૪૯. મારાં જૂતાં ને મારો બરડો

એક હતો ખેડૂત. એક વાર એને બહારગામ જવાનું થયું.

હાથમાં લાકડી લઈને એ બહારગામ જવા નીકળ્યો. જતાં જતાં એણે સ્ત્રીને કહ્યું: ‘જો હું ત્રણ દિવસ માટે બહારગામ જાઉં છું. મારી ગેરહાજરીમાં કોઈ આપણી ગાયો ખરીદવા આવે તો બસો રૂપિયામાં ત્રણે ગાયો વેચી દેવાની છે. પૂરા બસો રૂપિયા, એમાં એક પૈસો ઓછો નહિ! સમજ પડી?’

સ્ત્રીએ કહ્યું: ‘પડી! ત્રણ ગાયોના બસો રૂપિયા લેવાના, એક પૈસો ઓછો નહિ! એ જ ને!’

ખેડૂતે કહ્યું: ‘હા, એ જ. પણ એમાં જો ભૂલ થઈ તો યાદ રાખજે, તારો બરડો ને મારો જોડો!’ તે પછી ખેડૂત બહારગામ ચાલ્યો ગયો.

બીજે દિવસે એક ગાયો ખરીદનારો આવ્યો.

ખેડૂતની સ્ત્રીએ કહ્યું: ‘ત્રણ ગાયોના બસો રૂપિયા લેવાના છે, એક પૈસો ઓછો નહિ!’

ગ્રાહકે કહ્યું: ‘વધારે નહિ, એક રૂપિયો ઓછો કરો! મારું એટલું માન રાખો!’

બાઈએ કહ્યું: ‘એક પૈસો ઓછો નહિ! તમે મારું એટલું માન રાખો!’

ગ્રાહકે કહ્યું: ‘રાખ્યું!’

બાઈ ખુશ ખુશ થઈ ગઈ. પોતે કેટલી સહેલાઈથી સોદો પતાવ્યો તેનો તેને આનંદ થયો.

પછી ગ્રાહકે કોઢમાં જઈને ત્રણે ગાયો છોડી, અને ગાયો લઈ ચાલવા માંડ્યું.

પણ ખેડૂતની સ્ત્રી હોશિયાર હતી. તે એકદમ બારણામાં જ એનો રસ્તો રોકી બોલી: ‘પહેલાં બસો રૂપિયા આપો, પછી ગાયો લઈ જાઓ!’

ગ્રાહકે તરત જ કહ્યું: ‘વાત વાજબી છે! પણ બહેન, આજે હું મારી રૂપિયાની કોથળી ઘેર ભૂલી ગયો છું. પણ તમે મારા પર વિશ્વાસ રાખો! મારે તો રોજ આવા હજારોના સોદા કરવા પડે છે. કોઈ વાર રૂપિયા હાથમાં ન હોય તો જામીનથી કામ ચલાવીએ! તમે આ ક્યાં નથી જાણતાં?’

બાઈએ કહ્યું: ‘જાણું જ છું તો!’

ત્યારે ગ્રાહકે કહ્યું: ‘તો એમ કરો! જામીન તરીકે મારી આ એક ગાય તમારે ત્યાં મૂકતો જાઉં છું. હું બસો રૂપિયા રોકડા લઈને આવું, ત્યારે તમે મને એ ગાય આપજો! ત્યાં લગી એનાં દૂધ-ઘી પર તમારો અધિકાર!’

આમ કહી એણે એક ગાય જુદી તારવી દીધી.

બાઈએ ગાય જોઈને કહ્યું: ‘આ નહિ, પેલી આપો! પેલી જરા ઘરડી છે, એટલે ઓછું ખાશે! પારકી ગાય પર વધારે ખરચો કરવો અમને પાલવે નહિ!’

ગ્રાહકે બાઈનાં વખાણ કરી કહ્યું: ‘ધંધામાં તમારી કેવી ઝીણી નજર છે, બાઈ! હું તો એ જોઈને દંગ થઈ જાઉં છું!’

આમ કહી એક ગાય બાઈને સોંપી બે ગાયો લઈને એ હાલતો થઈ ગયો.

બાઈ મનમાં મનમાં હરખાઈ કે મેં કેવો ફક્કડ સોદો કર્યો! ધણી જાણીને રાજી થશે!

ચોથે દિવસે ખેડૂત ઘેર આવ્યો. ઘેર આવતાં જ એણે સ્ત્રીને પૂછ્યું: ‘કોઈ ઘરાક આવેલું?’

બાઈએ કહ્યું: ‘આવેલું જ તો! તમારા કહેવા પ્રમાણે જ મેં ત્રણે ગાયો બસો રૂપિયામાં વેચી! મને કહે કે મારી ખાતર એક રૂપિયો ઓછો કરો, પણ મેં ધરાર ના પાડી! મેં કહ્યું: ‘બસો એટલે બસો!’

ખેડૂતે કહ્યું: ‘ક્યાં છે બસો રૂપિયા? બરાબર ગણ્યા છે ને?’

સ્ત્રીએ કહ્યું: ‘ગણવાની જરૂર નથી પડી — રૂપિયાની થેલી એ ઘેર ભૂલી ગયો હતો, તેથી જામીન દઈ ગયો છે!’

ખેડૂતે કહ્યું: ‘જામીનમાં શું દઈ ગયો છે? સોના-રૂપાનો દાગીનો?’

સ્ત્રીએ કહ્યું: ‘ના, ત્રણમાંની એક ગાય! બસો રૂપિયા લઈને એ આવશે ત્યારે એની આ ગાય છૂટી થશે!’

ખેડૂતે ગભરાઈને કહ્યું: ‘અને બીજી બે ગાયો?’

સ્ત્રીએ કહ્યું: ‘બીજી બે ગાયો એ લઈ ગયો! બસો રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો એ તો મેં તમને કહ્યુંને!’

ખેડૂત ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. એ સમજી ગયો કે ઠગ બે ગાયો મફતમાં લઈ ગયો છે, પણ બાઈને હજી એ વાત સમજાતી નથી. એટલે તેને સમજાવવા એણે પગમાંથી જોડો કાઢી ઉગામી કહ્યું: ‘તું સાવ મૂર્ખ છે. દુનિયામાં તારા જેવું મૂર્ખ મેં કોઈ જોયું નહિ!’

બાઈ બોલી: ‘નથી જોયું તો જુઓ! હું કંઈ ના કહું છું?’

આ શબ્દોએ ખેડૂતના દિમાગને બદલી નાખ્યું. તેને થયું કે દુનિયામાં મારી આ સ્ત્રી જેવું મૂર્ખ કોઈ હશે ખરું? હોય તો મારે એની તપાસ કરવી જોઈએ! જો બીજે પણ માણસો આવા મૂર્ખ હોય તો મારે મારી સ્ત્રી પર ગુસ્સે થવાની કંઈ જરૂર નથી. આ વિચાર આવતાં તેણે કહ્યું: ‘ત્રણ દિવસ હું મૂરખાઓની તપાસ કરીશ. જો બીજે તારા જેવા મૂર્ખ જોવા મળશે તો તારી મૂર્ખાઈ માફ, નહિ તો પછી મારાં જૂતાં ને તારો બરડો!’

આમ કહી ખેડૂત હાથમાં લાકડી લઈને મૂર્ખની શોધમાં નીકળી પડ્યો. ફરતો ફરતો તે એક મોટા રસ્તા આગળ આવીને એક પથરા પર બેઠો.

એટલામાં સામેથી એક ગાડું આવતું દેખાયું. એક બાઈ ગાડામાં વચ્ચોવચ ઊભી હતી. ખેડૂતે કહ્યું: ‘બાઈ, આ ગાડું તમારું છે?’

પછી કહે: ‘ક્યાંથી આવો છો તમે? નવા માણસ લાગો છો!’

એકદમ ખેડૂતને કંઈ સૂઝી આવ્યું. તેણે કહ્યું: ‘હા, નવો જ છું. હમણાં જ સીધો સ્વર્ગમાંથી આવ્યો છું.’

આ સાંભળી બાઈ બોલી: ‘સ્વર્ગમાંથી આવો છો? તો મારા મરનાર ધણીના કંઈ ખબર લાવ્યા છો? ત્રણ વરસથી એ ત્યાં રહે છે. તમે મળ્યા તો હશો એમને! તમારા વાનેવાન છે!’

ખેડૂતે કહ્યું: ‘ઓળખ્યા! ઓળખ્યા! ખૂબ મજામાં છે!’

બાઈએ કહ્યું: ‘ત્યાં એમને કંઈ તકલીફ તો નથી ને?’

ખેડૂતે કહ્યું: ‘બાઈ, સ્વર્ગમાં થોડી ઘણી તકલીફ તો બધાયને હોય છે. કોઈને કંઈ, કોઈને કંઈ! દાખલા તરીકે, તમારા ધણીનાં કપડાં જીરણ થઈ ફાટી ગયાં છે, પણ સ્વર્ગમાં કોઈ દરજી નથી!’

આ સાંભળી બાઈ લાગણીવશ થઈ ગઈ. તે બોલી: ‘તો ભાઈ, તમે મારું એક કામ કરશો? એમનો એક ફક્કડ ડગલો મારી પાસે છે. ઘેર જઈ હું તે લઈ આવું. તમે એ એમને પહોંચાડશો?’

ખેડૂતે કહ્યું: ‘શું કરું, બાઈ, તમારી સેવા કરવાનું બહુ મન છે, પણ સ્વર્ગમાં કપડાં લઈ જવાની મનાઈ છે! કપડાં દરવાજા બહાર મેલીને જ અંદર જવું પડે છે!’

ત્યારે બાઈએ કહ્યું: ‘પૈસા તો લઈ જવા દેશેને? હમણાં જ મગફળી વેચીને આવું છું. આટલા બસો રૂપિયા છે. ગજવામાં સંતાડીને લઈ જજોને, કોઈ જાણશે નહિ!’

ખેડૂતે કહ્યું: ‘તમારો આટલો આગ્રહ છે તો લાવો, એ લઈ જઈશ!’

આમ કહી એણે બાઈએ આપેલા રૂપિયા લઈ પોતાના ખિસ્સામાં મૂક્યા. બાઈ એનો ખૂબ ખૂબ આભાર માનીને ઘેર ગઈ.

બાઈનો દીકરો તે જ વખતે ખેતરમાંથી આવ્યો હતો. બાઈએ તેને ઉત્સાહમાં આવી બધી વાત કરી કહ્યું: ‘સ્વર્ગમાં પણ લોકને આવી તકલીફ પડતી હશે એનો મને ખ્યાલ નહિ! પણ હવે તારા બાપને કંઈ તકલીફ નહિ પડે! મેં પૂરા બસો રૂપિયા એમને મોકલ્યા છે!’

આ સાંભળી દીકરાએ કહ્યું: ‘મા, આવી રીતે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ચડેલા માણસનાં દર્શન થવાં દુર્લભ છે! એવા માણસને મળ્યા વિના કેમ ચાલે? એટલે હું એને મળવા જાઉં છું — મારતે ઘોડે!’

એમ કહી ઘોડેસવાર થઈ એ ચાલી નીકળ્યો.

રસ્તામાં એણે આપણા ખેડૂતને એક ઝાડ નીચે બેસી રૂપિયા ગણતો જોયો.

બાઈના છોકરાએ એને પૂછ્યું: ‘હેં ભાઈ, સ્વર્ગમાંથી આવેલા કોઈ માણસને તમે જોયો?’

ખેડૂતે કહ્યું: હા, એક માણસ આવેલો હતો, પણ એ તો ક્યારનોય પાછો વળી ગયો! પેલા પહાડ પર થઈને જવાનું કહેતો હતો. મારતે ઘોડે જાઓ તો કદાચ તમને એનો ભેટો થઈ જશે!’

છોકરાએ કહ્યું: ‘અરે ભાઈ, સવારથી ખેતરમાં કામ કરી કરીને થાકી ગયો છું. પહાડ ચડવાની હવે હિંમત નથી. તો તમે મારું એક કામ ન કરો, ભાઈ? વળી તમે એ માણસને ઓળખો પણ છો! તમે મારો આ ઘોડો લઈને જાઓ, ને એને સમજાવીને અહીં પાછો લઈ આવો! એને ખાસ કહેજો કે મને મળ્યા વિના જાય નહિ. કહેજો કે જે બાઈએ તમારી સાથે રૂપિયા મોકલ્યા છે તે બાઈનો હું દીકરો છું.’

આ સાંભળી ખેડૂત મનમાં બોલ્યો: ‘વાહ! આ બીજો દિવેટ વિનાનો દીવો!’ તેણે કહ્યું: ‘તમારું કામ કરવામાં મને જરા પણ વાંધો નથી!’

 આમ કહી ઘોડા પર સવાર થઈ એણે ઘોડો મારી મૂક્યો.

બાઈનો છોકરો રાત પડતા લગી એ ઝાડ નીચે રાહ જોતો ઊભો રહ્યો, પણ ખેડૂત પાછો આવ્યો નહિ ત્યારે તે બોલ્યો: ‘સ્વર્ગમાંથી આવેલો માણસ પાછો જવાની ઉતાવળમાં હશે, એટલે જ એ આવ્યો નહિ! પણ ઘોડાવાળો કેમ પાછો આવ્યો નહિ?’

એ વિચારમાં પડી ગયો. પછી કહે: ‘ઘોડાવાળાએ ઘોડો સ્વર્ગમાં મારા બાપને પહોંચાડવા, પેલા સ્વર્ગવાસીને આપી દીધો લાગે છે.’

ઘેર જઈને એણે આ વાત એની માને કરી. મા એ સાંભળી વધારે ખુશ થઈ. 

ખેડૂત ઘોડો અને બસો રૂપિયા લઈને ઘેર પહોંચી ગયો. ઘોડો કોઢમાં બાંધી એણે સ્ત્રીને કહ્યું: ‘હું માનતો હતો કે દુનિયામાં એક માત્ર તું જ મૂર્ખ છે, પણ તારા કરતાંય ચડી જાય એવાં બે જણ આજે મારા જોવામાં આવ્યાં છે, અને હું ધારું છું કે હજી બીજાં ઘણાં એવાં હશે — એટલે તારા પર જૂતાં ચલાવવાનું મને મન નથી!’

બાઈએ કહ્યું: ‘શાથી મન નથી? હું મૂર્ખ છું અને તમે મૂર્ખ નથી, પણ અક્કલવાળા છો, એટલે?’

ખેડૂતે કહ્યું: ‘એટલે જ તો!’

બાઈ થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી તે બોલી: ‘હું મૂર્ખ, તમે અક્કલવાળા, અને પેલો ગાયો લઈ જવાવાળો કેવો? એ મૂર્ખ કે અક્કલવાળો?’

ખેડૂતે અચકાતાં અચકાતાં કહ્યું: ‘અક્કલવાળો!’

બાઈએ કહ્યું: ‘તમારા જેવો?’

ખેડૂત એકદમ ઊંડા વિચારમાં પડી ગયો. તૂટક તૂટક શબ્દોમાં એ બોલ્યો: ‘હા, મા…રા…જે…વો!’

પછી એકદમ જુસ્સામાં એ ઊભો થઈ ગયો ને રાડ પાડી બોલ્યો: ‘હા, મારા જેવો! જેવો એ એવો હું! જેવો હું, એવો એ! એ ઠગ ને હુંયે ઠગ!’

આ સાંભળી બાઈ બોલી: ‘આ તમે શું બોલો છો? તમને વળી કોણે ઠગ કહ્યા?’

ખેડૂતે કહ્યું: ‘મેં પોતે!’

એનો અવાજ હવે નરમ પડી ગયો હતો. થોડી વાર રહી એ કહે: ‘આ નહિ ચાલે! ઠગાઈનો ભોગ થવું પાલવશે, પણ ઠગવું નહિ પાલવે! ઠગાવું એ કદાચ મૂર્ખાઈ હશે, પણ ઠગવું એ અક્કલ નથી જ! હમણાં હું બાઈનું ઘર શોધી કાઢી એના રૂપિયા ને ઘોડો એને પાછાં આપી આવું છું.’

આમ કહી રૂપિયાની કોથળી કેડે બાંધી, ઘોડેસવાર થઈ એ ચાલી નીકળ્યો. એની સ્ત્રીએ કહ્યું: ‘અરે, તમે આમ ઘાંઘલા શીદ થાઓ છો? હું તો મૂર્ખ છું, તમે—’

‘હું યે મૂર્ખ છું! તારા કરતાં મોટો! જૂતાંનો માર ખાવાને લાયક! હા, મારાં જૂતાં ને મારો બરડો!’

આમ કહી ખેડૂતે ઘોડો મારી મૂક્યો.

[બલ્ગેરિયન વાર્તાને આધારે]

License