એક હતો વાણિયો ને એક હતી વાણિયણ. વાણિયો રાત-દિવસ માથે કરી કામ કરે અને પાઈ પાઈ કરી પૈસા ભેગા કરે. ધરાઈને ખાય પણ નહિ. આથી શરીરે એ ખૂબ દૂબળો હતો.
વાણિયણનું આથી ઊલટું હતું. એનું શરીર એવું હતું કે એના સામા પલડામાં ચાર વાણિયા બેસાડીએ તોયે વાણિયણનું પલ્લું નીચું રહે. એને રોજ ચાર વાર ખાવા જોઈએ. વાણિયો એવું સમજે કે આજે ભેગું કરો, ઘડપણમાં નિરાંતે ખાશું! વાણિયણ એવું સમજે કે કાલ કડવી ને આજ મીઠી! કાલ ભૂંડી ને આજ રૂડી!
લૂખુંસુકું જે મળ્યું તે ખાઈને વાણિયો દુકાને જાય તે રાત પડ્યે ઘેર આવે. વાણિયણ આખો દિવસ ઘરમાં રહે ને મનભાવતું રાંધીને ખાય! ખાઈને ઘડી આરામ કરે, આરામ કરીને ઊઠે એટલે વળી બીજું મનભાવતું રાંધીને ખાય! કોઈ કોઈ વાર પડોશીઓ વાણિયાને કહેતા કે તમે તો કંઈ ખાતા નથી, પણ તમારી વાણિયણ રોજ લાડુ-લાપશી ખાય છે! પણ વાણિયો આ વાત કાને ધરે નહિ. પરંતુ આવું ઘણી વાર સાંભળ્યું ત્યારે એક દિવસ વાણિયાને થયું કે આજે હું મારી આંખે જોઉં. તેણે સ્ત્રીને કહ્યું: ‘આજે હું બહારગામ ઉઘરાણીએ જાઉં છું. બે દિવસે આવીશ.’ આમ કહી એ ઘરમાંથી નીકળી ગયો. પણ એ ક્યાંય ગયો નહિ. વાણિયણની નજર ચૂકવી એ પાછો ઘરમાં આવી ગયો ને રસોડામાં માળિયું હતું તેમાં સંતાઈ શું થાય છે તે જોવા લાગ્યો.
વાણિયણ રસોડામાં આવી ચૂલા સામે બેઠી. કહે: ‘ચૂલા રે ચૂલા! શું ખાઉં?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી: ‘ખા ને તારું મન કહે તે!’
વાણિયણ કહે: ‘મન, મન, શું ખાઉં?’
મનની વતી પછી પોતે જ બોલી: ‘ખા ને પેલી શેરડી! મલકા કાકાના ખેતરમાંથી તાજા બે સાંઠા આવ્યા છે તે શું કરવાના છે?’
વાણિયણે શેરડી છોલી તેનાં પતીકાંના ચાવીને કૂચા કરી નાખ્યા.
શેરડી ખવાઈ રહ્યા પછી વાણિયણ કહે:
‘ચૂલા રે ચૂલા! શું ખાઉં? ભૂખે મારો જીવ જાય છે!’
ચૂલાની વતી પછી પોતે જ બોલી: ‘ખા ને તારું મન કહે તે!’
વાણિયણ કહે: ‘મન, મન, શું ખાઉં?’
મનની વતી પછી પોતે જ બોલી: ‘ખા ને ઘીના લચપચતા લાડવા! વાણિયાને આવું કશું ભાવતું નથ, પણ તું શું કરવા ભૂખે મરે છે?’
વાણિયણે ઝટપટ ઘી-ગોળ વગેરે કાઢીને બે મોટા લાડવા બનાવી કાઢ્યા, અને ઘડીકમાં બંને લાડુ એ ઝાપટી ગઈ. માળિયામાંથી વાણિયો આ જોઈ હબકી ગયો. મનમાં કહે: ‘હું તો આ લાડુનું ચોથિયું યે ખાઈ ન શકું!’
લાડુ ખાધા પછી વાણિયણ કહે: ‘મારી જરી ભૂલ થઈ! બેને બદલે મારે ચાર બનાવવા જોઈતા હતા!’
ખાધા પછી વાણિયણે થોડી વાર હિંડોળા ખાટ પર આરામ કર્યો. આરામ પૂરો થયો કે એ ઊભી થઈ પાછી રસોડામાં આવી કહે: ‘આ ભૂખ મૂઈ પાછી આવી! ભલેને આવી! એ છે તો હું જીવું છું, નહિ તો ક્યારની મરી ગઈ હોત! વાણિયો તો કદી ચોપડામાંથી ઊંચો આવતો નથી. નથી ખાવામાં સમજતો, નથી ખવડાવવામાં સમજતો — વૈતરું કરી મરે છે! તે છોને કરતો વૈતરું!’ પછી કહે: ‘ચૂલા રે ચૂલા, હું શું ખાઉં?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી: ‘ખા ને તારું મન કહે તે!’
વાણિયણ કહે: ‘મન, મન, શું ખાઉં?’
મન વતી પોતે જ બોલી: ‘ખા ને ખીચડી! પાશેરમાં દોઢ પાશેર ઘી! વાણિયાને આવું કશું ભાવતું નથી, પણ તું તો ખા!’
વાણિયણે ઘીમાં લસબસતી ખીચડી મોટા મોટા કોળિયા કરીને ખાધી — થાળી પણ ચાટીને સાફ કરી નાખી.
માળિયામાં ભરાયેલો વાણિયો કહે: ‘બાપ રે, બે દિવસનો ભૂખ્યો હોઉં તો યે મારાથી આટલી થાળી ચટાય નહિ!’
હવે વાણિયણ હાશ કરી હિંડોળા ખાટ પર જઈને પોઢી. જરા લેટી ન લેટી ત્યાં આળસ મરડી બગાસું ખાઈ બેઠી થઈ ગઈ ને રસોડામાં આવી ઊભી. કહે: ‘મૂઈ આ ભૂખ પાછી આવી! આવી તો ભલે આવી, મારી મા! તું છે, તો મને જીવવું ગમે છે. બાકી વાણિયાને તો એ ભલો ને એનો ચોપડો ભલો! ચોપડો જરી આઘો મેલી એ શીરોવસાણું ખાય તો કેવું! પણ ના, એને એવું નથી ભાવતું. શું થાય!’
પછી કહે: ‘ચૂલા રે ચૂલા, હું શું ખાઉં?’
ચૂલાની વતી પછી પોતે જ બોલી: ‘ખાને તારું મન કહે તે!’
વાણિયણ કહે: ‘મન, મન, શું ખાઉં?’
મન વતી પછી પોતે જ બોલી: ‘ખા ન બાપ, મોવડાંના ફૂલ જેવી ફક્કડ ધાણી!’
વાણિયણે તરત જ મકાઈની ધાણી શેકી કાઢી મસાલેદાર કરી ખાવ માંડી. ખાતાં ખાતાં કહે: ‘ધાણી કંઈ ચીજ છે.’ વાણિયાને તો આ નથી ભાવતું! એનું તે કંઈ જીવતર છે! એ તો હું ડાહી તે લક્ષ્મીનો ઉપયોગ કરી એને રાજી રાખું છું, નહિ તો મા લક્ષ્મી ક્યારનીયે ઘરમાંથી પગ કરી ગઈ હોત! હું જાણું તો, મા લક્ષ્મીને બંધાઈ રહેવું ગમતું નથી!’
માળિયામાં ભરાયેલા વાણિયાએ આ શબ્દો બરાબર સાંભળ્યા. ધાણી ખાધા પછી વાણિયણ પાછી હિંડોળા ખાટ પર જઈને પોઢી. દરમિયાન વાણિયો માળિયા પરથી ઊતરી ઘરમાંથી બહાર નીકળી ગયો ને થોડી વાર પછી એણ બારણું ખખડાવ્યું. કોઈ આવ્યું છે સમજી વાણિયણે બારણું ઉઘાડ્યું, તો સામે વાણિયો! એ બોલી પડી: ‘અરે, તમે? તમે તો બે દિવસ માટે ઉઘરાણીએ ગયા હતા ને?’
વાણિયાએ કહ્યું: ‘ગયો હતો, પણ રસ્તામાં અપશુકન થયા — બે સાપ આડા ઊતર્યા એટલે પાછો આવ્યો!’
વાણિયણે કહ્યું: ‘હેં! એકસાથે બે સાપ?’
‘હા, મલકા કાકાની વાડીની શેરડીના સાંઠા જેવા લાંબા ને તગડા! એની આંખો જોઈ હોય તો જાણે મોટા મોટા બે લાડવા! અને સરરર કરતા એવા ચાલે એવા ચાલે જાણે ખીચડીમાં ઘીનો રેલો!’
હવે વાણિયણ સમજી ગઈ કે વાણિયો વાત જાણી ગયો છે. એટલે એણે પૂછ્યું: ‘તમે આ વાત કેમ કરી જાણી?’
વાણિયણએ કહ્યું: ‘તેં ફોડી ધાણી, ને મેં વાત જાણી!’
વાણિયણ ખડખડાટ હસી પડી. કહે: ‘ત્યારે તો આ વખતે તમારી ઘરાકી ફળી!’
પછી કહે: ‘તમે ભૂખ્યા હશો. પહેલાં જમી લો, પછી બીજી વાત!’
ઝટઝટ એણે શીરો શેકી નાખ્યો, વાણિયાને જમવા બેસાડી દીધો ને આગ્રહ કરી કરીને એને જમાડ્યો. આજે વાણિયો ખૂબ સંતોષી જમ્યો.
હવે વાણિયણે કહ્યું: ‘આટલું જોયા જાણ્યા પછી તમને મારા પર ગુસ્સો નથી આવતો? સાચું કહેજો હોં!’
વાણિયાએ કહ્યું: ‘સાચું કહું છું, તેં આજે મારી આંખો ઉઘાડી છે. કમાવું શા માટે અને જીવવું શા માટે તે આજે તેં મને શીખવ્યું છે.’
[લાડુની જાત્રા]