવી દીધી અને ગળામાંથી નવલખો હાર કાઢી એ બાઈની ડોકમાં પહેરાવી દીધો.

બાઈ કહે: ‘આટલું બધું? એવું તે શું છે આ વીંટીમાં?’

પદમણીએ કહ્યું: ‘પહેલું તો તું એ ક્યાંથી લાવી એ કહે!’

બાઈએ કહ્યું: ‘માછલી સમારતાં એના પેટમાંથી આ નીકળી! એટલે નવાઈની ચીજ સમજી હું એ તમને આપવા આવી!’

પદમણીએ કહ્યું: ‘એ મારા લગ્નની વીંટી છે, બહેન! ત્રણ દિવસથી હું એ ખોળતી હતી. એ ન જડી હોત તો આજે મારાં લગ્ન અટકી જાત!’

પદમણીના આનંદનો હવે પાર ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાઈ અને માછલીના પેટમાં એ કેમ કરીને પહોંચી ગઈ એની એને કંઈ સમજ પડી નહિ. પણ જે વિધિએ એને માછલીના પેટમાં પહોંચાડી અને પછી માછલીને રાજાના રસોડામાં પહોંચાડી એનો એણે આભાર માન્યો ને કહ્યું: ‘પ્રભુ, તારી લીલાનો પાર નથી!’

ત્રીજે દિવસે પદમણીની આંગળીએ વીંટી જોઈ રાજા આભો બની ગયો! તે મનમાં બોલ્યો: ‘વીંટી મેં મારી જાતે દરિયામાં નાખી છે. દરિયામાં નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આ જાદુ કોણે કર્યો?’

પછી જ્યારે તેણે જાણ્યું કે વીંટી ખોવાઈ ગઈ હતી અને દરિયામાંથી આણેલી માછલીના પેટમાંથી એ ફરી હાથ લાગી છે ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે મનમાં મનમાં બોલ્યો: ‘નક્કી કોઈ મોટા જાદુગરની આ લીલા છે! એની ઇચ્છા વિરુદ્ધ માણસ, એ માણસ મોટો રાજા હોય તો પણ, કંઈ જ કરી શકતો નથી!’

હવે એણે હસતે મોઢે પદમણીનો સ્વીકાર કર્યો. પદમણીનાં સાચાં માતા-પિતાને તે એકલો જ જાણતો હતો, એટલે એણે તાબડતોબ માણસો મોકલી એમને તેડાવ્યાં. સોળ વર્ષે એમને એમની દીકરીનું મોં જોવા મળ્યું. પેલાં ખેડૂત પતિ-પત્નીને પણ રાજાએ તેડાવ્યાં. બાર વર્ષે એમણે એમની પદમણીને જોઈ. પછી લગ્ન-મહોત્સવમાં રાજાઓ, રાજકુંવરો અને ગરીબ ખેડૂતો એક હારે બેઠા, એક હારે જમ્યા, ને વહાલથી એકબીજાને ભેટ્યા. સૌ હવે સમજ્યાં કે ઈશ્વરની નજરે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, બધા કેવળ માણસો છે. જે કંઈ થાય છે તે ઈશ્વરનું જ ધાર્યું થાય છે. ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું જ થતું નથી.

રાજકુંવર અને પદમણી પરણીને ઊઠ્યાં કે રાજાએ એમને બેઉને સાથે સિંહાસન પર બેસાડ્યાં, ને પછી પોતાના માથા પરથી મુગટ ઉતારી કુંવરના માથા પર પહેરાવી દીધો; તે જ પ્રમાણે રાણીએ પોતાનો મુગટ ઉતારી પદમણીને પહેરાવી દીધો! રાજકુંવર અને પદમણી રાજારાણી બન્યાં!

ચાલીસ દિવસ અને ચાલીસ રાત લગી આ લગ્નોત્સવ ચાલ્યો. સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યો. હું એ વખતે ત્યાં હાજર હતો, તમે ય હતા જ તો!

[સ્પૅનીશ વાર્તાને આધારે]

૦ ૦ ૦

License