૪૫. સોનાનો બકરો

એક હતો સુલતાન.

સંતાનમાં એને એક માત્ર દીકરી હતી.

દીકરી હતી રૂપાળી — નખશીખ રાજકુંવરી.

ઘણા યુવાનો એને પરણવા આતુર હતા. કોઈ રાજાના દીકરા, તો કોઈ શાહ સોદાગરના દીકરા; કોઈ અમીરના દીકરા, તો કોઈ શાસ્ત્રી પંડિતના દીકરા!

પણ રાજકુંવરી કોઈને પસંદ કરતી નહિ. એકને કહે: ‘તારું ખોબા જેવડું રાજ તે કંઈ રાજ કહેવાતું હશે?’ બીજાને કહે: ‘તું શાહ સોદાગર શાનો? શાહ સોદાગર તો સોનાની ઈંટોથી ઘર બાંધે, તેં બાંધ્યું છે?’ ત્રીજાને કહે: ‘અમીર અને ઉલ્લુ બેઉ સરખા!’ ચોથાને કહે: ‘પંડિતાઈ માછલા જેવી! ધનવાન એને શેકીને ખાઈ જાય.’

સુલતાનના વજીરનો દીકરો પણ રાજકુંવરીની હાથનો ઉમેદવાર હતો. પણ એનેય રાજકુંવરીએ સંભળાવી દીધું: ‘વજીર એટલે ખાંડ પર ચડેલી કીડી! એવા કીડીના દીકરાને હું પરણું?’

વજીરના દીકરાએ બાપને કહ્યું: ‘આણે તો તમારું પણ અપમાન કર્યું. તમે કાંઈ નહિ કરો?’

બાપે કહ્યું: ‘કરીશ. એવું કરીશ કે કુંવરી પગે પડતી તને પરણવા આવે.’

બીજે દિવસે વજીરે સુલતાનને કહ્યું: ‘સરકાર, રાજકુંવરીના હાથની માંગણી કરવા આવનારાની આપણે પરીક્ષા લેવી જોઈએ!’

રાજાએ કહ્યું: ‘એટલે શું કરવાનું તમે કહો છો?’

વજીરે કહ્યું: ‘આપણે રાજકુંવરીને એવી જગાએ છુપાવી દઈએ કે કોઈ એને શોધી જ ન શકે.’

રાજાએ કહ્યું: ‘એવી જગા કઈ છે?’

વજીરે કહ્યું: ‘મહેલમાં પાણીનો હોજ છે, તે હોજની નીચે ભોંયરું બનાવી તેના એક કમરામાં રાજકુંવરીને રાખીએ. પછી જે કોઈ રાજકુંવરીનું માગું કરવા આવે એને કહેવાનું કે ત્રણ દિવસમાં જો તું એને શોધી કાઢે તો તારી વાત મંજૂર, અને તું ન શોધી શકે તો—’

બોલતાં બોલતાં વજીર સુલતાનના મોં પર એની કેવી અસર થાય છે તે જોઈ રહ્યો.

સુલતાને કહ્યું: ‘તો—’

વજીરે કહ્યું: ‘તો બજાર વચ્ચે એને શૂળીએ ચડાવી દેવાનો. લોકો પણ જાણે કે સ્ત્રી કંઈ મફતમાં મળતી નથી, એને માટે જાનની કુરબાની કરવા સુધીની તૈયારી રાખવી પડે છે. શાસ્ત્રમાં ખોટું નથી કહ્યું કે સ્ત્રી તો મહા મોંઘું ધન છે.’

પોતાની દીકરી માટે સુલતાનને મનમાં ગર્વ તો હતો જ, હવે એ ગર્વ વધ્યો. એણે વજીરની વાતને એકદમ સ્વીકારી લીધી.

રાતોરાત કામ ચાલ્યું. હોજની નીચે થઈને એક લાંબું ભોંયરું બનાવવામાં આવ્યું અને એ ભોંયરાના છેવટના ઓરડામાં રાજકુંવરીને રાખવામાં આવી. એના એશ-આરામની અને ખાણીપીણીની બધી જ વ્યવસ્થા ત્યાં થઈ.

પછી થઈ જાહેરાત: ‘રાજકુંવરીને જે શોધી કાઢશે તેની સાથે એનાં લગ્ન થશે, પણ જો ત્રણ દિવસમાં એ નહિ શોધી શકે તો બજાર વચ્ચે એને શૂળીએ ચડાવવામાં આવશે.’

યુવાન રાજકુંવરોની સામે જાણે પડકાર ફેંકાયો. આથી રાજકુંવરોને શૂર ચડ્યું. દૂર દૂરના દેશોમાંથી પણ રાજકુંવરો આવવા માંડ્યા. ત્રણ દિવસ ને ત્રણ રાત બધા રાજકુંવરીને શોધે, પણ કોઈ શોધી શકે નહિ અને બજાર વચ્ચે શૂળીએ ચડી જાય.

વજીરની ગણતરી હતી કે આવું ચાલશે તો સુલતાન લોકોમાં અપ્રિય બની જશે અને રાજકુંવરી પર સૌને એવી નફરત થશે કે પછી કોઈ એને પરણવા તૈયાર થશે જ નહિ અને છેવટે મારા દીકરાનો ભાવ આવશે! તે વખતે એવું ગોઠવીશ કે રાજકુંવરીએ મારા દીકરાને જ પરણવું પડે! પછી મારો દીકરો સુલતાન અને હું સુલતાનનો બાપ!

કૂફાના અમીરને ત્રણ દીકરા હતા. એક દિવસ મોટા દીકરાએ બાપને કહ્યું: ‘હું રાજકુંવરીને વરવા જાઉં છું.’

બાપે કહ્યું: ‘ના, ના, ને ના!’

પણ મોટા દીકરાએ બાપનું માન્યું નહિ, એ ગયો, અને ત્રણ દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહિ, એટલે શૂળીએ ચડી ગયો.

આ સાંભળ્યું એટલે અમીરના વચલા દીકરાએ માને કહ્યું: ‘હું રાજકુંવરીને વરવા જાઉં છું.’

માએ એનો હાથ પકડીને એને રોક્યો, પણ એ રોકાયો નહિ. એ ગયો અને ત્રણ દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહિ એટલે શૂળીએ ચડી ગયો.

આ ખબર જાણ્યા એટલે સૌથી નાના દીકરાએ માબાપને કહ્યું: ‘હું રાજકુંવરીને વરવા જાઉં છું.’

મા-બાપની આંખમાં આંસુ આવી ગયાં. બેઉએ એને રોકતાં કહ્યું: ‘ના, તારે મરવા નથી જવાનું.’

કુંવરે જરી હસીને કહ્યું: ‘આપ બેઉની જરી સાંભળવામાં ભૂલ થઈ. હું મરવા નહિ, વરવા જાઉં છું.’

માબાપે દુ:ખી થઈ કહ્યું: ‘બધું એકનું એક છે.’

નાના કુંવરે કહ્યું: ‘બધું એકનું એક નથી — આપના આશીર્વાદ જોઈએ.’

માબાપે જોયું કે દીકરો માનવાનો નથી, એટલે એમણે એને આશીર્વાદ આપ્યા: ‘તારી ઇચ્છા પાર પડો.’

હવે રાજકુંવર રાજકુંવરીવાળા શહેરમાં આવ્યો. સીધો જ એ ગામના પ્રખ્યાત સોનીને ત્યાં ગયો. કહે: ‘સોની કાકા, તમારું નામ સાંભળીને આવ્યો છું. મને એક સોનાનો બકરો ઘડી દેશો?’

સોનીકાકાએ કહ્યું: ‘બકરો શું, હાથી ઘડી દઉં!’

‘તો આ એનો મસાલો!’ આમ કહી સોનામહોરોનો આખો કોથળો એણે સોની કાકાની સામે ધરી દીધો.

સોનીકાકાને પોતાની કળા દેખાડવાનું શૂર ચડ્યું. તેમણે કહ્યું: ‘અસલ જીવતા બકરા જેવો જ સોનાનો બકરો ઘડી દઉં!’

‘એક રાતમાં?’ કુંવરે પૂછ્યું.

‘હા, એક રાતમાં!’ સોનીકાકાએ કહ્યું.

આખી રાત માથે કરી સોનીકાકાએ સોનાનો બકરો બનાવી કાઢ્યો. કુંવરની સૂચના મુજબ બકરાનો અંદરનો ભાગ પોલો હતો અને બકરાની આંખોમાં એવી કારીગરી કરી હતી કે બકરાની અંદરથી એ આંખો દ્વારા બહાર શું ચાલે છે તે જોઈ શકાય, પણ બહારથી કોઈ બકરાની અંદર શું છે તે જોઈ શકે નહિ.

હવે કુંવરે સોનીકાકાને વિશ્વાસમાં લઈ કહ્યું: ‘કાકા, હવે હું આ બકરાની અંદર સંતાઈ જાઉં છું ને એનું બારણું બંધ કરી દઉ છું. તમે આ બકરો એના પૈડાં પર ખેંચતા ખેંચતા સુલતાનની કચેરીમાં લઈ જાઓ અને તમારા તરફથી બકરો રાજકુંવરીને ભેટ તરીકે અર્પણ કરો!’

સોનીકાકાએ મનમાં કહ્યું: આ ખરું બખડજંતર! સોનાવાળાનું સોનું, બકરાવાળાનો બકરો અને ભેટ મારા તરફથી!

તેણે ખુશી થઈ કહ્યું: ‘ભલે, ભલે!’

સોનીકાકા સોનાનો બકરો લઈને સુલતાનની કચેરીમાં ગયા. સુલતાન સોનાનો બકરો જોઈને કહે: ‘વાહ, રાજકુંવરી બકરો જોઈને ખુશ થશે.’

સુલતાને સોનીકાકાને ઇનામ આપ્યું. ઇનામ લઈને કાકા ઘેર ગયા.

પછી સુલતાને એની છૂપી ગોઠવણી મુજબ સોનાનો બકરો રાજકુંવરીના કમરામાં પહોંચતો કર્યો. બકરો જોઈને રાજકુંવરી ખુશખુશ થઈ ગઈ. એકલી રહી રહીને કંટાળી ગઈ હતી. હવે તેને એક અચ્છું રમકડું મળી ગયું. એણે બકરાને પોતાના કમરામાં સારી જગાએ ગોઠવ્યો.

રોજ રાજકુંવરી જાતે રાંધીને ખાતી. ખાવાપીવા સિવાય એને હવે કમરામાં બીજું કંઈ કામ નહોતું. રાંધવામાં એને આનંદ આવતો હતો, પણ રોજ એકલાં એકલાં ખાવા બેસવું પડતું એ એને ગમતું નહિ, પણ કરે શું? સુલતાનની બેટી થઈને સુલતાનના હુકમનો ભંગ એ કેવી રીતે કરી શકે?

રાતે વાળુ કર્યા પછી વધેલું ખાવાનું ઢાંકી રાજકુંવરી સૂઈ ગઈ. બકરાની અંદર છુપાયેલો રાજકુંવર બકરાની આંખમાંથી બધું જોઈ રહ્યો હતો. પોતાને કયે રસ્તે, ક્યાં થઈને કેવી રીતે અહીં લાવ્યા તે એણે બરાબર જોયું હતું આમ રાજકુંવરીના છુપાવાના સ્થળનો એને પત્તો મળી ગયો હતો. હવે આ કેદમાંથી બહાર કેવી રીતે જવું તેનો એ વિચાર કરતો હતો. કેટલાય કલાકથી બકરાના પેટમાં ઠંગૂરાઈને એ બેઠો હતો — ભૂખ પણ કકડીને લાગી હતી. એટલે રાજકુંવરી ભર ઊંઘમાં પડી કે બકરાના પેટની બારી ઉઘાડી એ ધીરેથી બહાર આવ્યો, ને રાજકુંવરીએ ઢાંકી રાખેલું ખાવાનું કાઢી એ ખાઈ ગયો અને પીણું હતું તે પી ગયો. પછી એ પાછો બકરાના પેટમાં સંતાઈ ગયો. બારી બંધ થઈ ગઈ.

સવારે ઊઠીને રાજકુંવરીએ જોયું તો રાતે ઢાંકી રાખેલું ખાવાનું ખલાસ! પીણાની સુરાહી પણ ખલાસ! એને નવાઈ લાગી. એને થયું કે ખરેખર મેં ખાવાપીવાનું ઢાંકેલું ખરું કે પછી મારા મનનો એ ભ્રમ છે?

આ બીજો આખો દિવસ એણે બકરાની સાથે રમવામાં, એટલે કે બકરાને કમરામાં અહીંતહી ફેરવવામાં કાઢ્યો. સાંજે એણે ફરી ફક્કડ રસોઈ કરી પેટ ભરીને ખાધું ને વધેલી રસોઈ સંભાળપૂર્વક ઢાંકીને મૂકી.

બીજે દિવસે એણે પથારીમાંથી ઊઠતાંવેંત પહેલી જ રસોડાની તપાસ કરી. જોયું તો ખાવાનું ખલાસ! પીવાનું પણ ખલાસ! રાજકુંવરી વિચારમાં પડી ગઈ. એને થયું કે નક્કી રાતે કોઈ આ કમરામાં આવે છે! એ જે હોય તે, આજે આખી રાત જ જાગતા રહીને પણ એને પકડવો.

સાંજે ખાઈ-પી વધેલી રસોઈ ઢાંકીને મૂકી રાજકુંવરી પથારીમાં પડી, પણ આજે એને ઊંઘ આવતી નથી. આંખો જરી જરી ઉઘાડી રાખી એ રસોડામાં રાખેલા ખાવાનું તરફ જોઈ રહી હતી. રાજકુંવરના મનથી કે રાજકુંવરી ઊંઘી ગઈ છે. એટલે એ હળવે પગલે બારણું ખોલી બહાર આવ્યો. એ રસોડા પાસે પહોંચ્યો ત્યારે જ રાજકુંવરીને એ દેખાયો.

રાજકુંવરી હિંમતથી પડકાર કર્યો: ‘એ…ઈ, કોણ છે તું?’

જવાબમાં રાજકુંવર ત્યાં જ ઊભો રહી ગયો. એણે દૂરથી રાજકુંવરીને સલામ ભરી કહ્યું: ‘આપનો સેવક!’

રાજકુંવરીએ કહ્યું: ‘સેવકનાં નામ-ઠામ?’

રાજકુંવરે નમ્ર ભાવે કહ્યું: ‘કૂફાના અમીરનો સૌથી નાનો કુંવર અહમદ!’

રાજકુંવરીએ કહ્યું: ‘અમીરપુત્રે અહીં ચોરી છૂપીથી આવવાનું કારણ?’

અહમદે કહ્યું: ‘એ જ એકમાત્ર રસ્તો ઉઘાડો છે. મારા બે મોટા ભાઈઓ આપને શોધવા આવ્યા, ને બજાર વચ્ચે શૂળીએ લટકી ગયા! મારે એમ મરવું નહોતું, પણ રાજકુંવરીને વરવું હતું. એટલે હું આ સોનાના બકરામાં સંતાઈને અહીં આવ્યો! હવે તમે શૂળીએ લટકાવો તો લટકી જવા તૈયાર છું.’

હવે રાજકુંવરી બધી વાત સમજી.

એણે હસીને કહ્યું: ‘ત્યારે તો આ સોનાનો બકરો નથી, કૂફાનો અમીરપુત્ર છે. સાફ શબ્દોમાં કહું તો ચોર છે. ચોરને શી સજા થાય છે એ જાણો છે, અમીરપુત્ર?’

અમીરપુત્રે કહ્યું: ‘રાજકુંવરીના ચોરને સુલતાન જમાઈ થવાની સજા કરે છે.’

આ સાંભળી રાજકુંવરી જોરથી હસી પડી. એને આ અમીરપુત્ર ગમી ગયો. એ જેવો વિવેકી છે, જેવો અક્કલવાળો છે, તેવો જ નિર્ભય છે.

હવે રાજકુંવરી પલંગમાંથી નીચે ઊતરી અમીરપુત્રની નજીક આવી, બોલી: ‘ચાલો, બેસી જાઓ જમવા, હું પીરસું. પણ મારી રસોઈ કેવી થાય છે એ તમારે સાચેસાચું કહેવું પડશે, હોં કે!’

અમીરપુત્રે હસીને કહ્યું: ‘હજી કહેવાનું બાકી છે? બે દિવસથી હું જમુંં છું, રસોઈનો એક કણ પણ થાળીમાં રહી ગયેલો જોયો છે?’

રાજકુંવરી કહ્યું: ‘આજે ન રહે તો સાચું!’

રાજકુંવરી પીરસતી ગઈ અને અમીરપુત્ર ઉત્સાહથી ખાતો ગયો. ખાતાં ખાતાં કહે: ‘હવે બસ, એટલું રાખો તમારે જોઈશે!’

રાજકુંવરીએ કહ્યું: ‘બે દિવસ દયા ન આવી ને આજે આવે છે? કૂફાનો રાજકુંવર ઢોંગી લાગે છે.’

રાજકુંવરે કહ્યું: ‘તમને જોઈ દયાળુ થઈ જવાય છે, શું કરું?’

રાજકુંવરીએ કહ્યું: ‘તો હું નિર્દય થઈ બધું તમારા પેટમાં ઠોંસ્યા વિના નહિ રહું.’

આવા હાસ્યવિનોદ વચ્ચે રાજકુંવરનું જમવાનું પૂરું થયું.

પછી રાજકુંવરીએ કહ્યું: ‘કાલે જ હું સોનાના બકરાને અહીંથી દેશનિકાલ કરી દઈશ પછી કૂફાનો રાજકુંવર રાજકુંવરીને ખોળવા આવે છે શૂળીએ ચડવાની બીકે ઘેર ભાગી જાય છે તે મારે જોવું છે.’

રાજકુંવરે કહ્યું: ‘એ જોવાનો તમને હક છે.’

બેઉ વચ્ચે ક્યાંય લગી આવી વાતો ચાલ્યા કરી. છેવટે રાજકુંવર સોનાના બકરામાં સંતાઈ ગયો અને રોજ સવારમાં જણસભાવ મૂકી જતી અને ખબર કાઢી જતી દાસી સવારે આવી ત્યારે રજકુંવરીએ એને કહ્યું: ‘જોને, ધકેલવા જતાં આ બકરાનો આગલો ડાબો પગ કાલે ભાંગી ગયો છે. જે કારીગર આ ભેટ આપી ગયો છે તેને ત્યાં જ એને પાછો મરામત માટે મોકલી આપવાનું મારા પિતાને કહેજે! કહેજે કે ચોવીસ કલાકમાં મારો બકરો સાજો થઈને પાછો મારે ત્યાં આવી જવો જોઈએ.’

રાજકુંવરીની યુક્તિ પાર પડી. સુલતાનના હુકમથી સોનાના બકરાને પાછો મરામત માટે સોનીકાકાને ત્યાં લઈ જવામાં આવ્યો. તેની સાથે અમીરપુત્ર પણ ત્યાં પહોંચી ગયો. બકરાના પેટમાંથી બહાર નીકળી એણે સોનીકાકાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી એ નવા પોશાકમાં સજ્જ થઈ સુલતાનના દરબારમાં જઈ ઊભો ને બોલ્યો: ‘સરકાર, હું રાજકુંવરીના હાથનો ઉમેદવાર છું.’

સુલતાને એનો સુકુમાર ચહેરો જોઈ કહ્યું: ‘કોણ છે તું? અને શા માટે અહીં મરવા આવ્યો છે?’

રાજકુંવરે કહ્યું: ‘મરવા નહિ, વરવા આવ્યો છું રાજકુંવરીને! હું કૂફાના અમીરનો સૌથી નાનો પુત્ર છું.’

સુલતાનને એની દયા આવી. એણે કહ્યું: ‘તારા બે મોટા ભાઈઓ શૂળીએ ચડી ગયા અને હવે તુંયે ચડી જશે. તારાં ઘરડાં માબાપનો કંઈ વિચાર કર્યો?’

 અમીરપુત્રે કહ્યું: ‘જગતમાં સાધારણ કન્યાનેય વરવાનું સહેલું નથી, તો આ તો મોટા રાજ્યની ગાદીવારસ રાજકુંવરી છે! એને માટે કોઈ પણ ભોગ ઓછો છે. પણ મને ઉમેદ છે કે ત્રણ દિવસમાં હું એને શોધી કાઢીશ.’

‘ઠીક, તો શોધી કાઢ!’ સુલતાને કહ્યું.

પહેલો દિવસ અમીરપુત્રે રાજમહેલમાં અને અહીંતહીં ખોટેખોટું જોવામાં કાઢ્યો. બીજો દિવસ પણ એણે એવી રીતે કાઢ્યો. વજીર મનમાં હસવા લાગ્યો કે હવે આ ભાઈસાહેબનું આવી બન્યું. નવ્વાણું મૂઆ છે, અને સોમાં એક ખૂટે છે તે કાલે પૂરો! સુલતાને મને કહ્યું જ છે કે સો જણ નિષ્ફળ ગયા પછી જુમાની નમાજ પછી મસ્જિદમાંથી બહાર પગ દેતાં મને જે પહેલો માણસ મળશે તેની જોડે હું મારી દીકરીને પરણાવી દઈશ. મેં એવું ચક્કર ગોઠવ્યું છે કે મારો દીકરો જ એને પહેલો મળે! પછી રાજકુંવરી પાસે સો વખત મારી કદમબોસી ન કરાવું તો મારું નામ વજીર નહિ!

બીજો દિવસ પૂરો થયો અને ત્રીજો દિવસ ઊગ્યો. હવે અમીરપુત્રે આવી સુલતાનને અદબપૂર્વક પૂછ્યું: ‘સરકાર, રાજમહેલના બગીચામાં જોવાની મને રજા છે?’

સુલતાને કહ્યું: ‘છે જ તો!’

અમીરપુત્ર હવે બગીચામાં દાખલ થયો અને એક એક ઝાડવું જોતો નહાવાના હોજ આગળ આવી ઊભો. વજીર એની પાછળ એનું પગલું દાબતો ફરતો હતો. એણે કહ્યું: ‘એ ઈ…એ સુલતાનનો હોજ છે.’

અમીરપુત્રે સુલતાનના નોકરોને કહ્યું: ‘સુલતાનના હુકમથી હું તમને કહું છું કે હોજ ખાલી કરો!’

હવે વજીરનું કંઈ ચાલ્યું નહિ. નોકરોએ નીકોના ડાટા ખોલી નાખી હોજ ખાલી કરવા માંડ્યો. હોજ ખાલી થયો એટલે નીચે મજબૂત બારણા જેવું દેખાયું. અમીરપુત્રે હુકમ કર્યો: ‘આ બારણું ખોલો!’

વજીર સમજી ગયો કે મારો દાવ નિષ્ફળ ગયો છે, એટલે એણે નવો દાવ ફેંક્યો. તરત જ એક દાસીની પાસેથી ચાવી ખૂંચવી લઈ એણે અમીરપુત્રને કહ્યું: ‘તું અહીં ઊભો રહે, હમણાં હું તને બોલાવું છું.’

આમ કહી તે સાત દાસીઓને લઈને ભોંયરામાં ઊતરી પડ્યો. રાજકુંવરીના કમરામાં જઈ એણે સાતે દાસીઓને તથા રાજકુંવરીને એક સરખો પોશાક પહેરાવી દીધો અને આઠેને એક હારમાં ઊભી કરી દીધી.

પછી એણે અમીરપુત્રને અંદર બોલાવ્યો ને કહ્યું: ‘આ આઠમાં રાજકુંવરી કઈ તે શોધી આપ!’

અમીરપુત્રે ગજવામાંથી બે મૂઠા ભરીને સોનામહોરો એ આઠેની સામે નાખી. સોનામહોરો જોઈને આઠમાંથી સાત જણીઓ એ લેવા વાંકી વળી, પણ એક જેમની તેમ ઊભી રહી.

અમીરપુત્રે તેનો હાથ પકડી કહ્યું: ‘આ રાજકુંવરી!’

રાજકુંવરીએ અમીરપુત્રને જોઈ સ્મિત કર્યું. એ સ્મિત જોઈ વજીર એવો બળી ગયો કે ત્યાંથી જીવ લઈને નાઠો. રાતોરાત એ ગામ છોડીને ભાગી ગયો, ફરી દેખાયો જ નહિ.

તે પછી અમીરપુત્ર અને રાજકુંવરીનાં ધામધૂમથી લગ્ન થયાં. ચાલીસ દિવસ સુધી એ જલસો ચાલ્યો. એ લગ્નમાં સુલતાન અને અમીરની સાથે સોનીકાકા પણ હાજર હતા. લગ્ન પછી કુંવર અને કુંવરી પિતા, સસરા અને સોનીકાકા એ ત્રણેને પગે લાગ્યાં, પણ તેઓ એ ત્રણમાંથી પહેલાં કોને પગે લાગ્યાં હશે કહો જોઈએ?

[તુર્કસ્તાની વાર્તાનેઆધારે]

License