જાપાનના કિનારાથી થોડે દૂર એક નાનકડો ટાપુ હતો. એ ટાપુ પર માણસની વસતી નહોતી, હાથી, ઘોડો, હરણ, રીંછ, વાંદરો, કૂતરો કે બિલાડી જેવું કોઈ પ્રાણી ત્યાં નહોતું. આખાયે ટાપુ પર વસતી માત્ર સસલાંની હતી. સસલાંની જ બધે હકૂમત હતી. સસલાં રાજા અને સસલાં પ્રજા! સસલાંને એનો ઘણો ગર્વ હતો.
સસલાં પણ જાતભાતનાં હતાં. કોઈ લાલ તો કોઈ ભૂખરું, કોઈ કાળું તો કોઈ ધોળું. પણએ બધાંમાં એક સસલું જુદું તરી આવતું હતું. એ ચાંદની જેવું સફેદ હતું. અને રેશમ જેવું સુંવાળું હતું.એનું નામ શશાંક.
શશાંકને ફરવાનો ઘણો શોખ. આખાયે ટાપુને ચારે તરફથી એણે જોઈ નાખ્યો હતો. ટાપુ પર બીજાં પ્રાણીઓ નહોતાં, પણ પંખીઓ કોઈ વાર જોવા મળતાં. દરિયાના સામા કિનારેથી એ આવતાં અને આવતાં ત્યારે ટોળાબંધ આવતાં અને એમના કલકલ અવાજથી આખો ટાપુ ગાજી ઊઠતો. શશાંક આ પંખીઓની વાતો સાંભળી નવાઈ પામી જતો. પંખીઓ એને દરિયાપારની દુનિયાની વાતો કરતાં.
શશાંક પૂછતો: ‘એ ધરતી પર અમારા જેવાં સસલાં છે?’
પંખીઓ કહેતાં: ‘સસલાં છે, સાથે બીજાં પ્રાણીઓ છે: હાથી છે, ઘોડો છે, વાંદરો છે, હરણ છે, કૂતરો છે, બિલાડી છે — આવાં કંઈ કંઈ પ્રાણીઓ છે.’
પછી એ પંખીઓ હાથી, ઘોડા વગેરેનું વર્ણન કરતાં અને કહેતાં કે હાથી પહાડ જેવડો ઊંચો છે, ઘોડો પાણીના રેલાની પેઠે ચાલે છે, વાંદરો એક ને બે કૂદકે મોટા ઝાડ પર ચડી જાય છે; હરણને પાતળા ઊંચા પગ અને માથે શિંગડાં છે; રીંછને આખા શરીરે વાળ જ વાળ છે; કૂતરાની પૂંછડી લાંબી અને સોટીની પેઠે વળેલી છે, બિલાડીને રોજ દૂધ-ઘી ઝાપટવા જોઈએ છે. આ સાંભળી શશાંક સસલાને નવાઈ લાગતી કે મારા કરતાં ઊંચું જાનવર કોઈ હોઈ જ શકે કેવી રીતે? મારા કરતાં લાંબી પૂંછડી કોઈની કેમ કરી હોઈ શકે? ઊંહું, ઊંહું, પંખીઓની વાતોમાં કંઈ માલ નથી.
તેમ છતાં એ પંખીઓની વાતો સાંભળવી એને ગમતી. એટલે ઉનાળામાં પંખીઓના આવવાની એ ખાસ રાહ જોતો.
એક વાર તો એણે પંખીઓની વાત સાંભળી બોલી નાખ્યું: ‘ખોટી વાત! આવાં જાનવર કયાંય હોય નહિ!’
ત્યારે પંખીઓએ કહ્યું: ‘અરે, હજી તો અમે તને કંઈ જ કંઈ જ કહ્યું નથી. ત્યાં તો એવાં જાનવર છે જેને માત્ર બે જ પગ છે! બે પગ પર તે ઊભાં રહે છે, ચાલે છે ને દોડે છે! એમને બીજા પગ બે પગ હોય છે ખરા, પણ તેને તેઓ હાથ કહે છે અને ચાલવામાં તેનો ઊપયોગ કરતા નથી! એ જાનવરનું માથું લાકડી પર મોટું શ્રીફળ બેઠું હોય તમ ધડ પર ચોંટાડેલું હોય છે, અને એ માથા પર કાળા વાળ હોય છે! ખરેખર, એ જાનવર જોવા જેવું છે!’
શશાંકે કહ્યું: ‘પણ આ બધાં પર હકૂમત તો અમારી સસલાંની ને?’ બેપગાળા જાનવરની! એનાથી બધાં બીએ! જે એની નોકરી કરે, તે ખાવા પામે, જે નોકરી ન કરે તેને એ મારે!’
શશાંકને આ સાંભળી વધારે નવાઈ લાગી. તેણે કહ્યું: ‘જેને ચાર પગ નથી એ મારે કેવી રીતે?’
પંખીઓએ કહ્યું: ‘એ જ તો ખૂબી છે એ બેપગવાળાની!’
શશાંક વિચારમાં પડી ગયો.
કેટલાક વખતથી એક મગર આ ટાપુના કિનારા પર હવા ખાવા આવતો હતો. શશાંકને એની સાથે દોસ્તી થઈ ગઈ હતી. બેપગાળાં જાનવર વિષે પંખીઓની વાતો સાંભળી હવે શશાંકને થયું કે મારો દોસ્ત મગર પણ ઘણીવાર દરિયાપારના દેશમાં હવા ખવા જાય છે, એટલે બેપગાળાં જાનવરો વિષે એ જરૂર કાંઈ જાણતો હશે. ચાલ, એને પૂછું!
એક દિવસ મગર ટાપુના કિનારા પર લાંબું મોં કરી તડકો ખાતો પડ્યો હતો. શશાંકે એની પાસે જઈ કહ્યું: ‘નમસ્તે, મગરલાલ!’
મગર વિનયી હતો. એણે સામા નમસ્કાર કર્યા.
શશાંકે કહ્યું: ‘દોસ્ત, આ પંખીઓ કહે છે કે સામા કિનારાના દેશમાં એક બે પગાળું જાનવર થાય છે એ ખરી વાત?’
મગરે માથું હલાવી કહ્યું: ‘ખરી વાત! મેં એ જાનવરને જોયું છે.’
‘જોયું છે?’ સાંભળી શશાંકનું કુતૂહલ ખૂબ વધી ગયું. તેણે કહ્યું: ‘તમે નજરોનજર જોયું છે આ જાનવર? તો મને એની બધી વાત કરો! એ મારા કરતાં ઊંચું છે? મારા જેવા એને કાન છે? મારા જેવું એનું રૂપ છે? મારી પેઠે એ દોડે છે?’
મગરે કહ્યું: ‘એ તારા જેવું જરાયે નથી!’
‘તો તમારા જેવું છે?’
‘એ મારા જેવુંયે નથી!’
‘તો કેવું છે?’
‘બે પગાળો જેવો હોય તેવું.’ મગરે કહ્યું. આટલું બોલી થોડી વાર વિચારમાં પડી તેણે કહ્યું: ‘બેપગાળાની જાત બહુ સ્વાર્થી, બહુ ઝેરીલી! એ વગર કારણે બીજાને સતાવે છે. વળી એ લોકો અંદરઅંદર બાઝે છે. એમના ગામગામના રાજા જુદા! એવા એક ગામના રાજાને રૂપાળી રાજકુંવરી છે. ચાંદરણાંને વલોવીને ઘડી હોય એવી રૂપાળી! જેવી રૂપાળી એવી માયાળુ પણ ખરી. મેં નજરોનજર જોઈ છે એટલે કહું છું.’
શશાંકે કહ્યું: ‘શું કહો છો! રાજકુંવરીને તમે નજરોનજર જોઈ છે?’
મગરે કહ્યું: ‘તો હું આ શું કહું છું! સાચું કહું છું, કોઈ બેપગાળાની છોકરી આ રાજકુંવરી જેવી રૂપાળી મેં જોઈ નથી! દેશદેશના રજકુંવરો એને પરણવા આવે છે. પણ રાજકુંવરી કોઈને પસંદ કરતી નથી. હમણાં વળી પાંચ રાજકુંવરો નીકળી પડ્યા છે. પાંચે સગા ભાઈઓ છે અને પાંચેના મનમાં રાજકુંવરીને વરવાના કોડ છે. શી ખબર શું થાય છે!’
આ સાંભળી શશાંકને એ રાજકુંવરી જોવાનું મન થઈ ગયું.
એણે કહ્યું: ‘દોસ્ત મગરલાલ, મને એ રાજકુંવરી જોવાનું મન થયું છે.’
શશાંકે કહ્યું: ‘મન માનતું નથી!’
મગરે કહ્યું: ‘તો મનને ફટકાર!’
થોડી વાર રહી શશાંકે કહ્યું: ‘દોસ્ત મગરલાલ, તમે મારું એક કામ ન કરો? તમારી પીઠ પર સવાર કરી મને સામે પાર ન લઈ જાઓ?’
આ સાંભળી મગરે કહ્યું: ‘છી! છી! છી! વતન છોડી એવો દેશવટો ભોગવવાની તારે શી જરૂર છે? હું મારા હાથે એવું પાપ નહિ થવા દઉં!’
શશાંકે કહ્યું: ‘મને એ દેશ જોવાનું બહુ મન છે.’
મગરે કહ્યું: ‘મેં એક વાર કહ્યું તો ખરું કે એવી ઇચ્છા કરવી નહિ!’
શશાંકે ઘણી ઘણી રીતે મગરને સમજાવ્યો, પણ મગરે તેને સામે પાર લઈ જવાની ના પાડી.
ત્યારે શશાંકે એક યુક્તિ વિચારી કાઢી.
તેણે કહ્યું: ‘દોસ્ત મગરલાલ, સગાં ભાઈ-બહેન, પિતરાઈ ભાઈ-બહેન ને મશિયાઈ ભાઈ-બહેન ને ફોઈઆત ભાઈ-બહેન ને ભત્રીજા-ભત્રીજીઓ થઈને મારે કેટલાં સગાં હશે, તું શું ધારે છે?’
મગરે વિચાર કરી કહ્યું: ‘સો-બસો હશે!’
શશાંકે કહ્યું: ‘છી! તમને કાંઈ જ ખબર નથી! કહું કેટલાં છે તે? નવસો નવાણું! બોલો, છે તમારાં સગાં એટલાં?’
મગરે કહ્યું: ‘મારાં એથી વધારે છે, પૂરાં એક હજાર છે.’
શશાંકે કહ્યું: ‘ખોટી વાત! તમારાં સગાં એક હજાર હોય જ નહિ!’
મગરે કહ્યું: ‘નજરે દેખાડું તો?’
શશાંકે કહ્યું: ‘નજરે દેખું તો માનું!’
મગરે કહ્યું: ‘દેખું શા માટે? જાતે ગણી લેજે ને! તું ભણેલો છે, તને ગણતાં આવડે છે.’
શશાંકે કહ્યું: ‘તો બોલાવો તમારાં બધાં સગાંને! હું જોઉં તો ખરો કે સગાં મારાં વધારે કે તમારાં?’
મગરે કહ્યું: ‘તો કાલે સવારે આવીને જોજે!’
મગરે રાતોરાત પોતાનાં બધાં સગાંને ખબર આપી દીધા કે કાલે સવારે બધાંએ મારે ત્યાં જમવા પધારવાનું છે! જમવાનું નિમંત્રણ કોને ન ગમે? સવાર થતાં થતાંમાં તો ટાપુનો આખો કિનારો મગરોથી ભરાઈ ગયો.
શશાંક આવ્યો એટલે મગરે કહ્યું: ‘દોસ્ત, જોઈ લે આ મારાં બધાં સગાંને! ગણી લે!’
શશાંકે કહ્યું: ‘ગણું કેવી રીતે? આ તો બધાં ઢગલાં થઈને પડ્યાં છે! એક એકની પાછળ બધાં હારબંધ ઊભાં રહે તો ગણાય!’
મગરે તરત બધાં સગાંને એક એકની પાછળ હારબંધ ઊભાં રહેવાનો હુકમ કર્યો. કુટુંબના વડાનો હુકમ એટલે બધાંએ માનવો પડે. બધા મગર કિનારા પરથી ખસીને પાણીમાં ગયાં અને એકએકની પાછળ અડીને ઊભા. સૌથી આગળ હતો વડીલ પોતે! મગરની લાંબી હાર થઈ કે છેક સામા કિનારે પહોંચી! જીવતા મગરોનો જાણે પુલ બંધાઈ ગયો.
શશાંકને આ જ જોઈતું હતું. તેણે કહ્યું: ‘દોસ્ત મગરલાલ, હવે હું ગણવાનું શરૂ કરું છું આ એક!…
એમ કહી એણે મગરલાલની પીઠ ઉપર પગ દીધો. ‘આ બે!’ કહી એ બીજા મગરની પીઠ ઉપર ઠેકીને પડ્યો. આમ એક પછી એક મગરની પીઠ ઉપર ઠેકીને તેણે મગરોની ગણતરી શરૂ કરી: આ ત્રણ! આ ચાર! આ પાંચ!
મગરલાલ કિનારા પર ડાચું લાંબું કરીને પડ્યો હતો અને પડ્યો પડ્યો ઊંઘવા લાગ્યો હતો. મનમાં કહે: ‘શશાંક મારા સગાંને ગણી લે ત્યાં લગી હું જરી ઊંઘ ખેંચી કાઢું!
શશાંક ગણતરીનો આંકડો મોટેથી બોલતો હતો અને એક એક કૂદકે આગળ વધતો હતો. એમ કરતાં સૌથી છેલ્લા મગરની પીઠ પર ઠેકડો મારી એ બોલ્યો: ‘આ નવસો અઠ્ઠાણું!
અને તરત એ જમીન પર આવી ગયો. તેણે જાહેર કર્યું કે મગરનાં સગાં કરતાં મારાં સગાં વધારે છે. મગરનાં માત્ર નવસો અઠ્ઠાણું છે, મારાં ખાસ્સાં નવસો નવાણું છે! મગર કરતાં એક વધારે!’
મગરનાં સગામાં ખળભળાટ મચી ગયો. કેટલાક ભણેલા મગરોએ વાંધો ઉઠાવ્યો કે ગણતરી ભૂલ છે! ફરી ગણો! અમે નવસો અઠ્ઠાણું નહિ, પણ પૂરાં એક હજાર છીએ. સસલાં કરતાં એક વધારે!
શશાંક કહે: ‘ફરી ગણતરી હમણાં નહિ થઈ શકે. હું અહીં નવા મુલકમાં આવ્યો છું. તો જરી ફરી લઉં તે પછી થશે…’
એટલે છેલ્લો મગર કહે: ‘તો ફેર ગણતરીની તારીખ નક્કી કરો! તમે મારી પીઠ પર એ લખો અને હું તમારી પીઠ પર લખું.’
શશાંકે કહ્યું: ‘ભલે!’ આમ કહી એણે છેલ્લા મગરની પીઠ પર પોતાના હાથે તારીખ લખી. સામેથી છેલ્લા મગરે શશાંકની પીઠ પર તારીખ લખી. પણ શશાંકની પીઠ બહુ સુંવાળી, એટલે લખતાં શશાંકની પીઠની રેશમી રૂંવાટી, ઊખડી ગઈ, અને એનો બાસ્તા જેવો ધોળો રંગ મેલો થઈ ગયો.
શશાંકને આખા શરીરે બળતરા ઊપડી, પણ તેની પરવા ન કરતાં એણી નવી ભૂમિ પર ચાલવા માંડ્યું.
ચાલતાં ચાલતાં એક ઠેકાણે એણે ચાર વિચિત્ર જાનવર જોયાં. છુપાઈને એ એમને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. પાતળી થાંભલીઓ જેવા પગ પર ચારે જણ ઊભા હતા. ધડ ઉપર ગોળ પહાણા જેવાં માથાં હતાં. માથા પર કાળા વાળ હતા. પણ મોં પર વાળ નામે નહોતા. શશાંક મનમાં કહે: ‘હં, પંખીઓની વાત સાચી! આ જ પેલાં બે પગાળાં જાનવરો!’
એ જાનવરો અંદર અંદર વાત કરતાં હતાં કે રાજકુંવરીના મહેલમાં કેવી રીતે જવું અને કેવી રીતે વાત કરવી. એ સાંભળી શશાંકને મગરલાલે કહેલી વાત યાદ આવી ગઈ. તેણે કહ્યું હતું કે પાંચ રાજકુંવરો રાજકુંવરીને પરણવા સારુ નીકળ્યા છે. શશાંક કહે: ‘હં, મગરલાલની વાત સાચી! એ પાંચમાંના જ આ ચાર લાગે છે!’
રાજકુંવરીને જોવાનું શશાંકને ખૂબ મન હતું. તેથી હવે ત હિંમત કરી આ ચાર જણાની પાસે આવી બોલ્યો: ‘મને તમારી સાથે રાજકુંવરીની પાસે લઈ જશો? મારે રાજકુંવરી જોવી છે!’
આ સાંભળી ચાર રાજકુંવરો હસ્યા. કહે: ‘તું કેવો ગંદો છે! આવા ગંદાને અમે રાજકુંવરી પાસે નહિ લઈ જઈએ!’
શશાંકે કહ્યું: ‘એ તો મને વાગેલું છે ખરું ને, એટલે આવો દેખાઉં છું. બાકી દુનિયાનાં બધાં સસલાંમાં હું સૌથી વધારે રૂપાળો છું! મારા આખાયે શરીર પર રેશમી રૂંવાટી છે!’
‘હવે એ ચાર રાજકુંવરોએ કહ્યું: ‘એમ વાત છે? તો જા, પેલા દરિયાના પાણીમાં નાહી આવ, અને પછી પેલી કાળી રેતીમાં આળોટ! તું ફરી રૂપાળો બની જશે!’
રાજકુંવરોના શબ્દો પર વિશ્વાસ રાખી શશાંક સમુદ્રમાં નહાવા ગયો, પણ સમુદ્રનું ખારું પાણી એના ઘામાં પડતાં એની વેદના અનેક ગણી વધી ગઈ. નહાયા પછી એ કિનારાની કાળી રેતીમાં આળોટ્યો, એટલે તો રેતીના કણ ઘામાં પેસી એને સતાવવા લાગ્યા. એની પીડાનો પાર ન રહ્યો. હવે એ સમજ્યો કે આ બે પગવાળાઓએ ખોટું બોલી મને હેરાન કર્યો. તેને મગરલાલાના શબ્દો યાદ આવ્યા કે આ બે પગાળાઓ સ્વાર્થી છે અને મહા ઝેરીલા છે! તેઓ વગર કારણે બીજાને સતાવે છે.
ફરી પાછો તે અસલની જગાએ આવ્યો. જોયું તો પેલા ચાર જણા ત્યાંથી ચાલી ગયા હતા. તે બોલ્યો: ‘અરેરે, આ લોકો તો મને મૂકીને જતા રહ્યા! એની આંખોમાં આંસુ આવી ગયાં.
બરાબર એ વખતે એક બીજો બે પગવાળો ત્યાં આવી પહોંચ્યો. એણે ખભા પર ચાર તો પોટલાં ઊંચક્યાં હતાં! સસલાને રડતો જોઈ એણે પૂછ્યું. ‘અરે, દોસ્ત, કેમ રડે છે?’
શશાંક ચમકીને એને જોઈ રહ્યો. પેલો બે પગાળો મીઠું મધુર હસતો હતો શશાંકને થયું: ‘બે પગાળો પણ આવો માયાળુ હોઈ શકે છે શું?’
એકાએક તેને થયું કે પેલા રાજકુંવરો રાજકુંવરીને વરવા નીકળ્યા છે તેમાંનો આ પાંચમો રાજકુંવર તો નહિ હોય? હોય તો કેવું સારું!
ખરેખર, એ પાંચમો રાજકુંવર હતો. એણે પોટલાં નીચે ઉતારી સસલાને ધીરેથી પોતાની પાસે લીધો અને એના માથે હળવેથી હાથ ફેરવવા માંડ્યો. શશાંકને એથી ખૂબ આરામ લાગ્યો. હવે એણે રાજકુંવરને પોતાની બધી વાત કરી. તેણે કહ્યું: ‘રાજકુંવરીને જોવાનું મને બહુ મન છે. મને લઈ જશો તમારી સાથે?’
રાજકુંવરે કહ્યું: ‘જરૂર લઈ જઈશ! મનેય તે રાજકુંવરીને જોવાનું ખૂબ મન છે!’
શશાંકે હસીને કહ્યું: ‘પરણવાનું નહિ?’
પાંચમા રાજકુંવરે કહ્યું: ‘અમે પાંચ ભાઈઓ છીએ. હું સૌથી નાનો છું, મારા મોટા ચાર ભાઈઓને પસંદગીની પહેલી તક આપવી એ મારો ધર્મ છે.’
શશાંકે મનમાં કહ્યું: ‘ઓ હો! આ બે પગવાળાઓમાં પણ આવો વિવેકી ને સમજુ કોઈ હોય છે ખરો! પ્રભુ કરે પેલા દુષ્ટો પાછા પડે અને કુંવરી આ રાજકુંવરને વરે!’
પછી તેણે કહ્યું: ‘તમારી એ વાત જાણે વાજબી, પણ તમે ખભા પર આ પોટલાં શાનાં ઉપાડ્યાં છે?’
પાંચમા રાજકુંવરે કહ્યું: ‘ચારે ચાર પોટલાં મારા ચાર મોટા ભાઈઓનાં છે! તેઓ આરામથી જઈ શકે એટલા માટે તેમનો ભાર તેમણે મને સોંપ્યો છે! હું તે ઉપાડીને એમની પાછળ ચાલું છું.’
શશાંક મનમાં બોલ્યો: ‘અરે, આવા દુષ્ટ છે એ ચાર ભાઈઓ! પોતાના સગા નાના ભાઈની તેમને દયા નથી, તો મારી ક્યાંથી હોય? એવા તુચ્છ લોકો પર ગુસ્સે થતાંય મન શરમ આવે છે.’
હવે પાંચમા રાજકુંવરે કહ્યું: ‘તમારા શરીરમાં ઝીણી કરકર ભરાવાથી તમને પીડા થતી હશે, તો ચાલો હું એ સાફ કરી નાખું!’
આમ કહી એ શશાંકને ઊંચકી બાજુમાં એક મીઠા પાણીનો વહેળો હતો ત્યાં લઈ ગયો. ત્યાં એને વહેતા પાણીમાં શશાંકને બેસાડ્યો; વહેતા પાણીના શીતલ સ્પર્શથી શશાંકને સારું લાગ્યું. એના શરીરને વળગેલી રેતી ધોવાઈ ગઈ. ઘા બધા સાફ થઈ ગયા અને એને ખૂબ સારું લાગ્યું.
પછી પાંચમા રાજકુંવરે શશાંકને પોતાના ખોળામાં સુવાડી દીધો. શશાંકને એવો આરામ લાગ્યો કે એ ઊંઘી ગયો. જાગ્યો ત્યારે એની રૂંવાટી પાછી પહેલાં હતી તેવી રૂપાળી ને સુંવાળી થઈ ગઈ હતી. શશાંકના આનંદનો પાર ન રહ્યો. એ મનમાં બોલ્યો: ‘વાહ, આ બે પગાળાના સ્નેહમાં જાદુ લાગે છે! ઘણું જીવો મારો બે-પગાળો!’
પછી પાંચમો રાજકુંવર શશાંકને લઈને રાજકુંવરીના મહેલ તરફ ચાલ્યો. કેટલી મજલ પછી એ મહેલ પાસે આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે ચાર રાજકુંવરો કુંવરીને પરણવા આવ્યા હતા, પણ કુંવરીએ એ ચારેને પાછા કાઢ્યા છે, અને કુંવરીને પરણવા આવ્યા હતા, પણ કુંવરીએ એ ચારેને પાછા કાઢ્યા છે, અને ચારે જણાને રાજાએ કાળી કોટડીમાં પૂરી દીધા છે; કાલે એમનો શિરચ્છેદ થશે.
આ સાંભળી પાંચમા રાજકુમારને બહુ દુ:ખ થયું.
બીજા દિવસે પાંચમાં રાજકુંવરે રાજાની આગળ હાજર થઈ રાજકુંવરીના હાથની માગણી કરી. રાજાએ કહ્યું: ‘પહેલાં તારા મોટા ભાઈઓની દશા જો, અને પછી રાજકુંવરીને મળવાની વાત કર!’
આમ કહી રાજાએ એને એના ભાઈઓની હાલત જોવા મોકલ્યો. જોયું તો એના ચારે ભાઈઓ કોટડીમાં બંધાઈને પડ્યા હતા અને રડતા તથા માથું કૂટતા હતા. પાંચમા રાજકુંવરને એ જોઈ બહુ લાગી આવ્યું. તેણે કહ્યું: ‘કોઈ રીતે મારા ભાઈઓને મારે બચાવવા જોઈએ!’
આ સાંભળી એના ચાર મોટા ભાઈઓ બોલી ઊઠ્યા: ‘તું અમને બચાવે તે કરતાં તું પણ અમારી સાથે શૂળીએ ચડી જાને!’
હવે નાના રાજકુંવરે રાજાને કહ્યું, ‘મહારાજ, રાજકુંવરીને વરવું કે શૂળીએ ચડવું એ મારો નિશ્ચય છે.’
હવે રાજાએ રાજકુંવરીને કહેવડાવ્યું કે એક રાજકુંવર આવ્યો છે, સાથે ફક્કડ સફેદ સસલો છે.
જવાબમાં રાજકુંવરીએ કહેવડાવ્યું: ‘રાજકુંવરો ઘણા જોયા, સસલાને મોકલો!’
આમ અણધારી રીતે રાજકુંવરીને જોવાની શશાંકની ઇચ્છા પૂરી થઈ. એ દડબડ દડબડ ચાલતો, મણકા જેવી આંખો મટમટાવતો, કાન ફફડાવતો, રાજકુંવરીના કમરામાં દાખલ થયો અને ‘ઘણું જીવો રાજકુંવરી!’ કહી રાજકુંવરીના પગ આગળ જઈને બેઠો. રાજકુંવરીએ એને ઊંચકીને પોતાના ખોળામાં લીધો અને એની રેશમી સુંવાળી શ્વેત રૂંવાટી પર હેતથી હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: ‘દોસ્ત, રહેશે મારે ત્યાં?’
શશાંકે કહ્યું: ‘રાજકુંવર રહેશે તો મારે રહેવું જ પડશે ને?’
રાજકુંવરીએ કહ્યું: ‘કોણ રાજકુંવર?’
શશાંકે કહ્યું: ‘રાજાના દીકરાને હું રાજકુંવર નથી કહેતો, પણ જે દયાળુ છે, માયાળુ છે, જે જાતે દુ:ખ વેઠીને પણ બીજાનું કામ કરે છે, બીજાના દુ:ખે જે દુ:ખી થાય છે, એને હું રાજકુંવર કહું છું!’
ત્યાં તો રાજકુંવરી બોલી ઊઠી: ‘ઓહ,હું એવો જ રાજકુંવર ખોળું છું. જે મને વરવા આવે છે એને હું એ જ પૂછું છું કે તમે કંઈ દયામાયાનાં કામ કર્યાં છે? કોઈનાં આંસુ લૂછ્યાં છે? કોઈ ગલ્લાંતલ્લાં મારે તો તરત મારી નજરમાં એ પકડાઈ જાય છે અને પછી કાળકોટડીમાં પુરાઈ જાય છે! હું એમને શૂળીએ નથી ચડાવતી, પણ એમનો દંભ, એમનો અહંકાર, એમની દુષ્ટતા જ એમને શૂળીએ ચડાવે છે.’
આ સાંભળી શશાંકે પાંચમા રાજકુંવરની દયામાયાની, અને પ્રેમની બધી વાત કરી. એ સાંભળી રાજકુંવરી એવી રાજી થઈ કે એણે સામેથી પાંચમા રાજકુંવરને મળવાનું નિમંત્રણ આપ્યું. અને રાજકુંવર આવ્યો એટલે એનો સત્કાર કરવા સામી ગઈ.
નાનો રાજકુંવર ખૂબ વિનયથી, રાજકુંવરીની સામે ઊભો. રાજકુંવરીની સાથે તેણે નમ્રતાપૂર્વક, અને મીઠાશથી વાત કરી. રાજકુંવરી એના પર એવી ખુશ થઈ ગઈ કે એણે પોતાની આંગળીએથી વીંટી કાઢી રાજકુંવરને પહેરાવી દીધી, અને બહાર પિતાને સંદેશો મોકલ્યો કે વરની પસંદગી થઈ ગઈ છે!
આ સાંભળી રાજાને આનંદ થયો, આખા નગરમાં સૌને આનંદ થયો. આ આનંદની ખુશાલીમાં કેદીઓને છોડી દેવામાં આવ્યા. એ જ દિવસે ભારે ધામધૂમથી પાંચમા રાજકુંવરનાં રાજકુંવરી સાથે લગ્ન થઈ ગયાં. શશાંક એ લગ્નમાં ખાસ મહેમાન તરીકેનું માન પામ્યો. પહેલો જ સંદેશો એણે જે મોકલ્યો તે એના દોસ્ત મગરલાલને મોકલ્યો કે ‘મેં બેપગાળો જોયો! મેં રાજકુંવરી જોઈ!’
મગરલાલ ખુશ!
[જાપાની વાર્તાને આધારે]