૨૬. ડરાઉંખાં દેડકો

ગામ છેવાડે એક ખાબોચિયું હતું.

એ ખાબોચિયામાં ડરાઉંખાં નામે એક દેડકો રહેતો હતો.

એ આખો દિવસ કૂદાકૂદ કરતો અને જ્યારે ત્યારે ડરાઉં ડરાઉં કરતો.

એ જોઈ એક તીતીઘોડાએ કહ્યું: ‘અલ્યા, તું આટલું બધું કૂદે છે કેમ? અને આખો વખત ડરાઉં ડરાઉં કેમ કરે છે?’

દેડકાએ એની સામે ગોળ ગોળ આંખો ફેરવી કહ્યું: ‘કોણ છે તું? વિનયવિવેકમાં કંઈ સમજે છે કે નહિ? મોટાની સાથે કેમ વાત કરવી એ તું શીખ્યો જ નથી શું?’

‘કોણ મોટો?’ તીતીઘોડાએ કહ્યું.

‘કોણ તે આ ડરાઉંખાં! પહેલાં સલામ કર અને પછી મારી સાથે વાત કર!’ દેડકાએ કહ્યું.

તીતીઘોડો દેડકાના રુઆબથી પ્રભાવિત થઈ ગયો. તેણે કહ્યું: ‘સલામ સાહેબ! ડરાઉંખાં સાહેબને સલામ!’

દેડકાએ કહ્યું: ‘સુલતાન સલામત ડરાઉંખાં સાહેબ એમ કહે!’

તીતીઘોડાએ કહ્યું: ‘સલામ સુલતાન સલામત ડરાઉંખાં સાહેબને સલામ!’

દેડકાએ કહ્યું: ‘હું તારી સલામ મંજૂર કરું છું. હવે તારે જે અરજ કરવી હોય તે કર.’

તીતીઘોડાએ ચીપી ચીપીને કહ્યું: ‘સુલતાન સલામત ડરાઉંખાં સાહેબ, મારી એક અરજ છે. આ સેવક પર કૃપા કરીને કહો કે આપ આટલું કૂદો છો કેમ? શું કોઈ યુદ્ધની તૈયારી કરો છો?’

દેડકાએ ગળું ફુલાવી કહ્યું: ‘એવું જ છે. મને આ ખાબોચિયાની સલ્તનત બહુ નાની પડે છે. મારે સુલતાન મટી બાદશાહ થવું છે. મારે દિગ્વિજય કરવો છે. આ પૃથ્વીનું રાજ્ય મેં જીત્યું, હવે આકાશનું રાજ્ય જીતવું છે. આકાશનું છત્તર ફાડી મારે પેલી મેરનો મુલક જીતવો છે ને ત્યાં બાદશાહી કરવી છે.’

‘ઓહોહો!’ તીતીઘોડો પ્રભાવિત થઈ બોલ્યો.

દેડકાએ કહ્યું: ‘અલ્યા, તને કંઈ ગીતબીત આવડે ખરું?’

તીતીઘોડાએ કહ્યું: ‘કવિકુળમાં મારો જન્મ થયો છે, પછી કેમ ન આવડે? કહો તો તમારા પરાક્રમનું ગીત અબઘડી રચી કાઢીને ગાઉં.’

‘ગા!’ દેડકાએ કહ્યું: ‘હું પ્રસન્ન થઈશ તો તને મારો વજીર બનાવીશ. રાત-દિવસ મારા ગુણ ગાયા કરે એવો વજીર મારે જોઈએ છે.’

હવે તીતીઘોડાએ ગીત બનાવીને ગાયું:

રાજા એક ડરાઉંખાં, જે દે મૂછ પર તાવ,
બીજાં બધાં રાજોલિયાં, કોઈનો કશો ન ભાવ!

દેડકાએ ખુશ થઈ મૂછે તાવ દઈ કહ્યું: ‘વાહ વાહ! આનું નામ કવિ!’

તીતીઘોડો આગળ ચાલ્યો.

ફાડી છપ્પર આભનું, ડરાઉંખાં કરશે રાજ,
એના કદમે ઝૂકશે સુલતાનોના તાજ!
આભે સૂરજ એક, તેમ ડરાઉંખાં, તું એક,
તારા પગમાં લેટશે પૃથ્વીપતિ અનેક!

ધન ધન વીર ડરાઉંખાં, ધન ધન તારું કામ,
જે સ્થળ ને આકાશમાં ગવાય તારું નામ!

દેડકો ખુશખુશ થઈ ગયો, તે બોલ્યો: ‘મારા આકાશના રાજ્યનો હું તને વજીર બનાવું છું, ખુશ થા!’

તીતીઘોડાએ કહ્યું: ‘ખુશ છું, હવે આપ એક કૂદકે આકાશનું છપ્પર ફાડી ત્યાંનું રાજ્ય કબજે કરો એની જ રાહ જોઉં છું.’

‘ગભરા મા, હું હમણાં જ આકાશ પર ચડાઈ કરું છું.’

આમ કહી એણે કૂદવાની તૈયારી કરી.

નજીકમાં એક ઝાડ હતું. એ ઝાડની એક ડાળે વીંટળાઈને ગોખરો સાપ આ બધું જોતો સાંભળતો હતો. દેડકાએ આકાશનું રાજ્ય જીતવા કૂદકો માર્યો કે તરત મોં ફાડી તેણે દેડકાને સીધો જ પોતાના મોંમાં ઝીલી લીધો. ઘડીકમાં દેડકો સાપના પેટમાં અદૃશ્ય થઈ ગયો.

દેડકો કૂદ્યો એ તીતીઘોડાએ જોયું, પણ પછી તેનું શું થયું તેની તેને ખબર પડી નહિ. પણ દેડકો ફરી ધરતી પર દેખાયો નહિ ત્યારે તેણે દેડકાને સંબોધીને કહ્યું: ‘સાહેબ, તમે તો આકાશનું છપ્પર ફાડી ત્યાંના બાદશાહ બની ત્યાં જ રહી ગયા, પણ મારું શું? હું હવે વજીર કેવી રીતે થવાનો?’

એ હતાશ થઈ ગયો.

[લાડુની જાત્રા]

License