એક હતું વન. વનમાં ઘણાં સસલાં રહેતાં હતાં.
એમનો આખો વખત બીવામાં ને બીવામાં જ જતો હતો. ખાતાં બીએ, પીતાં બીએ, સૂતાં બીએ, જાગતાં બીએ — એમ હરેક કામમાં એમણે બીતાં ફફડતાં રહેવું પડે. ચારે બાજુ એમને દુશ્મનો જ દુશ્મનો દેખાતા હતા.
આથી તેમનું જીવન બહુ અકારું બની ગયું હતું. તેમને જિંદગી પર કંટાળો આવી ગયો હતો.
એક દિવસ એક જુવાન સસલાએ બધાંને ભેગાં કરી કહ્યું: ‘છી! આ તે કંઈ જિંદગી છે! ઘડીએ ને પળે બીતાં બીતાં જીવવું એના કરતાં એકદમ મરી જવું સારું! બસ, મેં તો નિર્ણય કરી નાખ્યો છે કે હવે મરી જવું!’
બીજા સસલાએ આ વાતને ટેકો આપ્યો ને કહ્યું: ‘સસલાંને માટે જીવવું એ અપમાન છે, મરવું એ ગૌરવ છે. એટલે મેં પણ નિર્ણય કર્યો છે કે માનપૂર્વક ગૌરવપૂર્વક મરી જવું! — બસ, મરી જવું! લાંબો ટૂંકો બીજો જ વિચાર કરવો નહિ!’
ત્રીજા સસલાએ કહ્યું: ‘બિલકુલ સહી વાત કરી તેં! હું જોઉં છું કે જીવવામાં આપણી જરીકે સલામતી નથી, મરી જવામાં જ આપણી પૂરી સલામતી છે! અંગૂઠો દેખાડી દુશ્મનોને કહી દેવાનું કે આવજો, બેટમજી, હવે અમને બિવડાવવા!’
આ સાંભળી આખી સભામાં એકદમ ઉત્સાહ આવી ગયો. બધા કાન ફફડાવી, આંખો મટમટાવી પોકાર કરવા લાગ્યાં. ‘હવે આવજો, બેટમજી, અમને બિવડાવવા!’
તે જ ઘડીએ બધાંએ નક્કી કરી નાખ્યું કે પેલા ખડક પર ચડીને, બધાંએ એકસાથે નીચે સરોવરમાં પડતું મૂકવું, ને એકદમ ડૂબીને મરી જવું!
મરવાનો આવો ઉત્સાહ કદી કોઈએ જોયો નહિ હોય.
સસલાંનો આખો સમાજ ધામધૂમપૂર્વક મરવા માટે ચાલ્યો. સૌના મોંમાં બસ એક જ વાત — ’બી બીને જીવવું એ અપમાન છે, મરવું એ ગૌરવ છે! હવે એવું બી બીને જીવવું નથી, એકદમ મરી જવું છે.’
સસલાંનું ટોળું ખડક નજીક પહોચ્યું ત્યારે તેમના પગનો અને મોંનો અવાજ સાંભળી સરોવરના કિનારા પરનાં દેડકાં ભડક્યાં અને જીવ બચાવવા કૂદાકૂદ કરી સરોવરના ઊંડા પાણીમાં જઈ પડ્યાં!
દેડકાંને બીને ભાગી જતાં જોઈ એક વૃદ્ધ સસલો વિચારમાં પડી ગયો. તેણે તરત જ બધાં સસલાંને ત્યાં ને ત્યાં જ ઊભાં રાખી કહ્યું: ‘આ દેડકાં આપણાથી બીને ભાગી ગયાં તે જોયું?’
સૌએ કહ્યું; ‘હા, જોયું!’
વૃદ્ધ સસલાએ કહ્યું: ‘જોયું દુનિયામાં આપણે એકલાં જ નથી બીતાં, બીજાંયે બીએ છે; તો આપણે એમને જરી પૂછીએ કે તમે કેમ બી બીને જીવો છો? મરી કેમ નથી જતાં?’
એક જુવાન સસલાએ કહ્યું: ‘મરે કેવી રીતે? એમનામાં એટલી અક્કલ જોઈએ ને?’
વૃદ્ધ સસલાએ કહ્યું: ‘એમને પૂછીને આપણે ખાતરી તો કરીએ કે જીવવામાં અક્કલની જરૂર છે કે મરવામાં?’
પછી એ વૃદ્ધ સસલાએ આગળ આવી સરોવરમાં પડેલા એક મોટા દેડકાને પૂછ્યું: ‘હે મેડકરાજ, મારા એક સવાલનો જવાબ આપશો?’
મેડકરાજે પાણીમાંથી મોં બહાર કાઢીને કહ્યું: ‘બોલો, શો સવાલ છે?’
વૃદ્ધ સસલાએ કહ્યું: ‘તમે બધાં આખો આખો દિવસ બી બીને જીવો છો તે મરી કેમ નથી જતાં? તમને આવી બીકણ જિંદગીની શરમ નથી આવતી?’
મેડકરાજે કહ્યું: ‘અમે બી બીને જીવીએ છીએ એ વાત ખરી પણ એવી રીતે વિપત્તિઓથી ઘેરાયેલા રહીને જીવવામાં જ બહાદુરી છે, મજા પણ એ રીતે જીવવામાં જ છે. બીકથી બીને મરી જઈએ, તો માત્ર મરી જવાય — પછી શું? પછી કાંઈ નહિ! મરી ગયા એટલે ગયા! પતી ગયું! પણ જીવવામાં તો કેટકેટલું જોવા જાણવાનું ને માણવાનું મળે છે! જીવવાની મજા કંઈ ઓર છે, રમીએ, કૂદીએ, લડીએ, રડીએ, — એ બધું જીવતાં હશું તો થશે, મૂઆ પછી એવું કશું નહિ જોવા મળે! છી! મૂઉં એ મોત! જેનામાં અક્કલ ન હોય એ મરે! અમે તો બસ, જીવવાનાં, જિંદગીની છેલ્લી પળ લગી આનંદથી જીવવાનાં! અમે જીવવામાં માનીએ છીએ, મરવામાં નથી માનતાં! મરે જેને જીવતાં ન આવડતું હોય તે, અમને તો ખાસ્સું જીવતાં આવડે છે!’
આ છેલ્લા શબ્દો મેડકરાજે ખૂબ જુસ્સાથી કહ્યા.
હવે વૃદ્ધ સસલાએ બીજાં સસલાંની સામે જોઈ કહ્યું: ‘હેં! શું આપણને જીવતાં નથી આવડતું? આપણે શું આ દેડકાથી કમ છીએ?’
જુવાન સસલાંએ કહ્યું: ‘આપણે કોઈ હિસાબે કોઈનાયથી કમ નથી.’
વૃદ્ધ સસલાએ કહ્યું: ‘મને લાગે છે કે બીવું એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે, માટે આપણે એવું બીવાથી બીવું નહિ, હજાર વાતોથી બીવું, પણ જીવવાથી કદી બીવું નહિ! જીવવાની મજા માત્ર જીવવામાં છે, મરવામાં નથી. માટે મરવાની વાતો છોડો ને હવે બધાં ઘેર પાછાં વળો!’
સસલાં આવ્યાં હતાં તેના કરતાં બમણા ઉત્સાહથી કૂદતાં ઠેકતાં દોડતાં ઘેર જવા પાછાં ફર્યાં.
[નવાબસાહેબનાં ચા-પાણી]